ભાવનગરના કોઈપણ સંગીતપ્રેમીના મોઢે મહંમદભાઈ દેખૈયાનું નામ ન હોય તેવું અશક્ય છે. મહંમદભાઈ દેખૈયાનું સંગીત ક્ષેત્રે ભાવનગરમાં અનેરૂં પ્રદાન છે. સંગીતને પોતાની નસેનસમાં વહાવનાર મહંમદભાઈને કલાને માત્રને માત્ર વ્યવસાયિક ધોરણે અપનાવતા કલાકારોથી સુગ છે. મહંમદભાઈના શિષ્યો આજે સંગીત ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચ્યા છે જેનું મહંમદભાઈને ગૌરવ છે. સંગીત ક્ષેત્રે આગળ આવવા ઈચ્છતા લોકો ધીરજ, ખંત અને નિષ્ઠાપૂર્વકની મહેનતથી જરૂર સફળતાના શિખરો સર કરશે જ તેવો મહંમદભાઈનો અનુભવ બોલે છે. મહંમદભાઈ સંગીતના એવા સિતારા છે કે ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર માટે સાંસદ રાજુભાઈ રાણાએ મુખ્યમંત્રીને લેખિતમાં ભલામણ કરી જણાવ્યું હતું કે ‘જો પુરસ્કારને ગૌરવ અપાવવું હોય તો મહંમદભાઈને પુરસ્કાર આપો.’
આટલામાં ઘણું કહી સાંસદે હીરાની ચમક પારખી હતી. પરંતુ એ પણ સરકારની દુ:ખદ વાસ્તવિકતા સ્વિકારવી પડે કે સરકારે સૌપ્રથમ શિષ્યોને પુરસ્કાર આપ્યા ત્યારબાદ ગુરૂને પુરસ્કાર એનાયત કર્યો. મહંમદભાઈના શિષ્યો પ્રફુલ્લ દવે અને પાિથઁવ ગોહિલને પ્રથમ અને પછી મહંમદભાઈને ગૌરવ પુરસ્કાર પ્રદાન કરાયો. ગરીબીમાં જીવન ગુજારનાર મહંમદભાઈએ ઘણા સંઘર્ષ ખેડ્યા પરંતુ સંગીતને માત્ર ધંધો નહીં બનાવતા આજ પણ ગરીબીનો સામનો કરે છે. ગૌરવની વાત એ છે કે ગીતના કમ્પોઝિશન માટે રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવનાર મહંમદભાઈ ભાવનગરના છે. મહંમદભાઈએ કલાક્ષેત્રે અનેરૂં પ્રદાન કર્યા બાદ અંતિમ ઈચ્છા હજ પઢવા જવાની છે.
સંગીત ક્ષેત્રે મેળવેલી સિધ્ધી:૧૯૫૯થી સંગીત ક્ષેત્રે પદાર્પણ કરી રાજ્ય કક્ષાના ગરબા મહોત્સવ, યુવક મહોત્સવમાં અનેક વખત ભાવનગરે પ્રથમ અને દ્રિતિય સ્થાન હાંસલ કર્યું હતું.
સંઘર્ષ: સંગીતને રગેરગમાં ઉતારી પરંતુ કલાનું લિલામ નહીં કરવા બદલ તેમજ નસીબની યારી સમાન સખત ગરીબીનો જિંદગીમાં સામનો કરવો પડ્યો.
યાદગાર ક્ષણ : ગુજરાત રાજ્ય સરકારે ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો ત્યારે સહપરિવાર તેનો સ્વીકાર કર્યો.
દુ:ખદ પ્રસંગ : પત્નીના અવસાનથી ભાંગી પડ્યા.
શોખ: સંગીત, ક્રિકેટ, ટેબલ ટેનીસ અને વાંચન.
સાહિત્ય આલમમાં ગુજરાતીનું સ્થાન : રાષ્ટ્રભાષા પછી ગૌરવવંતી ગુજરાતી ભાષાનું સ્થાન સાહિત્ય આલમમાં અનેરૂં છે.
કલાનગરીનું બિરૂદ કેટલું સાર્થક : ભાવનગર કલાનગરી તરીકે વિખ્યાત છે જેમાં અનેક કલાના હીર જન્મે છે પરંતુ તેનું નામ, સોહરત ભાવનગરની બહાર મળે છે. જેઓ આજે પણ ભાવનગરની બહાર રહી કલાનગરીનું બિરૂદ સાર્થક કરી રહ્યા છે.