ગુજરાતી પ્રવાસલેખન કેટલું વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે, તેની પ્રતીતિ આ યાદગાર પ્રવાસનો સંચય કરાવી રહે છે.
બે લેખના શીર્ષકની આ પંક્તિ અલ્પખ્યાત કવિ અરજુન ભગતની છે, જે પહેલાં સુન્દરમ્ના ઉત્તમ પ્રવાસગ્રંથ ‘દક્ષિણાયન’ના મુખપુષ્ઠ પર વાંચી હતી. હમણાં સુરેશ દલાલ દ્વારા સંપાદિત અને ઇમેજ દ્વારા પ્રકાશિત ગુજરાતી પ્રવાસીઓ લખેલા પ્રવાસગ્રંથોમાંથી કરેલા ઉત્તમ સચિત્ર ચયન ‘યાદગાર પ્રવાસો’ના અંત ભાગે આ પંક્તિ શીર્ષકથી સંપાદકનો એક નબિંધ પણ છે. કાકાસાહેબ કાલેલકરે ‘હિમાલયનો પ્રવાસ’ લખી આપણા સમયમાં આપણા સૌને એક સૂત્ર આપ્યું હતું- ‘ચરાતિ ચરતો ભગ:’ (ચાલે ભાગ્ય ચલેતનું).
સુન્દરમે ‘મેં તો મેરે જાતે’ સૂત્ર પ્રચલિત કર્યું. કોઇ સાથસંગાથ હોય તો સારું, પણ એ ન હોય ત્યારે પણ જેમનામાં રઝળપાટની વૃત્તિ (વોન્ડર લસ્ટ) પ્રબળ હોય, તેવા લોકો તો નીકળી પડે છે, દેશ અને દુનિયા જોવા. બધા કંઇ લેખન નથી હોતા, પણ કેટલાકને પોતાનાં ભ્રમણો બીજાઓ સાથે વહેંચાવાની ઇચ્છા થાય અને પ્રવાસગ્રંથ લખે. આપણાં યાત્રાતીર્થો દેશને ચાર ખૂણે એક બાજુએ હિમાલયનાં ઉચ્ચોચ્ચ શિખરો પર છે, તો બીજી તરફ ઘૂઘવતા સાગર તીરે છે. યાત્રા કરવા નીકળનારને ધર્મલાભ તો થતો જ હશે, પણ એ આવી ‘જાત્રા’ પછી વધારે પ્રજ્ઞાવાન થઇને પાછો ફરતો હશે.
રવીન્દ્રનાથે માણસમાત્ર (સ્ત્રી પુરુષ સમેત)માં રહેલી બે વૃત્તિઓની વાત પ્રતીકાત્મક રીતે તેમના ‘દુઇ પાખી’ - (બે પંખી)નામની કવિતામાં કરી છે. એક પંખી પિંજરામાં સુરક્ષા ઇચ્છે છે, (પિંજર ખુલ્લું હોય તો એ બહાર નીકળતું નથી.) બીજું સુરક્ષાને ભોગે પણ આકાશમાં ઉડ્ડયનો કરવા ઇચ્છે છે.
સુરેશ દલાલે અતિ દ્રષ્ટિપૂર્વક ‘યાદગાર પ્રવાસો’નો આ સંચય કર્યો છે, જે આપણામાં રહેલા મુકતપંખીને પાંખોનું જોર આપે છે, પણ જેઓ ગૃહસ્થ છે-પિંજરબદ્ધ છે, તેને પણ ઊડવાનો આનંદ આવે છે. આ સંચયમાં ગુજરાત પછી ભારત, પછી એશિયા-અમેરિકા અને પછી યુરોપીય અને બીજા દેશો, મધ્યપૂર્વના દેશો અને આફ્રિકા-કહો કે સમસ્ત પૃથ્વીના દેશો વિશે સરસ રીતે લખાયેલાં પ્રવાસ વર્ણનો છે. દરેક પ્રવાસીની જુદી નજર અને જુદી શૈલી- પણ જાસૂસી નવલકથાની જેમ કુતૂહલપૂર્વક વિસ્મયાભિભૂત થઇને વાંચે જ જાઓ. સંભવ છે કે એ પછી ઘરકૂકડી માણસ પણ એકાએક પોતે જીવતો છે એની પ્રતીતિ કરવા ભ્રમણે નીકળી પડશે. કોઇ સંગાથ હોય કે ન હોય- મેં તો મેરે જાતે- એવો સંકલ્પ જઇ જશે, આવા સંચયની આ કંઇ ઓછી ફલશ્રુતિ નથી.
