Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

નેતાજીને જાપાનથી મળ્યું નિમંત્રણ

 
Source: Bolo Mere Sang Jai Hind, Pranav K Lehari   |   Last Updated 2:54 AM [IST](01/09/2010)
 
 
 
 
 
‘સુભાષ, હું વૃદ્ધ ક્રાંતિકારી હિંદની આઝાદીના જંગની જવાબદારી સંભાળવા તમારા જેવા સક્ષમ, યુવાન નેતાની પ્રતીક્ષા કરું છું.’

આઝાદ હિંદ કેન્દ્રમાં તેમજ યુરોપના જર્મન આધપિત્ય હેઠળના દેશોમાં ખાસ ટ્રાન્સમીટરો લગાવી રેડિયો દ્વારા પ્રચારને વેગ આપવામાં આવ્યો હતો. આ કેન્દ્રનો મૂળ હેતુ તો ધરી રાજ્યોએ જે હિંદીઓને યુદ્ધકેદી તરીકે પકડ્યા હતા તેમને સમજાવી આઝાદ હિંદ ફોજમાં ભરતી કરવાનો હતો. તા. ૧૦ નવેમ્બર, ૧૯૪૧ ના રોજ લગભગ ૧૦ મહિના બાદ હિંદની સરકારે જાહેર કર્યું કે સુભાષચંદ્ર બોઝ જર્મન નાઝી દુશ્મનો સાથે જોડાઇ ગયા છે. લોકોએ આ વિધાન પડકાર્યું અને પુરાવો માંગ્યો તેનો જવાબ સ્ટેટસમેન અખબારે આપ્યો.

‘ગયા જાન્યુઆરીથી જર્મન સરકાર તે ક્યાં છે તે જાણે છે. સુભાષચંદ્રનાં મંતવ્યો નાઝી વિચારધારા મુજબ છે તે તેમનાં પુસ્તક-લખાણથી જાણી શકાય છે. જોકે તે પોતાના અભિપ્રાય નિખાલસ રીતે વ્યક્ત કરે છે. જ્યારે અન્ય લોકો ગોળ ગોળ વાતો કરે છે. સુભાષચંદ્ર જ્યાં છે (જર્મનીમાં) ત્યાં તેમનું હોવું તદ્દન સ્વાભાવિક છે.’ આટલા જાહેર વિવાદ અને આઝાદ હિંદ કેન્દ્રની સ્થાપના અને રેડિયો પ્રસારણ પછી પણ સુભાષબાબુ ‘ઓરલેન્ડો મેજેટોની ઓળખ સાથે જ પ્રવાસ કરતા હતા અને પોતાની હાજરી છુપાવી રાખી હતી. આનું કારણ સંભવત: બ્રિટિશ ગુપ્તચરો દ્વારા તેમના પર જીવલેણ હુમલાની શક્યતા પણ હતી.’

અંતે તા. ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૨ના રોજ સિંગાપુર જાપાનના હાથમાં પડ્યું. નેતાજી સુભાષચંદ્ર બોઝે પ્રેસ કોન્ફરન્સ અને રેડિયો દ્વારા પોતાની હકીકત જાહેર કરી. ‘મેં એક વર્ષ સુધી મૌન અને ધીરજ રાખ્યાં છે. વિશ્વની ઘટનાઓના પ્રવાહનું ધ્યાન રાખ્યું છે. હવે સમય પાકી ગયો છે અને હું મારી વાત કહેવા આગળ આવ્યો છું. સિંગાપુરના પડવાની સાથે બ્રિટિશ સામ્રાજ્યના વિઘટનની શરૂઆત થઇ ચૂકી છે. હિંદ અંગેના સમાચારો બ્રિટિશરોની પાબંદી હેઠળ આવે છે તેથી તેમાં વિશ્વાસ ન કરી શકાય. હિંદની બહુમત પ્રજા બ્રિટિશ ગુલામી ફેંકી દેવા થનગની રહી છે. આ સંઘર્ષ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે.’ નેતાજીના આહ્વાનમાં જાપાનની મારફત દૂર પૂર્વથી આઝાદીનો જંગ છેડવાનો ઇરાદો સ્પષ્ટ થતો જતો હતો.

જર્મની, ઇટાલી અને ઉત્તર આફ્રિકામાંથી પકડાયેલા ૧૫૦૦૦ ઉપરાંતની સંખ્યાના યુદ્ધકેદીઓમાંથી ૨૫૦૦ યુદ્ધકેદીઓની ભરતી આઝાદ હિંદ સેનામાં થઇ શકી હતી. આની પાછળ અનેક કારણો હતાં જેવાં કે, ધર્મના પુસ્તક પર લીધેલા સોગંદનો સૈનિકો ભંગ કરવા નહોતા ઇચ્છતા. સૈનિકો જર્મની-ઇટાલી સામે લડ્યા હતા અને તેમને શત્રુ માનતા હતા. શત્રુ સાથે ભળી જવામાં દ્રોહ થાય તેમ વિચારતા હતા. કેટલાંકને હિંદમાં રહેતા પરિવારજનોને શાસન પરેશાન કરશે તેની ચિંતા હતી.

