વડોદરા જિલ્લામાં કવાંટ ગામથી ૭ કિ.મી. દૂર (કડીપાણી રોડ ઉપર) વજેપુર ગામમાં (મોવણ) શ્રી મોજેશ્વર હનુમાન દાદાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર કૌરવો-પાંડવોના સમયનું છે. જેને હેડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર બે નદીના સંગમ ઉપર આવેલું છે. સાપણ ને વીંછણ નામની બે નદીઓ વહે છે. એક નદી મધ્યપ્રદેશમાંથી આવે છે. બીજી નદી કડીપાણી આગળથી આવે છે.
ચોમાસામાં આ બંને નદીઓમાં ખૂબ જ પાણી આવે છે. આ બંને નદી આગળ જતાં ઓરસંગ નદીને મળે છે. આ મંદિરમાં શ્રી હનુમાનદાદાની પથ્થરમાંથી બનાવેલી રમણીય મૂર્તિ છે. તેની સાથે રિદ્ધિ-સિદ્ધિ એક બાજુ, બીજી બાજુ કાળભૈરવ દાદા છે. સામે પાર્વતીમાની મૂર્તિ છે. બાજુમાં શ્રી મોજેશ્વર શંકરદાદા બિરાજમાન છે. દાદા હોય ત્યાં નંદી તો હોય જ. આવી દુર્લભ મૂર્તિઓ ભાગ્યે જ જોવા મળે છે. આનાં દર્શનથી શાંતિ મળે છે. હાલમાં ત્યાં એક સુંદર ભવન બનેલ છે. જેથી ત્યાં ચોમાસામાં, વરસાદમાં કે ઉનાળામાં ગરમીમાં ગ્રામસભા ભરી શકાય, સાધુ-સંતો ત્યાં નિવાસ કરી શકે, ભજન-કીર્તન થઇ શકે.
આ મંદિરનું મહત્વ ઘણું છે. આ મંદિરના વિકાસથી આદિવાસી ભાઇ-બહેનોના જીવનમાં ઘણું પરિવર્તન આવેલ છે. તેઓએ વ્યસન દારૂ, તાડી છોડી દીધાં છે. માંસ ખાતાં નથી. મંદિરે નદીમાં સ્નાન કરીને જ દર્શનાર્થે આવે છે.એ બાધાઓ પણ રાખે છે. બાધા પૂરી થયે મંદિરમાં આવી યોગ્ય જે તે ભગવાને અર્પણ કરે છે. પ્રાર્થના કરે છે. દર શનિવારે રાતના ભજન થાય છે.
આજુબાજુનાં ગામથી ભજન-મંડળીઓ આવે છે. શ્રાવણ માસના છેલ્લા શનિવારે ત્યાં મોટો મેળો ભરાય છે. આશરે ૧૫-૨૦ હજાર ભકતજનો દર્શનાર્થે આવે છે.તે દિવસે બધી વ્યવસ્થા ગામનાં આદિવાસી ભાઇ-બહેનો કરે છે. રાતના ચા-પાણી-ભોજનની વ્યવસ્થામાં મદદ કરે છે. બીજે દિવસે ત્યાં ભંડારો રાખવામાં આવે છે. બધા જમીને પછી જ જાય છે.