Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

કમાલની બ્રાન્ડ claris

 
Source: Strategy and Success, Prakash Biyani   |   Last Updated 2:45 AM [IST](29/08/2010)
 
 
 
 
 
બહુરાષ્ટ્રીય દવા કંપનીઓએ ભારતીય જેનેરિક દવા ઉદ્યોગને હંમેશાં નકલખોર કે પરોપજીવી કહ્યો છે. હવે એ જ કંપનીઓ પેટન્ટના કાયદાઓની કાંખઘોડીથી કોર્ટના પગથિયાં ચડવાને બદલે ભારતની કંપનીઓ સાથે હાથ મિલાવે છે. મોડે મોડે તેમને બ્રહ્નજ્ઞાન થયું છે કે જેનેરિક દવા કંપનીઓ વિદેશી કંપનીઓની શોધની ભલે નકલ કરે પરંતુ તે મોંઘીદાટ દવાઓનો સસ્તો વિકલ્પ શોધીને દુનિયાભરના ગરીબોનો જીવ બચાવે છે. અમદાવાદમાં આવેલી કલેરિસ લાઇફ સાયિન્સસ લિમિટેડ આવી જ જેનેરિક દવા કંપની છે. કલેરિસ ફક્ત છ વર્ષમાં વિશ્વની દિગ્ગજ સ્ટરાઇલ ઇન્જેકટેબલ્સ (જર્મ ફ્રી) ફાર્માસ્યુટિકલ્સ કંપની બની ગઇ છે. આવી કમાલ કરનારા ઉદ્યોગપતિ અજય હાન્ડા છે. ૩૧ વર્ષીય અજયભાઇ કહે છે, ‘મારી ઉંમરના મહત્વાકાંક્ષી યુવાનોએ અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે નાના છીએ માટે અનુભવ વગરના છીએ.

વળી, અનુભવ મેળવવા માટે ઉંમરમાં મોટા હોવા કરતાં આપણી જાતને પારખતા આવડે એ વધારે જરૂરી છે. આત્મવિશ્લેષણ કરો. દુનિયાને સમજવાની ચોક્કસ અને ઝડપી રીત પોતાની જાતને પારખવી એ છે.’

આત્મવિશ્લેષણ અંગેના પોતાના અનુભવ યુવાનો સાથે શેર કરતા અજયભાઇ કહે છે, ‘થોડા સમય પહેલાં મેં ‘રીડિંગ હોલિડેઝ’ પર જવાનું શરૂ કર્યું. હું થોડા દિવસ માટે મનગમતા પુસ્તકો સાથે બિલકુલ નવી અને અજાણી જગ્યાએ જતો રહ્યો. ત્યાં મેં ફક્ત વાંચવાનું જ કામ કર્યું. પેરિસના રોડસાઇડ કાફેમાં બેસીને હું કલાકો સુધી પુસ્તકોની દુનિયામાં ખોવાઇ ગયો. મકાઉ ગયો. ત્યાં લોકો હરવાફરવા અને ધીંગામસ્તી કરવા માટે જતા હોય પણ મેં ત્યાં ય માત્ર પુસ્તકો જ વાંચ્યાં. મને નવાઇ લાગી કે મારું મન એકદમ શાંત થઇ ગયું. શાંતિનો આ અનુભવ અદ્ભુત હતો. નવા વિચાર, નવા આઇડિયાઝ, નવી રીત-ભાત આપોઆપ ઉદ્ભવશે. હવે તો હું વર્ષમાં બે વાર ‘રીડિંગ હોલિડેઝ’ પર જઉં છું.’

અજય હાન્ડાના દાદાજી નોકરી-ધંધાની શોધમાં અમદાવાદમાં આવ્યા હતા. અહીં તેમને એક ટેક્સ્ટાઇલ મિલમાં સાધારણ નોકરી મળી. તેમના પિતાએ પણ નોકરીથી જ કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૮૪માં તેમણે પોતાના ભાઇ સાથે મળીને ‘કોર હેલ્થકેર’ના નામે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. આ વેપારમાં તેમણે જંગી ખોટ ખાધી અને તેઓ દેવાના ડુંગર તળે દટાઇ ગયા. આ કારણસર તેમને કોર હેલ્થકેર વેચવી પડી. બંને ભાઇ છુટા પડી ગયા. ત્યારપછી અજયભાઇના પિતાએ ‘કલેરિસ લાઇફ’ કંપની સ્થાપી. વર્ષો સુધી કલેરિસ એક નાનકડી અજાણી કંપની બની રહી. એક દાયકા પહેલાં કોમર્સમાં ગ્રેજયુએશન કર્યા પછી, અજયભાઇ ૨૧ વર્ષની વયે ડિરેક્ટર તરીકે કલેરિસમાં જોડાયા. ત્યારે ૪૫ કર્મચારીઓ ધરાવતી કલેરિસ કંપની ૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરતી હતી.

