તેરી તલાશ મેં હમ જબ ભી નિકલતે હૈં,
ઇક અજનબી કી તરહ રાસ્તે બદલતે હૈં - હાફિઝ હોશિયારપુરી
‘રૂમની ભીંત પર સૂર્યપ્રકાશનાં બે અંડાકાર પ્રતિબિંબ પડતાં હતાં અને એમના તરફ તાકતાં તાકતાં અચાનક મને વિચાર આવ્યો કે યુદ્ધમાં જો માણસ નપુંસક થઇ ગયો હોય તેને દુનિયા કેવી દેખાય? ખાલી ઇંડા જેવી? આપણે તંદુરસ્ત અને નોર્મલ આંખે ઘણું બધું બરાબર જોઇ નથી શકતા. એ માટે જિંદગીને મોતનાં ચશ્માં લગાડી જોવી પડે છે.’ આ શબ્દો અન્સ્ર્ટ ટોલરના નામના જર્મનના છે જે લેખક, વક્તા, ક્રાંતિકારી, સમાજવાદી, કવિ-નાટ્યકાર બધું જ એક્સાથે હતો. પણ આપણી આસપાસનાં ગલગલિયાં કરનાર જોકર લેખકો જેવો નહોતો.
ઈશ્વરે જાણે સંવેદનાઓની લેબોરેટરી રૂપે એને બનાવ્યો હોય એમ જીવનમાં અનેક ઝેરી રસાયણોમાં ઓગળી ઓગળીને એ સમાજ અને અત્યાચારો સામે ઝઝૂમતો રહ્યો. માણસાઇનાં અંતિમોને સ્પર્શીને એ લખતો રહ્યો. યુદ્ધની ક્રૂરતા, બર્બરતા એણે અનુભવી હતી અને એટલે જ માનવતા માટે ત્યાગ, સમર્પણ બધું જ એણે શિદ્દતથી અનુભવ્યું. એ જન્મે યહૂદી, ધર્મે જેહાદી, કર્મે કવિ અને તેજાબી નાટ્યકાર. ૯મા વર્ષે કવિતા લખવાનું શરૂ કર્યું, બાપનું કેન્સરમાં મૃત્યુ થયું, એણે લશ્કરમાં દાખલ થવું પડ્યું. યુદ્ધમાં તોપખાનાની કામગીરીથી અને ઘાતકી અનુભવો જોઇને દેશભક્તિ નામના શબ્દથી એને નફરત થઇ ગઇ.
આખીય જિંદગી યુદ્ધને અને નકલી રાષ્ટ્રવાદને એ ધિક્કારતો રહ્યો અને એટલે જ માત્ર માણસજાત સાથે એની નાળ આજન્મ જોડાયેલી રહી. અદ્ભુત વકતા હતો એટલે હજારોની મેદનીને સંબોધતો અને હાહાકાર મચાવી દેતો. વારંવાર જેલમાં એણે જવું પડ્યું, ધરપકડો વહોરવી પડી, મંચ પર પથ્થરો ખાવા પડ્યા અને સૌથી કરુણ ઘટના તો ત્યારે ઘટી કે જ્યારે એની સગી માએ સરકારને એનો દીકરો પાગલ છે એમ કહી એની માનસિક તપાસ કરાવવા માટે વિનંતી કરી! માત્ર ૪ દિવસ પાગલખાનામાં ગુજારીને જગત તરફ જોવાની એની દ્રષ્ટિ બદલાઇ ગઇ. આપણા લેખકોની સરખામણીએ વિદેશી લેખકો કેટકેટલા ફર્સ્ટહેન્ડ અનુભવોની ભઢ્ઢીઓમાંથી જલીને ટીપાઇને ગુજરે છે!
યુદ્ધે એની અનુભૂતિઓને હચમચાવી નાખી હતી એટલે જ એ હિટલર અને ફાસીઝમ વિશે રોજ જાહેરમાં લેકચર આપતો. કાવ્યો એને સહજ રીતે જન્મતાં, એ માત્ર ખોખલાં કાવ્યો ન હતાં, પણ નાટકોનાં સંવાદ હતા અને માત્ર સંવાદો નહોતાં પણ મનુષ્યની યુગો જૂની વેદનાની લિપિઓ જેવા વેધક વિધાનો હતાં. એણે ‘મેન એન્ડ માસીઝ’ જ્યારે ૧૯૨૧માં બર્લિન ખાતે રજૂ કર્યું ત્યારે હાથકડીથી બંધાયેલા એક માણસ તરફ વિચિત્ર ચહેરાવાળું એક ટોળું ધીમે ધીમે ચાલીને નજીક આવે છે, માણસ ટોળાને પૂછે છે: તમે કોણ છો? કોણ છો, ઓ ચહેરા વિનાના આકારો?! અને જવાબમાં પડઘા સંભળાય છે: ‘જનતા... જનતા... અમે જનતા છીએ’.
