ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે, પણ તોડવાની પ્રક્રિયા દરમિયાન અને પછી એને ખૂબ રાહતની લાગણી થાય છે. આ રાહતનો આનંદ અને ફરી ફરી વાળ તોડવાની પુનરાવર્તિત ક્રિયા તરફ દોરી જાય છે.
‘ડોક્ટર, આ અમારો દીકરો દર્પણ સાત વર્ષનો છે. એને ચોક્કસ જગ્યાએ માથામાં વાળ નથી. એનું કારણ એ છે કે એ વાળ તોડીને ખાઈ જાય છે. અમે એને ઘણું સમજાવ્યો. ઘણી પનશિમેન્ટ કરી, પણ એની એ આદત છુટતી જ નથી. અમે બંને વકિઁગ છીએ. દર્પણ કેર-ટેકર સાથે સરસ સચવાય છે. આ વાળ તોડવાની વિકૃતિ સિવાય બાકી દર્પણ એકદમ નોર્મલ છે.’ વાત કરતાં કરતાં જાનકીબહેન પોતે પણ વાળની લટ સતત સરખી કરી રહ્યાં હતાં.
દર્પણ જેવો જ એક કિસ્સો હાલમાં જ ફરી પ્રકાશમાં આવ્યો. એક બાળકના પેટમાંથી આશરે દોઢેક કિલો જેટલા વાળ ઓપરેશન કરી બહાર કઢાયા. દર્પણની વાળ તોડવાની વિકૃતિને વૈજ્ઞાનિક ભાષામાં ‘ટ્રાઇકોટિલોમેનિયા’ કહે છે.આ તકલીફ તરૂણ અવસ્થાનાં બાળકોને, ખાસ કરીને ૧૭ વર્ષથી નાનાં બાળકોમાં જોવા મળે છે. ખાસ વાત એવી છે કે છ સાત વર્ષની ઉંમર પહેલાં જો વિકૃતિ દેખાય તો એની સારવાર માટે સારું પરિણામ આપે છે. લગભગ તેર વર્ષની ઉંમર પછી આ વિકૃતિ દેખાય તો તેની સારવાર લાંબી ચાલે છે.
ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે, પણ તોડવાની પ્રક્રિયા દરમિયાન અને પછી એને ખૂબ રાહતની લાગણી થાય છે. આ રાહતનો આનંદ અને ફરી ફરી વાળ તોડવાની પુનરાવર્તિત ક્રિયા તરફ દોરી જાય છે. આવા બાળકમાં માતા-બાળકના સંબંધોમાં તાણ જોવા મળે છે. બાળકને મોટેભાગે માતા એકલો મૂકીને બહાર જતી હોય. ઘરના વાતાવરણમાં ઝઘડાનું પ્રમાણ વધારે હોય.
બાળકને નિરાશા થતી હોય, એને કડક શિક્ષા થતી રહેતી હોય. તો આ વિકૃતિ થઈ શકે. વાળને તોડીને ખાવાની કે મોંમાં નાખવાની ક્રિયા ‘ટ્રાઇકોફેજી’ના નામે ઓળખાય છે. એ ક્યારેક ગુસ્સાથી દિવાલો પર માથું પછાડે છે, તેમજ નખ કરડે, જ્યાં ને ત્યાં શરીર પર વધુ પડતું ખંજળવવાનું કે ખોતરવાનું વર્તન પણ દેખાય. કોઈ બીજી રીતે પણ જાતને નુકસાન કરવાની ટેવો હોય.
જાનકી બહેન અને દીપકભાઈ દર્પણના જન્મના ચાર વર્ષ પછી સેપરેટ રહેવા ગયા હતા. પછી નવા ઘરને લીધે એ બંનેને કામ પર બિઝી થઈ જવું પડ્યું, એ એમની આર્થિક જરૂરિયાત હતી. બંને વચ્ચે કોમ્યુનિકેશન કરતાં કંકાસ વધારે થયા કરે અને નાનો દર્પણ એ નેગેટિવ લાગણીઓનું પ્રતિબિંબ ઝીલ્યા કરે. કેર-ટેકર સદાય માની કમી પૂરી કરી શકે નહીં. એની પાસેથી માતૃત્વ-તુલ્ય લાગણીની અપેક્ષા વધારે પડતી ગણાય. સ્વસ્થ કુટુંબમાં દરેકે પોતાની ભૂમિકા યોગ્ય રીતે ભજવવી જરૂરી હોય છે.
દર્પણને સ્પેસિફિક રીતે હિપ્નોથેરાપી અપાઈ. હિપ્નોથેરાપી અને બહિવીયર થેરાપીની બહુ શક્તિશાળી અસરો ત્વચાકિય મનોદૈહિક રોગોમાં પણ જોવા મળે છે. અચેતન માનસની ભયગ્રંથિઓને દૂર કરીને વ્યક્તિત્વનાં એડજસ્ટમેન્ટને સરળ કરવાનું કાર્ય દર્પણના કિસ્સામાં થયું. પેરન્ટલ કાઉન્સેલિંગ પણ અનિવાર્ય તો હોય જ... દર્પણ ચિકિત્સા બાદ હવે સ્વસ્થ વર્તન પ્રતિબિંબિત કરે છે. હવે તો નવી હેરસ્ટાઈલ પણ કરી છે...
વિનિંગ સ્ટ્રોક : જ્યારે માતાપિતા પોતાની ભૂમિકાથી દૂર જાય છે ત્યારે બાળ માનસિક વિકૃતિની નજીક જાય છે.