Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

જાણો લાહોરના ‘બાઝારે હુશ્ન’ની તવાયફોની હકિકત

 
Source: Pakistan Diary,Zahida Heena   |   Last Updated 12:03 AM [IST](29/01/2012)
 
 
 
 
 
૨૦૧૨નો સૂરજ ઊગી ચૂક્યો છે, પરંતુ પાકિસ્તાની સ્ત્રીઓને ખબર નથી કે નવું વર્ષ તેમના માટે કેવી મુશ્કેલીઓ લઈને આવવાનું છે.

લાહોરનું ‘બાઝારે હુશ્ન’ ક્યારેક ‘હીરા મંડી’ તો ક્યારેક ‘શાહી મહોલ્લા’ તરીકે ઓળખાતું હતું. તેનો ઈતિહાસ બહુ જુનો છે. લાહોરના બાર દરવાજાઓમાંથી એક દરવાજાનું નામ ટકસાલી દરવાજો છે. આ દરવાજામાંથી લાહોરમાં દાખલ થઈએ ત્યારે ઘણાં બધાં બજારો પર નજર પડે છે.

‘બાઝારે હુશ્ન’ વિસ્તારમાં ઘણી બધી તવાયફો પણ રહે છે અને આ કારણથી જ આ વિસ્તાર ‘બાઝારે હુશ્ન’ના નામથી પ્રખ્યાત છે. જોકે હવે તો આ બજારની રોનક ફિક્કી પડી ગઈ છે તેમ છતાં થોડીઘણી તવાયફોએ હજુ પણ તેમનો વ્યવસાય જીવંત રાખ્યો છે. ભૂતકાળમાં આ વિસ્તાર બહુ જ સરસ લાગતો હતો.

નવું વર્ષ શરૂ થતાંની સાથે જ આપણે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે આવનારા વર્ષમાં આપણી કેટલી અપેક્ષાઓ પૂરી થવાની છે. ૨૦૧૧નું વર્ષ પાકિસ્તાન માટે બહુ જ ભારે રહ્યું. તેમાંય પાકિસ્તાનની સ્ત્રીઓ માટે તો ખૂબ જ મુશ્કેલ સાબિત થયું. પાકિસ્તાનની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યા ૫૧ ટકા છે. પાકિસ્તાની સ્ત્રીઓને તેમના અધિકારો અપાવવા માટે નારીદિન પણ મનાવવામાં આવે છે અને સત્તાવાળા તરફથી મોટામોટા દાવાઓ પણ કરવામાં આવે છે. છતાં એ દુ:ખદ બાબત છે કે પાકિસ્તાની સત્તાવાળા સ્ત્રીઓ પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતા અને હિંસાના કેસમાં ઘટાડો નથી કરી શક્યા.

૨૦૧૧ના વર્ષમાં પ્રથમ છ મહિનામાં લગભગ ૪૫૦૦ જેટલી સ્ત્રીઓને અલગ-અલગ પ્રકારના જોરજુલમની શિકાર બનાવવામાં આવી. આ જ વર્ષે નારીઓના હક માટે નેશનલ એસેમ્બલિ તથા સેનેટમાં ત્રણ વિધાયક પસાર કરવામાં આવ્યા. આ સિવાય સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા પણ ઘણાં પગલાં લેવામાં આવ્યાં છતાં એ કમનસીબ બાબત છે કે ગયા વર્ષની સરખામણીએ ૨૦૧૧માં સ્ત્રીઓ પર થતી હિંસાના કેસમાં વધારો થયો છે.

આંકડામાં જણાવું તો ૨૦૧૦ના પ્રથમ છ મહિનામાં સ્ત્રીઓની હિંસાના ૪૦૬૧ કેસો બન્યા હતા, જ્યારે ૨૦૧૧ના પ્રથમ છ મહિનામાં આંકડો વધીને ૪૪૪૮ પર પહોંચી ગયો. હિંસાના સૌથી વધારે બનાવો પંજાબમાં બન્યા, જેનો આંકડો છે ૩૦૩૫. સિંધમાં ૮૧૯, ખૈબર પખ્તુનખ્ખામાં ૩૮૯, બલૂચિસ્તાનમાં ૧૩૩ અને ઈસ્લામાબાદમાં ૭૨ સ્ત્રીઓને શિકાર બનાવવામાં આવી. વર્ષના પ્રથમ છ મહિનામાં ૧૧૩૭ સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો, જ્યારે બદચલન કહીને કે મિલકત માટે ૭૯૯ સ્ત્રીઓની હત્યા કરી નાખવામાં આવી. ૩૯૬ સ્ત્રીઓની શારીરિક છેડછાડ કરવામાં આવી. ૪૦૨ સ્ત્રીઓએ આત્મહત્યા કરી. ૧૬ સ્ત્રીઓને જીવતી સળગાવી દેવામાં આવી. ૨૨ સ્ત્રીઓ પર તેજાબ ફેંકવામાં આવ્યો.

