જેની પાસે સત્તા હોય એને ગરીબ રાખવામાં જોખમ છે. પરંતુ સામે બીજી વાત એ પણ છે કે સારો પગાર આપવાથી માણસ પ્રામાણિક બની જતો નથી.
સાંસદોએ દાદાગીરી, ધાંધલધમાલ કરીને પોતાના પગાર ત્રણ ગણાથી વધારે વધારી મૂક્યા અને પાર્લામેન્ટના ભવનમાં જ મોટું પાર્લામેન્ટનું નાટક ભજવાયું તેનાથી સંસદ અને ભારતીય લોકશાહી બંને ખરડાયા છે. સદનમાં સતત ચાલતા તોફાનોથી વાજ આવી ગયેલા સ્પીકર મીરાંકુમારે સાંસદો લોકોનો વિશ્વાસ ગુમાવશે તેવી ચેતવણી પણ આપી. પણ આ બાબતમાં સ્પીકર મોડા પડ્યા છે. આમજનતાએ સાંસદો પરનો વિશ્વાસ ક્યારનોય ગુમાવી દીધો છે અને આપણા સાંસદો વિશે બે સારા શબ્દો વાપરે તેવો ભારતવાસી શોધ્યો જડે તેમ નથી.
જનતાની સેવાના મુદ્દે ચૂંટણી લડનારા અને જીતી જનારા સાંસદો માત્ર પોતાની જાત માટે મેવા સામગ્રીની શોધમાં જ રહે છે અને ભાતભાતના વિશેષાધિકાર ભોગવે છે. લોકશાહી તંત્રની બાબતમાં આપણે ઇંગ્લેન્ડ, અમેરિકાનું અનુકરણ કર્યું છે પણ સાંસદો અને ધારાસભ્યો માટેની સુખ સગવડની બાબતમાં આપણે આ બંને દેશોને પાછળ રાખી દીધા છે. અમેરિકાના સાંસદને આપણા સાંસદો કરતાં તેર ગણો પગાર મળે છે તેવું કહેનાર ભૂલી જાય છે કે અમેરિકાનું જીવન ધોરણ આપણા કરતાં વીસ ગણું વધારે મોંઘું છે. દુનિયાના કોઇ દેશમાં સાંસદને રહેવા માટે સરકારી મકાનો અપાતાં નથી અથવા રેલવે કે વિમાનમાં અગ્રતાક્રમ મળતો નથી.
સાંસદો વધારે પગાર માગે છે અને મેળવે છે તેની સામે વિરોધ કરવાનું કારણ નથી. સાંસદોએ સરકારી નોકરો જોડે પગાર સરખાવ્યો છે. આ કર્મચારીઓએ વરસના ત્રણસો-સવા ત્રણસો દિવસ રોજ ઓફિસમાં કામ કરવું પડે છે. સાંસદો વરસમાં સો દિવસ પણ કામ કરતા નથી અને બેઠક ચાલુ હોય ત્યારે પણ પૂરી હાજરી ભરતા નથી. હાજર રહે ત્યારે ચર્ચાસ્પદ મુદ્દાનો અભ્યાસ કરીને અથવા અસમાનતાની લાગણી કે ફરિયાદોને વાચા આપવાનું કામ કરતા નથી. કેન્દ્રની કોઇ પણ રાજ્યની ધારાસભાની કારવાઇ જોવાથી માલૂમ પડશે કે ૭૦ ટકા જેટલા સાંસદો અને ધારાસભ્યો પાંચ વરસમાં એક પણ વખત બોલતા નથી. પ્રશ્નો પૂછતા નથી.
૬૦ થી ૭૦ ટકા જેટલા સાંસદો તો બેઠકમાં સતત બેસતા નથી. હાજરી પુરાવીને બહાર ચાલ્યા જાય છે. પગાર કે વધારે પગારનો વાંધો નથી પણ કશું કામ કર્યા વગર પગાર વધારો માગવામાં આવે તે વાજબી નથી. આ ટીકા સત્તાધારી અને વિરોધપક્ષો બંનેને લાગુ પડે છે. આપણે ત્યાં સદનમાં બૂમબરાડા અને હો હોલ્લા મચાવવામાં આવે છે તેવું બીજી લોકશાહીમાં પણ થાય છે પણ ઓછા પ્રમાણમાં થાય છે અને ભાગ્યે જ થાય છે.
પાર્લામેન્ટ કાયદા ઘડે અને રાજ ચલાવે તેની શરૂઆત ઇંગ્લેન્ડમાંથી થઇ છે અને અંગ્રેજી પાર્લામેન્ટ આખી દુનિયાની ધારાસભાઓની દાદીમા ગણાય છે. ઓગણીસમી સદી સુધી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના સભ્યોને કશો પગાર આપવામાં આવતો ન હતો અને સમાજસેવા વિનામૂલ્યે થવી જોઇએ તેવો આદર્શ સેવવામાં આવતો હતો.