અહીં ૬૧ ભ્રમણો છે, તેમાંથી કોની વાત કરવી? આપણને થાય કે આટલા બધા ગુજરાતી પ્રવાસીઓએ પોતાના ભ્રમણને અક્ષરબદ્ધ કર્યું છે. બીજા કેટલાક પ્રવાસીઓ ભ્રમણોની વાત આ ચયનની બહાર રહી છે, તેમ છતાં આ મધપૂડો છે, જેનું સ્વાદિષ્ટ મધુ તો વાચક ચાખે, પણ ઇચ્છું કે થોડી મધમાખીઓ એને ડંખીને વ્યાકુળ પણ કરે.
પ્રસિદ્ધ નર્મદાયાત્રી અમૃતલાલ વેગડ અહીં આપણને ‘કબીરવડથી વપિલેશ્વર’ અને ‘ઓમકારેશ્વરથી મહેશ્વર’ નર્મદા કાંઠે કાંઠે પગપાળા પરિક્રમામાં સહયાત્રી બનાવે છે. બીજી નદીઓમાં સ્નાન કરવાથી પવિત્ર થાય, નર્મદા મૈયાનાં તો માત્ર દર્શન જ પાવન કરે છે. એક યુવાન યાત્રી સંજય ચૌધરી ગિરનારની પરિક્રમા કરાવે છે. આ બંને લેખકોને વાંચ્યા પછી કોનાં ચરણ ચાલવા ચંચળ નહીં થઇ ઊઠે?
સંપાદકે પોતાના આ ચયનમાં ઓગણીસમી સદીના ગુજરાતી (પારસી) પ્રવાસીઓએ લખેલા ગ્રંથોમાંથી પણ પસંદગી કરીને પ્રશંસાર્દ કામ કર્યું છે. તેમાં અત્યારે ઉપલબ્ધ (એ પહેલાં પણ એક ગ્રંથ લખાયેલ છે) પ્રવાસગ્રંથોમાં પ્રથમ, એવા પારસી લેખક ડોસાભાઇ ફરામજી કરાકાના ‘ગરેટ બિરટન ખાતેની મુસાફરી’માંથી ‘પારીસ’ વિશેનો લેખ ‘તરોતાજા’ લાગે છે, ભલે ઓગણીસમી સદીના પારિસનો હોય. ડોસાભાઇ આ ચિરસુંદરી નગરીને કેવી રીતે જુએ છે? ‘આખી દુનિયામાં પારીસ સઉથી ખૂબસૂરત શેહેર છે, તેમાં કશો સંઘે નથી’ એમ કહી પછી પેરેગ્રાફ જેવડા એક દીર્ઘવાક્યમાં-પેરિસ જોઇને ચમત્કૃત પારસીબાવા એનું જે વર્ણન કરે છે, તે ૨૧મી સદીનો પેરિસનો પ્રવાસી પણ ગ્રાહ્ય રાખશે.
આપણે ત્યાં અમુક સ્થળ જેણે ન જોયું હોય તેને ‘જીવતોમુઓ’ના પ્રાસ સાથે જોડી દેવાય છે, પણ પેરિસ વિશે તો સાચું જ છે. લેખક વારેવારે ‘અચરત’ (આશ્ચર્ય)-શબ્દ વાપરે છે. (પ્રેમાનંદે પેરિસ જોયું હોત તો સુદામાચરિતમાં તે દ્વારકાનું વધારે સુંદર વર્ણન કરી શક્યો હોત એવા અર્થનું ડોસાભાઇની તરત પછી ઇંગ્લેન્ડ ગયેલા મહીપતરામ નીલકંઠે લખ્યું છે.)
૧૯મી સદીના ગુજરાતીઓને દેશાટન કરવાની શીખ સૌ પહેલાં કરસનદાસ મૂળજીએ આપેલી, તેમનો લંડન નગરીના વર્ણનનો લેખ છે. પણ જેનો ઉલ્લેખ કરવો જ જોઇએ એવો પ્રવાસગ્રંથ ગોંડળના મહારાણી નંદકુંવરબાએ ઓગણીસમી સદીના અંતભાગે કરેલા દુનિયાના અનેક દેશોના પ્રવાસનું વર્ણન ‘ગોમંડળ પરક્રિમ’ છે, જેમાંથી ‘દેન્માર્ક’ વિશેનો લેખ અહીં છે.