હવે જ્યારે ૨૦૧૨નો સૂરજ ઊગી ચૂક્યો છે ત્યારે પાકિસ્તાની સ્ત્રીઓ નથી જાણતી કે તેમના માટે ૨૦૧૨નું વર્ષ કેવી મુશ્કેલીઓ લઈને આવવાનું છે. સ્ત્રીઓની જ વાત નીકળી છે એટલે ‘બાઝારે હુશ્ન’નો પણ વિચાર ઝબકી ગયો, જેની રોનક દુનિયામાં દરેક જગ્યાએ મજબૂર સ્ત્રીઓના કારણે જ રહી છે. આપણા માનનીય લેખકોમાં મિર્ઝા હાદી રુસ્વાથી લઈને સહાદત હસન મંટો સુધીના તમામે આ ‘બજાર’ વિશે લખ્યું છે. કોઈએ તેને ગ્લેમરાઈઝ કર્યું તો કોઈએ તેના પરથી રેશમી પડદા હટાવીને હકીકત આલેખી, જેમાં મંટો સૌથી ઉપર છે.

આમ તો કરાચીમાં નેપિયર રોડ આના માટે વિખ્યાત છે, પરંતુ લાહોરનું ‘બાઝારે હુશ્ન’ ક્યારેક ‘હીરા મંડી’ તો ક્યારેક ‘શાહી મહોલ્લા’ તરીકે ઓળખાતું હતું. તેનો ઈતિહાસ બહુ જુનો છે. લાહોરના બાર દરવાજાઓમાંથી એક દરવાજાનું નામ ટકસાલી દરવાજો છે. આ દરવાજામાંથી લાહોરમાં દાખલ થઈએ ત્યારે ઘણાં બધાં બજારો પર નજર પડે છે. ક્યાંક સિલાઈ મશીનોના અવાજ આવી રહ્યા હોય તો ક્યાંક વાધ્યસંગીતનાં વાધ્યો તૈયાર થવાનો અવાજ આવતો હોય. અહીં સંગીતનાં વાધ્યો તથા સાઉન્ડ સિસ્ટમ ભાડેથી પણ મળે છે.

આ જ વિસ્તારમાં ઘણી બધી તવાયફો પણ રહે છે અને આ કારણથી જ આ વિસ્તાર ‘બાઝારે હુશ્ન’ના નામથી પ્રખ્યાત છે. જોકે હવે તો આ બજારની રોનક ફિક્કી પડી ગઈ છે તેમ છતાં થોડીઘણી તવાયફોએ હજુ પણ તેમનો વ્યવસાય જીવંત રાખ્યો છે. ભૂતકાળમાં આ વિસ્તાર બહુ જ સરસ લાગતો હતો. અહીં ઘણાં હિંદુ શૈલીનાં ઘરો પણ છે, પરંતુ બેદરકારીને કારણે તોડફોડના શિકાર થઈ ગયાં છે. હવે ‘બાઝારે હુશ્ન’માં ન તો પહેલાં જેવી રોનક દેખાય છે કે ન તો પહેલાં જેવી સફાઈ. ‘બાઝારે હુશ્ન’ના મોટાભાગનાં ઘરો ઉપરના માળે છે, જ્યારે નીચેના માળે જાતજાતની ચીજવસ્તુઓની દુકાનો છે.

બાઝારે હુશ્નનું બીજું નામ ‘શાહી મહોલ્લો’ પણ છે. આજે ત્યાં પહેલાં જેટલી તવાયફો નથી રહી તેમ છતાં પંદરસો જેટલી તો હજુ પણ હશે જ. અરે, તેમનાં બાળકોની સંખ્યા બે હજાર આસપાસ છે. તેમનું જીવન બહુ જ ગરીબીમાં વીતી રહ્યું છે તેની ખાતરી તેમનાં ઘરોની દશા જોઈને પણ થઈ જાય છે. બારીઓના કાચ તૂટી ગયેલા હોય ત્યાં કાપડના પડદા લગાવેલા છે. એક જમાનામાં અહીં સારું મકાન ખરીદવા માટે તવાયફોમાં હોડ જામતી હતી, જ્યારે આજે મોટાભાગની તવાયફો અહીંથી નીકળીને સારી જગ્યાએ રહેવા જવા ઈચ્છે છે, પરંતુ તેમની પાસે બહાર વસવાટ કરવા માટે પૈસા નથી કે નથી બીજો કોઈ વ્યવસાય.

