આજથી ત્રણ દાયકા પહેલાં વિદેશમાં જઇને લીલી લીલી નોટો કમાવાની ઘેલછા ચરમસીમાએ હતી ત્યારે મિડલ ઇસ્ટ જેવા ટંકશાળસમા રાષ્ટ્રોમાં કારકિર્દી ઘડવાની મહામૂલી તકને જતી કરીને ખોબા જેવડા ભાવનગરને કર્મભૂમિ બનાવીને આર્કિટેક્ટ તરીકેની સ્વતંત્ર પ્રેક્ટિસ કરનાર ભાવનગર શહેરના અત્યાધુનિક નિર્વાણ તીર્થ- વિદ્યુત સ્મશાન ગૃહની બેનમૂન ડિઝાઈન બનાવનાર ભાવેણાના આલા દરજજાના સ્થપતિ રજનીકાંત ચુનીલાલ મચ્છરની નિખાલસ અને નિરાભિમાની વાતો એકદમ નિરાળી છે. વામન કદના આ વિરાટ સ્થપિત પોતાની આગવી છટામાં જીવનનો ગહન મર્મ સમજાવતાં કહે છે કે કોઇપણ વ્યવસાયમાં પ્રમાણિક અને સમર્પિત રહો તો સફળતાએ તમારા દ્વાર ખખડાવવાં જ પડે છે.
તેઓ નાનકડા ભાવનગર શહેરમાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી આર્કિટેકચરનું વિધિસરનું શિક્ષણ પ્રાપ્ત કરનાર પ્રથમ આર્કિટેક્ટ છે. પરમપિતા પરમેશ્વરમાં પારાવાર શ્રદ્ધા ધરાવનાર રજનીકાંત મચ્છરને જર્નલ ઓફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ તરફથી નિર્વાણ તીર્થની ડિઝાઈન માટે તેમના જન્મદિને જ ૧લી જુલાઇ, ૧૯૯૪ના રોજ ‘એક્સલન્સ ઇન આર્કિટેકચર’નો એવોર્ડ એનાયત કરાયો હતો.
આ ઉપરાંત ૧૯૯૫માં જે. કે. સિમેન્ટ વર્ક્સે પણ તેમને આર્કિટેક્ટ ઓફ ધ યર કમન્ડેશન એવોર્ડથી સન્માનિત કર્યા છે. છેલ્લા ૩૩ વર્ષથી આર્કિટેક્ટ તરીકે સાતત્યપૂર્ણ સેવા આપી રહેલા રજનીકાંત મચ્છર આર્કિટેકચરને એક ગંભીર, સમય, શક્તિ અને અભ્યાસ માગી લેતો રચનાત્મક તેમજ વ્યવહારૂ વ્યવસાય માને છે. જીવનમાં કોઇ વ્યસન ન ધરાવતા સ્થપતિનો મનગમતો શોખ વાંચન-ચિંતન અને મનન છે અને જીવનની સાદી ફિલોસોફી માત્ર એટલી જ કે વર્તમાનમાં જીવો.
નવો ચીલો ચાતરનાર વીતેલા યુગના મહાન આર્કિટેક્ટ ફ્રેન્ક લોઇડ રાઇટ અને સમકાલીન ભારતીય આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયાથી પ્રભાવિત રજનીકાંતભાઇ ભાવેણાની મુખ્ય ત્રણ સમસ્યાઓ ખખડધજ આંતરમાળખું, ભૌગોલિક લોકેશન અને લોકોમાં ઉત્પાદનક્ષમતાનો અભાવ ગણાવે છે. પોતાના કાર્યથી જ લોકોના સ્મરણમાં રહેવા માંગતા શહેરના પ્રથમ પંક્તિના સમર્થ સ્થપતિ ભાવનગરને પાવરફુલ બનાવવાના પણ સરસ સૂચનો કરે છે જે અંતર્ગત આંતરમાળખું અપડેટ કરવું, શહેરના જમાપાસાંનું યોગ્ય માર્કેટિંગ કરવું, શહેરના દરિયાકિનારાનો લાભ લઇને યુનિવર્સિટી સ્તરે બિનપરંપરાગત અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ પોલિટિકલ લિવરેજ માટે થિંક ટેન્ક અને ટાસ્ક ફોર્સ ઊભો કરવાની વાતો જણાવે છે.
નિરાડંબરી સ્થપતિ પોતાની વાતોમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની ભારોભાર પ્રશંસા કરવાનું પણ ચૂકતા નથી. રમતગમત ક્ષેત્રે તેઓ ભાવનગરને બાસ્કેટબોલનું મક્કા ગણાવે છે. આર્કિટેકચરના ક્ષેત્રમાં ન હોત તો ક્યાં હોત તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેઓ નિખાલસતાથી જણાવે છે કે ચોક્કસપણે કહીં ન શકું પણ જ્યાં પણ હોત ત્યાં આટલી જ પ્રમાણિકતા અને સમર્પણની ભાવના સાથે કાર્ય કરતો હોત. આટલા નાના લેખમાં તેમની વિશિષ્ટતાઓ આલેખવી એટલે ગાગરમાં સાગર સમાવવો.