પણ રાજકારણ માટે હવે પૂરો સમય અને બધી શક્તિઓ વાપરવી પડે છે. નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવી હોય, કાયદાઓ ઘડવા માટે જરૂરી અભ્યાસ કરવો હોય, વિવિધ વિષયોના હેવાલ વાંચી કાઢવા હોય તો સાંસદ કે ધારાસભ્ય પાસે આજીવિકા રળવાનો સમય કે શક્તિ ફાજલ રહેતા નથી. ધારાસભ્યોને વાજબી અને સારો પગાર ન આપીએ તો સામાન્ય સ્થિતિનો માણસ ધારાસભામાં જવા તૈયાર ન થાય કારણ કે બીજી આવક બંધ થઇ જાય. પરિણામ એવું આવે કે માત્ર અતશિ્રીમંત હોય તે જ ધારાસભામાં આવી શકે. આજે પણ આપણી સંસદ ધારાસભાઓ કરોડપતિઓની ક્લબો બની ગઇ હોવાથી આ પ્રજા પ્રતિનિધિઓને પ્રજાની હાલતનો કશો ખ્યાલ જ નથી.
અનાજ, રહેઠાણ કે પાણી પુરવઠો, બેકારી કે વાહનવ્યવહારની સમસ્યાઓ તેમને સમજાતી નથી, એટલું જ નહીં, પણ તેમના ખ્યાલમાં પણ આવતી નથી. જાતે ભોગવવું પડે તે સિવાય સમસ્યાની ગંભીરતા આપણે સમજતા નથી. સામાન્ય ગણતરી એવી છે કે આપણા સાંસદો અને ધારાસભ્યોમાં ત્રીસેક ટકા લોકો પર એક યા બીજા પ્રકારની ગુનાખોરી માટેના કેસ ચાલતા હોય છે. આવા લોકો પર આમજનતા વિશ્વાસ રાખે તેવી આશા રાખી શકાય નહીં. જનતા આ બધું ચૂપચાપ સાંખી લે છે કારણ કે તેમની પાસે આ સ્થિતિ સુધારવાનો કોઇ ઉપાય નથી.
પણ આ બધી મર્યાદાઓ અને ખામીઓ હોવા છતાં પણ સાંસદોને સારો પગાર આપવો જોઇએ. સત્તાધારી માણસ આવક મેળવવા માટે આડાઅવળા રસ્તા ખોળી કાઢે છે અને વાપરે છે. તેથી સાંસદોને પગાર ન આપીએ તો આડાઅવળા રસ્તે વધારે આવક ઊભી કરનાર સાંસદો સમાજ માટે વધારે નુકસાનકારી બની જાય. સારો પગાર આપવાથી માણસ પ્રામાણિક બની જતો નથી. અઢળક આવક હોય છતાં વધારે મેળવવાની ભૂખ વધારે ને વધારે ઉઘડતી રહે છે. પોતાના યોગક્ષેમની ચિંતા કર્યા સિવાય રાજકારણમાં પોતાનો સમય લોકહિતાર્થે ખર્ચી શકે તેટલો પગાર સાંસદોને મળવો જોઇએ.
આપણી સમસ્યા થોડી વધારે ગૂંચવાયેલી છે. નવા ધોરણ મુજબ સાંસદોની દર મહિને લગભગ ત્રણ લાખ રૂપિયાની આવક થશે. પણ કરોડો અને અબજો રૂપિયામાં આળોટતા આપણા સાંસદો માટે ત્રણ લાખ રૂપિયા પણ ખાસ કશું મહત્વ ધરાવતા નથી. ગરીબ દેશના રાજકારણનું સુકાન અતશિ્રીમંતોના હાથમાં જઇ પડ્યું છે. દેશના ત્રીજા ભાગની વસ્તી ગરીબ હોય ત્યારે ૨૮,૦૦૦ કરોડ રૂપિયા રમતગમતના આયોજન પાછળ ખર્ચવામાં આવે છે કારણ કે દેશના રાજકીય આગેવાનો માટે ગરીબોના પેટ કરતાં શ્રીમંતના શોખ વધારે મહત્વના છે. પોતાના ભોગે આ બધું થઇ રહ્યું છે તેનાથી આમજનતા અજાણ નથી પણ જેમણે ત્રાસ ભોગવવો પડે છે તેમની પાસે સમજદારી કે સંગઠન નથી અને અખબારો, માધ્યમો તેમને સહેલાઇથી છેતરીને આડે રસ્તે ચડાવી શકે છે.