અજયભાઇ ભારે મહેનતુ છે. કલેરિસ લાઇફ સાયિન્સસમાં કામ કરતાં તેમણે સૌથી પહેલાં એ જાણ્યું કે તેઓ ઇન્જેકટેબલ્સનો બિઝનેસ કરે છે તે લોકોની જિંદગી અને મોત સાથે સંકળાયેલો છે. બીજા કોઇ ઉત્પાદનોની બેચમાં કોઇ ખામી રહી જાય તો તેને સુધારવાનો મોકો મળે છે. પણ અજયભાઇની કંપનીનું એકાદ ઉત્પાદન કોઇ એક વ્યક્તિના મોતનું કારણ બને તો તેમનો જામેલો બિઝનેસ પડી ભાંગે. ગુણવત્તા અને સતત ગુણવત્તાની અનિવાર્ય શરતને કંપનીમાં સોએ સો ટકા લાગુ કરવાનો અજયભાઇએ દ્રઢ નિશ્વય કર્યો. તેમણે લગાતાર ત્રણ શિફ્ટમાં કામ કર્યું. અજયભાઇ કહે છે, ‘એક દિવસ મને લાગ્યું કે મારે વધારે ભણવું જોઇએ. સામાન્ય ભણતરથી કામ નહીં ચાલે. પ્રોફેશનલ એજ્યુકેશન મેળવવું જોઇએ.’

અજય હાન્ડા જે વિચારે છે એ કરે છે. તેઓ કહે છે, ‘જ્યારે પણ કોઇ આઇડિયા, નવો વિચાર મનમાં આવે ત્યારે મનમાં ખળભળાટ મચી જાય છે. મનમાં અનેક જાતના સવાલ ઊભા થાય છે. મારે આવું કરવું જોઇએ કે નહીં? આવું કરવું બરાબર ગણાશે? આવું કર્યા પછી શું થશે? આવા અને આ પ્રકારના અસંખ્ય સવાલ વ્યક્તિના સાહસની કસોટી કરે છે. હું એવું માનું છું કે આપણે આવા સવાલ તરફ આંખ આડા કાન ન કરવા જોઇએ. પ્રામાણિકતાપૂર્વક આનો ઉકેલ શોધવાથી સવાલોના જવાબ ચોક્કસ જડશે. જે વિચાર્યું છે તેનો અમલ કરશો ત્યારે ખબર પડશે કે શું સાચું છે ને શું ખોટું?’

અજય હાન્ડા એક દિવસ કલેરિસ લાઇફ સાયિન્સસ છોડીને યુએસએની નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટી પહોંચી ગયા. ૨૦૦૪માં ત્યાંથી તેઓ એમબીએની ડિગ્રી મેળવીને માદરેવતન પાછા ફર્યા. ત્યાર પછી કલેરિસ કંપનીએ પ્રગતિના પંથે દોટ મૂકી. હાલમાં આ કંપની વિશ્વના ૭૬ દેશ સુધી પહોંચી છે. તે વર્ષે ૭૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી રહી છે. યુએસએથી આવ્યા પછી અજયભાઇએ નવા ઉત્પાદનોને વિકસાવવાનું કામ શરૂ કર્યું. આના માટે તેમણે ખાસ ટીમ બનાવી. તેની ટ્રેનિંગ પાછળ ખચોg કર્યો. ખાસ પ્રકારનું વર્ક કલ્ચર અપનાવ્યું. કલેરિસમાં સ્થપાયેલા ટેક્નિકલ ડિપાર્ટમેન્ટને કારણે કંપની હાલમાં ટોચ પર પહોંચી છે.

