Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

લાચાર ધોનીની બકવાસ ફરિયાદો

 
Source: Sports, Tushar Trivedi   |   Last Updated 12:57 AM [IST](29/08/2010)
 
 
 
 
 
શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીમાં ભારતે આખરે મરતાં મરતાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને થોડી ઘણી લાજ બચાવી હતી પરંતુ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશતાં અગાઉ ભારતીય બેટ્સમેને (અને બોલર્સે પણ) જે કંગાળ રમત દાખવી હતી તે માફ કરી શકાય તેવી નથી. ક્રિકેટમાં ફોર્મ ઘણું મહત્વનું છે અને દરેક મેચમાં તમારી મરજી મુજબની ટીમ જીતે જ તે જરૂરી પણ નથી તે મંજુર પણ આખરે પ્રોફેશનલ ટીમની પણ કોઈ જવાબદારી બનતી હોય છે અને તેને સ્વીકારવામાં સુકાની તરીકે મહેન્દ્રસિંહ ધોની નિષ્ફળ ગયો છે.

ટીમ થાકી ગઈ છે અને વધુ પડતી મેચોની ફરિયાદ કરવાની હવે ધોનીને આદત પડી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝમાં ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ પછી પણ ધોનીએ આવી જ ફરિયાદ કરી હતી અને તેમાં પાર્ટીઓને પણ સામેલ કરી હતી પરંતુ એમ લાગે છે કે ધોની કાંઈ વિચાર્યા વિના જ ફરિયાદ કે બહાનાં દર્શાવી રહ્યો છે. તાજેતરમાં જ ધોનીએ બીસીસીઆઈને આગામી કાર્યક્રમ બદલવા તથા ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ અગાઉ મેચોની સંખ્યા ઘટાડવાની વિનંતી કરી હતી. ભારતીય ટીમ પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની મેચની સંખ્યામાં ઘટાડો કરવા માગતી હતી પરંતુ બીસીસીઆઈએ આવો કોઈ પત્ર કે ઇમેલ તેમને મળ્યો નથી તેમ કહીને ધોનીની વાત ઉડાડી દીધી હતી.

હકીકત તો એ છે કે છેલ્લા એક વર્ષમાં રમાયેલી તમામ ઇન્ટરનેશનલ મેચો પર નજર કરીએ તો ભારતીય ક્રિકેટર વધારે મેચ રમ્યા છે તેવી ધોનીની દલીલનો છેદ ઊડી જાય છે. ભારત માટે આ ગાળામાં તમામ અથવા તો મોટા ભાગની મેચો રમ્યા હોય તેવા ખેલાડી પણ ઓસ્ટ્રેલિયન્સની સરખામણીએ પાછળ છે. ઓસ્ટ્રેલિયાએ કે રિકી પોન્ટિંગે તો વધુ પડતા ક્રિકેટની ફરિયાદ કરી જ નથી.

છેલ્લા એક વર્ષમાં રમાયેલી ટેસ્ટ, વન-ડે, ટી૨૦, આઈપીએલ અને ચેમ્પિયન્સ લીગની મેચોમાં રમેેલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો શેન વોટ્સન ૧૧૧ દિવસ ક્રિકેટ રમ્યો હતો. માઇકલ હસ્સી ૧૦૫ દિવસ રમ્યો હતો તો વારંવાર ઘાયલ થતાં આશિષ નહેરા કે મુનાફ પટેલ માટે સબક સમાન મિચેલ જહોન્સન ૯૫ દિવસ ક્રિકેટ રમ્યો હતો. જેની સરખામણીએ ભારત માટે ખુદ ધોની ૯૪ દિવસ રમ્યો હતો.

