એક મિનિટ જરા યાદ કરી લઈએ કે ‘અંતર્યાત્રા’ શું છે? અહીં આપણે આપણી જાતને સમજી રહ્યા છીએ. આપણે આપણી અંદર ઊંડા ઊતરીને એ જોઈ રહ્યા છીએ કે આપણે કેવું કેવું વિચારતા હોઈએ છીએ? કેવી કેવી લાગણી અનુભવતા હોઈએ છીએ? આધ્યાત્મિકતા એટલે શું? આપણા અસ્તિત્વના પાયામાં શું છે? જીવન શું છે? જીવ શું છે? આમ તો વિજ્ઞાનનાં પુસ્તકોમાં અને ધર્મના ગ્રંથોમાં આ બધા વિશે ઊંડી છણાવટ હોય જ છે, પણ અહીં આપણે સામાન્ય બુદ્ધિથી, સામાન્ય માણસ વિચારે એ રીતે, સામાન્ય વાતો કરી રહ્યા છીએ.
જેમ કે, અત્યારે આપણે ભક્તિને લીધે માણસમાં શક્તિ કઈ રીતે પ્રગટતી હોય છે એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. એમાં વાત ત્યાં પહોંચેલી કે મૌન ઇશ્વર સાથેનો ‘સંવાદ’ આપણને વધુ સારા વિચારક બનાવે છે. મૂળ તો, શ્રોતા ઇશ્વર તરફથી કોઈ પડકાર, કોઈ દલીલ, કોઈ વિરોધ ન હોવાને લીધે આપણે જરા મોકળાશ અનુભવીએ છીએ. આપણને ધરપત રહે છે કે હું કંઈ પણ બોલીશ તો પણ સામેવાળો દોસ્ત, ખુદ ઇશ્વર, મને ખીજાશે તો નહીં જ, મને વખોડશે પણ નહીં. પરિણામે આપણે અસુરક્ષાથી મુક્ત રહીને વાત કરી શકીએ છીએ. આ બહુ મોટી વાત છે.
અસુરક્ષાથી મુક્ત થઈને વાત કરવી એ જેવો તેવો લહાવો નથી. આપણી રોજબરોજની જિંદગીમાં આપણે ભાગ્યે જ અસુરક્ષાથી મુક્ત થઈને વર્તી શકતા હોઈએ છીએ. જે માણસો વિશે એવું લાગે કે આ તો ભડભાદર છે, એવી કોઈ વ્યક્તિ પણ જો પોતાની જાતને જરા ઊંડી ખોતરે તો એ પોતાની અસુરક્ષાઓ જોઈ શકે. અસુરક્ષાની લાગણીનું પ્રમાણ સૌમાં અલગ-અલગ હોય. કહેવાય છે કે સ્ત્રીઓમાં અસુરક્ષા વધુ પ્રબળ હોય છે (જેમ પુરુષોમાં અહમ્ વધુ પ્રબળ હોય છે). એટલે જ તો ધણી મારતો હોવા છતાં, ધણીની મારપીટના મુદ્દે જ, કોઈ ધણીને લબડધક્કે લે તો પત્ની ધણીનું ઉપરાણું લેવા પર ઊતરી આવે છે. કારણ કે એ અસુરક્ષિત છે. તેને લાગે છે કે જેવો છે તેવો, ભલે મારતો હોય તો પણ, એ મારું ‘છત્ર’ છે. આ માન્યતા સાવ ભ્રમ હોય તો પણ, અસુરક્ષાથી પીડાતી સ્ત્રીને ભ્રામક છત્ર વિશે પણ એવી ચિંતા સતાવતી હોય છે કે ક્યાંક આ છત્ર ઊડી ગયું તો!
