તમે જેટલા વધારે કંટાળશો એટલા આ કંટાળાના ગૂંચવાડાને ઉકેલવાની મજા પડશે. આમ જોવા જઇએ તો કંટાળાનો પરિવર્તન સાથે સીધો સંબંધ છે. સામાન્ય વ્યક્તિ હોય કે વિશિષ્ટ દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કંટાળાનો અનુભવ કરે જ છે. કંટાળાને કોઇ વ્યક્તિ પોતાની આસપાસ ભટકવા દેવા નથી ઇચ્છતું, પણ શું થાય કંટાળો ગમે ત્યાંથી આવી જ જાય છે.
આંગળીને વેઢે ન ગણી શકાય એવી અનેક ટીવી ચેનલો, ઇન્ટરનેટ, મોબાઇલ, ગેજેટ્સ, મનોરંજનનાં એકથી વધારે સાધનો આસપાસ હાજર હોવા છતાં આપણે બોર થઇ જઇએ છીએ. એ પાછળનું સૌથી મોટું કારણ કુદરતનો નિયમ પરિવર્તન છે. જો વ્યક્તિ કંટાળશે નહીં તો એ કંઇ નવું કરવાનું વિચારશે નહીં. દિલ્હીના પ્રોફેસર પુષ્પેશ પંત કહે છે, ‘જ્યારે વ્યક્તિ કંટાળે છે ત્યારે તેની એકરસતા તૂટે છે. એ પોતાને મનોરંજન અને સંતોષ મળે એવું કંઇક કરવા ઇચ્છે છે.’
શું છે કંટાળો?
કંટાળો એ એક મનોસ્થિતિ છે. કોઇ કામને સતત કરતાં રહેવાથી એમાં આપણો રસ ઘટી જાય છે. ‘કંટાળા’ શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૮૫૨માં ચાર્લ્સ ડિકન્સના ‘બ્લીક હાઉસ’ નામના ઉપન્યાસમાં થયો હતો. એમણે થાક અને કોઇ વસ્તુમાં રસ ન પડવો એની માટે ઉપન્યાસમાં લગભગ છ વખત આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ૧૭૬૮માં ‘ટુ બી બોર’ નો ઉપયોગ કામમાં મન ન લાગવું અને ડલનેસ માટે કરવામાં આવ્યો હતો.
તમને કંટાળો કેમ આવે છે?
‘ધ કેમ્બ્રિજ જર્નલ ઓફ હ્યુમન બિહેવ્યર’ મુજબ આપણને બપોરે અને સાંજે સૌથી વધારે કંટાળો આવે છે. અડધો દિવસ પૂર્ણ થઇ ચૂક્યા પછી આપણું મગજ પરિવર્તનનો સંકેત આપે છે. થાક અને વધુ પડતો માનસિક શ્રમ પણ તેનું કારણ છે. વૈજ્ઞાનિકો મુજબ મગજનો ડાબો કે જમણો જે ભાગ વધુ સંવેદનશીલ હોય છે તેના પર કંટાળાની અસર વધારે થાય છે. એમાં મગજને શિથિલ કરનારાં રસાયણો બને છે.
કંટાળાનાં અન્ય કારણો
હૈદરાબાદમાં મનોચિકિત્સક અનુશ્રીનું કહેવું છે કે, કંટાળાનું સાચું કારણ આપણી અંદર હોય છે, કારણ કે જે કામ કરવામાં આપણને કંટાળો આવતો હોય એ જ કામ કરવામાં બીજાને આનંદ આવતો હોય એવું બને છે. તેથી કહી શકાય કે, કંટાળો ૮૦ ટકા તમારી અને ૨૦ ટકા તમારા ઉછેર સાથે જોડાયેલો હોય છે. કંટાળો ઘણી વખત નાના-મોટા અપરાધોનું કારણ પણ બને છે. લંડનમાં થયેલા એક સંશોધન મુજબ કંટાળાને લીધે ઘણા લોકો (ખાસ કરીને સૌથી વધારે ટીનેજર) જીવનમાં એક્સાઇટમેન્ટ માટે અપરાધ તરફ વળે છે.
