૧૮૭૨ની આ ઘટના છે. ન્યૂયોર્ક બંદર પર મજૂરો કામ કરી રહ્યા હતા. આલ્કોહોલથી ભરેલું જહાજ બંદર તરફ ધીરે-ધીરે આગળ વધી રહ્યું હતું. જહાજમાં ન્યૂયોર્કના લોકો યાત્રા કરી રહ્યા હતા. મજુરો આ જહાજથી ખૂબ સારી રીતે પરિચિત હતા. એ દિવસે જહાજ એક બાજુ નમી ગયું હતું અને એની નજીક બે નાની હોડી આવી રહી હતી. એ જહાજનું નામ ‘મેરી સલેસ્તી’ હતું. એ ક્ષણે કોઇને ખબર નહોતી કે આ જહાજ ઈતિહાસનો એક ભાગ બની જશે. આ જહાજના લોકો ક્યાં ગયા એ એક રહસ્ય બનીને જ રહી ગયું છે.
વર્ષના અંતમાં ‘ડે-ગ્રીશિયા’ નામનું એક જહાજ એટલાન્ટિક સાગરમાં યાત્રા કરી રહ્યું હતું. જ્યારે જહાજ સ્પેનના ઉત્તર-પશ્ચિમમાં ૯૮૨ કિલોમીટરનું અંતર કાપી ચૂક્યું ત્યારે કપ્તાન પોતાના રૂમમાં નકશો જોઇને જહાજની જગ્યા અને યાત્રાની દિશા નક્કી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક નાવિક દોડીને તેની પાસે આવ્યો અને કપ્તાનને કહ્યું કે,‘જરા બહાર નીકળીને જુઓ એક જહાજ આપણી તરફ આવી રહ્યું છે. જેમાં કોઇ વ્યક્તિ દેખાતી નથી. એવું લાગે છે કે, જહાજ સાવ ખાલી છે.’
કપ્તાને હુકમ કર્યો. ‘જહાજની નજીક ચલો.’ કપ્તાન મેરી હાઉસે દૂરબીન વડે જહાજને જોવાનો પ્રયત્ન કર્યો. જહાજને જોઇને તેમને નવાઇ લાગી. હે ભગવાન! આ તો ‘મેરી સેલસ્તી’ છે. જહાજનો સઢ જાણે પાડી દેવામાં આવ્યો હોય એવું લાગતું હતું. સામેનો સઢ એની જગ્યાએથી અલગ થઇ ચૂક્યો હતો.’ કપ્તાન મેરી હાઉસે પોતાના સ્ટાફને ‘જહાજને ઇશારો કરો’ એવો હુકમ આપ્યો.
ત્યારબાદ ‘ડે-ગ્રીશિયા’ના સ્ટાફે તેમનામાં રહેલી તમામ શક્તિને ભેગી કરીને, ‘ડે-ગ્રીશિયા’ના નામની બૂમો પાડી. તેમના ગગનભેદી અવાજ સમુદ્રમાં દૂર દૂર સુધી ગુંજતો રહ્યો. પણ સામેની તરફથી કોઇ જવાબ ન મળ્યો. તેથી કપ્તાને સ્ટાફના ત્રણ માણસોને જહાજની સ્થિતિ જાણવા માટે મોકલ્યા. એ ત્રણે વારાફરતી જહાજની ડેક પર ચડી ગયા. તેઓ એક એવા કોયડાને ઉકેલવા જઇ રહ્યા હતા જેનો ઉકેલ મળવો અશક્ય હતો, કારણ કે એ જહાજના લોકો એને છોડીને જતા રહ્યા હતા. કેમ? કદાચ એ લોકો એવું સમજતા હોય કે જહાજ ડૂબી રહ્યું છે.
તો જહાજના નીચલા ભાગમાં પાણી ભરેલું હોવું જોઇએ, પરંતુ એવું કંઇ નહોતું. જહાજના નીચેના ભાગમાં એક મીટરથી વધારે પાણી નહતું. તેથી જહાજ ડૂબવાનો તો કોઇ સવાલ જ નહોતો. એ ત્રણેય કપ્તાનની કેબિનમાં ગયા. ત્યાં કાપડ, નકશો અને પુસ્તકો યોગ્ય જગ્યા પર જ હતાં. બીજી મૂલ્યવાન વસ્તુઓ પણ જેમની તેમ પડી હતી, પણ નવાઇની વાત તો એ હતી કે, જહાજને ચલાવવાનાં યંત્રો ગાયબ હતાં. બીજી મજાની વાત એ હતી કે, અડધું જમવાનું અને કોફીથી ભરેલા ગ્લાસ ટેબલ પર પડ્યાં હતાં. આ ઉપરથી એ વાત તો સ્પષ્ટ હતી કે, જહાજ ક્યાંય તોફાનમાં ફસાયું નહોતું, નહીંતર કોફીના ગ્લાસ ઢોળાઇ ગયા હોત.
