ગુજરાતમાં યોગ પ્રવૃત્તિને વેગ આપવા માટે સતત કાર્યશીલ રમુભા જીલુભા જાડેજા (આર. જે. જાડેજા)એ ભાવનગરનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ધબકતું કર્યું છે. ૭૦ વર્ષની વયે પણ હંમેશાં યોગની બાબતે કાંઇક નવું કરવાની દિશામાં તેઓ સતત ચિંતન કરતા રહે છે. ભાવનગર યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ નિયામક તરીકેના તેઓના કાર્યકાળ દરમિયાન સૌથી અગત્યનું કામ તેઓએ યોગ અંગેનો ડિપ્લોમા કોર્સ શરૂ કરાવવાનું કર્યું હતું, સાથોસાથ દરેક સ્પોર્ટ્સમાં શ્રી જાડેજાનું પ્રોત્સાહન મળી રહેતું હતું.
સુરત ખાતે વર્લ્ડ યોગ કોમ્પિટિશનનું આયોજન કરી તેઓએ કુશળ વહીવટદાર હોવાની બાબતને યથાર્થ ઠેરવી હતી. સ્વભાવે ઉગ્ર એવા જાડેજાએ નિખાલસ સ્વભાવે કહ્યું હતું, કે જો હું યોગ ક્ષેત્રે ન હોત તો જેલમાં હોત, કારણ કે મારો સ્વભાવ ગરમ હતો અને કંઇક લોકો સાથે બાખડવાના પ્રસંગો બન્યા હોત, પરંતુ યોગ દ્વારા મારૂં આખું જીવન સારાં કર્મો તરફ વળી ગયું છે અને અન્યોની સરખામણીએ યોગ જ મને અન્યથી અલગ તારવે છે.
જીવનમાં પાંચ એસની મહત્વતા જાડેજા સમજે છે. સેવા, સમતા, સરળતા, સંયમ અને સાહસ. આ પાંચ બાબતો એવી છે જે તમને સફળતાનાં શિખર સુધી લઇ જાય છે. જાતમહેનતે જીવનમાં દરેક ઊંચાઇ હાંસલ કરનાર આર. જે. જાડેજાએ યોગ ક્ષેત્રે અનેક યુવક યુવતીઓને તૈયાર કર્યા છે અને તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સારો દેખાવ પણ કર્યો છે.
દરેક માણસોની પસંદગી અલગ-અલગ હોય છે, પરંતુ શ્રી જાડેજા માત્ર અને માત્ર યોગને જ પસંદ કરે છે, તેઓના જીવનમાં અન્ય કોઇ પ્રવૃત્તિ સામેલ નથી. યોગક્ષેત્રે સુવર્ણ કારકિર્દી ઘડવા થનગનતા યુવક-યુવતીઓને સંદેશો આપતા તેઓએ ઉમેર્યું હતું કે અથાગ પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી અને લક્ષ નજર સામે રાખી સકારાત્મક પ્રયાસો વડે બધું મેળવી શકાય છે.
જીવનમાં મળેલી તમામ સફળતા અને યોગક્ષેત્રે આગળ વધવા માટે આર. જે. જાડેજા પ્રેરણામૂર્તિ તરીકે સ્વામિ રાજર્ષિ મુનીને માને છે. સવારમાં હજુ પણ લટાર મારવા નીકળે ત્યારે લોકો પ્રેમથી તેઓને સારા યોગશિક્ષક તરીકે યાદ કરે છે. શ્રી જાડેજાના મતે યોગ દ્વારા સ્વાસ્થ્ય, હકારાત્મકતા, જીવનશુદ્ધિ સહિતની અને પ્રમાણિક બાબતો આપણે મેળવી શકીએ અને ભાવનગર તથા ગુજરાતમાં સતત યોગની પ્રવૃત્તિનો વિકાસ થાય તે દિશામાં કાર્યરત રહીશ.
ભાવનગરના સ્પોર્ટ્સ ક્ષેત્રના પછાતપણા અંગે વ્યથિત હૃદયે તેઓએ જણાવ્યું હતું કે આંતરિક મતભેદો અને યુવકોમાં રમતગમત પ્રત્યેની ઓછી જાગ્રતતા, ઉદાસીનતા મુખ્ય રીતે જવાબદાર છે. ભાવનગરને એક સારા બહુ હેતુલક્ષી ઇન્ડોર સ્ટેડિયમની શહેર મધ્યે જરૂરિયાત છે જેના માટે હજુ સુધી કોઇ નક્કર કાર્ય કરવામાં આવ્યું નથી તેનો રંજ છે.
ભાવનગર શહેરની પ્રજા શાંત અને સંતોષી જીવની છે અને તેઓ પોતાની બાબતો પ્રત્યે પણ સભાન નથી રહેતા તે વાત નિંદનીય છે. જોકે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાવનગરનું પ્રદાન હંમેશાં વખાણવા લાયક રહ્યું છે. શાળા કક્ષાથી જ યોગની બાબતો અંગે વિદ્યાર્થીઓમાં સભાનતા આવે તે અંગે કાર્ય કરવાની નેમ ધરાવતા શ્રી જાડેજાએ અંતમાં કહ્યું હતું કે, સારી બાબતોમાં જ્યાં પણ મારી જરૂરિયાત લાગે ત્યાં હું મારું યથાયોગ્ય પ્રદાન આપવા નિસ્વાર્થભાવે ઉપલબ્ધ રહીશ.