તાજેતરના ‘ધ સૌથ એશિયન ટાઇમ્સ’ દૈનિકમાં અંદરના પાને યાદી છે ‘ટોપ ફિફ્ટી કૂલેસ્ટ દેસીઝ ઓફ ૨૦૧૧.’ હવે ચરમ શરમજનક વાત એ છે કે તે ફિફ્ટીમાંથી મેબી ફાઇવની અમને ખબર હશે ને બાકીના અમારી આંખોના રડારની નીચે રમે છે!
બાયધવે, મુંબઇ-ગુજરાતમાં ગુજરાતીઓએ મદ્રાસી દોસ્સૈને ઢોસો કરીને વળી ઢો ઉપર સાકરની ગાંગડી જેવું મીંડું લગાડીને ઢોન્સો કરી દીધો છે, ને સાંબાર યાને સમ્ભારમાં એક ચમચી ખાંડ નાખી છે એટલે અસીબ આન્ધ્રાના દોસ્સૈને રન્ડ્ડ કાવફી માટે અમારે ન્યુ જર્સી આવવું પડે છે. ને એ વિલાસી વાનગી બને તે દરમિયાન ‘સ્વામેઇ’ સાહેબે બારીમાં મૂકેલું ફ્રી પેપર નામે ધ સૌથ એશિયન ટાઇમ્સમાં વાંચીએ છીએ કે તે પેપરના ‘મેન ઓફ ધ ઇયર’ છે, રોટરી ઇન્ટરનેશનલના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બસ્મંગાલી બાબુ કલ્યાણ બેનરજી, ને પ્લસ બાબુ નિવાસે છે વાપી, ગુજરાતમાં! વ્હોટ? બંગાલી ને વાપીમાં? આવી ડબલ ‘સગાઇ’થી ડઘાઇને અમે ધ્રૂજતા હાથે પાનું ખોલીએ છીએ. તો વળી અંદરના પાને યાદી છે ‘ટોપ ફિફ્ટી કૂલેસ્ટ દેસીઝ ઓફ ૨૦૧૧.’
હવે ચરમ શરમજનક વાત એ છે કે તે ફિફ્ટીમાંથી મેબી ફાઇવની અમને ખબર હશે ને બાકીના બધા અમારી ચકોર આંખોના રડારની નીચે રમે છે! સૌથી પહેલાં તો હઝારે સાહેબ, પાયલાગણ અણ્ણા ભાઊ. પછી ચોથા નંબરે ફ્રીડા પીન્ટો? એક થર્ડ કલાસ ફિલ્મમાં એક ટીચકો રોલ કરનારી નટી કૂલેસ્ટ? પાંચમે છે વન સલમાન ખાન, નો નો, કૂલ હીરો નહીં, આ હાર્વર્ડ ને એમાઇટીના વિદ્યાર્થી ખાં સાહેબ તો મેથેમેટિક્સના ખાં છે ને કેલિફોર્નિયામાં બેઠાં બેઠાં મેથેમેટિક્સ શીખવાની વીડિયો યૂટ્યૂબ ઉપર લોડ કરે છે.
એવી એમની ૨૭૦૦ વીડિયો દરરોજ ૧,૦૦,૦૦૦ જેટલી હિટ લે છે! એમને ગૂગલ ને બિલ ગેઇટ્સ જેવા લોકો અનુદાન આપે છે, ને બિલબાબુ કહે છે કે મારાં છોકરાંને મેથેમેટિક્સ શીખવવા હું ખાનના ટ્યૂટોરિયલ બતાડું છું! તે ખાન પછી છે આમિર ખાન, નો નો નોટ મંગલ પાંડે, આ ખાન તો ઇંગ્લેન્ડવાસી મુષ્ટિયોદ્ધા છે, ને અમેરિકાના વિખ્યાત બોક્સર ઝેબ જૂડાહને ટપીને બ્રિટનના ‘બોક્સર ઓફ ધ ઇયર’ બન્યા છે. ઉંમર? પચીસ વર્ષ ઓન્લી.
તે પછી નોંધપાત્ર છે તરસીમ સિંઘ ધન્ડવાર. વ્હોટ? સરદાર મૂવી ડિરેક્ટર કે? એમની નવી ફિલ્મ થ્રીડીમાં છે, ‘ઇમ્મોરટલ’ અને ૩૫ મિલિયન ડોલરનો વિક્રમભંજક વકરો લાવી છે. આગળ જતાં છે મિસ બેલા બજારિયા! હોલિવૂડના તોતિંગ યુનિવર્સલ ટેલિવિઝનનાં બેલાબેન એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે! અને માસ્ટર જય ડાભી! ‘અમેરિકાઝ નંબર વન સાઉથ એશિયન ડીજે! નંબર એકવીસે છે શેફાલી રાઝદાં દુગ્ગલ. શેફાલીબહેન રાષ્ટ્રપતિ ઓબામાના ફંડ રેઇઝર છે. ઓબામાજી જીતે તો વ્હાઇટ હાઉસમાં શેફાલી પણ સ્થાન ગ્રહણ કરે એવી વકી છે.
