Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

નવી નસલની ઉત્ક્રાન્ત સૃષ્ટિ

 
Source: Nile Gagan Ke Tale, Madhu Rai   |   Last Updated 12:31 AM [IST](09/09/2010)
 
 
 
 
 
પહેલાં ઇન્ટરનેટ ઉપયોગી સાધન હતું ને હવે આંખોને માયાજાળમાં ફસાવી ઉપભોકતાના મગજનો ભુક્કો કરનાર બારૂદ છે. ઉપભોકતાની ખુરશી તેને ગ્રસી જતી ‘સકિંગ સીટ’ બની ગઇ છે. ગગનવાલા સ્વયં ઊઠીને પહેલું કામ પીસી ઓન કરવાનું કરે છે, પછી દાતણ ને નિત્યક્રમ વગેરે, ને કોફીના કપ સાથે સકિંગ સીટમાં બિરાજી બપોર સુધી સાયબરના ગબ્બરગગનમાં ગુલતાન થવાનું તદ્દન નિરર્થક, નિરુપયોગી ને નિદ્રાચર કાર્ય કરે છે. અને હજી ફેસબુક ને ટ્વીટરના કે ચેટિંગ, ડેટિંગ કે આઇએમ કે ટેક્સટિંગની કાળકોઠરીઓમાં તો પ્રવેશ્યા પણ નથી.

નગરચર્યા કરવા ગગનલાલ ઘરની બહાર નીકળે છે તો રસ્તે, બસમાં, થિયેટરોમાં ને સર્વત્ર બાળાંબુઢ્ઢાંને ઢાંઢાં તરુણતરુણીઓ આઇફોનમાં પેલી નિગોડી ઇન્ટરનેટની લસરણી ઉપર સેલારા લે છે. લાઇબ્રેરીમાં પુસ્તકોનાં કબાટો ઉપર માખીઓ બણબણે છે ને ત્યાં ઉપલબ્ધ મફત પીસીની કતારો ઉપર નેટોત્સુકોનાં ટોળાં માખીઓની જેમ ગણગણે છે.

જાણે હજી ગઇ કાલે જ જોયેલું તે બે બાળકો બસ છે વાળું; ટાઇપરાઇટર, અંતર્દેશીય, એરોગ્રામ ને ટ્રન્કકોલવાળું, રેશનકાર્ડ, ગાંધીજી, પંચશીલ, દાતણ, સઘડી, સુરૈયા, ને સવા રૂપિયાની સિનેમાની ટિકિટવાળું સૌમ્ય જગત આજે એકદમ ત્રાડ પાડીને ફુંફાડા મારતા ડ્રેગનની જેમ આપણને ભડકાવે છે. હાથેથી લખાતા કાગળના સ્થાને ઇમેઇલ ને ફોનકોલ આવતાં હસ્તાક્ષરની કળા, લખાણની તહેજીબ લોપ પામી રહી છે, ને ફોરવર્ડ, કોપી ને બ્લાઇન્ડ કોપીની સવલતોથી બેકાર, જાહેરખબરિયા ટપાલના ડુંગર રોજ આંખો ઉપર ચડાઇ કરે છે. પહેલાં પુરોહિતો માગાં લઇ આવતા તે સ્થાને ઇલેકટ્રોનિક વેબ સાઇટો હવે રૂપેરાં જોડાં ગોઠવી આપે છે. અમેરિકામાં મા બનવા માગતી એકલી વયસ્ક સ્ત્રીઓ હવે આર્થિક આઝાદીના કારણે મરદની મદદ વિના, વેબ ઉપર રિસર્ચ કરીને ઇચ્છિત ગર્ભધારણ કરી લાવે છે.

પહેલાંના અલભ્ય પુરાણી ફિલ્મો, જીર્ણ પુસ્તકો, પીળાં ચોપાનિયાં હવે ડીવીડી મશીન ઉપર ડિજિટલ સ્વરૂપે હાજરાહજૂર છે. હસ્તલિખિત પત્રિકાઓ ને ભીંતચિત્રોના સ્થાને હવે કરોડો બ્લોગ ને યુ ટ્યૂબ ઉપર કોઇપણ પીસીધારક બ્લોગ તેમજ યુટ્યૂબની ક્લિપ મૂકી મહાલી શકે છે. ક્લિકવેંતમાં શબ્દકોશો, સંદર્ભગ્રંથો, ગાયનો, ફિલ્મો, ટુચકા, ને કામણગારાં દગિંબર કરતૂતોના ચિતારની વખારો કલનયન્ત્રના તપ્તપટ ઉતર તરફડે છે. અને કમ્પ્યૂટર ઉપરનો તમારો એકેએક કીસ્ટ્રોક, તમે જોયેલી દરેકેદરેક વેબસાઇટ, લખેલો પ્રત્યેક પત્ર ને ચેટ મેસેજ કોઇને કોઇ ભૂગર્ભના રાક્ષસી પટારામાં સંગ્રહાય છે.