નેતાજી, ટ્રોટ વગેરે સૈનિકોને સમજાવતા હતા પણ ભરતીની સંખ્યા ૨૫૦૦ સુધી જ પહોંચી હતી. ઇટાલીમાં રહેતા શેદાઇ નામના મુસ્લિમ આગેવાનને સુભાષ પ્રત્યે ઇર્ષા હતી તેથી તેઓ નેતાજી લડાયક કોમના નથી. તેમને યુદ્ધનો અનુભવ નથી તેવો અવળો પ્રચાર કરતા હતા. આઝાદ હિંદ સેનાની ટુકડીઓ ધર્મ કે જ્ઞાતિ આધારિત ન હતી. શીખો ઝટકાથી મારેલા પશુનું માંસ માગતા હતા તો મુસ્લિમો હલાલ કરેલાં પશુઓનું. આવા ક્ષુલ્લક મતભેદો સંગઠનના કાર્યમાં અવરોધ ઊભા કરતા હતા.

આવો જ પેચીદો પ્રશ્ન નવા સૈન્યના સૈનિકો પાસે શપથ લેવડાવવાનો હતો. જર્મન સૈનિક ‘ફ્યુરર હિટલર’ પ્રતિ વફાદારી વ્યક્ત કરી સોગંદ લેતો હતો. આઝાદ હિંદ ફોજ માટે નીચે મુજબ પ્રતિજ્ઞા નક્કી થઇ હતી. ‘હું ઇશ્વરના નામે પવિત્ર સોગંદ લઉં છું કે હું જર્મન રાજ્ય અને પ્રજાના નેતા એડોલ્ફ હિટલરને તાબે રહીશ. હિંદને આઝાદ કરવાના જંગમાં મારા નેતા સુભાષચંદ્ર બોઝ છે. હું આ શપથ પાળવા મારા પ્રાણની આહુતિ આપશી.’ જર્મન અધિકારીઓની ભાષા, કાર્યપદ્ધતિ અને રંગભેદ વગેરે બાબતો પણ સમસ્યાની વણજાર પેદા કરતા હતા. નેતાજીના સાથીઓ સ્વામી, નામ્બિયાર, વ્યાસ, રહેમાન અને મુકરજી સૌ સૈનિકોને ઉત્સાહ આપવા માટે પ્રયત્નો કરતા હતા. આમ છતાં હજારો માઇલનો પંથ કાપી લડી શકે તેવા વિશાળ અને સાધનસજ્જ સૈન્યનું સ્વપ્ન સાકાર થાય તેવું વાતાવરણ ન હતું.

આ ઉપરાંત ડિસેમ્બર (૧૯૪૧)ના શિયાળાની શરૂઆત થતાં જ રશિયન મોરચે જર્મન સૈન્યે મોટી ખુવારી વેઠી હારનું મોં જોવું પડ્યું. નેતાજીએ હેર હિટલરને મળી ખૂબ આગ્રહ કર્યો કે હિંદ-ચીનનો મોરચો ખોલે પણ હિટલરે ના કહી.

સામી બાજુ જાપાનની કૂચ સિંગાપુર, મલેશિયા અને બ્રહ્નદેશની નજીક પહોંચતાં સુભાષચંદ્રને દૂર પૂર્વના મોરચેથી હિંદ નજીક દેખાયું. ત્રણ દસકાથી ત્યાં સ્થાયી થયેલા ક્રાંતિવીર રાસબિહારી બોઝે પ્રેમાળ પત્ર સાથે નિમંત્રણ પાઠવ્યું કે ‘સુભાષ, હું વૃદ્ધ ક્રાંતિકારી હિંદની આઝાદીના જંગની જવાબદારી સંભાળવા તમારા જેવા સક્ષમ, યુવાન નેતાની પ્રતીક્ષા કરું છું.’ જર્મની માટે આઝાદ હિંદ કેન્દ્ર પ્રચાર માટે ઉપયોગી હતું પણ એશિયાની સ્વતંત્રતા માટે જર્મની ઉત્સુક ન હતું. જાપાનનો એક વર્ગ સમગ્ર એશિયા, જાપાનના નેતૃત્વ હેઠળ આઝાદી મેળવી યુરોપ સમકક્ષ બને તેવી મહત્વાકાંક્ષા સેવતો હતો. સુભાષનો પર્યાય સાહસ, યુદ્ધગ્રસ્ત વિશ્વમાં મોતનું તાંડવ જળ-થળ-નભને ધમરોળી રહ્યું હતું ત્યારે માથે કફન બાંધી ફરી એક વખત નેતાજીએ અકલ્પ્ય સાહસનું આયોજન કર્યું. દેશની આઝાદી માટે જ પ્રભુએ મને જીવન આપ્યું છે તેવી દ્રઢ માન્યતા સાથે સુભાષે સંજોગો સામે બાથ ભીડી હતી. (ક્રમશ:)

નેતાજી પરિચય : ૭

યુવાનવયે નેતાજીના મન પર કેશવચંદ્ર સેન, વિવેકાનંદ અને અરવિંદ ઘોષના વિચારોની ઊંડી અસર પડી હતી. જીવનનાં સત્ય અને મર્મ જાણવા માટે સુભાષ સદાય ઉત્સુક હતા. સંન્યાસ ધારણ કરી શાશ્વત સુખની શોધમાં તેમણે ગૃહત્યાગનો પ્રયત્ન પણ કર્યો હતો. અંગ્રેજ કવિ જી. કે. ચેસ્ટરટનની આ પંક્તિઓ તેમને અતિ પ્રિય હતી.‘કેવી મધુર યાદ છે એ અકલ્પ્ય ગુલાબની, ભૂલી જઇશું શેષ બચેલી ડાંકલી કાંટાની, પણ કેમ કરી ભૂલીએ એ ક્ષણ ક્ષુધાની, જ્યારે આસ્વાદ કર્યો હતો, ચાખી રોટી પ્રભુની’

બોલો મેરે સંગ જયિંહદ,પ્રવીણ. ક. લહેરી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.