રોમાનિયામાં તો પોતાનો પ્રેમીઓનો તહેવાર ‘ડ્રેગોબેટ’ ૨૪મી ફેબ્રુઆરીએ ઉજવાય જ છે, ત્યાં ૧૪મી ફેબ્રુઆરીએ વેલન્ટાઇન્સ ડે પણ શરૂ થયો. ભલે ને બે વાર પ્રેમ થાય. આપણું શું જાય? જાપાન અને કોરિયામાં ૧૪મી ફેબ્રુઆરીએ છોકરીઓ છોકરાને ચોકલેટ આપે છે. અને ૧૪મી માર્ચ રિપ્લાય ડે છે ત્યારે છોકરાઓ છોકરીઓને ચોકલેટ આપે છે.
શબદ કવિતા
The rose is red, the violet’s blue
The honey’s sweet, and so are you
Thou are my love and I am thine
I drew thee to my Valentine
The lot was cast and then I drew
And Fortune said it shou’d be you
ગુલાબ લાલ છે, વાયોલેટ છે ભૂરો
મધ તે છે મીઠું અને તું પણ છે મીઠો
તું મારો પ્રેમ છે અને હું છું તારી
તને ખેંચું છું, તું છે મારો વેલેન્ટાઇન
ચિઢ્ઢીઓ નાખી છે જેમાંથી ખેંચીશ હવે હું
અને નસીબ કહે છે એમાં નામ હશે તારું.
શબદ મંડાણ: વેલેન્ટાઇન્સ ડે વહાલ પર્વ છે. એક બીજાને ગમતાં રહીએ. બી માય વેલેન્ટાઇન. કોઈ કોઈનેય કહી શકે. તમારા વહાલાંઓને-મિત્રને, દાદાને, માસીને, કાકીને, શિક્ષકને, બાળકને, કોઇને પણ કહી શકાય, પણ મુખ્યત્વે પ્રેમમાં પડેલા જુવાનિયા-જુવાનિયણો એકબીજાને વહાલથી પપ્પીઝપ્પી કરતાં કહે ‘બી માય વેલેન્ટાઇન’. આજે છડેચોક પ્રેમપ્રદર્શનનો મહિમા છે. આ સામે બુઢ્ઢાઓને વાંધો પડે. કવિવર ૨. પા.ની કવિતાના શબ્દોમાં કહીએ તો માળા બુઢ્ઢાઓ કરશે ગુસપુસ, કૂસકૂસ નિસાસાઓ નાખશે. કે’શે અમારા જમાનામાં આવું નહોતું. તેઓને થશે કે આપણે રહી ગયા, આપણે વે’લા અંટાઈ ગયા!
શબદ ઈતિહાસ : વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી અને એની પાછળની કહાણી જુની અને જાણીતી છે. અરે! છેક ચૌદમી સદીમાં અંગ્રેજી સાહિત્યનાં પિતા ગણાતા જયોફ્રી ચૌસરે પોતાની કવિતાને વાર્તાઓમાં ‘વેલેન્ટાઇન્સ ડે’ ને લોકપ્રિય બનાવ્યો. ઇંગ્લેન્ડના રાજા રિચાર્ડ-૨ અને બોહિમિયાની રાજકુમારી એની સાથે થયેલા વેવિશાળની પહેલી વર્ષગાંઠ નિમિત્તે વર્ષ ૧૩૮૨માં ચૌસર પોતાની કવિતા Parliament of Fowls (પક્ષીઓની સંસદ)માં લખ્યું’તું કે ‘આજે વેલેન્ટાઇન્સ ડે છે જ્યારે દરેક પક્ષી પોતાના જીવનસાથીની તલાશમાં અહીં આવે છે.’ મધ્યકાલીન યુગમાં દરબારી પ્રેમ (ઉર્ફે શાહી લફરાં)ની બોલબાલા હતી.
