દેશભક્તિ હોવી એ સારી બાબત છે, આવકાર્ય છે, પરંતુ સમજ્યાં-વિચાયાઁ વગરની આંધળી દેશભક્તિ પણ ક્યારેક મુશ્કેલીમાં મુકી દે છે.
આ એક વિદેશી શહેરની વાત છે. એક કંપનીમાં ત્રણ એશિયન કામ કરતા હતા. એમાં એક ભારતીય હતો અને બીજા ભારતના મિત્ર દેશનો રહેવાસી હતો. ત્રીજી વ્યક્તિ ભારતને પોતાનો દુશ્મન માનનાર દેશનો નાગરિક હતો. પોતાના દેશની માનસિકતા મુજબ વિના કારણે તે ભારતીય પ્રત્યે ખાર ખાતો રહેતો. તે હંમેશાં ઝઘડવાનો મોકો શોધતો રહેતો, પણ ભારતીય તે તરફ હંમેશાં આંખ આડા કાન કરતો.
એક દિવસ ત્રણેય વ્યક્તિ રસ્તા પર એક્સાથે ચાલી રહ્યા હતા. ત્યારે મિત્ર દેશના નાગરિકને એક ચિરાગ દેખાયો. તે ઘસતાં વાર્તાઓની જેમ એમાંથી જીન પ્રગટ થયું. તેણે ત્રણેયની એકએક ઇચ્છા પૂર્ણ કરવાનું જણાવ્યું. જેણે પહેલા ચિરાગ જોયો હતો તેણે પોતાની ઇચ્છા પહેલા પ્રગટ કરતાં કહ્યું,‘ તેના દેશની ધરતી ખૂબ ફળદ્રુપ થઇ જાય.’
હજુ જીન સારું, એમ બોલે એ પહેલાં દુશ્મન દેશની વ્યક્તિ વચ્ચમાં કૂદી પડી. કેમકે, એ લોકોના મનમાં ભારતને લઇને ખોટોે ભય રહેલો છે. તેથી તેણે ભારતીયને ચીડવતાં કહ્યું કે, ‘પોતાના દેશની ફરતે દીવાલ બની જાય, જેને કોઇ તોડી ન શકે.’
હવે ભારતીયનો વારો હતો. તે અત્યાર સુધી શાંત ઊભો હતો. તેણે જીનને પૂછ્યું, ‘એ દીવાલની ઊંચાઇ અને પહોળાઇ કેટલી છે? જીને કહ્યું,‘દેશની ફરતે સો ફૂટ પહોળી અને ૫૦૦ ફૂટ ઊંચી દીવાલ બની ગઇ છે.’ દીવાલની મજબૂતાઇ અંગે સાંભળીને ભારતીય મૂછમાં હસ્યો અને ધીરેથી બોલ્યો,‘હું ઇચ્છું છું કે, તમે એ દીવાલના ઘેરાવામાં પાણી ભરી દો.’
બોધ: દેશભક્તિ અંગે પ્રતિક્રિયા આપો, પણ સમજ્યા વગર નહીં. દેશભક્તિ સકારાત્મક હોય છે. દુશ્મન ગમે તેટલા ધમપછાડા કરે, પણ તમે બુદ્ધિનો ઉપયોગ કરી તેને ધૂળ ચાટતો કરી શકો છો.