આપણી રંગભૂમિ પર કાંતિ મડિયા, પ્રવીણ જોષી, મહેન્દ્ર જોષીથી માંડીને મનોજ શાહ, ચંદ્રકાંત શાહ કે મધુ રાયે અનેક વિદેશી નાટકોના અદ્ભુત રૂપાંતરો આપ્યાં છે અને ઘણીવાર તો મૂળ નાટકોથી એ વધુ સારાં બન્યાં છે પણ આપણે ત્યાં એની કદર જ થતી નથી. સાહિત્યમાં પણ આવા અન્યાય થતા રહે છે. સુંદરમ્ જેવા મહાન કવિ-સાહિત્યકારે ટોલરનાં નાટકોનાં ‘કાયાપલટ’, ‘જન અને જનતા’, ‘હિન્કમાન’ અને ‘હોપ્લા’, ‘ઐસી હૈ ઝિંદગી!’ જેવાં અદ્ભુત અનુવાદ આપ્યા છે. ટોલરની જીવનકથા પણ લખી છે.
પણ એની કેટલાંને ખબર છે? કારણ કે આપણી જનતાને માત્ર ધોતિયાં ફાડીને રૂમાલ બનાવતી કોમડીઓમાં જ જલસો પડે છે! ટોલરનાં નાટકોને જર્મનીમાં મજૂરોએ ખુલ્લા મેદાનોમાં ભજવ્યાં છે અને આપણે ત્યાં તો બિચારા મજૂરો નાટક જોવાય નથી જતા! હા, પણ એક સમાનતા છે, હિટલરે એનાં નાટકોને બાળેલા જેમ આપણે ત્યાંયે કિતાબોની હોળી થાય છે! ખેર, નાઝીઓએ લગાવેલી આગમાંથી પોતાના નાટકોની કોપીઓને બચાવતો બચાવતો એ લેખક સતત લખ્યા જ કરતો અને સભાઓને ગજાવ્યા કરતો. ટોલર, એક જ સમયે રાજદ્રોહી પણ હતો અને એક દરજજાદાર લેખક પણ હતો.
એક જ સમયે એ ક્રાંતિકારી પણ હતો અને કવિ પણ. સંઘર્ષની આગમાં શેકાયેલો એક સર્વગુણ-અવગુણ સંપન્ન સર્જક હતો. એની આત્મકથા ‘આઇ વોઝ જર્મન’નો એક કિસ્સો તો એને વ્યક્તિ તરીકે પણ ઊંચાઇ પર મૂકી દે છે. એકવાર એણે જેલમાંથી ભાગી જવાનો પ્લાન કર્યો હતો. પણ આખાય પ્લાનમાં જેલના વોર્ડનનું ખૂન થવાની શક્યતા હોવાની ખબર પડી ત્યારે છેલ્લી ઘડીએ એણે ભાગી જવાનું માંડી વાળ્યું અને બદલામાં એણે પાંચ વર્ષ રિબાઇને કાઢયા! પછી થોડા દિવસ પછી એ જ વોર્ડન સાથે એ અને એનો કેદી મિત્ર, પાસેના શહેરમાં દવાખાને જઇ રહ્યા હતા. સાંકડી, નિર્જન ગલીમાં વોર્ડનને ધક્કો મારીને ભાગી શક્યા હોત અને એમ કરીને ઓસ્ટિયા પહોંચી શકત, પણ આ દરમિયાન ટોલરે ‘હિન્કમાન’ લખવાનું શરૂ કર્યું હતું.
એનો મિત્ર થોભી શકે એમ નહોતો. નાટક, છેલ્લા ર્દશ્ય સુધી પહોંચ્યું હતું. મિત્રે એક દિવસની મહેતલ આપી. બીજે દિવસે ભાગી જવાનું હતું. ટોલરે છેલ્લું ર્દશ્ય વિચારી રાખ્યું હતું એટલે આખીય રાત વિચાર્યું કે નાસી જવું કે નાટક લખવું? પણ એણે ભાગવાને બદલે નાટક લખવાનું પસંદ કર્યું. એનો મિત્ર એકલો નાસી છુટ્યો. આમ, એક વાર માનવપ્રેમે અને બીજીવાર શબ્દપ્રેમે ટોલરને કેદમાંથી ભાગી જતો અટકાવ્યો. ટોલરના જીવન અને સર્જનમાં એટલે કે વિચાર-વાણી-વર્તનમાં કોઇ ફરક નહોતો. આપણા સાહિત્યકારોની જેમ એ હિંચકે બેસીને ટહુકાઓ સાંભળતાં સાંભળતાં અપરિગ્રહ અને મોહમાયાની ઠાલી ફિલોસોફીઓ એ નહોતો લખતો.
