ભાવનાનું નિરૂપણ કરવાનું મારે માટે ખાસ અઘરું નથી પણ મને એમાં ‘ચડ જાઓ બેટા શૂલી પે’ એવું જાણે કરતો હોઉં એમ લાગે છે.
સને ૧૯૬૬માં પ્રગટ થયેલી ૪૬૮ પૃષ્ઠ (છઠ્ઠી આવૃત્તિ, ૨૦૧૧) ધરાવતી સામાજિક નવલકથા ‘મીણ માટીનાં માનવી’ના આરંભે પન્નાલાલે ‘મને સમજો!’ શીર્ષકથી કેફિયત રજૂ કરી છે.સાહિત્ય શા માટે? પન્નાલાલ કહે છે- ‘આનંદ ખાતર’ પછી અવનવા અનુભવનો ઉલ્લેખ કરે છે. એ સાથે ઉમેરે છે:‘લેખકની ચેતના પેઠે ભાવકની ચેતનાની પણ મર્યાદા તો હોય જ છે.’
વીસમી સદીનો સાતમો દાયકો આધુનિકતાની બોલબાલાનો હતો. પ્રયોગશીલ સાહિત્યના ટેકેદારો ભાવકની મર્યાદા પર ભાર મૂકી લેખકના સાચા-કાચા પ્રયોગોને પણ આવકારતા, પણ પન્નાલાલે તો પ્રયોગ ખાતર પ્રયોગનો મહિમા કર્યો નથી. એમની વાર્તાઓ અને નવલકથાઓની રચનારીતિ એમની કોઠાસૂઝ સાથે સંબંધ ધરાવે છે. જોકે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓથી એ અજાણ હતા એવું તો નથી જ. ઉમાશંકર જોશીએ લખ્યું છે:
‘હું એમની સાથે શેકસપિયર વાંચતો. ચેખોવ અમુક સમયમાં તો અમારો ચાલુ ચર્ચાનો વિષય. તુર્ગનેવની ‘ટોરેન્ટ્સ ઓફ સ્પ્રિંગ’ (વસંતના ધોધવા) લઘુનવલ તેઓ પોતાની મેળે વાંચી ગયેલા. પણ એ ઉપક્રમ ક્યાંક અટકી ગયો. વિવિધ દેશોનાં સાહિત્ય, ઈતિહાસ, તત્વજ્ઞાન એ તો આવી પ્રતિભાનો રોજિંદો ખોરાક ન હોય? પણ પન્નાલાલે પોતાની રીતે, ‘ભગત’ પિતા તરફનું રહસ્યવાદનું પડખું તો હતું જ, અરવિંદનાં લખાણોમાં ચાંચ ડુબાડતા રહીને અંગ વાળ્યો.’ (પૃ. ૩૧૨, પન્નાલાલનું પ્રદાન, સં. રમેશ હ. દવે સાથે). ઉમાશંકરભાઇએ પન્નાલાલના સર્જક વ્યક્તિત્વ સાથે પ્રેમ અને સંગીતના સંયોગનો નિર્દેશ કર્યો છે. કહ્યું છે કે તક મળી હોત તો કદાચ એ કઠ્યસંગીતના એક ઉમદા કલાકાર નીવડ્યા હોત.
જેમણે પન્નાલાલને ગાતા સાંભળ્યા છે એ આ વિધાનને વધાવી લેશે. મને એમના ગીત ‘તું તો ફરફરતો વાસંતી વાયરો’નું સ્મરણ થાય છે-એમના અવાજ સાથે.આ પન્નાલાલને ઝવેરચંદ મેઘાણી અને રા. વિ. પાઠકે આવકાર આપ્યો એની સાથે સાહિત્યરસિક ગુજરાત જોડાયું. એમની વાર્તાઓ રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત થઇ હતી, પણ સાતમા દાયકાના આધુનિકતાવાદી વલણે એમની ઉપેક્ષા કરી. એની સામે પડીને મહાબલિ લાભશંકર ઠાકરે સને ૧૯૯૩માં ‘હા તો હમારી સલામ: માસ્ટર સ્ટોરી ટેલર પન્નાલાલને’ નામે પાંત્રીસ પૃષ્ઠનો આસ્વાદ લેખ લખ્યો.
