‘સ્મિતાબહેન મારે તમને એક વાત પૂછવી છે. મારી શ્રદ્ધા માટે અમે એક છોકરો જોયો છે સારું ઘર છે. અહીં ગામમાં જ છે. પૈસેટકે આપણા લેવલમાં છે. જન્માક્ષર પણ મેળવી જોયાં, મળે છે. છોકરીવાળાની પણ ‘હા’ છે, પણ મને યાદ છે કે તમે તમારી ચાંદનીનાં લગ્ન સમયે મેડિકલ કુંડળી મેળવવાની વાત કરતાં હતાં. એ શી વાત હતી?’‘અદિતીબહેન, તમે ખરું યાદ રાખ્યું. આપણે હંમેશાં ઈચ્છીએ છીએ કે આપણાં સંતાનોને સારું ઘર મેળ, વર-વહુ મળે અને આપણો વંશવેલો સારી રીતે આગળ વધે. લગ્ન વખતે ઘર, પૈસો, સામાજિક સ્ટેટસ અને કુંડળી મેળાપ તો જોવાનો રિવાજ છે, પરંતુ વરવહુનો શારીરિક-માનસિક મેળાપ થશે કે નહી, એમના વંશજ કેવા થશે તેનો વિચાર કરવો જરૂરી છે.
કેટલાક રોગો વારસાગત રીતે કુટુંબમાં ચાલ્યા આવતા હોય છે. થેલેસેમિયા કે સિકલ સેલ એનિમિયા જેવા રોગો પેઢીઓ સુધી શરીરમાં શાંતરૂપે રહેતા હોય છે. પતિ કે પત્નીમાંથી એકમાં આવા રોગ સુષુપ્ત રીતે રહે ત્યાં સુધી ખાસ વાંધો નથી આવતો, પણ જો પતિ-પત્ની બંનેનાં જિન્સમાં (શરીરના બંધારણમાં) આવા રોગ હોય અને એમનાં લગ્ન પછી બાળક જન્મે તો તેમાં આવા રોગો થવાની શક્યતા વધી જાય છે. આવા જટિલ રોગોની હજુ સુધી કોઈ પરફેક્ટ દવા શોધાઈ નથી.
આ ઉપરાંત જેનાં લગ્ન વિચારીએ છીએ તે છોકરો-છોકરી બંને શારીરિક-માનસિક રીતે ફિટ છે કે નહીં, બેમાંથી કોઈના પણ ફેમિલીમાં ડાયાબિટીસ, હદયના રોગો કે કેન્સર જેવા રોગો ચાલ્યા આવે છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ. જેનાથી ભવિષ્યમાં થનારાં બાળકમાં આવા રોગો થવાની સંભાવનાનો ખ્યાલ રહે અને ગર્ભ રહે તે પહેલાંથી જ તેની સારવાર કરી શકાય. આપણાં શાસ્ત્રોમાં માણસના જન્મથી મૃત્યુ સુધી આ સોળ સંસ્કાર અપાય છે.
તેમાં ગર્ભ સંસ્કાર પદ્ધતિ અને પુંસવનનો ઉલ્લેખ છે. મેં તેના આધારે મારી ચાંદની અને તેના વરની મેડિકલ તપાસ, જિનેટિકલ સ્ટડી કરાવેલાં. અમને ખબર છે કે મારા જમાઈના ફેમિલીમાં ડાયાબિટીસ રહે છે. અત્યારે તો જમાઈને ડાયાબિટીસ હજુ સુધી થયો નથી, પણ ચાંદનીને અત્યારે સારા દહાડા ચાલે છે અને આવનાર બાળકને પણ આવા રોગો ન થાય તે માટે મેં ગર્ભસંસ્કાર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આનાથી આપણે ઈચ્છીએ તેવું - શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ અને સંસ્કારી, આધ્યાત્મિક વારસા સહિતનું બાળક અવતરી શકે.
તમે ‘ડિઝાયર્ડ બેબી’ વિશે સાંભળ્યું છે? હમણાં અમેરિકા-યુરોપના ડોક્ટરોએ આ સર્વિસ શરૂ કરી છે, જેમાં ડોક્ટરો તમે ઈચ્છો તેવા ગર્ભની ડિઝાઇન કરે છે. શરીરનો બાંધો, ચામડીનો કલર, આંખોના શેપ, નાક, કાન, હાથ-પગ બધાં અંગો આપણી ઈચ્છા મુજબની સાઈઝ-શેપ અને રંગનાં થાય તેવું રિસર્ચ કરી રહ્યા છે. આ જ વાત આપણા અથર્વવેદના છઠ્ઠાકાંડમાં ગર્ભસંસ્કાર પદ્ધતિ અને પુંસવન સંસ્કારના નામે લખેલી છે.’
‘સ્મિતાબહેન, માનો કે મારી શ્રદ્ધાને ભવિષ્યમાં ઐશ્વર્યા જેવી જ સુંદર બેબી જોઈએ તો શક્ય બને? અને આવનાર એનાં બાળકોને આવા રોગોથી બચાવી શકાય? મારી શ્રદ્ધાના બાળકો પણ શારીરિક-માનસિક રીતે સ્વસ્થ હોય અને સંસ્કારી હોય તે કોને ન ગમે? તો આ ગર્ભસંસ્કાર અને પુંસવન બહુ અઘરી વાત છે?’
‘અદિતીબહેન, આ બધું અઘરું નથી હોતું. પહેલું તો આની જાણકારી હોવી જોઈએ. બીજું, ઈચ્છા હોવી જોઈએ અને ત્રીજું, યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. તમે શ્રદ્ધા અને આ છોકરાની મેડિકલ કુંડળી મેચ કરી લો. વારસામાં કોઈ મોટા, જટિલ રોગોની તો શક્યતા નથી ને તેનું ધ્યાન રાખો. પછી તો હું બેઠી છું, તમને ગાઈડ કરીશ. મારી સાથે વૈદ્યમિત્ર પણ છે જ. એ પણ તમને સમય સમય પર માર્ગદર્શન આપશે. પહેલા તબક્કામાં પતિ-પત્ની બંનેની શારીરિક રિપ્નેસ, જનનાંગો અને આર્તવ-શુક્રની કવોલિટી સુધારવી, બીજા તબક્કામાં યોગ્ય સમયે - દિવસે સમાગમ વિશેની સમજ અને પછી ત્રીજા તબક્કામાં ગર્ભધારણથી ડિલિવરી સુધી થનાર માતાને આહાર-વિહાર-દવાઓનું સતત માર્ગદર્શન.’