‘પણ એક વખત ડોક્ટરને મળવામાં તમને વાંધો શું છે?’ ગોરસી કાકલૂદીના સ્વરે બોલી. ‘શટ અપ ગોરસી, તને કહ્યું ને એક વખત, હું કંઇ ગાંડો નથી કે મારે ટ્રિટમેન્ટની જરૂર પડે? પ્લીઝ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ. મને ખબર છે, મારે શું કરવું જોઇએ અને શું નહીં. તારે તારો ઇલાજ કરાવવો હોય તો કરાવ. હું કોઇ ડોક્ટર પાસે નથી જવાનો, ધેટ્સ ઇટ.’ ખૂબ ઊંચા અવાજમાં અર્જુન ધુંઆપુંઆ થતાં બરાડ્યો.’
ગોરસી એપોઇન્ટમેન્ટ લઇને જ્યારે ક્લિનિકમાં મળી ત્યારે આ આખોય સંવાદ મને કહ્યો. મેં કહ્યું ‘આ એક કોમન પ્રોબ્લેમ છે. આજકાલ કહેવાતા સભ્ય અને ભણેલા ગણેલા સમાજમાં આવો ‘સામાજિક સંકોચ’ બહુ જોવા મળે છે. આપણે વિદેશની ફેશનને બીજા જ કલાકે સ્વીકારી લઇએ છીએ. પણ ત્યાંની સારી બાબતોને ખોખલા ભારતીયપણાના માસ્ક નીચે વખોડીએ છીએ. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કે કેટલાકને પોતાનો જ અહંકાર પોતાને મદદ કરતા રોકે છે.’
અરે, એક જાણીતી હસ્તીની શરત એવી હતી કે ‘સાહેબ, તમારા ક્લિનિકમાં બીજું કોઇ ન હોય ત્યારે જ મને એપોઇન્ટમેન્ટ જોઇએ. ફીની ચિંતા ન કરતા.’ મેં કહ્યું ‘ભાઇ, ફી નો સવાલ નથી. એવો સમય મારે ક્યાંથી કાઢવો?’ આજે પણ આપણા કહેવાતા આઇપેડના જમાનામાં વ્યક્તિ પોતાની માનસિક સમસ્યાઓ માટે નિષ્ણાત પાસે જવામાં નાનમ અનુભવે છે. તમે માનશો! એક્ટરોથી માંડીને ઉદ્યોગપતિઓ સુધીના દરેકને પોતાના ‘પર્સનલ સાયકોલોજિસ્ટ’ હોય છે. સાયકોલોજિસ્ટની ભૂમિકા આપણ ફેમિલી ફિઝિશિયન જેવી હોય છે. કલાયન્ટની દરેક વાતને તદ્દન ખાનગી રાખવી એ મનોચિકિત્સાનો મૂળભૂત સિદ્ધાંત છે. જૂની જડ માન્યતા ધરાવતા સંકુચિત લોકો જાહેરમાં મળે ત્યારે પણ એવું જ માને છે કે સાયકોલોજિસ્ટને તો દૂરથી જ સલામ કરવી સારી. રખે કોઇ આડુંઅવળું સમજે તો?!
મિત્રો, હવે જમાનો ઝડપથી બદલાઇ ગયો છે. સામાજિક સંકોચ નામશેષ થઇ રહ્યો છે. સાયકોલોજિસ્ટનું મુખ્ય કાર્ય માનસિક રોગ તેની તીવ્ર કક્ષાએ પહોંચે તે પહેલાં તેનું મેનેજમેન્ટ કરવાનો છે. આજકાલ બિહેવિયરલ સાયન્સ પ્રિવેન્શન અને ટ્રિટમેન્ટ બંને ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. જો રોગને ઉગતો જ ડામી દેવામાં આવે તો દર્દીને (સોરી વ્યક્તિને) ઘણો ફાયદો થાય છે.
આ આખીય વાત મિ. અર્જુન મહેતા ફોન પર સમજયા અને પોતાની સમસ્યા વિશે ખુલીને વાત કરવા માટે પતિ-પત્ની બંને મળવા તૈયાર છે. મતલબ એમની સમસ્યાના સમાધાનના શ્રીગણેશ થઇ ગયા કહેવાય.‘
વિનિંગ સ્ટ્રોક: કેટલીક વાર ‘વર્તનરૂપી લોન’માં વિકૃત ‘વિચારરૂપી નીંદણ’ ઊગી જાય તો પણ આપણને દૂરથી તો હરિયાળી જ લાગે છે. રોજબરોજના માનસિક સ્વાસ્થ્ય માટે એ બિનજરૂરી વિચાર કે લાગણી રૂપી નીંદણને દૂર કરવી અનિવાર્ય છે.