અન્ય રમતથી સ્પોર્ટ્સ કારકિર્દીની શરૂઆત કર્યા બાદ બાસ્કેટબોલ ક્ષેત્રે સમગ્ર દેશમાં ડંકો વગાડનાર સારા ખેલાડી અને હાલ કસ્ટમ્સ વિભાગમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ મહિપતસિંહ ગોહિલે સનાતન ધર્મ હાઇસ્કૂલમાં ધો. ૮થી બાસ્કેટબોલ રમવાની શરૂઆત કર્યા બાદ રાષ્ટ્રીય ટીમ સુધીની એક ખેલાડી તરીકેની સફર ખેડી હતી પરંતુ નવાઇની વાત તો એ છે કે તેઓએ સ્પોર્ટ્સમાં પ્રથમ ડગલું ક્રિકેટ ક્ષેત્રે માંડ્યું હતું અને નોંધપાત્ર રીતે તેમાં પ્રગતિ પણ કરી હતી, ત્યાં પોતાની સારી ઊંચાઇથી બાસ્કેટબોલ રમવા માટે મિત્રોએ કરેલી ભલામણથી તેમાં ઝંપલાવ્યુ અને સતત સફળતા મેળવી છે.
ભાવનગર કસ્ટમ્સ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા શક્તિસિંહ ગોહિલના જણાવ્યા પ્રમાણે મને સ્પોર્ટ્સ વડે ઘણું મળ્યુ છે અને હવે મારે સ્પોર્ટ્સને પરત કરવાનો સમય છે.ધો. ૧૨માં હતા ત્યારે પ્રથમ વખત રાષ્ટ્રીય જુનિયર ટીમમાં પસંદગી પામ્યા હતા તે ક્ષણને પોતાના જીવનની યાદગાર ક્ષણ તરીકે વર્ણવતા શ્રી ગોહિલ જણાવે છે કે મેં મનથી જ નક્કી કરી લીધું હતું કે હું આ રમતમાં ખૂબ આગળ જઇશ અને મને જે પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે, તેવી તકલીફો મારી બાદના ખેલાડીઓને પડે નહીં તે દિશામાં હું કાંઇક કરીશ.
હાલ આપણે પરિણામ જોઇ શકીએ છીએ. તેઓ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એકઝિકયુટિવ મેમ્બર તરીકે સેવા આપે છે અને ભારતમાં બાસ્કેટબોલની રમત વધુ લોકપ્રિય કઇ રીતે બનાવી શકાય તથા બાસ્કેટબોલની રમતમાં સમય પ્રમાણે ક્યા અને કેવા પ્રકારના ફેરફાર આવશ્યક હોય છે તેનો અભ્યાસ કરવા માટે અમેરિકાની નેશનલ બાસ્કેટબોલ લીગ(એનબીએ)ની બે વખત મુલાકાત લઇ ચૂક્યા છે, હાલ બાસ્કેટબલની રમતમાં યુવાધનને કઇ રીતે જોડી શકાય તે અંગે વિસ્તૃત કાર્ય કરી રહ્યા છે.
તેઓ જ્યારે પ્રી-એશિયન બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં રમી રહ્યા હતા ત્યારે ઘૂંટણમાં થયેલી ઇજાને કારણે કારકિર્દી પર પડેલી ગંભીર અસરવાળી વાત આજે પણ તેઓને વ્યથિત કરી દે છે. તેઓના મતે બાસ્કેટબોલ એ એક ટીમ ગેમ છે અને તેમાં ભારતનું નેતૃત્વ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરવું એ ગૌરવ લેવા જેવી બાબત છે અને ભાવનગરના સ્વ. કિરીટ ઓઝા, ભગિરથસિંહ જાડેજા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને તાજેતરમાં હરપાલસિંહ ગોહિલે આ સિદ્ધિ મેળવી છે. વિશ્વના અનેક દેશોનો પ્રવાસ ખેડી ચૂકેલા શક્તિસિંહને નવરાશની પળમાં ક્રિકેટ રમવું ખૂબ જ પ્રિય છે અને તેઓના પુત્ર શાંતનુ ગોહિલને તેઓએ ક્રિકેટમાં જ મૂક્યા છે અને સૌરાષ્ટ્ર વતી તેઓ હાલ અંડર-૧૫માં રમી રહ્યા છે.
પ્રમાણિક મહેનત કરવી અને અન્યને કોઇ નુકસાન ન પહોંચે, સાચી સલાહ આપવી તથા હંમેશાં કોઇકને મદદરૂપ થવાને જીવનમંત્ર તરીકે અપનાવનાર સ્પષ્ટપણે માને છે કે ભાવનગરમાં એક સારું ઇન્ડોર સ્ટેડિયમ હોવું જોઇએ અને તેના માટે તેઓ બધાને સાથે રાખી પ્રયાસ કરવા ઇચ્છે છે. ગોહિલે ઉમેર્યું હતું કે ત્રણેય ઋતુમાં નિયમિત રીતે બાસ્કેટબોલ મેદાન પર જવાની મને આદત પડી ગઇ છે. આગામી દિવસોમાં તેઓ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ કે જેઓ અસાધારણ ઊંચાઇ ધરાવતા હોય તેવા ખેલાડીઓને શોધી કાઢવા માટે ટેલેન્ટ હંટ કાર્યક્રમ શરૂ કરવા ઇચ્છતા શક્તિસિંહ આવા ખેલાડીઓને તાલીમ આપી ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડવાની નેમ ધરાવે છે.