ગુજરાતનાં આઠ હજાર બિનસ્ત્રોત (નો સોર્સ) ગામો અને ૧૩૫ નગરોને પીવાનું પાણી મળશે. જેમની જમીન ડુબાણમાં ગઇ તે બધા આદિવાસીઓનું સુંદર પુનર્વસન અને વિકાસ થશે. જગતનું મોટામાં મોટું એટલે કે ૭૫,૦૦૦ કિ.મી.નું કેનાલ નેટવર્ક થશે. ૩૩૦૦ ગામોમાં પાણી મંડળી બનશે અને લોકભાગીદારીવાળી સિંચાઇ વ્યવસ્થાનું નિર્માણ થશે.
તાજેતરમાં કલ્પસર શરૂ કરવાના સમાચાર આવ્યા ત્યારે સ્વાભાવિક રીતે જ ગુજરાતના નાગરિકોએ-લોકોએ (પ્રજાએ નહીં-પ્રજા તો રાજાશાહીમાં હોય, લોકશાહીમાં તો સમાન અધિકારો ધરાવતા નાગરિકો હોય) જોયેલાં સહિયારાં સ્વપ્નની વાતો યાદ આવી ગઇ. કેવડિયા પાસે ૧૩૮ મીટર ઊંચા અને ૧૬૦૦ મીટર લાંબા નર્મદા બંધથી રચાનારા સરદાર સરોવરમાં ૭.૭ મિલિયન એકર ફીટ પાણીનો સંગ્રહ થશે. ૪૬૦ કિ.મી. લાંબી મુખ્ય નહેરમાં એકી સમયે ૪૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે. કેનાલ બેડ પાવર હાઉસમાં ૧૫૦૦ મે.વો. વીજળી પેદા થશે. ગુજરાતના બાર જિલ્લાઓમાં ૧.૯૨ લાખ હેકટર જમીનને સિંચાઇ મળશે.
ગુજરાતનાં આઠ હજાર બિનસ્ત્રોત (નો સોર્સ) ગામો અને ૧૩૫ નગરોને પીવાનું પાણી મળશે. જેમની જમીન ડુબાણમાં ગઇ તે બધા આદિવાસીઓનું સુંદર પુનર્વસન અને વિકાસ થશે. જગતનું મોટામાં મોટું એટલે કે ૭૫,૦૦૦ કિ.મી.નું કેનાલ નેટવર્ક થશે. ૩૩૦૦ ગામોમાં પાણી મંડળી બનશે અને લોકભાગીદારીવાળી સિંચાઇ વ્યવસ્થાનું નિર્માણ થશે.
આવું સ્વપ્ન સાકાર કરવા માટે બાબુભાઇથી માંડીને નરેન્દ્ર મોદી સુધીની તમામ સરકારોએ પ્રયત્નો કર્યા. એટલું જ નહીં, સરકારને જ્યાં જ્યાં ગુજરાતના લોકોના ટેકાની જરૂર પડી ત્યાં પક્ષાપક્ષીથી પર રહીને ગુજરાતના લોકોએ અને નાગરિક સમાજની સંસ્થાઓએ ટેકો કર્યો. એ પછી મેધા પાટકર હોય, બાબા આમ્ટે હોય, વર્લ્ડ બેંક હોય, જગતભરના પર્યાવરણવાદીઓ હોય, કોર્ટના કેસ હોય કે સૌફુદ્દીન સોઝ હોય-જેણે જેણે જ્યારે નર્મદા યોજનાનો આંશિક કે સમગ્રતયા વિરોધ કર્યો હોય ત્યારે ત્યારે ગુજરાતના લોકોએ સફળતાથી આ લોકો સામેની લડાઇ જીતીને નર્મદા યોજનાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી છે.
તો પછી શું થયું એ સુનહરા સ્વપ્નનું? આજથી સાતેક વર્ષ પહેલાં કેન્દ્રીય જળમંત્રી સૈફુદ્દીન સોઝે તપાસ સમિતિ નીમવાનું નાટક કર્યું ત્યારે પણ ગુજરાતના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ વડાપ્રધાન મનમોહનસિંઘને મળીને આ નાટક બંધ કરાવ્યું હતું. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ તરફથી આપણને ૧૨૨.૯૨ મીટરની ઊંચાઇ સુધી જવાની પરવાનગી મળતાં ગુજરાતે વિજયોત્સવ પણ મનાવ્યો હતો. પછી માત્ર ૧૫.૮ મીટરનું બાંધકામ બાકી હતું, જેમાં ચણતર ઓછું અને દરવાજાનું કામ વધુ હતું. આ કામ ચપટી વગાડવામાં પૂરું થશે તેમ લાગતું હતું. સાત વર્ષથી ચપટી વગાડ્યા કરીએ છીએ, હજી સ્વપ્ન સાકાર થયું નથી.
