બેડોળ થઇ ગયેલી મનીષા કોઇરાલાની તસવીરો તાજેતરમાં મીડિયામાં પ્રકાશિત થઇ ત્યારે સૌ ચોંકી ઊઠ્યા. સૌના મોંમાંથી એક જ પ્રશ્ન ઊઠ્યો, ‘આ એ જ મનીષા કોઇરાલા છે, જેને આપણે સૌદાગરમાં જોયેલી?’ એવી તે કઇ ઉપાધિ એને કનડે છે?
‘જૈસે ખિલતા ગુલાબ, જૈસે શાયર કા ખ્વાબ, જૈસે ઉજલી કિરન, જૈસે બન મેં હિરન...’ જેના ચહેરાને અનુલક્ષીને આ ગીત લખાયું હતું તેના ચહેરા માટે આ વાત ભૂતકાળ બની ગઇ છે. નેપાળમાં જન્મેલી સૌંદર્યવતી, નાજુક, નમણી, ગોરી ક્યૂટી મનીષા કોઇરાલાના ચહેરા પર સમયની થપાટો સ્પષ્ટ દેખાઇ રહી છે. જેના ખંજન પર એક આખી પેઢી આફરીન હતી, ત્યાં હવે સિલવટો દેખાઇ રહી છે. ઉંમર વધે એટલે ચહેરામાં ફેરફાર થાય તે સ્વાભાવિક ઘટના છે, પરંતુ મનીષાના કિસ્સામાં તેની આ બદલાયેલી ફિઝિયોનોમી માટે તે પોતે જ જવાબદાર છે.
વધારે પડતો મેન્ટલ સ્ટ્રેસ અને દારૂ પીવાની નહીં પરંતુ ઢીંચવાની ટેવ એવી તો નડી કે મનીષા અરીસા સામે ઊભે ત્યારે જાણે અંદરથી પોકાર ઊઠતો હશે, આઇના મુઝસે મેરી પહેલી સી સુરત માંગે. જિંદગીની આંટીઘૂંટી, માનસિક પરિતાપ માણસને ક્યાંથી ક્યાં લઇ જાય છે તેના સેંકડો દાખલાઓ ઈતિહાસનાં પાનેપાને પડ્યા છે. પરંતુ કેટલાક ચહેરાઓની સદ્નસીબી કે કમનસીબી જે ગણો તે એ છે કે, તેની ખૂબસૂરતી કે બદસૂરતી બંને ચર્ચાસ્પદ રહે છે.
મેન્ટલ સ્ટ્રેસ-માનસિક તણાવ અને તે પણ મનીષા કોઇરાલાને! વિચારો તો ખરા, એવું તે શું છે કે, જે તેની પાસે ખૂટે છે? નેપાળના એક સમયના વડાપ્રધાનની પૌત્રી, સારામાં સારી સંસ્થાઓમાં શિક્ષણ, ઇચ્છા હતી ડોક્ટર થવાની, પરંતુ સૌંદર્ય અને મોડલિંગ તેને બોલિવૂડ તરફ ખેંચી લાવ્યાં. ૧૯૯૧માં હિન્દી ફિલ્મોના પદડે મેગા સ્ટારર ‘સૌદાગર’માં મનીષા પહેલીવાર દેખાઇ. વિવેક મુશરાનની પણ તે ડેબ્યૂ ફિલ્મ હતી. તે પછી વિવેક તો ખોવાઇ ગયો, પરંતુ મનીષાની કરિયર ઉલ્લેખનીય જ નહીં, ઉધ્ર્વગામી રહી છે. લગભગ દરેક મોટા કહેવાય તેવા સ્ટાર સાથે તેણે ફિલ્મો કરી.
થોડા દિવસો પહેલાં ન્યૂઝની વેબસાઇટો પર જ્યારે મનીષાનો ચહેરો દેખાયો, ત્યારે લોકો પહેલાં તો તેને વરતી જ ન શક્યા. આ એ જ મનીષા કોઇરાલા છે, જે દિલ સે, ખામોશી-ધ મ્યુઝિકલ, ૧૯૪૨- અ લવસ્ટોરીમાં હતી? આ એ જ મનીષા છે, જેની મખમલી ત્વચાને આંખથી અડીને પણ ‘બોમ્બે’ ફિલ્મ જોનારા દર્શકો ઝકજોર થઇ જતા? ‘નેચરલ બ્યૂટી’ એવું બિરુદ આ મનીષાને અપાયું હતું. અને માત્ર રૂપ નહીં અભિનયમાં પણ તે ઠીકઠીક કાઠું કાઢી ગઇ હતી. જેની પાસે સુંદરતા, શોહરત, દોલત બધું જ હતું. તેના પણ આવા હાલ? ગરીબી, બેકારી, ભૂખમરો હોય અને માણસને સ્ટ્રેસ થાય તો સમજી શકાય, પરંતુ અહીંયા ક્યાં કંઇ ખોટ હતી?