ઇન્ટરવલ
પુષ્પા, આઇ હેટ ટિયર્સ! (અમર-પ્રેમ)
‘હિન્કમાન’ નાટકમાં એક હેન્ડસમ સૈનિકનું ગુપ્તાંગ છેદાઇ જતાં એ કેવી અસહાય હાલતમાં, જીવનની વંધ્યતામાં ગરક થઇ જાય છે, એની વાત ટોલરે કરી હતી. સરકસમાં એ નપુંસક નાયક ‘જીવતા ઉંદરને ખાઇ જવાનો’ મર્દાના ખેલ કરી બતાવે છે! ઓડિયન્સમાં યુવાન છોકરીઓ એના કદાવર શરીરને જોઇ સિસકારાં બોલાવે છે, તાળીઓ પાડે છે અને આ બાજુ સૈનિકની પત્ની કોઇ બીજા જ પુરુષની સાથે એ જ ખેલ જોવા આવી હોય છે. એની પત્ની સાથેનો પુરુષ કહે છે, ‘સાલ્લુ, આવું તે તૂત ક્યારેય જોયું છે? જીવતા ઉંદર ખાનારો વીર નર! એ તો હીજડો કહેવાય તેવો!’ હિન્કમાન કહે છે: ‘દુનિયાનો આત્મા નાશ પામ્યો છે, જેમ મારી ઇન્દ્રિય નાશ પામી છે!’
આત્મકથામાં ટોલરે લખેલું છે કે જે વિષમતાઓ સામાજિક પદ્ધતિને લીધે ઊભી થાય છે તેને સોશિયાલઝિમ માત્ર થોડીવાર માટે મટાડી શકે છે પણ જગતમાં દુ:ખ અને અન્યાય તો હંમેશાં રહેવાનાં જ!
એકવાર એના એક શોમાં હુલ્લડ થયું. પીપલ્સ પાર્ટીના ભાડૂતી માણસોએ વિરોધમાં ખૂબ બૂમાબૂમ કરી, રાષ્ટ્રગીત બરાડા પાડીને ગવાવા માંડ્યું અને આ ધમાલમાં ઓડિયન્સમાં બેઠેલો એક માણસ હાર્ટ એટેકથી મરી ગયો. કોઇનું એના પર ધ્યાન ના ગયું. સૌ તોફાનમાં મસ્ત હતા. પછી એક માણસે લાશ પાસે નીચે ઝૂકીને મરનારનું નાક તપાસ્યું અને બોલ્યો, ‘છી! આ તો યહૂદી છે, ગંદો સાલો’!
રાજકીય કારકિર્દીને અંતે ‘હોપ્લા! ઐસી હૈ ઝિંદગી!’ નાટક લખ્યું જેમાં હીરો કાર્લ, ટોલરનું જ પ્રતિબિંબ છે. ક્રાંતિકારીની એક ટોળી, ક્રાંતિનાં સ્વપ્નોને કઇ રીતે પોતાની આંખ સામે તૂટતાં જુએ છે એની કરુણ રજૂઆત છે. પોતાની સગી માતાને પોતાનામાં જે પાગલપણું દેખાયેલું એની વાત પણ એમાં આવે છે. નાટકનો હીરો રજાઇમાંથી એક ચિંથરું ફાડીને આત્મહત્યા કરે છે. કહેવાય છે કે ટોલરે એ જ રીતે પાછળથી જીવનનો અંત આણેલો! ટોલરે, ખુદખુશી પહેલાં ઘણાય ખેલ ખેલેલા. ફ્રાંસ, જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા વચ્ચે એ ફેંકાતો રહ્યો. હોલિવૂડમાં ફિલ્મ માટે વાર્તાઓ લખી પણ વેચાઇ નહીં.
પણ સ્પેન જઇ આંતરવિગ્રહમાં રાહતકામમાં મજૂરનું કામ કર્યું અને છેવટે ત્યાં જ એણે માનવતાવાદી ચળવળ અધૂરી મૂકવી પડી. કારમી નિરાશામાં એનાં બધાંજ મૂલ્યો ૨૨-૫-૧૯૩૯માં મોત સામે ઓગળી ગયાં. એના અંતને જોઇ એના જ નાટકનું એક પાત્ર યાદ આવે છે જેણે બરાડ્યું હતું: ‘ગિલ્ટી, ગિલ્ટી, ગોડ ઇઝ ગિલ્ટી...’
એન્ડ ટાઇટલ્સ
ઇવ: હું તને છોડીને જઉં તો તને કેવું ફીલ થાય?
આદમ: સ્વતંત્રતા દિવસ જેવું!