શ્રીકૃષ્ણની લીલાઓ રસપૂર્વક સાંભળીએ છીએ, પરંતુ એમનો બોધ જીવનમાં ઉતારવાનો આવે ત્યારે?
આલેખ વંચાતો હશે ત્યારે કૃષ્ણાષ્ટમી ઉર્ફે ગોકુળ આઠમની ઉજવણીમાં સૌ સામેલ હોઇશું. કૃષ્ણાષ્ટમીની ઉજવણીનું ભવ્ય સ્વરૂપ જોવું હોય તો આ દિવસોમાં રાજકોટ જવું. જાણે આખુંય રાજકોટ તેમાં સામેલ થયું હોય તેવું લાગશે.આજે કૃષ્ણની વાત કરવી છે પણ જરા દુ:ખ, વેદના અને વલોપાત સાથે. આપણે સૌએ કૃષ્ણને ભરપુર અન્યાય કર્યો હોય તેમ લાગે છે. ૫૦૦૦ વર્ષ જૂનો આ યુગપુરુષ હજુય આપણા મનનાં હીંચકે ઝુલે છે, પણ કોણ જાણે કેમ આપણે તેને અનુસરવાનું તો નામ જ નથી લેતા. આ આપણી ભાગેડુ વૃત્તિ છે.
કૃષ્ણના નામે કથા કરવી તેનાં ર્દષ્ટાંતો આંખમાં આંસુ સાથે કહેવા-વર્ણવવા અને સાંભળવા પણ, અને પછી તે બધું ખંખેરીને ઊભા થઇ જવું. આચરણમાં શૂન્ય. આ વાત કૃષ્ણને પણ લાગુ પડે અને ગાંધીને પણ લાગુ પડે અને તેમ છતાંય કૃષ્ણાષ્ટમી ઉજવવાનો આપણો હરખ સમાતો નથી. આ આપણા સક્રિય દંભીપણાની જીવંત નિશાની છે. આ વાત કડવી લાગશે. ભલે લાગે. પણ કૃષ્ણાષ્ટમી નિમિત્તે મનમાં જે ઘમ્મર વલોણું ચાલે છે તે વહેંચવું તો છે જ.
કૃષ્ણના જીવનના અદ્ભુત પ્રસંગો કથાકારો શબ્દોના સાથિયા પૂરીને વર્ણવે છે. કારણ કે, કૃષ્ણનું જીવન જ એટલું ભાતીગળ છે કે ન પૂછો વાત. એટલે તે કથામાંથી પ્રાપ્ત થતો રસ આપણને તેમાં વહેતા રાખે છે, પણ કોણ જાણે કેમ એ પ્રવાહમાં વહ્યા પછી પણ આપણે ત્યાંના ત્યાં જ હોઇએ છીએ. આપણે કૃષ્ણને ભગવાન બનાવીને છુટી પડ્યા છીએ પણ તેમની કથામાંથી મળતો છુપો સંદેશો કે પ્રેરણા લઇ તેનો અમલ કરવાની આપણી ત્રેવડ કે તૈયારી નથી. એ બાબત તરફ આપણે ‘આંખ આડા કાન’ કરીએ છીએ.
શરૂઆત કરીએ કૃષ્ણના બાળપણથી. કૃષ્ણનું બાળપણ અદ્ભુત વીરરસ અને તોફાનરસથી ભરપુર છે. બાળ કનૈયો માખણ ચોરે, કાળીનાગને નાથે, તે આપણે ખૂબ ગમે, પણ આપણો પોતાનો બાળ કનૈયો ઉંબરાની બહાર પગ પણ મૂકે તો આપણે હાંફળા ફાંફળા થઇ જઇએ. ૭-૮ વર્ષનું આપણું સંતાન સાઇકલ ફેરવવા નીકળે તો પણ મા-બાપ કે દાદા-દાદી શેરીમાં, કોમન પ્લોટમાં કે રસ્તા પસો ઊભા રહીને સૂચના આપ્યા કરે છે. આ પરથી એવું સમજાય કે બાળક સાઇકલ પછી શીખે છે પણ ડરતાં પહેલાં શીખે છે! બાળકના ઉછેર માટેની આ વધુ પડતી સભાનતા છે. અરે, આપણે વારંવાર બાળકની પ્રાપ્તિને ઇશ્વરની કૃપા ગણીએ છીએ પણ એ ઇશ્ચર જ બાળકની રક્ષા કરશે તેવી શ્રદ્ધા આપણને નથી. જો ઇશ્ચરમાં શ્રદ્ધા ન હોય તો તેના પ્રત્યેની ભક્તિનો અર્થ શું? આવી ભક્તિને વાંઝણી ભક્તિ ગણવી પડે.