મૂળ કિંમત ૬,૦૦૦ કરોડ હતી. કેશુભાઇના સમયમાં આ અંદાજ ૨૫,૦૦૦ કરોડ પર પહોંચ્યો હતો. આજે તેનાથી બમણા એટલે કે ૪૮,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાઇ ગયા હોવા છતાં ‘રાધનપુરની તરસી કન્યા’ અને સુરેન્દ્રનગરનો સિંચાઇથી હજી વંચિત ખેડૂત નિરાશ થઇને ઊભાં છે. પ્રજામાં નર્મદાનું સ્વપ્ન વિસરાઇ ગયું છે. આજના વાઇબ્રન્ટ યુવાન ગુજરાતીઓમાંથી મોટા ભાગનાને ગુજરાતની પ્રજાના પ્રયાસોની કે નર્મદા યોજનાની વિગતોની ખબર જ નથી. આજે આ યોજના તેના ૧/૩ ભાગ જેટલી પણ કાર્યાન્વિત થઇ નથી.
ક્યાં અટક્યું છે કામ?
૧૨૨.૯૨ મીટરથી આગળ ૧૩૮ મીટર સુધીની ઊંચાઇ સુધીના બાંધકામે પહોંચવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથેનો ગુજરાત સરકારનો મતભેદ કારણભૂત છે. જ્યારે ૪૦,૦૦૦થી વધારે અસરગ્રસ્તોનું પુનર્વસન એંસી ટકા જેટલી સફળતાથી કરી શક્યા છીએ. અને તેમ કરવામાં નર્મદા અભિયાન, સંપૂર્ણ પુનર્વસન સમિતિ, આનંદ નિકેતન આશ્રમ, આર્ચવાહિની જેવી અનેક નાગરિક સંસ્થાઓએ સક્રિય કામગીરી બજાવી છે, ત્યારે માત્ર ૩૦૦ કુટુંબોના પુનર્વસન માટે વાત કેમ અટકી છે તે બાબત આ સક્રિય સંસ્થાઓ કે નાગરિકોને જણાવવામાં સત્તાવાળાઓ કેમ ચૂપકીદી સેવે છે તે સમજાતું નથી. આ તો હવે પૂંછડે આવીને અટક્યું છે ત્યારે પ્રજાનો ફરી એક વાર સાથ લેવામાં શું વાંધો પડે છે?
બંધની ઊંચાઇની વાત બાજુએ રાખીએ તો પણ નહેરોના નિર્માણમાં પણ અક્ષમ્ય વિલંબ થયો છે. આ કામમાં તો મહારાષ્ટ્ર સરકાર કે અસરગ્રસ્તો પણ નડતા નથી. આ બધાં વર્ષો દરમિયાન નહેરયોજનાની કુલ લંબાઇ (૭૫,૦૦૦ કિ.મી.)ના દસ ટકા જેટલું કામ પણ થયું નથી. એવું લાગે છે કે સિંચાઇ ક્ષેત્રના સત્તાવાળાઓમાં બાકીનું કામ પાઇપ લાઇન નાખીને કરવું કે ખુલ્લા ઢાળિયા બનાવીને કરવું તે અંગેની અનિર્ણાયકતા કારણભૂત છે.
બંને વિકલ્પોના લાભાલાભની ગણતરી કરીને, જ્યાં પાઇપલાઇન અનુકૂળ હોય ત્યાં તેનો અને ખુલ્લા ઢાળિયા વધુ અનુકૂળ હોય ત્યાં તેનો અમલ કરવામાં ગુજરાત બહાર કે ગુજરાતમાં કોઇ વિરોધ નથી. જે કંઇ છે તે આંતરવિરોધ છે, સ્થાપિત હિતો છે. પ્રજા પાસે ખુલ્લા થઇને આ વાત રજૂ કરવાથી કાયમની જેમ આ બાબતમાં પણ પ્રજાનો ટેકો મળી રહેશે તે બાબત નિર્વિવાદ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે ખેતરના ઢાળિયા અનુકૂળતા મુજબ બદલી શકાશે.
જ્યારે ભૂગર્ભમાં પાઇપલાઇન નાખવાથી તે પાણી ખેંચવા માટે ૨૪ કલાક X ૭ દિવસના ધોરણે ઓછામાં ઓછા ૨૬,૦૦૦ પંપ ચલાવવા પડશે. વળી અત્યારે ગામડાં-ખેતરને આઠ કલાક પણ વીજળી પૂરી પાડી શકાતી નથી ત્યાં ૨૬,૦૦૦ પંપને નિરંતર વીજળી પૂરી પાડવાનું કામ હાલના સંજોગોમાં શક્ય નથી. ખેડૂતો માથે પંપોની ખરીદી અને જાળવણીનો ખર્ચ પણ આમાં વધશે.