ત્રણેય વ્યક્તિઓએ પરત ફરીને કપ્તાનને માહિતી આપી. હવે ‘ડે-ગ્રીશિયા’ સ્ટાફના તમામ લોકો ‘મેરી સલેસ્તી’ માં એવું તો શું થયું કે જહાજના બધા લોકો ગાયબ થઇ ગયા. આ આંટીઘૂટીને પોત-પોતાની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જહાજમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયાના કોઇ અણસાર દેખાતા નહોતા. ટેબલ પર જમવાનું પડ્યું હતું. આહારનો પૂરતો પુરવઠો પણ હતો. રૂપિયા, ઘરેણાં અને અન્ય મૂલ્યવાન વસ્તુઓને કોઇએ હાથ અડાડ્યો ન હતો. તલવાર ઉપર ધબ્બાં હતાં. એ લોહીનાં પણ હોઇ શકે. બસ ફક્ત આ એક વાત આંખને ખૂંચતી હતી.
એ દરમિયાન ‘ડે-ગ્રેશિયા’ પોતાની સાથે ‘મેરી-સેલસ્તી’ને લઇને જિબ્રાલ્ટરના બંદરમાં પ્રવેશ્યું. જિબ્રાલ્ટર પહોંચ્યા બાદ નવેસરથી અનુમાન લગાવવામાં આવ્યાં. સરકારી વકીલે વિશ્વાસ સાથે પોતાનો મત આપતા કહ્યું કે,‘જહાજના લોકોએ આલ્કોહોલ પીધો હશે અને નશામાં ઓફિસરનું ખૂન કરી નાખ્યું હશે. ત્યારબાદ નાની હોડીમાં જતા રહ્યા હશે.’ પણ જહાજમાં હિંસા થઇ હોય એવાં કોઇ પ્રકારનાં ચિહ્નો ન હતાં. આલ્કોહોલ એની જગ્યા પર પડ્યો હતો.
તપાસ કરતાં એ પણ જાણવા મળ્યું કે, તલવાર ઉપર જે ધબ્બાં હતાં એ લોહીના ન હતાં. અમુક લોકોનું માનવું હતું કે, જહાજના લોકોએ બગાવત કરી અને ઓફિસરોને મારી નાખ્યા. આ વાત પણ માન્યમાં આવે તેમ નથી. વિશ્વાસ મૂકી શકાય એમ નથી. કોઇ માનવભક્ષી જહાજમાં આવી ગયો અને વારાફરતી તમામ લોકોને ખાઇ ગયો. એક વિચાર એવો પણ છે. એક વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, જહાજના નીચેના ભાગમાં પાણીને જોઇને કપ્તાને વિચાયું હશે કે, જહાજ ડૂબવાનું છે. તેથી એને છોડી દેવામાં આવે, પણ પાણી એવું કંઇ ખતરનાક તો હતું નહીં કે, તેઓ પોતાની સાથે મૂલ્યવાન ચીજવસ્તુઓ અને આહારનો સામાન લઇ જઇ ન શકે. અરે, જતાં જતાં કોફીનો ગ્લાસ તો પૂરો કરી જ શકે છે.
મધદરિયે ‘મેરી સલેસ્તી’ને શા માટે છોડી દેવામાં આવ્યું? એ કોયડો આજે પણ કોયડો જ બની રહ્યો છે. એવું તે શું બન્યું કે જહાજ છોડી દીધું? જહાજ છોડીને એ લોકો ક્યાં ગયા? આ સવાલનો જવાબ કદાચ ક્યારેય નહીં મળી શકે. ત્યાર પછી તો ‘મેરી- સલેસ્તી’ ૧૩ વર્ષ સુધી દરિયામાં યાત્રા કરતું રહ્યું અને ૧૮૮૫માં જાન્યુઆરીમાં એક ભેખડ સાથે અથડાઇ દરિયાના પાણીમાં ગુમ થઇ ગયું.