Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

મોરારિબાપુ: સેવા એટલે મયૂરાસન

 
Source: Manas Darashan, Moraribapu   |   Last Updated 4:04 AM [IST](05/02/2012)
 
 
 
 
 
આજે સમાજમાં પણ સેવામાં મમતા, સમતા, ક્ષમતા અને નમ્રતાની જરૂર છે અને જો આપણે કોઇપણ પ્રકારની સેવામાં આ ચાર વસ્તુને પકડીને ચાલીશું તો આપણે સૌ સાચા સેવાર્થી કહેવાઇશું.

જયારે જ્યારે રામચરિતમાનસના આધારે હનુમાનજીનાં દર્શન કરવામાં આવે ત્યારે મને હનુમાનજીમાં એક બાબત બહુ સ્પષ્ટ દેખાય છે અને તે છે હનુમાનજીની સેવા. માટે આજે આપણે હનુમાનજીની સેવાનાં દર્શન કરીશું. આજે સમાજમાં ઘણી જગ્યાએ સેવાને અલગ અલગ રૂપથી અથવા શંકાની નજરથી જોવાય છે. ઘણા લોકો સેવાને ખોટી રીતે ગણાવી સમાજને ખોટા માર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે જ્યારે આપણે વિચારીએ કે જ્યાં સેવા થઇ રહી છે ત્યાં અવશ્ય ઊંડાણમાં કંઇક સત્ય છુપાયેલું હશે. પછી ભલે તે રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અથવા તો શૈક્ષણિક ક્ષેત્રે હોય, પણ ત્યાં કંઇક સત્ય પડેલું હોય છે.

આમ તો સેવાનું જે આસન હોય છે એને સિંહાસન માનવામાં આવતું નથી, પરંતુ સેવાના આસનને મયૂરાસન માનવામાં આવે છે. કારણ કે સેવાનું આસન ક્યારેય સિંહાસન બની જ ન શકે. એટલા માટે કે મયૂર નિષ્કામ હોય છે, માટે સમાજમાં જેની પાસે સેવાનું આસન છે એવા સેવાભાવી માણસોએ સિંહાસન પર બેસવાનું નથી. હા, મયૂરાસન પર બેસવાનું છે. આનો અર્થ એ થયો કે સમાજમાં સેવા કરનારે નિષ્કામ, નિસ્વાર્થ બની સમાજની સેવા કરવાની છે.

આમ તો આપણે ત્યાં સેવાના ઘણા પ્રકારો માનવામાં આવે છે પરંતુ મારી દ્રષ્ટિએ મને સેવાના ચાર સ્તંભ સમજાયા છે અથવા તો સેવારૂપી આસનને ચાર પાયા હોવા આવશ્યક છે. સમાજમાં સેવા કરનાર સાધકના જીવનમાં જો ચાર વસ્તુ આવી જાય અથવા સમજાઇ જાય તો હનુમંત પદ્ધતિથી રામની તરફ અવશ્ય જઇ શકાય. આજે સમાજમાં લોકોને પૂજા કરવાની આદત વધારે જોવા મળે છે.

આપણે પૂજાના આદતી છીએ પણ સેવાના આદતી નથી. આજે લોકો સવારથી લઇ બપોર સુધી પૂજા કર્યા જ કરે છે, પણ સેવાના અર્થમાં નહીં, તેથી મને વૈષ્ણવધર્મ બહુ સારો લાગે છે, કારણ કે પુષ્ટિમાર્ગમાં પૂજા શબ્દ બોલાતો જ નથી, ત્યાં સેવા શબ્દ જ બોલાય છે. હા, આપણે પૂજા કરીએ એ આપણી શ્રદ્ધા છે, પણ કેવળ પૂજા એટલું પરિણામ લાવી શકતી નથી, જેટલું પરિણામ સેવા આપે છે. માટે વ્યક્તિમાં પૂજાની સાથે સાથે સેવા પણ આવવી જોઇએ.

મને એટલું અવશ્ય સમજાયું છે કે પૂજા પ્રભાવથી થાય છે જ્યારે સેવા સ્વભાવથી થાય છે. ક્યારેક આપણે કોઇ પ્રભાવશાળી માણસને જોઇએ ત્યારે આપણે એના પ્રભાવને લીધે એને ફૂલમાળા પહેરાવીએ, ચરણસ્પર્શ કરીએ, વધારેમાં વધારે આપણે દંડવત્ કરીએ, પણ જેની આપણે સેવા કરીશું એમાં આપણે આપણા સ્વભાવ અનુસાર કાર્ય કરીશું, માટે સેવા પ્રભાવથી નહીં પણ સ્વભાવથી જ થાય છે.

