ઓગ મેન્ડીનો એક એવા લેખક છે જે પોતાના પ્રેરણાત્મક વિચારો નવલકથાના માધ્યમથી રજૂ કરે છે. એમનું પુસ્તક ‘ધ ગ્રેટેસ્ટ મિરેકલ ઇન ધ વર્લ્ડ’ આ શ્રેણીની જ સરળ ભાષામાં લખાયેલી રચના છે. આ સાઇમન પોટર નામની વ્યક્તિની કથા છે જે સફળતાની ટોચ પર પહોંચ્યા બાદ બધું છોડી દઇ માનવસેવામાં કાર્યરત છે. એ પોતાને કચરો ઉપાડનાર કહે છે - આ કચરો છે સમાજ કે પોતાની જાત દ્વારા તરછોડાયેલા લોકોની મદદ કરવાની પ્રવૃત્તિ. લેખકે આ પ્રેરણાત્મક વિચારો આ પાત્રના માધ્યમથી રજૂ કર્યા છે.
દરેક મોટું કામ શરૂઆતમાં અશક્ય લાગે છે, પણ પ્રયત્ન ચાલુ રહે તો સરળતા આવતી જાય છે. સફળ થયા બાદ બહુ ઓછા એ સફળતાને માણી શકતા હોય છે કારણ કે વધારે મેળવવાની રેસમાં જોડાઇ જાય છે. એ ભૂલી જવાય છે કે જીવનનો મુખ્ય હેતુ એકબીજાની મદદ કરવાનો છે. દરેક પેઢીમાં સમાજના હિત માટે ઇશ્વર પ્રતિભાશાળી લોકોનું સર્જન કરે છે. આને ઇશ્વરનો હાથ કહી શકાય. સફળતા પણ ક્યારેક જેલ જેવી બની જતી હોય છે. જેની ચાવી આપણા હાથમાં છે.
ધારીએ તો આ તાળું ખોલી સમાજને ઉપયોગી થઇ શકીએ અથવા સ્વકેન્દ્રિત થઇ પુરાઇ રહીએ છીએ. આપણા મનમાં એ શક્તિ છે કે ધારે તો સ્વર્ગને નર્ક બનાવી શકે અને નર્કને સ્વર્ગ. સફળતાની ટોચ પર એકલતા છે. આમાંથી નીકળી નિ:સ્વાર્થ સેવા કરનાર વ્યક્તિ પૂર્ણ સંતોષની લાગણી અનુભવે છે. ભલું કરીને જાઓ એ ઇશ્વરનો આદેશ છે. પોતાનાં વખાણ પોતાની જાતે ન કરો દુનિયાને કરવા દો.
જે વીતી ગયું છે તેને ભૂલી જાઓ. જે રસ્તા પરથી એક વાર પસાર થઇ ગયા, તેને ભૂલી જાવ કારણ કે એ રસ્તા પર પાછા નથી આવવાનું. ભૂતકાળના ભાર નીચે દબાઇ જશો તો ભવિષ્યની પ્રગતિમાં એ અવરોધ બની જશે. આપણા પરિચિત વાતાવરણને આપણે સહેલાઇથી છોડવા નથી માગતા. પ્રગતિની શરૂઆત ત્યારે જ થતી હોય છે જ્યારે આવા વાતાવરણથી બહાર આવીએ. જે કામમાં આપણને સંતોષ નથી મળતો તેમાં સફળતા મેળવવી મુશ્કેલ છે. સમસ્યાઓ જીવનનું અભિન્ન અંગ છે. આપણા મનમાં અપાર શક્તિ છે જેને આવા સમયે ઓળખવાની જરૂરત છે.
જો આત્મવિશ્વાસ ખોઇ બેસીએ તો એ આત્મહત્યા સમાન છે. કોઇ પણ સંજોગોમાં પોતાના પર વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. બીજાઓ કરતાં આપણે પોતે આપણા વિશે શું માનીએ છીએ તે વધારે મહત્વનું છે. ઘણા એવા કિસ્સા છે જેમાં શારીરિક અપંગતા હોવા છતાં પણ લોકોએ પોતાના ધ્યેયમાં સિદ્ધિ મેળવી છે. આ આત્મવિશ્વાસના લીધે જ શક્ય બને છે. શારીરિક અપંગતા કરતાં પણ માનસિક અપંગતા વધારે હાનિકારક છે. લેખક માને છે કે જ્યારે લેવાની વૃત્તિ છોડી આપવાની વૃત્તિ કેળવીએ તો સુખ આપોઆપ મળે છે. આપણા અભિગમ કે વિચારો દ્વારા આ ચમત્કાર આપણે પોતે કરી શકીએ છીએ.