નંદકુંવરબા જેવાં આપણા સમયના દુનિયા ડહોળનાર પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા છે, તે પણ પોતાની ચીનની યાત્રાના અનુભવો સાથે અહીં છે, એમની જોડમાં ઊભાં રહી શકે એવાં ભારતી રાણે ‘એથેન્સની અનુભૂતિ’ કરાવતાં આ સંચયમાં છે. નંદકુંવરબા, પ્રીતિ સેનગુપ્તા અને ભારતી રાણે-ગુજરાતી નારી સમગ્ર ગુજરાતી પ્રવાસલેખનમાં આગળ તરી આવે છે.’
આમ તો અહીં ઘણા જાણીતા પ્રવાસલેખકો આપણને જગત દર્શન કરાવે છે, પણ જે લેખક તરીકે અગાઉ જાણીતા થયા નથી, જાણીતા છે, તો એક ઉત્તમ ફોટોગ્રાફર તરીકે, એવા વિવેક દેસાઇના અહીં લીધેલા એક લેખને વાંચવા માટે પણ આ ‘યાદગાર પ્રવાસો’નો બૃહદ ગ્રંથ હાથમાં લેવો રહ્યો.
વિવેક દેસાઇના સુદીર્ઘ લેખનું નામ છે ‘ઇસ ઘટ અંતર અનહદ ગરજે.’ સાદી ભાષામાં કહીએ તો એ લેખમાં અલ્હાબાદના અર્ધકુંભ મેળા વખતે કાશીમાં નાગા બાવાઓની ફોટોગ્રાફી કરવાનો વિલક્ષણ અનુભવ તેમાં અંકિત છે. તેની વિશેષતા એ છે કે તે માત્ર બાહ્ય અનુભવોનું વર્ણન નથી. અલ્હાબાદ પછી વારાણસીના સાત આઠ દિવસ દરમિયાન નાગાબાવાઓની ફોટોગ્રાફી કરતા ફોટોગ્રાફર વિવેક દેસાઇની આંતરપ્રક્રિયા વર્ણવાઇ છે. ગંગાને કિનારે પ્રાણગિરિ સ્વામીએ કહ્યું.
‘દેખો બચ્ચા હમારે સાથે રહના હૈ તો કપડે ભી ઉતારને પડેંગે...’ વિવેક કહે છે: ‘આપ બોલો અભી ઉતાર દૂં...’ ‘ઠીક હૈ-ઉતાર દો સબ કપડે આૈર ગંગાજી મેં સ્નાન કરકે આઓ.’ વિવેક દેસાઇ લખે છે- ‘મેં ગંગામાં છલાંગ લગાવી... નદીમાં વગર કપડે છલાંગ મારતાં બાળકોની ફ્રેમો કંડારનાર હું આજે કોઇ ફોટોગ્રાફરની ફ્રેમ થઇ ગયો હતો...’ પછી કહે છે- ‘મારા સંસારી અસ્તિત્વને હું છોડી ચૂકયો હતો, ફોટોગ્રાફી સાથેના મારા રોમાન્સની આ ચરમસીમા હતી. પણ પછી ગોળાકારે બેસી વારાફરતી ચિલમ પીતા સાધુઓએ આપણા વિવેક દેસાઇને કહ્યું- ‘લે બચ્ચા, દમ લગા લે...’ સાધુઓની પંગતમાં એ પણ દમ મારે છે.
વિવેક લખે છે- ‘આ આઠેય દિવસ મેં ક્ષણક્ષણ કણકણની જેમ માણી. ચરસ ગાંજાનો કેફ ક્યારેય મારા ફોટોગ્રાફીના નશાને હલાવી શક્યો નહીં કે ના તો દગિમ્બર અવસ્થાનો ભાર લાગ્યો! આકાશ ઓઢીને સૂવાનું ને પવિત્ર ગંગા નદીને ખોળે ઊઠવાનું.’ગુજરાતી પ્રવાસલેખન કેટલું વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે, તેની પ્રતીતિ આ યાદગાર પ્રવાસનો સંચય કરાવી રહે છે.