આથી સેવામાં મયૂરાસનના ચાર સ્તંભ અથવા આસનના ચાર પાયા અતિ આવશ્યક છે. આપણે કોઇ ઇમારત બનાવીએ ત્યારે ઇમારતને ઊભી કરવા પાયા અતિ મહત્વના બને છે, તેવી જ રીતે સમાજમાં સેવારૂપી ઇમારતને ઊભી કરવા માટે અથવા ટકાવી રાખવા ચાર પાયા અતિ આવશ્યક માનવામાં આવે છે. જે સેવાના પાયાના આપણે દર્શન કરીશું.

(૧) મમતા: સેવા કરનાર વ્યક્તિમાં સૌ પ્રથમ મમતા હોવી જોઇએ. સેવા કરનાર વ્યક્તિએ જેની સેવા કરવાની છે, તેના પ્રત્યે મમતા રાખવી જોઇએ. મમતા વગરનો માણસ સેવા બરાબર નહીં કરી શકે પછી ભલે ને તે સંસારી હોય અથવા સંન્યાસી હોય પણ સેવા કરનાર વ્યક્તિમાં મમતા અવશ્ય હોવી જોઇએ. આમ તો શાસ્ત્રમાં મમતાને સારી રીતે માનવામાં આવતી નથી. રામચરિતમાનસમાં પણ મમતાને બાળી નાખવાની વાત કહી છે. મમતા બચવી જ ન જોઇએ. છતાંય મમતા ભૂલથી બચી જાય અને એ મમતા જો સેવામાં આવી જાય તો મમતા પણ સિદ્ધ બની જાય છે માટે સેવામાં સિદ્ધમમતા હોવી જોઇએ.

આપણે જ્યારે પરિવારમાં રહેતા હોઇએ ત્યારે આપણને એકબીજા પ્રત્યે મમતા પ્રગટ થાય છે, કારણ કે આપણે પરિવારના બધા જ સભ્યોને આપણા બનાવીએ છીએ. જેના કારણે પરિવારમાં આપણે દરેકની સેવા કરીએ છીએ. જેમ કે એક બાળક ઘરમાં છે. એની પણ સેવા કરીએ છીએ અને એ બાળક જ્યારે મોટું થાય ત્યારે પાછો એ મમતાને કારણે વડીલોની સેવા કરે છે માટે સેવા કરનાર દરેક વ્યક્તિમાં પ્રથમ મમતા અતિ જરૂરી છે.

ભાગવતજીમાં પણ કથા આવે છે કે યશોદાને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે અતિ મમતા હતી. જેના કારણે યશોદાજીને બ્રહ્નાંડનાં ભગવાને દર્શન કરાવ્યા. હા, મમતા હોવી એ બરાબર છે, પણ મમતા સિદ્ધ હોવી જોઇએ એ આવશ્યક છે અને એ મમતા સિદ્ધ ત્યારે જ થઇ શકે જ્યારે મમતામાં સેવા પ્રવેશ કરે. માટે સિદ્ધ મમતાથી કરેલી સેવા એ મયૂરાસનનો પ્રથમ પાયો અથવા સ્તંભ માની શકાય.

(૨) સમતા: બીજો પાયો સમતા છે. કદાચ આ વાત સમજવામાં થોડી અઘરી પણ પડી શકે છે, કારણ કે સેવામાં સમતા હોવી આવશ્યક છે. સમતા વગરની સેવા ક્યારેય સફળ થતી જ નથી. હા, એ વાત પણ નક્કી છે કે જ્યાં મમતા છે ત્યાં સમતાને સ્થાન નથી. આ વાત અનુભવ સિદ્ધ સત્ય છે. જ્યાં મમતા આવે ત્યાં સમતા આપોઆપ છુટી જાય છે. સમતાનો સીધોસાદો અર્થ એ થાય કે બધાને સમાન નજરથી જોવા, કોઇ પ્રત્યે ભેદભાવ ન પ્રગટે એનું નામ સમતા.

આપણને આપણા પોતાના બાળકમાં મમતા હોય છે. બીજાના બાળકમાં આપણા બાળક જેટલી મમતા સમાન હોતી નથી અથવા બીજાના બાળકને સમાન મમતા આપી શકતા નથી. આવી રીતે સમતા અને મમતા સંસારમાં સાથે સાથે ચાલી શકતી નથી, પણ જ્યાં સેવાનો પ્રવાહ હોય ત્યાં સમતા અને મમતા બંને એકબીજાને પકડીને ચાલે છે.

સમાજમાં જ્યાં જ્યાં સેવાઓ થઇ રહી છે ત્યાં મમતા જાગૃત હોય છે. પછી એ સેવાના ધામમાં કોઇપણ વ્યક્તિ આવે. એમાં જ્ઞાતિ, જાતિ જોવામાં આવતી નથી. ફકત ને ફકત મમતાને લીધે સેવા કરવામાં આવે છે. જ્યાં સમતા કોઇને બાધારૂપ બનતી નથી. માટે સંસારમાં કોઇપણ માનવી સમતા રાખી સેવા કરે તો સેવામાં મમતા અને સમતાનું દર્શન અવશ્ય થાય. આમ તો સમતા એટલે એ માનવતાના રૂપમાં પ્રેમનું દર્શન કરાવવું અથવા વિવેકપૂર્ણ પ્રેમની ધારાને વહેવડાવવી.