ગમે તેને ગમે તેની સાથે, તા તા થૈ થૈ, પ્રેમ થૈ જતો લો. બોલો, આપણાં યુગમાં આવું કાંઈ નહોતું. આપણે વહેલાં અંટાઈ ગયા! સત્તરમી સદીની શરૂઆતની વિલિયમ શેકસપિયરની કલાસિક ટ્રેજડી ‘હેમલેટ’માં પણ એનો ઉલ્લેખ હતો. નાટકના ચોથા અંકમાં હીરો પ્રિન્સ હેમલેટ પર પિતાના મૃત્યુનો બદલો લેવાનું ભૂત સવાર છે. પોતાની પ્રેમિકા ઓફેલિયામાં હવે એને રસ નથી. ત્યારે ઓફેલિઆ વ્યથિત હૃદયથી કહે છે કે કાલે વેલેન્ટાઇન્સ ડે છે. તું આવજે, હું બારીએ તારી વાટ જોઈશ અને પછી આપણે ક્યારેય છુટા નહીં પડીએ. પણ એમ થતું નથી.
શબદ વાર્તા : વેલેન્ટાઇનની મૂળ કથા તો ચૌસર અન શેકસપિયરથીય જુની છે. ઇ.સ. ૨૯૭માં રોમમાં રાજા કલોડિયસ-૨ નું શાસન હતું. કલોડિયસ એવું માનતો કે પરણેલા સૈનિકોની માનસિક અને શારીરિક શક્તિ હણાઇ જાય છે. યુદ્ધ ટાણે એને કુટુંબની જવાબદારી, બૈરાંછોકરાં યાદ આવી જાય અને મરવામારવાનું છોડીને અર્જુનની માફક વિષાદયોગમાં ડૂબી જાય. આવી દિલદગડાઈ હરગિઝ મંજુર નથી અને રાજા ફરમાન કરે છે કે કોઈએ દિલ આપવું નહીં, લેવું નહીં, પૈણવું નહીં, પૈણાવવું નહીં. હવે જે છોરાંછોરી કે’દાડાનાં પૈણું પૈણું કરતા હોય તેનું થાય શું? તેરા ક્યા હોગા, કાલિયા? (અથવા ધોળિયા? અથવા ઘઉંવરણાં?) સેન્ટ વેલેન્ટાઇન નામના પાદરી આવા પ્રેમપિપાસુ જુવાનિયાંની વહારે આવે છે.
તેઓ લગ્નવાંચ્છુ જવાનિયાંને ખાનગીમાં ચોરી ચોરી ચુપકે ચુપકે પૈણાવી દે છે. રાજા કલોડિયસ સંત વેલેન્ટાઇનને પકડીને જેલમાં નાખે છે. છુટકારાની શરત એ છે કે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરવો અને જુવાનિયાને પ્રેમ કરવા ઉશ્કેરવા નહીં, પણ વેલેન્ટાઇન કહી દે છે કે પ્યાર ઝૂકતા નહીં. હવે સજા-એ-મૌત, એય ત્રણ તબક્કામાં. પહેલાં ધોકાવવાના, પછી પથ્થરથી મારવાના અને છેલ્લે ડોકું ધડથી અલગ કરવાની સજા, એક ઘા ને બે કટકા. સજાનો અમલ થાય તે પહેલાં સંત વેલેન્ટાઇન પોતે પ્રેમમાં પડે છે.
જેલરની અંધ દીકરી એસ્ટીરિયસના ગાલનાં ખાડામાં વેલેન્ટાઇનનાં ચોર્યાસી લાખ વહાણોના કાફલા ડૂબી જાય છે. પ્રેમમાં લોકો આંધળા થઈને આંધળુકિયાં કરતા હોય છે, પણ અહીં ચમત્કાર થાય છે, આંધળી છોકરી દેખતી થઈ જાય છે. વેલેન્ટાઇન ૧૪મી ફેબ્રુઆરીએ પોતાનો વધ થવાનો હોય તે પહેલાં, એસ્ટીરિયસને આખરી પ્રેમપત્ર લખે છે. દુનિયાનું આ પહેલું વેલેન્ટાઇન્સ ડે ગ્રિટિંગ કાર્ડ છે. કાર્ડની નીચે લિખિતંગ ‘તારો વેલેન્ટાઇન’ નામે સહી કરે છે. પ્રેમને કાજે શહીદી વહોરનાર સંત વેલેન્ટાઇન ડેની યાદમાં પોતાનાં વહાલાંને પ્રેમ કરીને, પત્ર લખીને ઉજવવાનો રિવાજ પડ્યો છે.
