આજનો મનુષ્ય ભૂતકાળમાં વાનર હતો એવું ડાર્વિને કહ્યું હતું. વાનર મનુષ્યના પૂર્વજ છે. જે સમયની સાથે વિકાસ પામીને મનુષ્ય બની ગયો છે. જીવવિજ્ઞાનમાં તેમના આ સિદ્ધાંતને બહુ મહત્વ આપવામાં આવે છે, પણ પ્રકૃતિમાં આ રીતે પરિવર્તન આવતું આજ દિન સુધી કોઇએ જોયું નથી. અરે વિજ્ઞાનીઓએ પણ ક્યારેય આ પ્રકારનું પરિવર્તન જોયું નથી. તેથી ડાર્વિનની આ થિયરીને લોકો મજાક સમજીને ઉડાવતા અને કહેતા કે, અમુક વાનર જ મનુષ્ય કેમ બન્યા? બધા વાનર કેમ નહીં? અને બાકીના વાનર મનુષ્ય ક્યારે બનશે? પરંતુ હાલમાં અમુક જીવવિજ્ઞાનીઓ ડાર્વિનના સિદ્ધાંતને અમલમાં મૂકી નવીન સંશોધન કરી રહ્યા છે. એ સંશોધન સોંગબર્ડ પર ચાલી રહ્યું છે.
રંગ બદલતું સોંગબર્ડ
હવે વિજ્ઞાનીઓએ એક એવા પક્ષીની શોધ કરી છે જે અચાનક પોતાનો રંગ, રૂપ અને હાવભાવ બદલી નાખે છે. એ પક્ષીને સોંગબર્ડ કહે છે. જે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. કેનેડાના વિશ્વવિદ્યાલય અને અર્જેટિનાના પ્રાકૃતિક ઈતિહાસ સંગ્રહાલયના જીવવિજ્ઞાનીઓએ સોંગબર્ડમાં થઇ રહેલા આ અનોખા પરિવર્તનનો અભ્યાસ કર્યો છે. એમણે સોંગબર્ડમાં સૌથી પહેલું પરિવર્તન એ રંગ બદલે છે એ જોયું. બીજું નાટકીય રીતે એનામાં એ પોતાનો અવાજ બદલે છે તે જોવા મળ્યું. હા, પણ તેની રચનામાં કોઇ પરિવર્તન આવ્યું નથી. મતલબ કે તેની શારીરિક રચના તેના અન્ય સાથીઓ જેવી જ છે.
જીવવિજ્ઞાનનો ઉત્સાહ
પક્ષી વિજ્ઞાન આ અભ્યાસને લઇને બહુ આશાવાદી છે. તેમને વિશ્વાસ છે કે, ડાર્વિનની વિકાસવાદની થિયરી મુજબ પક્ષીની રચનામાં પરિવર્તન આવતું જરૂર જોવા મળશે. હવે આ અભ્યાસ પછી તેમનું માનવું છે કે, તેઓ એક નવા ઈતિહાસના સાક્ષી બની રહ્યા છે, કારણ કે તેમની દ્રષ્ટિએ સોંગબર્ડ પોતાના આંતરિક પરિવર્તન દ્વારા એક નવી પ્રજાતિને જન્મ આપી રહ્યાં છે. જીવવિજ્ઞાનનો અભ્યાસ કરનારી આ ટીમના પ્રમુખ લિયોનાદોઁ કાંપાગ્ના કહે છે, ‘ડાર્વિને કહ્યું છે કે, અમુક પ્રજાતિઓમાં ખાસ કોઇ બાહ્ય કારણ વગર તેમનામાં આપમેળે પરિવર્તન આવવું શક્ય છે. ૧૫૦ વર્ષ પહેલાં તેમણે કરેલી શોધને આધારે આજે અમે એ મહત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બનીશું, તેમણે તેમના પોતાના પુસ્તકમાં કહ્યું છે કે, એક પ્રજાતિ આંતરિક પરિવર્તન દ્વારા બેથી વધારે પ્રજાતિઓમાં બદલાઇ શકે છે.
કયા રંગસૂત્રો?
કાંપાગ્ના અને એમના સાથીદારો હવે રાતદિવસ એ રંગસૂત્રોને શોધવાના પ્રયત્નોમાં લાગી ગયાં છે. જે સોંગબર્ડમાં આવી રહેલાં પરિવર્તન માટે જવાબદાર છે. તેઓ જલદી જ નવી પ્રજાતિના નિર્માણ માટે જવાબદાર રંગસૂત્રોને શોધી કાઢશે એવો એમને ભરોસો છે. આ શોધ કોઇપણ પ્રજાતિના ઉદ્ભવ માટે જાણકારીનું અમૂલ્ય માધ્યમ પુરવાર થશે. દક્ષિણ અમેરિકામાં જીવવિજ્ઞાનીઓએ પક્ષીઓની નવ પ્રજાતિઓના ઉદ્ભવ અંગેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ‘
ડાર્વિનની થિયરી
દુનિયાનાં બધાં જ જીવતાં પ્રાણી, ફૂલથી લઇને પશુઓ અને પક્ષીઓ પણ પરસ્પર જોડાયેલાં છે. ભૂતકાળમાં એ બધાંના પણ કોઇ પૂર્વજ રહ્યા હશે. સમયની સાથે તેમનાં રંગસૂત્રોમાં સતત પરિવર્તન આવતાં નવા જીવ અસ્તિત્વમાં આવ્યા હશે. થિયરી ઓફ નેચરલ સિલેકશન કહે છે કે, જે જીવ પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવી શકતા નથી એ નાશ પામે છે. જીવોની રચનામાં તેમની જરૂરિયાત મુજબ પરિવર્તન આવતું રહે છે.