‘ગુડ મોર્નિંગ મમ્મી. નાસ્તામાં શું બનાવ્યું છે? ગરમાગરમ મેથીના ગોટાની સ્મેલ આવે છે. શું વાત છે? ડેડી બહુ મૂડમાં છે આજે! સવાર સવારમાં ચા અને ગોટાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ચાલ, મને પણ ફટાફટ થોડા ગોટા અને મારી ચા આપી દે. મારે પછી કોલેજ જવાનું મોડું થાય છે.’‘ગુડ મોર્નિંગ બેટા. તું બે મિનિટ રાહ જો. હવે આ નવા ગોટા તળાઇને તૈયાર જ થઇ ગયા છે.
એ જ તને ડિશમાં આપી દઉં, પણ બેટા, પછી તે મને ગઇકાલની વાત કરી નહીં? કાલે સાંજે તું તારી પેલી ચામાચીડિયણ ફ્રેન્ડ સાથે બહાર ગઇ હતીને?’ ‘મમ્મી, ડોન્ટ કોલ હર ચામાચીડિયણ. એનું નામ આકૃતિ છે. એ થોડી વધારે પાતળી છે એટલે શું એને ગમે તેમ બોલાવવાની? કાલે હું એની સાથે એના ડોક્ટરને ત્યાં ગઇ હતી.
બિચારીને કેટલા પ્રોબ્લેમ છે! ખાસ તો અમે એનાં મેન્સિસના પ્રોબ્લેમ માટે ગયાં હતાં. બહુ જ અનિયમિત અને પેઇનફુલ, ક્યારેક ઓછું આવે અને ક્યારેક પંદર-વીસ દિવસમાં આવી જાય. એને વળી લો બ્લડપ્રેશર રહે છે. દર થોડા થોડા દિવસે ઢીલી પડી ગઇ હોય. તાકાત જ નથી. ચક્કર આવે અને નબળાઇ ફીલ કરે એટલે કોલેજમાં પણ એકબાજુ બેસી જાય. હવે તો અમને લોકોને પણ એના લો બ્લડપ્રેશરની ખબર છે, એટલે અમે બધા ગ્રૂપનાં ફ્રેન્ડ્સ પણ સમજી જઇએ અને તરત જ એને અમારા નાસ્તામાંથી કશુંક તો ખવડાવી જ દઇએ. લીંબુ પાણી કે કોઇ જયૂસ આપી દઇએ. પાછું બ્લડ પણ ઓછું છે.
એનિમિક રહે છે. કાલે એના ગાયનેક પાસે ગયાં હતાં. સરપ્રાઇઝિંગલી એના ગાયનેક ડોક્ટર આયુર્વેદમાં ગાયનેકોલોજિસ્ટ થયેલા છે. મને તો આજ પહેલાં આવી ખબર જ નહોતી કે આયુર્વેદ પણ આવા સ્પેશિયાલાઇઝ્ડ ડોક્ટર હોય. એ તો બહુ સિનિયર છે. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષથી ગાયનેકમાં માત્ર આયુર્વેદની જ પ્રેક્ટિસ કરે છે અને પાછા એમને ત્યાં પેશન્ટો પણ ઘણા હતા. માસિકના પ્રશ્નો બાળક ન થતું હોય તો તેના પ્રશ્નોથી લઇને પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી સુધીનું તમામ માર્ગદર્શન લેવા પેશન્ટ એમને ત્યાં આવે છે અને ડિલિવરી પછીના રોગોમાં પણ નવાઇ લાગે તેવી વાત છે.
એની વે, એમણે તો આકૃતિને પૂછવાલાયક થોડા સવાલો કરીને દવાઓ લખી આપી. આકૃતિ એમની પાસે ખૂલીને બહુ બોલતી નથી પણ મેં ધીમે રહીને એમને પૂછી જ લીધું કે આકૃતિને ખરેખર શું પ્રોબ્લેમ છે? આમ તો કોઇ ડોક્ટર દર્દી સિવાય આ ચર્ચા કરે નહીં એટલે એમણે આકૃતિને પૂછીને જ મને તેના રોગની સમજ પાડી. એકચ્યુઅલી, એમણે ‘એનોરેક્સિઆ નરવીસા’નું નિદાન કરેલું છે. એટલે કે ‘પાતળા રહેવાની ઘેલછા’ (ઝીરો ફિગરની ઘેલછા જેવું જ) મોટેભાગે અમારી ઉંમરની કોલેજ ગર્લ કે ટીનએજર્સમાં આ પ્રોબ્લેમ જોવા મળે છે.
આમાં દર્દીને ભૂખ તો લાગે છે, પણ પાતળા રહેવા માટે થઇને તેવા દર્દીઓ ખોરાક લેવાનું ટાળે છે. વળી, કસરત પણ વધારે કરે છે જેથી શરીર પર ક્યાંય જરાક પણ ચરબી દેખાય નહીં. આ તો ડોક્ટર પાસેથી જાણ્યું એટલે હવે મને બધી ખબર પડી કે આકૃતિ કેમ અમારી સાથે ગ્રૂપમાં ક્યારેય બહુ નાસ્તો કરતી નથી. અમે બધા કશુંક ને કશુંક તો કોલેજની કેન્ટીનમાં ખાતાં જ હોઇએ, પણ એ ક્યારેય ઉત્સાહ ન બતાવે.
ઉપરાંત ડોક્ટરે એવું પણ કહ્યું કે આવા દર્દીઓને વારંવાર જુલાબ લેવાની ટેવ હોય છે અને ક્યારેક પાર્ટી કે ફંકશનમાં થોડું ખવાઇ જાય તો પછી ઘરે જઇને વોમિટ કરી લેવાની ટેવ હોય છે. આ તો ગાંડપણ જ કહેવાયને? કાલે તો ડોક્ટરે આકૃતિને લાસ્ટ વોર્નિંગ આપી છે, કારણ કે આકૃતિ એમના કહ્યા મુજબ ટ્રીટમેન્ટ કરતી નથી.
ડોક્ટરના મતે હવે ડિપ્રેશન વધતું જશે તો સાઇકોલોજિસ્ટ કે સાઇકાયટ્રીસ્ટની સલાહ પણ લેવી પડશે. અત્યારે તો એમણે બ્રાહ્ની, શતાવરી, અશ્વગંધા જેવાં નિર્દોષ ઔષધો આપ્યાં છે. મેડિટેશન અને પ્રાણાયામ કરવાનું કહ્યું છે. જરૂર પડે તો શિરોધારા અને ક્ષીરબસ્તીનો કોર્સ પણ કરવાનો કહ્યો છે, પણ અમારાં આકૃતબહિન એમ માને તોને? એના ઘરના લોકોએ પણ આને માટે ટાઇમ ફાળવવો પડે અને થોડી સમજ પડે કે બહેન તું ‘સ્કિની’ છો, હેન્ગર પર કપડાં લટકાવ્યા હોય તેવી દેખાય છે. આ ગાંડપણ છોડી દે નહીં તો ભવિષ્યમાં મોટી ઉપાધિઓ આવશે.’