Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

જૂતાં ફેંકો, નવી નેશનલ ગેમ!

 
Source: Andaz bayan, Sanjay Chhel   |   Last Updated 12:22 AM [IST](02/09/2010)
 
 
 
 
 
ટાઇટલ્સ

આને વાલી હૈ ક્યા બલા સર પર?
આજ ફિર દિલમેં દર્દ હૈ કમ-કમ! (જોશ)

હમણાં ૧૫મી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લા પર એક કોન્સ્ટેબલે જોડું ફેંક્યું. એ પહેલાં પી. ચિદમ્બરમ્ પર એક શીખ પત્રકારે જોડું ફેંકેલું. એ પહેલાં જ્યોર્જ બુશ પર એક મુસ્લિમ પત્રકારે જોડું ફેકેલું અને આ લિસ્ટ તો ઘણું લાંબુ છે. જ્યારે જ્યારે ધરતી પર અધર્મ વધી જાય છે ત્યારે ત્યારે ઇશ્ચર અવતરે છે એમ જ્યારે જ્યારે પ્રજાને ગુસ્સો આવે છે ત્યારે જૂતાં ફેંકે છે, પણ કમબખ્તી એ છે કે સાલાં એ જૂતાં નેતાઓને બરોબર લાગતાં નથી. ફેંકનારનું નિશાન દર વખતે ચૂકાઇ જાય છે અને નેતા બચી જાય છે. જો કે નેતાને જૂતાં લાગે તોય કંઇ અસર થાય? જેમ આત્માને બાળી શકાતો નથી, ભાંગી શકાતો નથી એમ નેતાને કે એને આત્માને પણ હલાવી શકાતો નથી! એકચ્યુઅલી તો નેતાને ગુસ્સો આવતો હશે કે સાલાંએ એક જ જોડું ફેંક્યું? બીજું ફેંકે તો કમસેકમ પહેરી તો શકાય!

જે પ્રજા હાથ પર લોકશાહીના કલંક જેવું શાહીનું ટીપું લઇને વોટ આપે છે, એ જ હાથે પછી જોડા ફેંકીને ચોટ આપે છે. જોડાં એટલે ફેંકે છે કે આસપાસ પથ્થર નથી હોતાં અને બંદૂક ખરીદવી જરાં મોંઘી પડે છે અને નેતાની જાડી ચામડી પર બુલેટની અસર થશે કે નહીં એની ગેરંટી પણ નથી. કવિ કહે છે, રામે સીતાને લવિંગ કેરી લાકડીએ Lovingly મારેલાં એમ જૂતાં મારવાં પાછળ પ્રજાનો છુપો પ્રેમ છે કારણ કે નફરત પ્રેમનો જ એક પ્રકાર છે ને? તો આઝાદીના ૬૪ વર્ષ પછી જૂતાં ફેંકવાની આપણને આઝાદી હોવી જોઇએ. કારણ કે એક સ્વસ્થ સમાજને અસ્વસ્થ થઇ ગુસ્સો કાઢવાનો હક્ક છે.

રોટી, કપડાં, મકાનની જેમ એ એક બેઝિક જરૂરિયાત છે. સરકારો, વિરોધપક્ષો ભેગાં મળીને ભલે ભાવવધારા કરે, ભ્રષ્ટાચાર કરે, કોમવાદ વકરાવે, વાંધો નહીં, એ એમનું કર્મ છે. પણ જૂતાં મારવાં એ આપણો ધર્મ છે. જૂતામાં મર્મ છે, જૂતામાં ચર્મ છે. જૂતાં, બેશર્મ પર એક એટેક નર્મ-નર્મ છે.

એકચ્યુઅલી, જૂતાં કંપનીઓએ નેતાઓ પર ફેંકવા માટે ખાસ ‘લેઝર-જૂતાં’ કાઢવા જોઇએ. જેમ મશીનગનમાં દુશ્મનને નિશાના પર લેવા માટે લેઝર-કિરણ નીકળતું હોય છે અને ટારગેટ પર એક લાલ ટપકું થાય છે એમ લેઝર-જૂતાંમાં પણ લાલ કિરણ નીકળે જેથી ફેંકીએ તો બરોબર નેતાને લાગે!