શાહી મહોલ્લામાં રહેનારી આ તવાયફો કહે છે કે ‘અમે જાણીએ છીએ કે અમારા વ્યવસાયની મર્યાદાઓ શું છે, પણ અમારે અમારાં બાળકોનું પેટ પણ પોષવાનું હોય છે.’ એ લોકો બીજો કોઈ હુન્નર જાણતા નથી એટલે તેમણે અહીં, આ રીતે અને આ વ્યવસાયમાં જીવન ગુજાર્યા સિવાય છુટકો નથી. મોટાભાગની તવાયફોએ તેમના નામ બદલીને રોઝી, શહજાદી કે અલબેલી એવાં નામ રાખેલાં છે. તેમનું કહેવું છે કે અહીં કોલેજના છોકરાઓ બહુ મોટા પ્રમાણમાં આવતા હોય છે. આ સિવાય ઓછી આવકવાળા પણ વધુ આવે છે.

શાહી મહોલ્લામાં તેજા ચેતરામ રોડ વધુ જાણીતો છે. અહીં એવી તવાયફો રહે છે, જે આ વ્યવસાય કરવાની સાથે સાથે તેની તાલીમ પણ આપે છે. અહીં મોટાભાગના ઘર એક રૂમ,રસોડાનાં છે. અહીં રહેનારી એક તવાયફનું કહેવું છે કે ‘મારું ઘર પણ અહીં જ છે અને મારો વ્યવસાય પણ હું અહીંથી જ ચલાવું છું. વધુમાં તેણે જણાવ્યું કે ‘અમારા ખાનદાનની ઘણી ઓરતો પેઢીઓથી આ જ કામ કરતી આવી છે, જેના લીધે મારે પણ આ જ વ્યવસાયમાં આવવું પડ્યું.

હું આ વ્યવસાયમાંથી દર મહિને વીસ હજાર જેટલું કમાઈ લઉં છું. જોકે તે જે ઘરમાં રહે છે તે તેની માલિકીનું નથી, પણ ભાડાનું છે. તેણે એવું પણ કહ્યું કે ‘આ વિસ્તારમાં મકાનના ભાડા ખૂબ વધારે છે. દર મહિને મારી આવકના ચાલીસ ટકા તો દલાલ જ લઈ જાય છે. આ સિવાય મારે વસ્ત્રો અને મેકઅપ પાછળ પણ ખર્ચ કરવો પડે છે. મારે સારા ખોરાકની પણ જરૂર હોય છે. જો તબિયત ખરાબ થઈ જાય તો દવા પાછળ પણ સારો એવો ખર્ચ થઈ જાય છે. એટલે જો વીસ હજાર ના કમાઈએ તો પૂરું ના થાય.’

ત્યાં કેટલીક તવાયફો એવી પણ છે જેને ‘બાઝારે હુશ્ન’ સાથે પેઢીઓથી સંબંધ નથી, પરંતુ ગરીબીને લીધે ઈજજતદાર સમાજમાંથી અહીં બદનામ ગલીઓમાં આવી ગઈ છે. કેટલીક તવાયફો સાથે તો તેમના પતિ પણ રહે છે. આ એવા લોકો છે, જેમને કોઈ મહેનત કરવી નથી અને પત્નીની આવી કમાણીથી ઘર ચલાવવામાં તેમને કોઈ શરમ પણ નથી. આવા પુરુષો મોટાભાગે કોઈ ને કોઈ નશાનો શિકાર થયેલા હોય છે અને તેના પૈસા પણ પત્ની પાસેથી જ મેળવે છે. નવું વર્ષ આવી રીતે જીવન ગુજારનાર સ્ત્રીઓ માટે શું આશાનું કિરણ લઈને આવશે કે પછી પેઢીઓથી ચાલ્યું આવે છે તેમ તેમની જિંદગી પણ આવી જ રીતે વીતી જશે?

@@@

નવા વર્ષે પાકિસ્તાનમાં બીજી એક દુ:ખદ ઘટના ઘટી છે. પાકિસ્તાનમાં પણ હવે ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્વ.પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના દીકરા અને પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ ૪ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ટ્વિટર પર લખ્યું છે કે ‘સલમાન તાસીર અમને માફ કરી દે, લોકોને માફ કરી દે, જ્યારે તેમણે બોલવું જોઈતું હતું ત્યારે બોલ્યા નહીં.’ સલમાન તાસીર પરવેઝ મુશર્રફના સમયમાં અને ત્યારબાદ પીપલ્સ પાર્ટીના શાસનકાળ દરમિયાન પંજાબના ગર્વનર હતા. બંને ટર્મમાં તેમનો વહીવટ વિવાદાસ્પદ રહ્યો. વિવાદાસ્પદ એ કારણથી કે તેમણે લઘુમતીને ખૂલીને સાથ આપ્યો. પંજાબમાં ખ્રિસ્તી કે હિંદુ સમુદાય પણ ક્યાંય કોઈ જોરજુલમ થાય તો તરત ત્યાં પહોંચી જતાં અને સમસ્યાનો હલ શોધવાનો પ્રયત્ન કરતા.