ભયાવહ ભવિષ્યની સાહિત્યિક કલ્પનાકથાઓમાં વ્યક્તિનો હ્રાસ અને સરકાર કે ધર્મની ગોઝારી સત્તાની હતાશા સ્થાયી ભાવરૂપે આવે છે. આલ્ડસ હકસલીની નવલકથા ધ બ્રેવ ન્યુ વર્લ્ડમાં સામાન્ય નાગરિકની અંગત જિંદગી ઉપર સરમુખત્યાર સરકારની પાશવી પકડ છે. એન્થની બોહેઁસની એ કલોકવર્ક ઓરેન્જની ભવિષ્યની દુનિયામાં ક્રૂર ટીનેજરોનું રાજ ચાલે છે. આયન રેન્ડની એન્થમમાં સ્નેહવિહિન, પ્રતિભાહીન સૃષ્ટિ છે જેમાં કોઇની વ્યક્તિગત પ્રતિભા વ્યક્ત કરવી તે દંડનીય અપરાધ છે. આલ્ડસ હકસલીની બ્રેવ ન્યુ વર્લ્ડમાં ભવિષ્યના નિર્વીર્ય કલ્યાણરાજ્યની કલ્પના છે જેમાં વ્યક્તિનું વ્યક્તિત્વ ઓગાળી નંખાયું છે.

રૂપર્ટ ટોમસનની ડિવાઇડેડ કિંગ્ડમમાં તાનાશાહી સરકારે જનતાને વિધવિધ નાગરિકોને તેમની પ્રતિભાનુસાર કાંટાની વાડ બાંધેલા વર્ગીકૃત ઇલાકાઓમાં વહેંચી દીધા છે. રે બ્રેડબરીની ફેરનહાઇટ ૪૫૧માં છાપેલાં પુસ્તકો બાળી નાખવાના સરકારી એલાનના કારણે વાચકો ગ્રંથોને મુખસ્થ કરીને પરસ્પરને છુપાછુપા સંભળાવે છે. લુઇસ લોવરીની ધ ગિવરમાં એક માણસની ‘મેમરી’ બીજાને અપાય છે જેમાંથી સમાજનાં કદરૂપાં સત્ય બહાર આવેછે. માર્ગરેટ એટવુડની ધ હેન્ડ મેઇડન્સ ટેઇલમાં રાષ્ટ્રમાં એક જ ધર્મનું ધમાઁધ આધપિત્ય અને લઘુમતી ધર્મોનું દમન અને ઉન્મૂલન છે.

એલવિન ટોફલરના પુસ્તક ધ ફ્યુચર શોકમાં સાધનોથી ખદબદતી નવી દુનિયાની અચરજભરી કલ્પના છે. અને ગગનવાલાના બિલોરી દુરબીનના ક્રોસ-હેરમાં પકડાય છે વિલિયમ ઇન્જના એક નાટકનો એક સંવાદ: ઉત્ક્રાન્તિના ક્રમમાં વાંદરામાંથી માણસ બન્યો તેમ હવે માણસમાંથી એક નવી નસલ પેદા થઇ રહી છે જેમાંનો દરેક જણ પોતાનું દિલ બીજાને આપવામાં કંજૂસ છે, અને સંપૂર્ણ રીતે ‘કોઇના’ થવાની ક્ષમતા એ ‘નવી નસલ’નો માણસ પૂંછડીની જેમ ખોઇ બેઠો છે. અહો! આજે મનુજ પોતાની આસપાસ ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ, સેલફોન ને ઇન્ટરનેટની વાડ ઊભી કરીને માણસજાતના સામાજિક સદસ્યમાંથી પોતાનામાં વધુને વધુ ઘુંટાતો, એકલપેટો એકલતાનો અંગત ટાપુ બની રહ્યો છે.

અરે હત્, કહીને ગગનવાલાના મનનો મર્કટ હતાશાની બીજી ગુંલાટ મારે છે. કદાચ હજી તે ‘નવી નસલ’નું રૂપાંતર પરિપૂર્ણ થયું નથી. અમીબામાંથી આદમી થયો તેનાં મિલેનિયમનાં મિલેનિયમથી અક્ષુણ્ણ રહેલી આદમીની આદિમ વૃત્તિઓ દ્વેષ, અસહિષ્ણુતા, મત્સર, મોહ, લાલચ ને લુચ્ચાઇ હજી બરકરાર છે. હજી છરાથી, કે વિશ્વાસઘાતથી શત્રુઓ ને મિત્રો એકબીજાનાં ગળાં કાપે છે. હજી પથ્થરમારથી પ્રેમીઓને હણાય છે.

હજી બળાત્કારનો ભોગ બનેલી કિશોરીઓને ટૂંપા દેવાય છે. હજી ને હવે પછી સદીઓ સુધી મોટા મત્સ્યો નાની માછલીનો કોળિયો કરવાના છે, ને આઇટી પ્રોફેશનલો નવી નવી ચિપ્સ બનાવે, સોફ્ટવેર શાર્દુલો નવા નવા પ્રોગ્રામ વિકસાવે ને વૈજ્ઞાનિકો નવાં નવાં જંતરડાં ઉપજાવે, તોયે હજી થેન્ક ગોડ, લેખકો લખવાના છે, ગાયકો ગાવાના છે, ચિતારાઓ ચીતરવાના છે, ને વૈજયંતીમાલા મુજરો નાચતાં નાચતાં દેવદાસને મિન્નત કરવાની છે, જિસે તું કબૂલ કર લે વો જહાં કહાં સે લાઉં... જય ભવિષ્ય, જૈ વૈજયંતી!

madhu.thaker@gmail.com

નીલે ગગન કે તલે, મધુ રાય
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.