ગેરી લિબોફના પુસ્તકનું શીર્ષક છે, ‘ડેર’, જેનો અર્થ થાય છે હિંમત. લેખક સ્પોર્ટ્સ કોચ અને મનોવૈજ્ઞાનિક છે. રમતના મેદાનમાં સફળ થવા માટે હિંમત જરૂરી છે તે જ રીતે જીવનમાં પણ આવા અભિગમની ભૂમિકા અગત્યની છે. રમતના મેદાન અને જીવનમાં સરખા નિયમો લાગુ પાડતા લેખકના વિચારો તપાસીએ.
નાનપણથી આપણા મનમાં નિષ્ફળતાનો એવો ભય બેસાડી દેવામાં આવે છે કે મહત્વના નિર્ણય લેવામાં સંકોચ થાય છે. કોઇપણ ક્ષેત્રમાં સફળ થવા માટે આ ભયમાંથી મુકત થવું જરૂરી છે. જ્યારે કંઇક નવું કરવાની હિંમત બતાવીએ છીએ ત્યારે જ જિંદગીની ખરી શરૂઆત થાય છે. આપણી શક્તિ કેટલી છે અને શું પામવા માગીએ છીએ, આ બે પ્રશ્નોથી, ઘણા ખરા લોકો અજાણ હોય છે. આના લીધે ક્યારેક આપણે પ્રવાસને અધવચ્ચે છોડી દેતા હોઇએ છીએ. બધું નસીબ પર છોડી નિષ્ક્રિય થવાથી કંઇક જ મળતું નથી. નિર્ણય ન લેનાર વ્યક્તિ જ્યાં છે ત્યાં જ રહી જાય છે. નિર્ણય પણ બે પ્રકારના હોય છે- તર્કબદ્ધ અને તત્કાલીન. પોતાના ધ્યેયને અનુરૂપ નિર્ણય લેવાય તે જરૂરી છે.
કોઇપણ વસ્તુ શા માટે જોઇએ છે અને જો મળી જાય તો જીવનમાં શું ફેરફાર આવશે તે જાણવું જરૂરી છે. ધ્યેય એક પ્રકારનો નકશો છે માટે એને લખી રાખવાથી મદદ મળે છે. આપણી શક્તિનો કેટલો પ્રયોગ કર્યો અને કેટલી સફળતા મળી તે જાણવું જરૂરી છે. સફળતાની નોંધ રાખવા રહેશો તો છેવટે સફળ થવાની આદત પડી જશે. આપણી માન્યતાઓ પ્રગતિ અથવા અવરોધનું કારણ બની શકે છે. વાસ્તવિકતાઓ પ્રગતિ અથવા અવરોધનું કારણ બની શકે છે.
વાસ્તવિકતાને આપણે પોતાની રીતે જોતા હોઇએ છીએ માટે એ દ્રષ્ટિ આપણી માન્યતા બની જતી હોય છે. કઇ માન્યતાઓએ સૌથી વધુ નુકસાન કર્યું હોય તેનું એ લિસ્ટ બનાવવું જરૂરી છે. માન્યતાઓ આપણા વિચારોના આધારે ઘડાતી હોવાથી એમને બદલી પણ શકાય છે. આવા બદલાવથી આત્મવિશ્વાસ વધે છે કારણ કે આ પણ પોતાના વિશે નક્કી કરેલી માન્યતાઓ પર નિર્ભર કરે છે. વહેમનો અર્થ છે પોતાના પર અવિશ્વાસ અને એનાથી પ્રગતિમાં રુકાવટ થતી હોય છે. સફળ વ્યક્તિ વહેમી નથી હોતી.
આપણે ઘણીવાર નિષ્ફળતાના વિચારો કરી નેગેટિવ ઊર્જાને પ્રોત્સાહન આપીએ છીએ. જે નથી જોઇતું તેના કરતાં જે જોઇએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરનારને વધારે સફળતા મળતી હોય છે. એક જૂનો સિદ્ધાંત છે કે જેવું આપશો તેવું મળશે. કોઇને મદદ કરી હોય તો આપણને પણ મદદ મળી રહે. બીજાની સાથે સરખામણી કરવાથી કંઇ જ લાભ થતો નથી કારણ કે દરેકના સંજોગો જુદા હોય છે. આપણે આપણા સંજોગો પ્રમાણે વર્તવું પડે છે. ઘણીવાર ખોટી સરખામણી નકારાત્મક મૂડ બનાવી ખરાબ નસીબમાં ભ્રમ પેદા કરે છે. એકાગ્રતાથી પોતાના ધ્યેય પર ધ્યાન આપનારને છેવટે સફળતા મળે છે.