શબદ પરંપરા : આ દિવસે ફૂલ અને ચોકલેટની ગિફ્ટ આપવાની પરંપરા છે. ક્યાંક હૈયાંના હારને સોનાનો હાર દેવાની પણ ચેષ્ટા થાય છે. દિલનો આકાર, રિબિન, ગાંઠ વાળેલી દોરી, કબૂતરની જોડી, લવબર્ડ્સ અને કામદેવતાનો રોમન અવતાર કયુપિડ (પાંખોથી ઊડતો તીરકાંમઠાં ચલાવતો નાગોપૂગો હૃષ્ટપુષ્ટ બાળક) એનાં પ્રતીક છે. વેલેન્ટાઇન એટલે સ્વીટહાર્ટ. સાચો મિત્ર. સર્વકાલીન પ્રેમી. મૂળ લેટિન શબ્દ ‘વેલન્ટીના’ એટલે શક્તિ ક્ષમતા. પ્રેમ પ્રાપ્તિની ક્ષમતાની વાત, પ્રેમીની પસંદગી, પ્રેમના એકરાર અને સ્વીકારની વાત. જેને પ્રેમ કરતા હોઈએ એને વેલેન્ટાઇન કહેવાય અને એને દઇએ એ કાર્ડ કે ગિફ્ટ પણ વેલેન્ટાઇન કહેવાય.
શબદ કલા : વર્ષ ૨૦૧૦માં જુલિયા રોબટ્સ અભિનિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘વેલેન્ટાઇન્સ ડે’માં જોડીઓનાં બ્રેક-અપ, મિકસ-અપ અને મેક-અપની રસપ્રદ વાર્તા છે. વેલેન્ટાઇન્સ લવ રિલિજીયન (વેલેન્ટાઇનનો પ્રેમ ધર્મ) નામનું પ્રસિદ્ધ મ્યુઝીક બેન્ડ છે જેનું ગીત ફલાવર ઓફ ફલેશ (માંસપેશીઓનાં ફૂલ) લોકપ્રિય બન્યું છે.
શબદ ઉત્સવ : વેલેન્ટાઇન્સ ડે સ્વિડનમાં ‘ઓલ હાર્ટ્સ ડે’ અને ફિનલેન્ડમાં ‘ફ્રેન્ડ્સ ડે’ તરીકે ઉજવાય છે. સ્લોવેનિયામાં કહેવત છે કે વેલેન્ટાઇન વનસ્પતિનાં મૂળનાં તાળાની ચાવી લઇને આવે છે એટલે કે આ દિવસથી ઠંડી ઓછી થાય છે અને ફૂલછોડ પાંગરવા માંડે છે. લેટિન અમેરિકન દેશોમાં ‘ડે ઓફ લવ એન્ડ ફ્રેન્ડશિપ’ (પ્રેમ અને મિત્રાચારીના દિવસ) તરીકે ઉજવાય છે.
રોમાનિયામાં તો પોતાનો પ્રેમીઓનો તહેવાર ‘ડ્રેગોબેટ’ ૨૪મી ફેબ્રુઆરીએ ઉજવાય જ છે, ત્યાં ૧૪મી ફેબ્રુઆરીએ વેલન્ટાઇન્સ ડે પણ શરૂ થયો. ભલે ને બે વાર પ્રેમ થાય. આપણું શું જાય? જાપાન અને કોરિયામાં ૧૪મી ફેબ્રુઆરીએ છોકરીઓ છોકરાને ચોકલેટ આપે છે. અને ૧૪મી માર્ચ રિપ્લાય ડે છે ત્યારે છોકરાઓ છોકરીઓને ચોકલેટ આપે છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયામાં તહેવારની આ તહેવારની ઉજવણી ધર્મ વિરુદ્ધ મનાય છે. ભારત તહેવારપ્રધાન દેશ છે. અહીં બધા તહેવાર સર્વધર્મ સમભાવથી ઉજવાય છે.
શબદ આરતી : ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે તરીકે પ્રસિદ્ધ થાય તેનાં ઘણાં વર્ષો પહેલાં પ્રાચીન રોમમાં લ્યુપરકેલીઆ નામનો પૌરાણિક તહેવાર ૧૩થી ૧૫ ફેબ્રુઆરી સુધી ઉજવાતો હતો. વસંત ઋતુની શરૂઆતના આ દિવસો પ્રજનન માટે ઉત્તમ ગણાતા. પ્રેમીઓના મિલનના દિવસો હતા એ. અર્બન ડિકશનરી અનુસાર આજે પણ નવેમ્બરમાં જન્મેલો છોકરો ‘વેલેન્ટાઇન બોય’ તરીકે ઓળખાય છે. બોય ઓ બોય!