વધુ એક ઉત્તરાયણ ગઇ, પણ રોમાંચ હતો ખરો? અગાઉ બે પર્વ એવાં હતાં કે જ્યારે યુવાન હૈયાં એકબીજાને સરળતાથી મળી શકતાં હતાં. એક નવરાત્રી અને બીજું ઉત્તરાયણ. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. યુવાન હૈયાંને આવા કોઈ પર્વની રાહ જોવી પડતી નથી. તેવી જ રીતે ઉત્તરાયણમાં પણ અગાઉ જેવો રોમાંચ રહ્યો નથી કારણ કે પહેલાંનાં જેવી નિર્દોષતા, આશ્ચર્ય, કૌતુક હવે જોવા મળતાં નથી.
ઉત્તરાયણ નિમિત્તે ૧૦-૧૫ દિવસ અગાઉ તૈયારી શરૂ થઈ જતી. ઘર નજીકના દોરાને ચકાસવાથી માંડી પતંગ પણ નજીકમાંથી ખરીદવામાં આવતા. ઉત્તરાયણના આગલા દિવસે મિત્રો સાથે જથ્થાબંધ બજારમાં ખરીદી કરવા જવાનો અલગ જ રોમાંચ હતો. આજે પણ પતંગ લેવા તો ત્યાં જવામાં આવે છે, પણ રોમાંચ ગાયબ થઈ ગયો છે.
પતંગ ખરીધ્યા બાદ રાત્રે ઘરે બેસીને કિન્ના બાંધવામાં આવતી. આજે તો કિન્ના બાંધેલા પતંગ મળે છે. એક તબક્કો એવો પણ હતો કે જ્યારે લૂંટેલા પતંગની ખરીદી કરવામાં આવતી જેથી કિન્ના બાંધવી ન પડે. કેટલાક એવા પણ આશાવાદીઓ હતા કે જેઓ પોતાની અગાશી કે છાપરા પર કપાયેલા પતંગ આવે તેની રાહ જોતા હતા.
ઉત્તરાયણ સમયે પતંગ ચગાવવા કરતાં કપાયેલા પતંગ લૂંટવાનો આનંદ કંઈ અલગ જ હતો. કેટલાક અગાશી પર અલગ પ્રકારના ‘આનંદ’ માટે જતા જોવા મળતા હતા. આજે કદાચ આ ‘આનંદ’નો પણ અભાવ છે. સાથે રહેલા મિત્રોમાંથી કેટલાક એવા હતા કે સહજતાથી હમઉમ્ર યુવતી સાથે ભળી જતા. આથી જે શરમાળ કે આવું નહીં કરી શકવાની હિંમત ધરાવતા મિત્રોને તે મિત્રની ઇષ્ર્યા થતી. કેટલાક પતંગ ચગાવતા સમયે એટલી જ સહજતાથી અગાશી પર ઉપસ્થિત કોઈ પણ યુવતીને ફીરકી પકડાવી દેતા. આ રીતે ફીરકી પકડાવતા કેટલાકના જીવનની દોર પણ બંધાઈ જવાના દાખલા બન્યા છે, પણ અન્ય મિત્રો ચોક્કસપણે તેની ઇષ્ર્યા કરતા.
ઉત્તરાયણની રાહ જોવાનું અન્ય એક કારણ એ પણ રહેતું કે એ બહાને ૧૫-૨૦ દિવસ સુધી અગાશી પર રહેવા મળતું. આ કારણે કોલેજ જતા મિત્રોને ઘણી ઇતર પ્રવૃત્તિ પણ હાથ લાધતી હતી. ઉત્તરાયણને કારણે જ એકબીજાનો ઘરોબો પણ વધતો હતો. જે યુવાન હૈયાં સામાન્ય રીતે એકબીજા સાથે વાતચીત કરી શકતાં ન હોય તેઓ ઉત્તરાયણ પછી એકબીજા સાથે તદ્દન નોર્મલ રીતે વર્તતાં પણ જોવા મળતાં હતાં.
આજની પેઢી માટે આવો કોઈ જ રોમાંચ બચ્યો નથી કારણ કે આજની પેઢી બહુ જ જલદી વયસ્ક થઈ જાય છે. એટલું જ નહીં, જમાનામાં પણ થોડી છુટછાટ જોવા મળે છે. જે યુવાન અગાઉ ઉત્તરાયણ સમયે યુવતી સાથે બોલવાની હિંમત કેળવતો તે તેના મિત્રવર્તુળમાં હીરો થઈ જતો. આજના યુવાન પાસે આવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મિત્રવર્તુળ નાનાં થતાં ગયાં છે. અગાઉની જેમ વિશાળ મિત્રવર્તુળના સ્થાને નાનાં નાનાં મિત્રવર્તુળ અસ્તિત્વમાં આવ્યાં છે. આ માટે કંઈક અંશે એકાકીપણું તથા નાનાં કુટુંબો પણ જવાબદાર છે. લોકો વધુ સ્વકેન્દ્રી બની જતાં ઉદારતાની ભાવના પણ વિખરાયેલી જોવા મળે છે.
મૂળભૂત રીતે આ બધાં પર્વની ઉજવણીમાં ઉદારતાની સાથે રોમાંચ પણ સંકળાયેલો હોવાથી એક અલગ પ્રકારનો જ આનંદ પ્રાપ્ત થતો હતો, પરંતુ આજની પેઢીના જીવનમાંથી રોમાંચ કે આશ્ચર્ય નામનો શબ્દ જ ગાયબ થઈ ગયો છે. સાયબર યુગને કારણે બાળક બહુ જ જલદીથી યુવાન બની જાય છે. બાળપણમાંથી તે સીધો જ યુવાનીમાં આવી જાય છે. તેમનામાં કિશોરાવસ્થા જ ગુમ થઈ ગઈ છે. એની સાથે જ રોમાંચ અને આશ્ચર્ય પણ ગુમ થઈ ગયાં છે. આથી નવી પેઢી એટલી સહનશીલ પણ બની શકી નથી. ઉતરાણ, નવરાત્રી જેવાં પર્વ જીવનમાં આ જ બધી વસ્તુ શીખે છે, પણ કમનસીબે આજની પેઢીને તેનો લાભ મળતો નથી.