કંટાળાથી કેવી રીતે બચશો?
આપણે સૌથી વધારે આપણી જાતથી કંટાળીએ છીએ. એમાંથી બહાર આવવા પહેલાં તમારા કપડાંની સ્ટાઇલ, ક્યારેક હેરસ્ટાઇલ તો ક્યારેક લાઇફ સ્ટાઇલને બદલતા રહો. ઓશો વર્લ્ડના સ્વામી ચેતન્ય કીર્તિ કહે છે, આપણે આપણી જાતમાં કંઇ નવું કરવાને બદલે બહારથી કંઇ નવું મળે એની શોધ કરીએ છીએ. વાચન, સંગીત, યોગ, સ્પોર્ટ્સ અને ધ્યાનને જીવનમાં વણી લો. જેમ કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ કંટાળાને દૂર કરવા વીણા વગાડે છે અને પુસ્તકો વાંચે છે.
જલદી કંટાળે છે મહિલાઓ
આલ્બર્ટ આઇન્સ્ટાઇન રસપ્રદ વ્યક્તિ હતા. તે ઉખાણા દ્વારા સાયન્સની ગૂંચવણભરી વાતો સરળ શબ્દોમાં કહેતા હતા. તેઓ કંટાળો એ પડકાર છે જે નવી શોધ કરવા પ્રેરણા આપે છે એવું કહેતા હતા. એક સંશોધન મુજબ પુરુષો કરતાં મહિલાઓ જલદી બોર થાય છે. એમને કંટાળાનું કારણ પણ ખબર હોય છે. મનોરંજન સાથે જોડાયેલા લોકો અંગત જીવનમાં સૌથી વધારે કંટાળે છે. બોલકણા લોકોની સરખામણીએ ઓછા બોલા લોકો વધારે કંટાળો અનુભવે છે.
કંટાળનાર હસ્તીઓ
ભૂતકાળમાં વિંસ્ટન ચર્ચિલ તેના કંટાળાના કિસ્સાઓને લઇને દુનિયાભરમાં ચર્ચામાં રહ્યા હતા. જ્યારે જયોર્જ બુશ કહેતા કે, બોર થવામાં વ્યક્તિને શું તકલીફ હોઇ શકે? બુશની સાથે રહેનારા લોકોનું કહેવું છે કે, તેઓ બહુ કંટાળાજનક વ્યક્તિ છે. આખી દુનિયાને હસતાં-હસતાં રડાવી દેનાર ચાર્લી ચેપ્લિનનું અંગત જીવન પણ કંટાળાજનક હતું. મિસ્ટર બીન જેવી હસ્તીઓ પણ બહુ બોર વ્યક્તિ છે. અરે, આપણા બોલિવૂડની જ વાત કરીએ તો આમિર ખાનનો ભાણિયો ઇમરાન ખાન કહે છે કે, મામા આમિર બોરિંગ વ્યક્તિ છે. અમિતાભ બચ્ચન વિશે પણ તેમના નજીકના લોકો આવું જ કહે છે. ઘણા હાસ્ય કવિઓ પણ કંટાળાજનક લોકોમાં સામેલ છે.
કંટાળાને રંગી નાખો
સંગીતમાં એક શબ્દ છે ‘રાગ’. રાગ એટલે પોતાના મનને કોઇ વાત કે કોઇ રસમાં રંગવી. મનોરંજન શબ્દનો પણ આ જ અર્થ છે. તમારા મનને કોઇ વાત કે રંગમાં રંગવી. જીવનના કંટાળાને તમારા મનગમતા રંગો વડે રંગી લો પછી જુઓ કંટાળો કેવો ભાગી જાય છે એ! ‘- અમિતાભ અરુણ દુબે