આ તો મોટી અસુરક્ષા થઈ. આપણે સૂક્ષ્મ અસુરક્ષાની વાત કરીએ તો, કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે મગજના અત્યંત છાને ખૂણે આપણી અંદર એ સભાનતા તરવરતી હોય છે કે પેલો માણસ મારી વાત સાથે સહમત છે કે નહીં, પેલો માણસ મને બરાબર સાંભળે છે કે નહીં, એ મને સાચી રીતે સમજે છે કે નહીં... આ બધી સભાનતા અત્યંત સૂક્ષ્મ સ્તરે આપણને અસુરક્ષિત બનાવે છે. પરિણામે આપણે આપણી વાત કહેતી વખતે પૂરેપૂરા, હન્ડ્રેડ પરસેન્ટ, સ્વસ્થ નથી હોતા. એક હલકી સી બૈચેની, અત્યંત આછી (ભાગ્યે જ પકડી શકાય તેવી) અકળામણ આપણે કોઈ પણ વાતચીતમાં અનુભવતા હોઈએ છીએ. તેના મૂળમાં છે પેલી અસુરક્ષા. આ શબ્દ ભલે મોટો લાગે, વાત ભલે વધારે પડતી લાગે, પણ અસુરક્ષાનું આપણા જીવનમાં કેટલું પ્રબળ અને પ્રભાવશાળી સ્થાન છે એ વિશે શાંતિથી વિચારીએ તો ઘણું બધું સમજી શકાય.
આ કામમાં મદદરૂપ બની શકે ઇશ્વર. એવો ઇશ્વર જે આપણો ‘ગુપ્ત મિત્ર’ છે. એને ગમે તેવી ખાનગી વાત કહી શકાય. એની સાથેનો સંવાદ એ સ્નાન જેટલી ગુપ્ત બાબત બની રહે. આવો સંવાદ ઇશ્વર સાથે થાય ત્યારે એ આપણને સ્નાનની જેમ સ્વચ્છ કરી શકે. આવા સંવાદમાં ઇશ્વરનું મૌન, અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે. આપણે ઇશ્વર સમક્ષ બોલીએ અને ઇશ્વર કોઈ ટીકા-ટિપ્પણી વગર આપણને સાંભળે ત્યારે છેવટે આપણે બધી જ અસુરક્ષા અને અકળામણથી મુક્ત થઈને બોલી શકીએ, આપણા મનમાં અને હૃદયમાં છેક ઊંડે ધરબાયેલી વાતો પણ મોકળા મને કહી શકીએ.
નાનપણમાં અમસ્તી મોજ ખાતર, ક્રૂરતાનો આનંદ મેળવવા ગલુડિયાને ટાંકણી ભોંકી હોય તો એની પણ કબૂલાત મૌન ઇશ્વર સામે કરી શકાય. આવી રીતે, જ્યારે જગતપિતા તેના સંતાનને એકદમ શાંતિથી, કશું બોલ્યા વિના, ખીજાયા વિના સાંભળે ત્યારે એની સમક્ષ વાત કરતી વખતે આપણે એને આપણા વિશે બધું જણાવી શકીશું એ તો ઠીક, આપણે આપણી જાત વિશે એવી અનેક વાતો જાણી શકીશું જે અગાઉ આપણે નહોતા જાણતા (કારણ કે એ વાત આપણા જ મગજમાં અસંખ્ય અકળામણોની નીચે ધરબાયેલી-સંતાયેલી હતી.) આવો સંવાદ આપણને વધુ સ્વચ્છ, વધુ પવિત્ર, વધુ હળવા બનાવી શકે.
ફક્ત વાતોનાં વડાં ન કરવાં હોય તો એક કામ થઈ શકે, એક ‘એકશન’ લઈ શકાય, એક ‘એક્ટિવિટી’ કરી શકાય. આ લેખ મૂકીને શક્ય તેટલી શાંત જગ્યાએ, આંખ બંધ કરીને ઇશ્વર સાથે વાતો કરો. એ ઇશ્વરનું રૂપ કોઈ પણ હોઈ શકે. એ જગન્નાથપુરીની મૂર્તિ પણ હોઈ શકે કે સચિન તેંડુલકર પણ હોઈ શકે.
એ બસ, તમને ચૂપચાપ સાંભળે અને તમે એની સમક્ષ જે મનમાં આવે તે બોલતાં રહો, બોલતાં રહો... જો તમે ખરેખર તેની સમક્ષ ખૂલીને વાત કરી શકશો તો પાંચ-દસ મિનિટની આવી વાતચીત બાદ તમને પોતાને જ એવું લાગશે કે તમે પહેલાં કરતાં થોડા સ્વચ્છ થયા, હળવા થયા. ટ્રાય કરી જુઓ. આવું કરવાથી પરિણામ કશું ન આવે, જરા પણ સ્વચ્છતા કે હળવાશ ન અનુભવાય તો વાંધો નહીં. ટ્રાય કરવામાં શું ખોટું છે? એમાં કશું ગુમાવવાનું તો નથી જ.