નવેમ્બર ૨૦૧૦માં એક ઈસાઈ સ્ત્રી આસિયા નૂરિનને ગિરફતાર કરવામાં આવી. તનો કોઈ મુસ્લિમ સ્ત્રી સાથે ઝઘડો હતો. ઝઘડો વધ્યો એટલે આસિયાની ધરપકડ કરીને તેને મોતની સજા સંભળાવી દેવામાં આવી. સલમાન તાસીર આને ખોટું સમજતા હતા. તેમને વિશ્વાસ હતો કે તેઓ આસિફ અલી ઝરદારીને મળીને આસિયાને માફી અપાવશે. આ અંગે તેઓ પ્રયત્નશીલ હતા ત્યારે જ ૪ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજ ભરદહાડે તેમના જ સરકારી ગાર્ડોએ તેમની હત્યા કરી નાખી.

એટલું જ નહીં, આ સરકારી ગાર્ડો આવું કરીને કટ્ટરપંથીઓના હીરો બની ગયા. સલમાન તાસીર વિશે લોકોનું માનવું હતું કે જે પીપલ્સ પાર્ટીને તેમણે ખૂલીને ટેકો આપ્યો છે તે તેમનું સાંભળશે અને આસિયાને તેઓ ન્યાય અપાવી શકશે, પરંતુ આમ ન થયું. ઊલટાનું પોતાના ગર્વનરની સરેઆમ હત્યા અંગે પણ તેમણે કોઈ પ્રકારનો વિરોધ પણ ન દર્શાવ્યો.

આમાંથી ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે પીપલ્સ પાર્ટીએ સલમાન તાસીર માટે કંઈ જ ના કર્યું. હવે જ્યારે તેમની હત્યાને ૪ જાન્યુઆરીએ વર્ષ પૂરું થઈ ગયું ત્યારે પણ કંઈ નહીં. બસ, માત્ર સલમાન તાસીરના પરિવારજનોએ શોક મનાવ્યો એટલું જ. ખુદાનો પાડ માનો કે કેટલાક લોકો તેમની હત્યા વિરુદ્ધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. બાકી પાર્ટીએ તેમના માટે જે ખામોશીનું વલણ અપનાવ્યું તે ખેદજનક છે.

એટલે જ ૫ જાન્યુઆરીના રોજ મને ટ્વિટર પર સલમાન તાસીર પર બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીથી આશ્ચર્ય થયું. છતાં જે પાર્ટીને પોષવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી તેના તરફથી કોઈ શોકસભાનું આયોજન કરવામાં ન આવ્યું. ખેર હવે તો સલમાન તાસીરના આત્મા પાસે માફી માગવાનો સમય પણ વીતી ગયો છે.

આસિયા નૂરિન

આસિયા નૂરિન ‘ઈશનિંદા’ અપરાધમાં મોતની સજા મેળવનાર પાકિસ્તાનની પ્રથમ મહિલા છે. પાંચ બાળકોની મા અને ૪૧ વર્ષીય આસિયા હાલ તો જેલમાં છે અને તેની માફીની અપીલ પર વિચાર સુધ્ધાં કરવામાં નથી આવી રહ્યો. તેને માફી અપાવનાર પંજાબના ભૂતપૂર્વ ગર્વનર સલમાન તાસીરની એક વર્ષ પહેલાં તેમના જ સલામતી રક્ષકો દ્વારા હત્યા કરી નાખવામાં આવી.

સલમાન તાસીરે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટોની પીપલ્સ પાર્ટી માટે મોકળું મેદાન કરી આપેલું, પરંતુ તેમના અવસાનની પહેલી વરસી થોડા દિવસો પહેલાં જ ગઈ ત્યારે પીપલ્સ પાર્ટીએ તેમને યાદ સુધ્ધાં ના કર્યા. હા, બિલાવલ ભુટ્ટોએ ટ્વિટર પર સલમાન તાસીરના નામનો સંદેશો મૂકીને અમારા જેવાને આશ્ચર્યમાં જરૂર મૂકી દીધા.

zahedahina@yahoo.com

પાકિસ્તાન ડાયરી, ઝાહિદા હીના
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.