(૩) ક્ષમતા: મયૂરાસનના પાયામાં આપણે મમતા અને સમતાનાં દર્શન કર્યા. હવે સેવામાં ક્ષમતાના દર્શન કરીશું. આપણે આપણી ક્ષમતા પ્રમાણે સેવા કરવી જોઇએ. આપણી તાકાત પ્રમાણે સેવા કરવી જોઇએ. ઘણા માણસો લાખો રૂપિયાનું દાન આપી શાળા, કોલેજો બંધાવે છે. આ શાળા-કોલેજો બાંધવાનું કામ સમાજમાં બધા જ કરી શકતા નથી, પરંતુ આપણી ક્ષમતાને ધ્યાનમાં રાખી આપણે કોઇ જરૂરિયાતવાળા વિદ્યાર્થીને કોઇ પુસ્તકની કે અન્ય ભણવાની વસ્તુની જરૂર પડે ત્યારે આપણે નાની એવી મદદ કરીએ, ચોપડીઓ અપાવીએ એ આપણી મોટી સેવા છે. આપણે હોસ્પિટલ ન બંધાવી શકીએ પરંતુ કોઇ દર્દીને દવાની ખાસ જરૂર છે તેને દવા અપાવીએ એટલે આપણી મહાસેવા કહેવાય, માટે સેવા ક્ષમતા અનુસાર કરવી જોઇએ.

આપણા સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં રાત્રિના સમયમાં નાટકો થાય અથવા ભવાઇ રમાય છે. ત્યાં રાત્રે બરાબર નાટક જામ્યું હોય એટલે વચ્ચે રૂપિયાની બોલી બોલાય અને એક પછી એક બધા માણસો રૂપિયાની બોલી બોલતા હોય છે પણ ક્યારેક એવું પણ સાંભળ્યું છે કે રાત્રિએ નાટકના ઉત્સાહમાં આવી ઘણા માણસો આપણા તરફથી આટલા રૂપિયા... એટલે બધા જયજયકાર પણ બીજા દિવસે જ્યારે પેલા નાટક કંપનીના માણસો બોલી બોલનાર ભાઇના ઘરે જાય ત્યારે ઘરેથી જવાબ મળે કે રાત્રિએ બોલી બોલનાર ભાઇ મજૂરી કરવા ગયા છે. રાત્રિએ ખોટા આનંદમાં આવીને જયજયકાર કર્યો હશે માટે આવું ન બને એટલે ક્ષમતા અનુસાર સેવા કરવી જોઇએ. પરમાત્માએ આપણને જેટલું આપ્યું હોય તેમાં આપણી શક્તિ પ્રમાણે સેવા કરીએ એ મયૂરાસનનો ત્રીજો પાયો કહી શકાય છે.

(૪) નમ્રતા: સેવાનો અતિ આવશ્યક અને અંતિમ પાયો નમ્રતા છે. સેવામાં નમ્રતા હોવી જોઇએ અથવા સેવા નમ્રતાથી કરવી જોઇએ. જો માણસમાં મમતા, સમતા અને ક્ષમતા હોય પણ નમ્રતા ન હોય અને નમ્રતાની જગ્યાએ અહમ્ હોય તો સેવા નિમ્ન બની જાય છે, માટે સેવા નમ્રતાથી કરવી જોઇએ. નમ્રતાનો સીધોસાદો અર્થ એ થાય છે કે આપણી વાણી, વર્તન અને વ્યવહારમાં સહજતા અને શુદ્ધતા આવવી જોઇએ. જો આપણામાં આટલી વસ્તુ આવી જાય તો સેવા નમ્રતાથી આપણે કરી શકીએ.

રામચરિતમાનસમાં આવી સેવા હનુમાનજીએ કરી છે. જેમની સેવામાં આપણને મમતા, સમતા, ક્ષમતા અને નમ્રતાના દર્શન થાય છે. આજે સમાજમાં પણ સેવામાં મમતા, સમતા, ક્ષમતા અને નમ્રતાની જરૂર છે અને જો આપણે કોઇપણ પ્રકારની સેવામાં આ ચાર વસ્તુને પકડીને ચાલીશું તો આપણે સૌ સાચા સેવાર્થી કહેવાઇશું, સાથે સાથે આ ચાર વસ્તુને સમજીશું તો આપણા જીવનને અવશ્ય ધન્ય બનાવી શકીશું.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

માનસદર્શન, મોરારિબાપુ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.