એની જાહેરાત પણ બની શકે કે ‘લેઝર જૂતાં, લેઝર જૂતાં, નેતાનો મારો, ટુગેધર જૂતાં’ પણ જો હાલમાં જેમ સંસદસભ્યોનાં પગાર વધારા માટે સર્વપક્ષોનાં નેતાઓએ જે અદ્ભુત એકતા દેખાડી છે એમ આ લેઝર-જૂતાંને બનતાં રોકવા પણ એ સૌ એક થઇ જશે. લેઝર-જૂતાંથી લોકશાહી પર ખતરો છે, દેશમાં અશાંતિ સર્જાશે વિ. રેડીમેઇડ દલીલો થશે. સુપ્રીમકોર્ટ કમિટિઓ નીમશે પણ ડરો નહીં, ત્યાં સુધીમાં તો કોઇ ચાલુ ચાઇનીઝ કંપની ચૂપચાપ આવાં લેઝર-જૂતાં બનાવીને વેચવા પણ માંડશે. અને એનું ચાઇનીઝ નામ હશે: ‘લો-ફેં-કોં’

ઇન્ટરવલ

દલાલ ક્યારેય દેવાળું ના કાઢે (કહેવત)

પછી તો ચૂંટણીસભા કે રિબિન કાપતી વખતે નેતાઓની આસપાસ બૂલેટપ્રૂફ કાચની જેમ, જૂતાં પ્રૂફ પારદર્શક જાળીઓ રાખવામાં આવશે. પછી તો મલમલમાં લપેટાયેલી, ઝરણાંમાં નહાતી ભીની ભીની મંદાકિની જેવી સેક્સી હિરોઇનની જેમ પાતળી જાળીની આરપાર નેતાઓ જૂઠ્ઠાણાં બોલશે. રાષ્ટ્રવાદ કે કોમવાદ પર ડાયલોગબાજીઓ મારશે. સ્ટંટબાજ નેતા, જૂતાં-પ્રૂફ જાળી હટાવીને બહાર આવીને સામી છાતીએ કહેશે કે ‘મુઝે યે નેટ નહીં રખની, મુઝે તો આપસે ભેટ કરની હૈ. આપ મુઝે ચોટ દો યા વોટ દો, પર મૈં નહીં હટૂંગા. મારો જૂતે જી ભર કે.

મેરે બાપને ભી મેરી માં સે જૂતે ખાયે થે, મેરી માં ને ઉસકી સાસ સે જૂતે ખાયે થે. હમારા પરિવાર જૂતે ખાને સે નહીં ડરતા. આપ કે જૂતે મુઝે પ્યારે હૈં ક્યૂંકિ આપ કે જૂતોં મેં ઇસ ધરતી કી મિટ્ટી લગી હૈ. વો મિટ્ટી, જિસ કે લિયે મૈં જાન ભી દે સકતા હૂં. મારો જૂતેં, પર હાં મેરી સાઇઝ ૯ નંબર હૈ, યાદ રહે. ૯ નંબર જૂતેવાલે લોગ અપને દોનોં જૂતે ફેંકના.’ આ સાંભળી ભોળા લોકો તાળી પાડશે. નેતાની આ મર્દાનગીથી લોકપ્રિયતા ઔર વધી જશે. નેતાઓ રંગબેરંગી પોસ્ટરો-બેનરો પર જોડાં ખાતો હસતો ચહેરો છપાવશે અને સ્લોગન લખશે: ‘નેતા હું, પર ખાતા હું: સિર્ફ આપ કા જૂતા!’ પછી તો ક્યારેક કોઇ નેતા જ્યારે ઉદાસ ચહેર ઘરે પાછાં ફરશે ત્યારે પત્નીને કહેશે, ‘ડાર્લિંગ, આજે ફક્ત ત્રણ જ જૂતાં પડ્યાં!

શું મારી લોકપ્રિયતા ઘટી રહી છે?’ પત્ની છણકો કરીને કહેશે, ‘તો પાર્ટીના ભાડૂતી લોકો વડે જૂતાં ફેંકાવો, એટલુંય સૂઝતું નથી તો પોલિટિક્સમાં શા માટે પડ્યા છો?’ પછી તો લગ્નોમાં નટખટ સાળીઓ વરરાજાના જૂતાં ચોરી લેશે અને કહેશે, ‘જીજાજી, આ જૂતાં તો ફલાણાં નેતાને મારવા લીધાં છે, હવે નહીં મળે, હોં!’ પછી તો વિરોધ પક્ષના ફ્રસ્ટેટ્રેડ નેતાઓ, સરકારને નીચી પાડવા આંકડાઓ બહાર પાડશે કે ‘આ જુઓ, સરકારના આટલાં મંત્રીઓને છેલ્લાં પ વર્ષમાં આટલાં જૂતાં મારવામાં આવ્યાં! અમારી સરકારી હતી ત્યારે આટલા જૂતાં ક્યારેય નહોતાં પડ્યાં અને ધ્યાનથી જુઓ, આ સરકારનાં નેતાઓ પર જે જૂતાં ફેંકવામાં આવ્યાં છે એમાં માત્ર ૨૦ ટકા જૂતાં જ લઘુમતી કોમના છે કારણ કે આ સરકાર લઘુમતીઓને માથે ચઢાવે છે!