અગાઉની સરકારોના વખતમાં આવા પ્રશ્નોની ખુલ્લી ચર્ચા પણ થતી અને નર્મદા આયોજન જૂથ દ્વારા નિષ્ણાતોને બોલાવીને પણ ચર્ચા થતી. સરકારનું નર્મદા આયોજન જૂથ આજે મૃત:પ્રાય અવસ્થામાં છે અને નર્મદાના અધિકારીઓ આ બાબતમાં ચુપકીદી સેવે છે.
અત્યારે ભલે બંધ પૂરો ન બંધાતાં ૭ મિલિયન એકર ફીટની પાણીની આવક નથી. તેમ છતાં જે પાંચેક મિલિયન એકર ફીટ પાણી ભરાય છે તેની વહેંચણી ત્રણ લાભાર્થીઓ, ૧. ખેડૂતો (સિંચાઇ), ૨. આમજનતા (વપરાશ) તથા ૩. ઉદ્યોગો (ઉત્પાદન) વચ્ચે કેટલું વહેંચવામાં આવે છે અને આ વહેંચણી મૂળ નક્કી કરેલી વહેંચણીથી કેટલી જુદી પડે છે તે વાત જાહેર કરવી જોઇએ. ઉદ્યોગોને પાણી જરૂર આપો, પરંતુ સિંચાઇના ભોગે નહીં.
કુલ તેત્રીસસો પાણી મંડળી બનાવી સિંચાઇ માટે પાણી આપવાનું હતું. તેમાંથી કેટલી મંડળીઓ બની અને કેટલી કાર્યાન્વિત થઇ? એક અંદાજ પ્રમાણે હાલ ૧૨૦૦ મંડળીઓ બની છે, પરંતુ તેમાંની મોટા ભાગની કાગળ ઉપર બની હોવાથી એક પણ મંડળી પૂર્ણ સ્વરૂપે કાર્યરત નથી થઇ તેવી દહેશત છે. આથી ખેડૂતોને તોલમાપ (વોલ્યુમેટ્રિક) પદ્ધતિથી પાણી આપવાની અને મંડળીના સભાસદોને ચક અને સબચકમાં વહેંચી તેમની ભાગીદારી સાથે ઢાળિયા બનાવવાની અને સિંચાઇજળનું વ્યવસ્થાપન કરવાની વાત બાજુમાં રહી ગઇ છે તેવી દહેશત નિગમ બહારના નિષ્ણાતો સેવી રહ્યા છે.
ઉપર દર્શાવ્યા ઉપરાંત એવા ઘણા મુદ્દાઓ છે, જેમાં નર્મદા નિગમની કામગીરી પ્રશંસનીય રહી નથી. આ જોતાં એમ લાગે છે કે અત્યાર સુધી નર્મદા યોજના બાબત ગુજરાતની પ્રજાએ સેવેલાં સુવર્ણ સ્વપ્નો કદાચ દુ:સ્વપ્ન બની રહે. ત્યારે હવે શું કરવું? મહાભગીરથ કામમાં નર્મદા નિગમ અને સરકાર જો નિષ્ફળ જતાં હોય, પોતાની નિષ્ફળતા પ્રત્યે ચુપકીદી સેવતાં હોય અને લોકોનો વિશ્વાસ અને ટેકો લેવામાં પાછાં પડતાં હોય તો નાગરિકો અને વિવિધ સંસ્થાઓએ આપમેળે આ પ્રશ્ન હલ કરવા આગળ આવી આ પ્રશ્ને મૌન સરકારને ટેકો કરવો જોઇએ.
૧ સર્વપ્રથમ તો માહિતી અધિકારના કાયદા હેઠળ ઉપરોકત પ્રશ્ન વિશે સાચી માહિતી માગી શકાય.
૨ અગાઉ પુનર્વસનના પ્રશ્ન પરત્વે પક્ષીય રાજકારણથી ઉપર ઊઠીને કામ થયું છે. સરકારે વિપક્ષો અને પોતાના જ પક્ષનાં પેટા જૂથો પરત્વેથી આભડછેટ છોડીને તેમનો સક્રિય ટેકો માગીને પુનર્વસનનો પ્રશ્ન હલ કરવો જોઇએ.
૩ લાભાર્થી ખેડૂતોની સક્રિય ભાગીદારી લઇ, તેમનાં હિતો અને જરૂરોને માન આપી, સ્થાનિક સિંચાઇ નેતાગીરી (દાદાગીરી નહીં) ઊભી કરી ઢાળિયા તથા બીજા અનેક પ્રશ્નો હલ કરી શકાશે. ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ આ માટે તૈયાર છે, પણ નિગમ મૌન છે.
૪ નર્મદા આયોજન જૂથને પુન:સક્રિય કરી, નિષ્ણાતોની ભાગીદારી મેળવી ઘણા પ્રશ્નો હલ કરી શકાશે.
૫ ખુદ સરકાર તરફી કિસાન સંઘને તથા અન્ય ખેડૂત મંડળોને આ બાબતમાં વિશ્વાસમાં લેવા જરૂરી છે.