અને સાહેબ, મદ્રાસી વ્યંજનની વાત નીકળી છે તો જાણી લો કે ન્યુ યોર્ક ગામમાં ફ્લોયડ કાદોઁઝ નામે એક વાનગી નિષ્ણાત વસે છે, જેણે રાંધેલી ઉપમા એક લાખ રૂપિયાનું ઇનામ જીતી ગઇ છે! ઉસકે બાદ સમઝો કે ‘આરડીબી’ નામે પંજાબી મ્યુઝિક ગ્રૂપ. કેનેડા અને બ્રિટનમાં ‘રિધમ, ઢોલ, બાસ’ યાને આર.ડી.બીના કુલી, મન્જ અને સૂર્જ નામના ત્રણ જણના ગ્રૂપે ધમાધમ ધૂમ મચાવી છે.
ગયા વર્ષની ‘સ્પેલિંગ બી’ એટલે અઘરા ભમરાળા અંગ્રેજી શબ્દોની જોડણીની ૨૦૧૧ની ચેમ્પિયન આઠમા ધોરણની વિદ્યાર્થિની સુકન્યા રાય પણ ‘કૂલ’ છે. શાલિની વઢેરા કેલિફોર્નિયાની બ્યુટિફૂલ બ્યુટી એક્સપર્ટ છે. લેફ. કર્નલ હરજિત સિંઘ સજજન બ્રિટિશ કલિમ્બયા રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર છે. પ્રબાલ ગુરુંગ ન્યુ યોર્કના ફેશન ડિઝાઈનર છે. સોહેલ મોહમ્મદ ન્યુ જર્સી સુપિરિયર કોર્ટના જડજ છે. અસલમાં સોહેલ સાહેબ ઇજનેર હતા ને એકવાર જયૂરી ટ્રાયલના ફોરમેન બનવું પડેલું એ કેસમાં એમને એટલો બધો રસ પડ્યો કે રૂલર કમ્પાસ મૂકીને કાયદાના ત્રાજવે ચઢી ગયા ને હવે જડજની ગાદી સંભાળે છે.
મેલાની કન્નોકાડા મોડેલ છે ને હવે બડી એક્ટ્રેસ છે. એની ‘લવ, લાયઝ એન્ડ સીતા’ નામે ફિલ્મ રિલીઝ થવામાં છે. સોની ઇન્ટરનેશનલની ટીવી સિરીઝ ‘કયૂબ’ ૬૦ દેશોમાં પ્રસારિત છે, અને મેલાનીબહેન છે તેના લોકપ્રિયા યજમતી! મેલાનીબાલા ઝારખંડમાં એક લાખ ગ્રામજનોને સેવા અપે એવી હોસ્પિટાલ ઊભી કરવા કાર્યશીલ છે. અઝીઝ અન્સારી નામના ન્યુ યોર્ક વાસી કોમેડિયન ‘ધી ફનીએસ્ટ મેન અન્ડર થર્ટી’નું બિરુદ પામ્યા છે અને રોલિંગ સ્ટોન નામના ધમાકેદાર મેગેઝિનના બેક કવર ઉપર બિરાજી ચૂક્યા છે.
પ્રીત ભરારા નામે સરકારી વકીલ સાહબ ન્યુ યોર્કની અતિ પ્રતિષ્ઠિત ન્યાયકચેરીમાં દગલબાજો ને ગુંડાઓ ઉપર કામ ચલાવે છે. લેટેસ્ટ કેસ રાજ રાજારત્નમ્ તમિળ પિતાને બંગાળી માતાની સુપુત્રી ચિ. વેરા મિન્દી ચોકાલિંગમ્ ઊરફે મિન્ડી કાલિંગે અમેરિકાના ટીવી દર્શકોને મંતર માર્યા છે. ‘ધી ઓફિસ’ નામક સરફિરી તબલાતોડ કોમેડી શ્રેણીની તે મુખ્ય લેખિકા ને એક અભિનેત્રી છે.
આ ઉપરાંત સિદ્ધાર્થ મુખરજી, વિક્રમ પંડિત, અંશુ જૈન, વિનોદ ખોસલા, અનુ ભગવતી અને ઇબૂ પટેલ જેવા જાણીતા કૂલ દેસીઓ તો છે જ, પણ આટલી મોટી તાદાદમાં આટલા વિધવિધ ક્ષેત્રે આપણાં બંધુ બાંધવીઓના ડંકા વાગે છે તે વાંચતાં વાંચતાં સાંબાર ગળ્યો ગળ્યો લાગવા માંડે છે અને, વેઇટ! પ્રતિમા ધર્મ નામે સન્નારી છે અમેરિકાની વોલ્ટર રીડ આર્મી મેડિકલ સેન્ટરના હિન્દુ ચેપિ્લન યાને ધર્મોપદેશક, અને યુએસ આર્મીના કેપ્ટન! બસ, અન્યોના ઉજાસમાં દમકતા ગગનવાલા જાતને ઢોંસા મારે છે, હાળાં ધોળાં આવ્યાં તોયે ન ‘કૂલ’ થયા ન ‘હોટ.’ જય ડાભી!