વિચારને અનુરૂપ દિશા મળી ગઇ છે. કલેરિસ લાઇફ સાયિન્સસના સ્થાપક સુશીલ હાન્ડા અને વીણા હાન્ડાએ અજય હાન્ડાને કંપનીના સીઓઓ બનાવ્યા. તેઓ સેલ્સ પોર્ટફોલિયો સંભાળવા લાગ્યા. તેમના ભાઇ અને કંપનીના સીએફઓ આદિત્ય હાન્ડાએ અમુક સમય સુધી અજયભાઇને ખૂબ સાથ સહકાર આપ્યો. પછી તેમણે પોતાની રિન્યુએબલ એનર્જી કંપની સ્થાપી. એટલે કલેરિસ કંપનીની તમામ જવાબદારી અજયભાઇના માથે આવી.

અજય હાન્ડા કહે છે, ‘ આપણે આપણી જિંદગી અને પ્રકૃતિઓ જાતે જ ‘બેલેન્સ’ કરતા શીખી જવું જોઇએ. મજબૂત મનોબળથી પોતાનું કામ કરવું જોઇએ, કરતા રહેવું જોઇએ. તમને જે ગમતું હોય એ કામ ધગશ અને નિષ્ઠાપૂર્વક કરવું. અનેક વિઘ્નો નડશે પરંતુ તેની વચ્ચે અને તેની સાથે કામ પાર પાડવાની ફાવટ આવી જાય તે માણસ ક્યારેય પાછો પડતો નથી.’

પાંચ વર્ષ પહેલાં કલેરિસ કંપની સાવ નાની અને અજાણી હતી. તે પોતાના ઉદ્યોગ ક્ષેત્રે ભલે બહુ મોટી ન ગણાતી હોય પરંતુ તેણે માર્કેટમાં પોતાની જોરદાર શાખ જમાવી છે. વર્ષે ૧૦ બિલિયન ડોલરનું વેચાણ કરનારી ફાયઝર નામની કંપનીએ કલેરિસ સાથે ભાગીદારી કરી છે. આ કરાર હેઠળ બંને ભાગીદાર જેનેરિક દવાઓ દુનિયાભરના વિવિધ દેશમાં વેચશે. કલેરિસના પાંચ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમદાવાદમાં ૭૮ એકરના વિસ્તારમાં ફેલાયેલા છે. તેમાંથી અમુકને અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, યુએઇ, બ્રાઝિલ, કોલંબિયાની સરકારે માન્યતા આપેલી છે. આ પ્લાન્ટ્સને વિવિધ એવોડ્ર્સ મળેલા છે.

એનેસ્થેસિયા, ક્રિટિકલ કેર, એન્ટિ ઇન્ફેક્ટિવ્સ, રિનલ કેર, પેરેન્ટરલ ન્યૂટ્રિશન, ઓન્કોલોજી જેવા થેરોપેટિક સેગમેન્ટ્સમાં કલેરિસ લાઇફ સાયિન્સસનાં ઉત્પાદનો રેકમેન્ડ કરાય છે. ગ્લાસ અને પ્લાસ્ટિક બોટલ્સ, પ્રીફિલ્ડ સીરિન્જ અને નોન પીવીસી/પીવીસી બેગ્સ જેવા ઇન્જેકટેબલ કલેરિસ બનાવે છે. કંપનીનું લોકપ્રિય ઉત્પાદન ‘પ્રોફોલ’ છે. તે ૬૦ ટકા માર્કેટ શેર સાથે આપણા દેશમાં માર્કેટ લીડર છે અને દુનિયાના ૪૮ દેશમાં ખૂબ લોકપ્રિય છે.

યુવાન અજય હાન્ડા કલેરિસને લો પ્રોફાઇલ ઇમેજમાંથી મુક્ત કરવા નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપવા, સ્થાપેલા પ્લાન્ટ્સ પર આધુનિક મેન્યુફેક્ચરિંગ સુવિધા ઊભી કરવા અને વધુ એક નવું આર એન્ડ ડી સેન્ટર ઊભું કરવા માટે ઝડપથી પોતાની કંપનીને શેર માર્કેટમાં લાવવાના છે.‘

(લેખક જાણીતા કોર્પોરેટ ઈતિહાસકાર છે)

સ્ટ્રેટેજી & સક્સેસ,પ્રકાશ બિયાણી

prakashbiyani@yahoo.co.in
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.