ઇશ્વર વિશે વિવેકાનંદે કહ્યું છે.‘મેં ઇશ્વરની આનાથી વધુ સારી વિભાવના નથી વાંચી કે એ મહાન પુરાતન કવિ છે અને આ સમસ્ત સંસાર અનંત આનંદમાં લખાયેલી એની કવિતા છે.’
કવિવર રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતી વિશ્વભરમાં ઊજવાઇ. કવિશ્રી નિરંજન ભગત અને શૈલેશ પારેખના આયોજનમાં અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સત્ર યોજાયું. સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથથી બે વર્ષ નાના છે અને રવીન્દ્રનાથ કરતાં અડધું આયુષ્ય એમણે ભોગવ્યું છે. છતાં રામકૃષ્ણ પરમહંસના સંદેશવાહક તરીકે એ વીસમી સદીની અનેક વિભૂતિઓના અગ્રણી છે.
સને ૧૮૬૩ના જાન્યુઆરીની ૧૨મી તારીખે કલકત્તાના એક અભિજાત ક્ષત્રિય પરિવારમાં એમનો જન્મ અને સને ૧૯૦૨ના જુલાઇની પાંચમી તારીખે એમના દેહનો અગ્નિસંસ્કાર. આગલા દિવસે એમણે અંતિમ સમાધિમાં પ્રવેશ કર્યો હતો. સ્વામીજીની રચનાત્મક અને વિધેયાત્મક જીવનદ્રષ્ટિના રવીન્દ્રનાથ અને મહાત્મા ગાંધી બંને પ્રશંસક હતા. અરવિંદે પણ કહ્યું છે કે સ્વામી વિવેકાનંદના નેતૃત્વમાં ભારત વિજયલક્ષ્મી જાગૃતિ પામ્યું. ‘દરિદ્રનારાયણ’ શબ્દ સ્વામીજીએ આપ્યો જેને ગાંધીજીએ લોકપ્રિય બનાવ્યો.
આ પ્રભાવ વિવેકાનંદની ઓજસ્વી વાણીનો હતો. એમની આ વાણીએ અનેકવાર કવિતાનું રૂપ ધારણ કર્યું છે. એમની કવિતામાં જીવનલક્ષી આધ્યાત્મિકતા ઝગમગે છે. તો સામાન્ય ગ્રામવાસીઓના ન્úત્યમાં ભળીને સ્વરચિત ગીત ગાયું છે. જ્યાં નિષ્ઠુર વનમાળી રહે છે ત્યાં યોગિનીનો વેશ ધરી હું જઇશ.
ગુજરાતી ભાષામાં સ્વામી વિવેકાનંદનું સમગ્ર સાહિત્ય સુલભ છે. રાજકોટના રામકૃષ્ણ આશ્રમનો એમાં સૌથી મોટો ફાળો છે. સાડા પંદરસો પૃષ્ઠનો ‘યુગનાયક વિવેકાનંદ’ ગ્રંથ બે ખંડમાં મળે છે. એનું મૂલ્ય છે માત્ર ત્રણસો રૂપિયા! બજારભાવે એની કિંમત આઠસો રૂપિયાથી વધુ થાય. એના લેખક છે સ્વામી ગંભીરાનંદ. સ્થળો અને વ્યક્તિઓની તસવીરો આપીને વિવેકાનંદના જીવનકાર્યને અહીં પ્રત્યક્ષ કરવામાં આવ્યું છે. પ્રવાસ, પ્રવચન અને સાધનાથી સ્વામીજીએ ગુજરાતને પણ ધન્ય કર્યું છે. ગુજરાતે એ ઋણ ફરી એકવાર સ્વીકારવા માટે આજે ઉત્તમ તક છે. ઇચ્છીએ કે સ્વામીજીનાં પ્રેરક વચનો અને કાવ્યપંક્તિઓ નવી પેઢી બોલતી થાય. ‘ઊઠો જાગો’ એ આહ્વાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે.
તત્વજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના વિશેષણ વિશ્વનાથ નરવણેએ ‘આધુનિક ભારતીય ચિંતન’ પુસ્તકમાં વિવેકાનંદ વિશે લખતાં એમની કવિતાઓ પણ ટાંકી છે. તો સ્વામીજીના કેટલાયે ઉદ્ગાર કવિતાની ઊંચાઇ પામે છે.સ્વામીજી શાન્ત સરળ પ્રવાહના પ્રવકતા નથી, જીવનની તેજ ધારાના ઉદ્ગામી છે. એમાં અવરોધ ન આવે તો જ નવાઇ એ કહે છે:‘જીવન્ત વહેતી ધારામાં જ વમળ પડે છે. વિચારોના સંઘર્ષમાંથી જ વિચાર જાગે છે.’