અરે, આજ સુધી તમે બીજી પાર્ટીને ૫૦ વરસ જૂતાં ખાવાની તક આપી હવે અમને આપો! મારું અભય વચન છે કે અમે સરકારી ભાવે રેશન-કાર્ડ પર જૂતાં અપાવશું જેથી ગરીબથી ગરીબ માણસ પણ જૂતાં ફેંકી શકે’ વગેરે. પછી તો દરેક મોટા શહેરના હવામાન, પ્રદૂષણની ટકાવારી ટીવી પર ચેનલો દેખાડે છે એમ ‘આજે ક્યાં કોને કેટલાં જૂતાં પડ્યાં’ એની એક સ્પેશિયલ આઇટેમ ‘shoe-throwing index’ નામે આવશે.

જે જુવાન છોકરો સ્થાનિક નેતા પર નિશાન તાકીને જૂતાં મારી શકશે એનાં પર યંગ છોકરીઓ ફિદા થઇ જશે અને એના પર ગુલાબ ફેંકશે, પરણવાના પ્રસ્તાવ મૂકશે: ‘હેય હેન્ડસમ, જે હાથે તે નેતાનાં માથાં પર શૂઝ ફેક્યાં એ જ હાથે તું મારા માથામાં સિંદૂર પૂરીશ?’ અને પછી તો ધીરેધીરે હોકી કે ક્રિકેટની જેમ જૂતાં ફેંકવાની નેશનલ ગેમ પણ ઊભી થશે અને બિલીવ મી કમસેકમ એ ગેમમાં તો આપણને વિશ્ચ ચેમ્પિયન બનતાં કોઇ નહીં રોકી શકે! કહેવાય છે, ‘અનલહક’નો નાદ જગાડનાર ફકીર, મન્સૂરને લોકોએ ફાંસી પર ચઢાવેલો કારણ કે એણે ખુદા સામે બગાવત કરેલી.

સિપાહીઓ એને શૂળી તરફ લઇ જઇ રહ્યાં હતાં ત્યારે નગરમાં સૌએ એનાં પર પથ્થરો માર્યા. તોયે એ તો હસતો જ રહ્યો. પણ જેવું એક માણસે એના પર ફૂલ ફેંકર્યું અને મન્સૂર ચિડાઇ ગયો. એણે ફૂલ ફેંકનારને કહ્યું, આ બધાં તો પથ્થરો મારે છે. મને સમજયા વિના ગુસ્સો કાઢે છે. પણ તું મને થોડોક સમજે છે, મારી વાતથી જરા સહમત છે એટલે પથ્થર મારવાનું તારી પાસે દિલ નથી, ખુદાને મેં નકાર્યો માટે ગુસ્સે તો તુંય છે. કશુંક ફેંકવું તો તારેય છે એટલે તારું ફૂલ મને આ બધાના પથ્થરો કરતાં વધારે વાગે છે! કાં મને સ્વીકાર કાં પથ્થર માર!’

આપણે ઘણાં વર્ષો સુધી મૌન રહીને નેતાઓને બહુ ફૂલો માયાઁ. હવે જૂતાં અજમાવીએ? પણ જવા દો, બ્લેકના પૈસાથી ફ્લેટ ખરીદતાં પહેલાં કે ટેક્સ ચોરતાં પહેલાં, પહેલું ચંપલ આપણે અરીસા પર જ મારવું પડશે! તો છોડો નીકળીએ! જાને દો, જૂતે કા આઇડિયા કેન્સલ!

એન્ડ ટાઇલ્સ

આદમ: મારું ચારિત્રય ખુલ્લી કિતાબ છે.
ઇવ: હા, પણ અનેક પાનાં પર ડાઘા છે!

અંદાઝે બયાં, સંજય છેલ

sanjaychhel@gmail.com
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.