‘સૌદાગર... સૌદા કર, દિલ લે લે... દિલ દે કર’ એવું પડદા પર ગાનારી મનીષાએ સમ્રાટ દહલ સાથે ૧૯મી જૂન, ૨૦૧૦ના દિવસે લગ્ન કર્યા તે પહેલાં અમેરિકાના સ્પોર્ટસ કાઉન્સેલર ક્રિસ્ટોફર ડોરિસ સાથે તે અંગત ક્ષણો-દિવસો માણી ચૂકી હતી. ૨૦૦૩માં ફિલ્મ મેકિંગના અભ્યાસ માટે લંડન ગઇ ત્યારે લંડન સ્થિત નાઇજિરીયન બિઝનેસમેન સિસિલ એન્થોની સાથે પણ તેણે અફેર એન્જોય કર્યું હતું. નેપાળમાં એમ્બેસેડર તરીકે ગયેલા ઓસ્ટ્રેલિયન ડિપ્લોમેટ ક્રિસ્પિન કોનરોય પણ મનિષાના ફોરેનર બોયફ્રેન્ડના લિસ્ટમાં છે.
એટલે એવું તો નથી કે, યોગ્ય ઉંમરે કોઇ ચાહનારું ન મળ્યું. મોટી ઉંમરે (લગ્ન માટે ) લગ્ન પણ થયાં. ફિનલેન્ડમાં સમ્રાટ સાથે હનીમૂન એન્જોય કર્યા પછી અચાનક મનીષાને લાગ્યું કે, આ સંસાર અસાર છે. તેણે ફેસબુક પર જાહેર કર્યું કે, મારો પતિ મારો સૌથી મોટો દુશ્મન છે. પૈસો, પ્રસિદ્ધિ, આવડત બધું જ હોવા છતાં જે નિભાવવું જરૂરી મનાય છે તે ન નિભાવી શકાયું. અથવા તો એમ કહીએ કે, આ બધું જ હોય એટલે તમામ સુખ મળી જાય તેવું નથી!
૨૦૦૦ના વર્ષમાં ‘સવાલ દસ કરોડ કા’ ગોમ શોના હોસ્ટ તરીકે પણ અનુપમ ખેર સાથે મનીષાને લોકોએ જોઇ હતી. અને લજજામાં શરૂઆતમાં એકદમ શરમાળ ગૃહિણી અને પછી બોલ્ડ ગર્લ મનીષા પણ લોકોનાં માનસપટ પર છે. મનિષાના એકથી વધારે હોટ સીન-સેક્સી દ્રશ્યો, ‘તુમ’ ફિલ્મનું ‘કયૂં મેરા દિલ તુજ કો ચાહે’ ગીત સહિતના સેમીપોર્ન દ્રશ્યો યુ ટ્યુબ પર આજે પણ અવેલેબલ છે. ૧૯૯૧થી ૨૦૦૪ સુધીની તેની ફિલ્મી યાત્રા તો મોટાભાગે સળંગ છે.
હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ ફિલ્મના દર્શકોએ પણ જિંદગીમાં ક્યારે ન જોઇ હોય તેવી ગોરી ચામડી મનીષાના માધ્યમથી જોઇ છે. ઓફ બિટ કહી શકાય તેવી ફિલ્મ ‘છોટી સી લવ સ્ટોરી’ તેની ઉલ્લેખનીય ફિલ્મોમાં છે, તો સ્ત્રી પર થતાં અત્યાચાર સામે ઝુંબેશ ચલાવનારી અને યુએનએફપીએમાં સભ્ય પદ ધરાવતી મનીષાએ ચર્ચાસ્પદ કહેવાય તેવી ‘માર્કેટ’ ફિલ્મ પણ કરી.