ચાર વર્ષ પહેલાં પન્નાલાલે વિદાય લીધી હતી. એમણે ભલે આ લેખ વાંચ્યો ન હોય પણ લા.ઠા.નો સદ્ભાવ એ જાણતા હતા. લા.ઠા.ને પણ પન્નાલાલનું આ વિધાન ગમતું: ‘વાસ્તવિકતાને ભોગે ભાવનાને નિરૂપવાનો ભાગ્યે જ મેં પ્રયત્ન કર્યો હશે.’ પન્નાલાલ બીજા પર ભાવનાના આરોપણ વિશે હળવી શૈલીમાં કહે છે: ‘ભાવનાનું નિરૂપણ કરવાનું મારે માટે ખાસ અઘરું નથી પણ મને એમાં ‘ચડ જાઓ બેટા શૂલી પે’ એવું જાણે કરતો હોઉં એમ લાગે છે.’ (અલકમલક)
પન્નાલાલે પોતાની ભૂમિકા બદલી નથી, નવા પ્રવાહો ગળે ન ઊતરે તો લોભાય એ બીજા. તેથી લેખનના યશસ્વી ત્રણેક દાયકા પછી એ ‘મને સમજો’-કહેવાનો હક ધરાવે છે:‘સર્જકને માટે સહુ પ્રથમ સવાલ હોય તો રસનો છે- કેવી રીતે રસ જાળવવો?’તો બીજો સવાલ છે, વાસ્તવિકતાનો. (જેને સત્ય તો નહીં પણ સત્યની માસિયાઇ બહેન કહી શકાય).ને ત્રીજો સવાલ નવીનતાનો પણ એટલો જ મહત્વનો છે.
(જેને દર્શનના વાઘા પહેરાવો તો બંધબેસતા આવી પણ જાય!)’ (પૃ. ૪, મીણ માટીના માનવી). સાતમા દાયકામાં અસ્તિત્વવાદ આદિવાદની ચર્ચા ચાલતી હતી એનો અહીં પન્નાલાલ ‘દર્શનના વાઘા’ તરીકે ઉલ્લેખ કરતા હોય એ શક્ય છે. પન્નાલાલ પોતાના ઇશાનિયા દેશના અનુભવોની મૂડીને પોતાની પ્રાણવાન ભાષા અને રચનારીતિની કોઠાસૂઝથી વ્યક્ત કરતા રહ્યા. ‘માનવીની ભવાઇ’નો બીજો ભાગ ‘ભાંગ્યાના ભેરુ’ ૧૯૫૭માં પ્રગટ થયો. તો ત્રીજો ભાગ ‘ઘમ્મર વલોણું ૧-૨’, સને ૧૯૬૮માં પ્રગટ થયો. આમ સમગ્ર મહાકથાના લેખનમાં એમણે બે દાયકાથી વધુ સમય આપ્યો. અનંતરાય રાવળે આ મહાકથાનો મહિમા કર્યો હતો.
‘મીણ માટીનાં માનવી’ જેવી જ બ્úહદ કથા ‘કરોળિયાનું જાળું’ ૧૯૬૩માં પ્રગટ થઇ હતી. આ બંને કથાઓને સ્વ. અનિરુદ્ધ બ્રહ્નભટ્ટ અને હેમંત દેસાઇ જેવા સમીક્ષકોનો લાભ મળ્યો હતો. પન્નાલાલનો પોતાનો સમાજ અને ઈતિહાસ-ભૂગોળ વ્યક્ત કરતી નવલકથાઓ ‘ગલબસિંગ’ (૧૯૭૨) અને ‘તાગ’ (૧૯૭૯)ને દીપક મહેતા અને બાબુ દાદલપુરાએ ધ્યાનથી તપાસી હતી. ‘તાગ’ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળી શક્યો હતો.
ઉપયુંકત કક્ષાઓનો ઉલ્લેખ કરવાનું એક કારણ છે: અત્યારે શિક્ષણ અને સાહિત્યની સંસ્થાઓ પન્નાલાલ વિશે એક કે બે દિવસના પરિસંવાદોનું આયોજન કરે છે. એમાં ‘વળામણાં’, ‘મળેલા જીવ’, ‘પાછલે બારણે’, ‘માનવીની ભવાઇ’ને સ્થાન મળે છે. કોઇકને ‘ના છૂટકે’ યાદ આવે છે. આ ઉપયુંકત કથાઓનો સમાજલક્ષી-ભાષાલક્ષી અભ્યાસ થાય તો અધ્યાપકોનું વિદ્યાતેજ વધે.
ગુજરાતી સાથે સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓ જોડાય તો ‘પાર્થને કહો ચઢાવે બાણ’, ‘કૃષ્ણજીવનલીલા’, ‘રામે સીતાને માયાઁ જો’, ‘શિવપાર્વતી’ જેવી ચારથી છ ભાગની કથાઓનું મૂળ વસ્તુ સાથે સરખાવીને મૂલ્યાંકન થઇ શકે. પન્નાલાલ ઉર્દૂ અને રાજસ્થાની પણ જાણતા હતા. એમનું જન્મસ્થાન માંડલી રાજસ્થાનમાં છે. સાસરું-વાલીબહેનનું પિયર અલબત્ત ગુજરાતમાં છે. કાંઠે છે વાત્રક. પન્નાલાલની પ્રિય નદી, જે અમદાવાદમાં સુકાતી સાબરમાં ભળી જાય છે. ‘