સીમા પ્રખ્યાત ન્યૂઝ ચેનલની રિપોર્ટર હતી. એ દેખાવડી તો હતી જ, સાથેસાથે એની વાકપટુતા અને ચતુરાઇથી ભલભલાના ઇન્ટરવ્યૂ લેતી વખતે તેમને ક્યાંક ને ક્યાંક કોઇક સવાલમાં ભરાવી દેતી. આજે ટીવી એવોર્ડ્સ એનાયત થવાના હતાં અને આ પ્રોગ્રામમાં સીમાનું નામ પણ હતું. થોડા દિવસ પહેલાં શહેરના સંવેદનશીલ વિસ્તારમાં થયેલા કોમી છમકલાં વખતે એણે સ્થળ પર જઇને સૌને સમજાવ્યાં હતાં. એટલું જ નહીં, ત્યાં રહેતી બંને કોમના લોકોના અગ્રણીઓને મળી શાંતિ જાળવવાની અપીલ કરવાની વિનંતી પણ કરી હતી.
સીમાએ કરેલા આ અનોખા પ્રયાસ બદલ આજે એને સ્પેશિયલ કેટેગરીનો એવોર્ડ મળવાનો હતો. ત્યારે સીમાનું મન તો ભૂતકાળમાં ભટકી રહ્યું હતું. એ જ્યારે કોલેજમાં આવી, ત્યારે પણ સાવ અંતર્મુખી અને શરમાળ હતી. કોઇની સાથે ખાસ હસવા-બોલવાનું સીમાને ફાવતું નહીં. એ વખતે એના કલાસમાં ભણતા રીતિકે કોલેજ મેગેઝિનનું સંપાદન કામ સીમાને સોંપ્યું. સીમાને શરૂઆતમાં તો થયું કે પોતે કેવી રીતે આ કામ કરશે? ત્યારે રીતિકે એને કહ્યું હતું, ‘સીમા, આ રીતે તું તારી દુનિયાને તારા પૂરતી જ મર્યાદિત રાખીશ તો જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકે. તું નથી ઇચ્છતી કે તારા માતાપિતાને તેં કરેલા કોઇ કામથી ગર્વ થાય? કે લોકો તારા માતાપિતાને કહે કે તમારી દીકરી તો ભાઇ ગજબની હોશિયાર છે. એ સાંભળીને તારા માતાપિતાને ગર્વ થાય.’
સીમાને થયું કે રીતિકની વાત તો સાચી છે. એણે એ જ દિવસથી નક્કી કર્યું કે પોતે પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવશે અને એક દિવસ પોતાના માતાપિતાને ગર્વ અપાવશે. બસ! સીમાએ પોતાનામાં એટલું પરિવર્તન લાવી દીધું કે વાત જ ન પૂછો. એક વાર છાપાંમાં જાહેરાત વાંચી એણે એક ચેનલમાં રિપોર્ટર તરીકે એપિ્લકેશન મોકલાવી.
એ દેખાવડી તો હતી જ, અત્યાર સુધીમાં એની વાકચતુરાઇ ખીલી ઊઠી હતી. એ ઇન્ટરવ્યૂમાં સિલેકટ થઇ ગઇ અને બે જ વર્ષમાં તો એ લાઇવ રિપોટિઁગ માટે પ્રખ્યાત થઇ ગઇ. આજે એવા જ એક લાઇવ રીપોટિઁગ માટે એને એવોર્ડ મળવાનો હતો. એ વિચારતી હતી કે જો એ દિવસે કોલેજમાં પોતાને રીતિકે સાચી સમજણ આપી ન હોત, તો પોતે આજેય એવી જ અંતર્મુખી અને શરમાળ રહી હોત. ક્યારેય લોકોને શાંત રહેવાની વાત કરવાની તો ઠીક, બહાર નીકળવાની પણ હિંમત ન કરી શકી હોત.
એણે તપાસ કરી, રીતિક એને ક્યાંય મળે તો? પણ કોલેજ બાદ કોણ જાણે એ ક્યાં ચાલ્યો ગયો હતો. આજે એને રીતિક સૌથી વધારે યાદ આવતો હતો. આખરે એણે જ તો પ્રેરણા પૂરી પાડી હતી સીમાને.
નોંધ : તમારા જીવનમાં આવું ક્યારેય બન્યું છે જેના લીધે તમારા જીવનમાં કંઇક પરિવર્તન આવ્યું હોય? એક નવી શરૂઆત થઇ છે? તો તે અંગે અમને તમારા ફોટા સાથે લખી મોકલાવો.