કૃષ્ણનું યૌવન, કૃષ્ણનું પ્રૌઢત્વ વગેરે પણ દર્શનીય છે. દરેક પ્રસંગમાં આપણા રોજબરોજના જીવનમાં માર્ગદર્શન આપે તેવા સંદેશા છે પણ તેના તરફ આપણે ધ્યાન જ નથી આપતા. વિચાર તો કરો કે આજે ૨૧મી સદીમાં પણ ઓનરકિલિંગના નામે આપણી બહેન-દીકરીને મારી નાખવાની ઘટના બને છે અને તે સામે ૩૦૦૦ વર્ષ પહેલાં આ મહાપુરુષ પોતાની બહેન સુભદ્રાને (મોટાભાઇ બલરામની ઇચ્છા વિરુદ્ધ) તેના મનગમતા પુરુષ અને પોતાના મિત્ર એવા અર્જુન સાથે ભાગી જવામાં મદદ કરે છે.
અરે, આજેય તે કોઇ ભાઇ પોતાની બહેન માટે આવું કરી શકે તેવી કલ્પનાય કરી શકાય તેમ છે? આ જોતા કૃષ્ણ પાંચ હજાર વર્ષ પહેલાં પણ કેટલા આધુનિક અને બ્રોડ માઇન્ડેડ હશે તેની ભાળ મળે છે. જે ભાઇ પોતાની બહેનને કે જે પિતા પોતાના સંતાનને તેના મનગમતા પાત્ર સાથે જોડાવાની ના પાડતા હોય તે સૌ ગમે તેટલી કૃષ્ણભક્તિ કરે તો પણ તે પાણીવલોણાથી વિશેષ કશુંય નથી. આ વાતમાં આક્રોશ નથી અભિવ્યક્તિ જ છે.
કૃષ્ણ કૌરવો પાસે પાંડવોના દૂત તરીકે ચર્ચા કરવા જાય ત્યારે પ્રોટોકોલ મુજબ દુર્યોધનનુ રાજવી આતિથ્ય ન સ્વીકારે અને વિદૂરની ભાજી આરોગવા જાય તેમાંથી સમજવાનું એટલું જ છે કે રાજનીતિજ્ઞએ ક્યાં સંયમ જાળવવો એ શીખવાનું હોય છે. દ્રૌપદીના ચીરહરણની ઘટના અને ચીરપુરવાની વાત આપણે સાંભળીએ ત્યારે સમજવાનું એ હોય છે કે આપણી દીકરી, મા, પત્ની, બહેન, વિદ્યાર્થિની, ઓફિસમાં હાથ નીચે કામ કરતી બહેનને નડતી મુશ્કેલી વખતે શું આપણે તેની પડખે ઊભા રહી તેને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ ખરા? આ પ્રશ્ન જાતને પૂછવાનો છે જો નખશિખ પ્રામાણિકતાથી જાતને આ પ્રશ્ન પૂછયો હશે તો જવાબ રાજી થવા જેવો નહીં હોય.
કૃષ્ણ સુદામાની મૈત્રીની વાત તો ખૂબ ચવાઇ-ગવાઇ ગયેલી છે. પણ તેમાંથી સમજવાનું માત્ર એટલું છે કે મૈત્રીમાં ફૂટપટ્ટીને સ્થાન નથી. મૈત્રી આંતરિક ઘટના હોવી જોઇએ. અંતરમનને ઝળઝળાવી મુકે તેનું નામ મિત્ર. ત્યાં દેખાવ, આર્થિક સ્થિતિ, બૌદ્ધિ ક્ષમતા, યોગ્ય અભિવ્યક્તિ વગેરે કશુંય આજેય તે આપણા ગળે તે ઉતર્યું હોય તેવું લાગતું નથી. સફળતા પછીની સ્વસ્થતા કેવી ભવ્ય હોઇ શકે તે કૃષ્ણએ સુદામા તેના મહેલમાં આવ્યા ત્યારે થતા તેમના મિલનમાં દર્શાવી આપી છે. આ સમજાય તોય બેડો પાર!
કૃષ્ણ દર્શનની નહીં આચરણની ચીજ છે. શ્રદ્ધા રાખવી અને શ્રદ્ધાને અનુરૂપ કશું જ ન કરવું તે ભક્તિની મર્યાદા બતાવે છે. કૃષ્ણ જેવા પૂર્ણ પુરુષોત્તમની મર્યાદાવાળી ભક્તિ કરવી અયોગ્ય છે. આવો, આ કૃષ્ણાષ્ટમીએ નિર્ણય કરીએ કે આપણે કૃષ્ણની પૂર્ણભક્તિ કરીશું. ભક્તિને આચરણના વાઘા પણ પહેરાવીશું.
ઇતિ સિદ્ધમ્: ‘લોકોને, સાથીઓને દુ:ખી કરવા અને કૃષ્ણની ભક્તિ કરવી તે વ્યાવહારિક વિરોધાભાસનો ઉત્તમ નમૂનો છે.’- કવિ ભાગ્યેશ જહા