કોઇકે એમને ભારતના તોફાની સાધુ કહ્યા છે, તો હિમાલયમાં કોઇકે એમને જોતાં જ કહી દીધું- ‘શિવ!’રામકૃષ્ણ બહારથી ભકત હતા, ભીતરથી જ્ઞાની હતા, વિવેકાનંદ બહારથી જ્ઞાની, ભીતરથી ભકત હતા. ગુરુ-શિષ્ય વચ્ચેનું આ સામ્ય ભગિની નિવેદિતાએ સૂચવેલું.વિવેકાનંદ ગુફાવાસી ન બન્યા. સતત એકલા વિચરતા રહ્યા. તેથી કહેવાયું કે એમણે ભારતની વિરાટતામાં પોતાને વિલીન થઇ જવા દીધી. પછી હિમાલય ગયા તો અલ્મોડામાં દેવદાર વૃક્ષોની છાયાથી શોભતી કંદરાઓમાં રહીને સંસ્કૃતનો ગહન અભ્યાસ કર્યો. તો અમદાવાદમાં એમણે જૈન અને ઇસ્લામી પરંપરાઓનું આકર્ષણ અનુભવ્યું. અલવરના નિવાસ દરમિયાન એમણે ઈતિહાસનો અભ્યાસ કર્યો અને ઈતિહાસકારો આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓના નિષ્ણાત બને એ વાત પર ભાર મૂક્યો.
શિકાગો ધર્મસંસદમાં એમણે આપેલું પ્રવચન વિશ્વવિખ્યાત બન્યું એનાં બે કારણ છે. તત્વજ્ઞાનના સ્નાતક વિવેકાનંદ અનેક વિષયોના જ્ઞાતા બની ચૂક્યા હતા અને રામકૃષ્ણ પરમહંસની ચેતનાનું એમની ઊર્જાને સતત પીઠબળ હતું. અમેરિકાના એક પત્રકારે કહેલું કે એ વિવેકાનંદનું પ્રવચન સાંભળતા હતા ત્યારે વિવેકાનંદની પીઠ પાછળ એમને રામકૃષ્ણ પરમહંસની આકૃતિ દેખાતી હતી.વેદાન્ત વિશેની કેટલીક ભ્રમણાઓ વિવેકાનંદે દૂર કરી. તત્વજ્ઞાનની વાત કરતાં એમની ભાષા સુંદર બની જાય છે. ઇશ્વર વિશે એમણે કહ્યું છે.
‘મેં ઇશ્વરની આનાથી વધુ સારી વિભાવના નથી વાંચી કે એ મહાન પુરાતન કવિ છે અને આ સમસ્ત સંસાર અનંત આનંદમાં લખાયેલી એની કવિતા છે.’
કોઇ દાર્શનિક પ્રકૃતિની સુંદરતા પ્રત્યે ઉદાસીન ન હોઇ શકે. ‘જો તમે પ્રકૃતિનું સામંજસ્ય ગમતું નથી તો તમને ઇશ્વર કેમ કરીને ગમવાનો, જે સમસ્ત સામંજસ્યનો પુંજ છે.’ (પૃ. ૯૮, આધુનિક ભારતીય ચિંતન)
વિવેકાનંદ વેદાન્તના આધારે એવું દર્શન વિકસાવવા માગતા હતા જે સઘળા સંઘર્ષો દૂર કરી માનવજાતિને સર્વતોમુખી સંપૂર્ણતાની ઊંચાઇએ પહોંચાડે. એ જ એનું ઇષ્ટ છે.
‘જાગ્રત ભારત’ સ્વામીજીની જાણીતી કવિતા છે. કહે છે: ‘જાગો, ઊઠો, હવે વધુ સ્વપ્ન ન જુઓ. જ્યાં કર્મ દોરા વિનાના હાર ગૂંથે છે એવો છે આ સપનાંનો દેશ.’ આ કવિતામાં સ્વામીજી સાહસ સાથે સત્યનો સામનો કરવા કહે છે. સાચાં સ્વપ્ન જોવાં હોય તો એ છે ચિરંતન પ્રેમ અને સેવાનાં. સંસારમાં ડૂબીને કર્મનું રહસ્ય શીખવાનું છે. સ્વામીજી માનતા હતા કે સ્વાધીનતા વિજ્ઞાન અને ધર્મ બંનેનું લક્ષ્ય છે. બરફના મહાસાગરનાં છિદ્ર બની એ બરફને તોડવાનું કામ આત્મા કરે છે. યુરોપની બૌદ્ધિકતા બુદ્ધના હૃદયનાં પ્રેમ અને કરુણાનો સંયોગ પામે તો સર્વોચ્ચ દર્શન સુલભ થાય. કવિતા અને દર્શન વચ્ચે બંધુતા સ્થપાય.