પ્રતીકભાઇ ‘બારમાસી કસરત’ કરનારા, તો રાજીકાબહેનની ડેઇલી એક્સસૉઇઝ એમના મૂડ ઉપર આધારિત હોય.
નવા વર્ષનો શિયાળો ખીલ્યો છે. તંદુરસ્ત શરીરના ઇચ્છુકો ચાલવા-દોડવા તરફ વળ્યા છે. કેટલાક સિઝનલ સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે આ ટેમ્પરરી વળગણ માર્ચ-એપ્રિલ સુધી ટકશે.પછી નેકસ્ટ શિયાળાની રાહ જોવાની. કેટલાક ‘બારમાસી સ્વાસ્થ્ય પ્રેમી’ લોકો હોય છે, તો કેટલાક તરંગી સ્વાસ્થ્ય પ્રેમીઓ હોય છે.
પ્રતીકભાઇ અને રાજીકાબહેનના કપલમાં આ બંને પ્રકારની વિવિધતા દેખાય. પ્રતીકભાઇ ‘બારમાસી કસરત’ કરનારા, તો રાજીકાબહેનની ડેઇલી એક્સસૉઇઝ એમના મૂડ ઉપર આધારિત હોય. એક વખત બંનેએ આ વિશે કુતૂહલપૂર્વક પૂછ્યું, ‘ડોક્ટર, હું રેગ્યુલર એક્સસૉઇઝ અને યોગ કરનાર માણસ, પણ મારી વાઇફ ક્યારેક ચાલવા આવે તો ક્યારેક ન આવે. મારું વજન સ્ટેડી રહે અને એનું ફ્લકચ્યુએટ થાય છે. આવું કેમ હશે?’ પ્રતીકભાઇએ વાતનો દોર ચાલુ રાખ્યો, ‘આમાં કોઇ સાઇકોલોજિકલ ફેકટર હોય ખરું?’
પ્રતીકભાઇની વાત વાજબી હતી અને પ્રશ્ન પરફેક્ટ હતો. વજનના વધવાને લાઇફસ્ટાઇલ, વારસામાં મળતાં જિન્સ, સ્ટ્રેસ, ખોરાકની પદ્ધતિ આ બધા સાથે સંબંધ છે. મૂડ િસ્વંગ્સને કારણે વજન કાંટો પણ સ્વિંગ થઇ જાય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ મોટું કારણ છે. ક્યારેક વ્યક્તિ વજન ઘટાડવા ઇચ્છે છે, પણ મૂડ સાથ નથી આપતો, તો વળી કેટલાક ગમે તેટલું ખાય તો પણ વજનમાં ૨૦ ગ્રામનો પણ વધારો ન થાય. અમેરિકામાં ઓબેસિટી તો રોગચાળાની જેમ ફેલાયેલી છે. અમેરિકાના ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન એજિંગ’ દ્વારા હમણાં કેટલાંક રસપ્રદ તારણો બહાર પડ્યાં.
એમાં ૧૯૮૮ લોકો ઉપર ૫૦ વર્ષના લાંબા ગાળા સુધી કરાયેલાં પરીક્ષણોનાં પરિણામો હતાં. એમાંનું સૌથી મોટું તારણ એ હતું કે ‘ઇમ્પિલ્સવિટી’ એટલે કે તરંગપણું એ મેદિસ્વતા માટેનું એક મોટું અને સૌથી પ્રબળ કારણ છે. સૌથી વધુ તરંગીપણું દર્શાવતા ટોપ ૧૦ ટકા લોકોની સરખામણીમાં સ્થિરતા દર્શાવતા નીચેના ૧૦ ટકા લોકો કરતાં વજનમાં દસેક કિલોનો વધારો જોવા મળ્યો. ઉપરાંત જે લોકોમાં ઉચ્ચ આદર્શો કે સંનિષ્ઠતાનું પ્રમાણ વધારે હતું, તેઓમાં દૂબળાપણાનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે. શક્ય છે એમની ડાયેટિંગ કરવાની દ્રઢતા અને એક્સસૉઇઝ પ્રત્યેના કમિટમેન્ટના કારણે આવાં પરિણામો મળ્યાં હોય. આ બધાં જ પરિણામો સપ્ટેમ્બર ૨૦૧૧ની ‘જર્નલ ઓફ પર્સનલ એન્ડ સોશિયલ સાઇકોલોજી’માં પ્રકાશિત થયાં છે.
પ્રતીકભાઇ અને રાજીકાબહેનનાં પેરન્ટિંગ બેકગ્રાઉન્ડમાં પણ આ તફાવત જોવા મળ્યો હતો. પ્રતીકભાઇના ફેમિલીમાં પહેલેથી જ સ્વાસ્થ્ય પ્રત્યે સુગમ શિસ્તનું વાતાવરણ અને રાજીકાબહેનના કુટુંબમાં એનાથી વિરુદ્ધ માહોલ. ઉપરાંત સ્ટ્રેસની અસર તો બંનેને હતી જ, પણ પ્રતીકભાઇ સ્ટ્રેસનો સામનો સુપેરે કરી શકતા હતા, જ્યારે રાજીકાબહેનના વ્યક્તિત્વમાં લાગણીઓ જ પ્રધાનતા ધરાવે.
એટલે તરત જ ખુશ થઇ જાય અને તરત જ નિરાશ પણ થઇ જાય. આવી ‘સાઇકોલોથાયમિક પર્સનાલિટી’ ધરાવતાં રાજીકાબહેનનું કાઉન્સેલિંગ થયું. એમના અનુકૂળ સમયે કસરતને પ્રાધાન્ય અપાયું. યોગશિક્ષક ઘરે આવીને હવે યોગ કરાવે છે. ખોરાકમાં પણ ફેરફારો છે અને મૂડમાં પણ સ્થિરતા છે. અને હા, વજનકાંટો હવે ઓછા વજને સ્થિર રહેવા લાગ્યો છે.
વિનિંગ સ્ટ્રોક: નવા વર્ષના સંકલ્પોમાં કદાચ શારીરિક ‘સ્વાસ્થ્ય’ને લગતા સંકલ્પો સૌથી વધુ લેવાય છે. આમાં ‘માનસિક’ શબ્દ ઉમેરવો જોઇએ એવું નથી લાગતું?