માઇકલ કલાર્ક અને રિકી પોન્ટિંગ ઓગસ્ટ ૨૦૦૯થી ઓગસ્ટ ૨૦૧૦ સુધીમાં ૯૨-૯૨ દિવસ રમ્યા છે તો ભારતના સ્ટ્રાઇક બોલર હોવાનો જેમના માટે દાવો થાય છે તે ઝહિર ખાન અને ઇશાન્ત શર્મા આ ગાળામાં માત્ર ૬૦-૬૦ દિવસ રમ્યા છે. પ્રજ્ઞાન ઓઝા ૫૬ દિવસ, અમિત મિશ્રા ૪૧ દિવસ અને પ્રવીણકુમાર ૩૫ દિવસ રમ્યા છે. આ દિવસોની ગણતરીમાં આઈપીએલની ઢગલાબંધ મેચો પણ આવી જાય છે જેમાં રમતી વખતે ક્રિકેટરોને સૌથી વધુ પ્રવાસ, પાર્ટીમાં ભાગ લેવો પડે છે પરંતુ તેઓ ક્યારેય તે અંગે ફરિયાદ કરતાં નથી.

આઈપીએલની મેચોના ૧૪થી ૧૫ દિવસ બાદ કરી નાખીએ તો બાકીના દિવસની સંખ્યા કેટલી રહે તે સમજી શકાય તેમ છે અને કદાચ આપણા પ્રોફેશનલ્સને એ દિવસ ગણતરીમાં લેતા શરમ પણ આવશે.

માત્ર થાક અને ફરિયાદની વાત કરીએ તો ધોની જે ૯૪ દિવસ રમ્યો છે તે પાછા ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પણ વિક્રમજનક દિવસો તો નથી જ. ભારત વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું હતું તે ૨૦૦૨-૦૩ની સિઝન પર નજર કરીએ તો સૌરવ ગાંગુલી ૧૦૬ અને રાહુલ દ્રવિડ ૧૦૨ દિવસ રમ્યા હતા. રાહુલ દ્રવિડ તો પાછો એ વખતે બેટિંગની સાથે સાથે વિકેટકીપરની જવાબદારી પણ સંભાળતો હતો. અહીં સૈયદ કિરમાણીને યાદ કરવા પડે. જે જમાનામાં વધુ પડતા ક્રિકેટની ફરિયાદ ન હતી ત્યારે ૧૯૮૩ના વર્લ્ડ કપમાં રમેલા સૈયદ કિરમાણી એ સિઝનમાં ૧૦૭ દિવસ ક્રિકેટ રમ્યા હતા.

ભારતની વર્તમાન ક્રિકેટ ટીમે ક્રિકેટ રમવા ઉપરાંત વધુ પડતો પ્રવાસ. ટીવી ચેનલને મુલાકાત, જાહેરાતોનાં શૂટિંગ, એન્ડોર્સમેન્ટ, આઈપીએલની પાર્ટીઓ તથા ઇમેલ, ટ્વિટર અને ફેસબુક પાછળ વધારે સમય આપવો પડે છે જે કિરમાણી કે ગાવસ્કર, કપિલદેવને આપવો પડતો ન હતો!

ફ્લેશબેક : થાકની ફરિયાદ કરનારા ભારતના ‘કહેવાતા’ યુવાન ક્રિકેટરોએ ડોન બ્રેડમેન પાસેથી આ શીખવાની જરૂર છે. ૧૯૭૦ના દાયકામાં લગભગ ૭૦ની વયે પહોંચેલા ડોન બ્રેડમેન પસંદગીકાર હતા. એ વખતે ૧૦૦ માઇલની ઝડપે બોલિંગ કરતાં થોમસનને એક વખત બ્રેડમેને પોતાના મકાનની પાછળ સિમેન્ટ વિકેટ પર બોલિંગ કરવાનું કહ્યું. બ્રેડમેન પેડ કે ગ્લોવ્ઝ (હેલ્મેટનો તો વિચાર જ નહીં કરતાં) વિના થોમસન સામે એક કલાક સુધી બેટિંગ કરતાં રહ્યા અને આઉટ થવાની વાત તો જવા દો એકેય વખત બિટ પણ થયા ન હતા.

સ્પોર્ટ્સ, તુષાર ત્રિવેદી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.