‘હાં મૈં શમ્મી કપૂર બોલ રહા હૂં, ફરમાઇએ.’ ફોનમાં ભારેખમ અવાજ સંભળાયો ને મારા પગથી માથા સુધી એક અલગ પ્રકારની ઝણઝણાટી વ્યાપી ગઇ.‘હું કાર્ટૂનિસ્ટ-હાસ્યકાર છું, મેં અનેક ફિલ્મસ્ટાર્સનાં કાર્ટૂન્સ દોર્યા છે અને અનેક કલાકારોને રૂબરૂ મળ્યો છું. તમારું કાર્ટૂન પણ દોર્યું છે. જેના પર તમારા હસ્તાક્ષરોમાં પ્રતિભાવ ઇચ્છું છું... વગેરે વગેરે ઘણું ઘણું હું એકીશ્વાસે બોલી ગયો.
‘... તો કાર્ટૂન પર મુઝે કોમેન્ટ લિખની હોગી? કાર્ટૂન કોમેન્ટ કે લાયક હૈ, ઐસા મૈં કૈસે માન લૂં? આપ મુજે કાર્ટૂન ફેકસ કે થ્રુ ભેજ દો. અગર અચ્છા લગા, તો મૈં આપ કો ફોન કરુંગા.’ શમ્મી કપૂરે નીરસ અવાજે જણાવ્યું. મેં નમ્રતાપૂર્વક ઘણો આગ્રહ કર્યો, ત્યારે જવાબ મળ્યો કે બરાબર પાંચ વાગ્યે ફકત પાંચ મિનિટ માટે મળી શકો! મેં સમય માટે ઘણી રકઝક કરી, ત્યારે છ વાગે મળવાની હા પાડી, પણ અવાજમાં નારાજગી સ્પષ્ટ વરતાઇ.
હું ખૂબ જ વૈભવી કહી શકાય તેવા વાતાનુકૂલિત બેઠકખંડમાં બેઠો હતો. નીચેની જાજમ પર બે વાઘનાં ચામડાં પથરાયેલાં પડ્યાં હતાં અને મારી બિલકુલ બાજુમાં મસાલા ભરેલો વાઘ શો પીસ બની ઊભો હતો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે રમવા માટે જ ખાસ બનાવી હોય એવી કાચની દીવાલો ધરાવતી ઓફિસમાં શમ્મી કપૂરનું દર્શન થયું. વિશાળ ભાલ પર તિલક, ગળામાં રુદ્રાક્ષની મોટી માળા, ઘેરા ભૂરા કુર્તા-લૂંગીથી સજજ શમ્મી કપૂરની આંગળીઓ કમ્પ્યુટરના કી-બોર્ડ પર આઘીપાછી થતી હતી.
‘આપને દૂસરોં કો તો અચ્છા બનાયા હૈ, લેકિન મેરે કાર્ટૂન મેં ખાસ કર કે દાઢી ઠીક નહીં બની હૈ. દેખો, મેરી દાઢી ઐસી હૈ...’ બીજા ફિલ્મસ્ટાર્સનાં કાર્ટૂન્સ ઝડપથી જોઇ નાખ્યા પછી પોતાનું કાર્ટૂન જોઇ, તરત જ કમ્પ્યુટર પર પોતાની તસવીર મને બતાવી. મેં મુલાકાતના સમય માટે જે રકઝક કરેલી, એની નારાજગી વચ્ચે નડી રહી હોય, એમ મને લાગ્યું.
ત્યાર પછી કાર્ટૂનકલા વિશે ચર્ચા લંબાઇ અને પાંચ મિનિટને બદલે અડધો કલાક થઇ ગયો. કંઇક નિરાશભાવે હું ઊઠ્યો અને એમને પ્રણામ કરી જતાં જતાં મેં કહ્યું, ‘મુઝે ખુશી હૈ તો સિર્ફ એક બાત કી, કિ આપને મુઝે સુના, મૈં જબ પૈદા ભી નહીં હુઆ થા તબ આપ ફિલ્મો મેં સુપરસ્ટાર થે. મેરે પાપા ભી આપ કે ફેન હુઆ કરતે થે. અભી ભી અપની આંખો પર વિશ્વાસ નહીં હો રહા હૈ કિ મૈં સચમુચ વહી શમ્મી કપૂર કે ઇતને કરીબ હૂં! મુઝે ઔર ક્યા ચાહિયે, ગુડ બાય સર...’ હું પગ ઉપાડું તે પહેલાં જ મારા બરડા પર એમનો હાથ મુકાયો.
‘રુક જાઓ બેટે, યે તો બાત કલા કી હૈ. શાયદ મૈં ગલત હૂં.’ એમણે કહ્યું, ‘વો કાર્ટૂન દેના તો!’ એમણે બાજુના ડ્રોઅરમાંથી એક કાતર બહાર કાઢી, ને હું ગૂંચવાયો. કાર્ટૂન હાથમાં આપતાં જ સાવ નીચે લખાયેલ ‘બટ આઇ ડોન્ટ થિંક, ધીસ ઇઝ મી!’વાળો ભાગ એમણે કાળજીપૂર્વક કાપીને અલગ કરી દીધો અને ઉપર બચેલી થોડી ખાલી જગામાં પેનથી ઉમેર્યું... ‘કીપ ઇટ અપ, નિર્મિશ!’‘અબ તો ન્યાય હુઆ ન?’ એમની આંખોમાં વાત્સલ્ય ડોકાતું હતું. છુટા પડતાં બંને પક્ષે લાગણીનો ભાર હતો, એટલે મુલાકાત યાદગાર બની રહી!