આવી બાયોગ્રાફી અને ફિલ્મોગ્રાફી પછી આજે મનીષાનો ચહેરો અને ફિગર તેની કુટેવોની સ્પષ્ટ ચાડી ખાય છે. વેદનાને લીધે જિંદગીને શરાબમાં ડુબાડી દેનાર કલાકારોની યાદી પણ લાંબી છે. મીનાકુમારીએ પોતાની જાત સાથે આ જ કર્યું હતું. બંનેનો કિસ્સો કદાચ સરખો હતો. મીનાકુમારીને ધર્મેન્દ્રે રીતસર ચોટ પહોંચાડી તેવું કહેવાય છે. આવા તો સંખ્યાબંધ કિસ્સા છે, પરંતુ દરેક વ્યક્તિ જાત પરથી કાબુ નથી ગુમાવતા. રેખા અમિતાભ જેવા મહાન પ્રેમી અને રાકેશ રોશન જેવા ચાહક તથા મુકેશ નામના પતિને ગુમાવ્યા પછી પણ આજેય જાજરમાન છે. રૂપગર્વિતા છે.
સૌરાષ્ટ્રની બોલીમાં કહીએ તો ‘ટીકડી ટી’ છે! ગુરુદત્તનાં લગ્ન પછી પણ તેને ચાહનારી વહીદાનું સૌંદર્ય ગુરુદત્તના મૃત્યુ (કે આત્મહત્યા) પછી પણ ઓસર્યું નહોતું. અને નરગીસનાં લગ્ન થયાં ત્યારે ત્રણ સંતાનોના પિતા રાજ કપૂરે પોતાના જ હાથે સિગરેટના ડામ દીધા હતા, પણ આખરે બધા જ સંભલી ગયા. કેટલાક જીવ એવા હોય છે જે આવા આઘાત સહન કરી શકતા નથી. જિંદગીની વાસ્તવિકતાને જો માણસ જીરવે નહીં તો ક્યારેક માણસની મુસીબતો કલ્પના બહારની વધી જતી હોય છે. અને મનીષા સાથે એ જ થયું છે.
સ્ટ્રેસ વધી ગયો, લગ્નજીવન મોટી ઉંમરે શરૂ થયું અને તૂટવાના આરે આવ્યું. આમ પણ મનીષા કોઇરાલાને દારૂની આદત હતી અને આ સ્ટ્રેસે તેને માનસિક રીતે ભાંગીને દારૂ પીવા વધુ મજબૂર બનાવી. માણસના દિમાગમાં એન્ટી સ્ટ્રેસ હોર્મોન્સ ઓછા થાય ત્યારે તકલીફ તો વધે જ છે. પરંતુ તેની સીધી અસર તેનાં બોડી પર પડે છે. મન અને મગજ ભાર સહન કરી શકતાં નથી અને ત્યારે એ બધો ભાર શરીર પર ઠલવાય છે. છ-સાત વર્ષ પહેલાં તમે જેની સ્કિનની ફેરનેસ પર ફિદા હો તેનો સ્કીન ટોન બદલાઇ જાય છે. ચહેરા પર દાઝ પડી જાય છે. શરીર બેડોળ બની જાય છે. સ્ટ્રેસ માણસની નર્વસ, એન્ડોક્રેન અને ઇમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે.
ગ્રંથિઓ પર તેની ઇફેકટ થાય છે. અને તેને કારણે વધે છે ડિપ્રેશન. માનસશાસ્ત્રી આર. એચ. દસ્તુરની એક બુક છે, ‘યુ આર કિલિંગ યોરસેલ્ફ, મિ. એક્ઝિકયુટિવ’. તેમાં સ્ટ્રેસ અને તેની અસરો વિશે વિસ્તૃત છણાવટ છે. અને તે કહે છે કે, માણસ કાં તો સ્ટ્રેસ સામે ફાઇટ કરે છે કાં તો ફ્લાઇટ કરે છે. એટલે કે, કાં તો તે સ્ટ્રેસ સામે લડે છે અથવા તો તેનાથી ભાગી છુટે છે, પલાયન થઇ જાય છે. અને તે પલાયન થવા માટે દારૂ સૌથી મોટું અને સરળ રીતે ઉપલબ્ધ વાહન છે. ઓવર ડ્રિન્કિંગના કારણે આજે મનીષા કોઇરાલા પોતાની ઓળખ ગુમાવી ચૂકી છે. કદાચ એક હીરોઇન બોલિવૂડમાંથી ઓછી થાય તો તે કોઇ મોટી ખોટ નથી, પરંતુ એક હસતી-ખેલતી અને એ પણ પાછી ખંજનવાળી હસતી છોકરી સંજોગો, સમય, વિટંબણા, વ્યથાના વમળમાં ઓઝલ થઇ જાય તે ખરેખર દુર્ઘટના છે.