સંગીતને પોતાના જીવનમાં ઘૂંટી જીવન અને સંગીતને સીધી લીટી પર મૂકી સંગીત ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચનાર મધુકરભાઈ ઉપાધ્યાયે પોતાના વારસામાં પણ સંતાનોને સંગીતનું સિંચન કર્યું છે. નિષેધાત્મક મનોવૃત્તિમાં સમય-શક્તિ વેડફ્યા વગર સાધના કરતા રહી, મંચનો મોહ ન રાખી કલાક્ષેત્રે ટૂંકો રસ્તો છે જ નહીં તેથી ધીરજ રાખવા મધુકરભાઈ સોનેરી સલાહ આપે છે. કલાકારની ઉંચાઈ કરતા માણસની ઉંચાઈને વધુ મહત્વની સમજતા મધુકરભાઈ સંગીત, સાહિત્ય ક્ષેત્રે શ્રવણ, વાંચન, સર્જન, આધ્યાત્મિક વાંચન અને સત્સંગ દ્વારા જિંદગીનો આનંદ લૂંટે છે. ભાવનગર કલાનગરી તરીકે વિખ્યાત છે. જો કે ઉગતા કલાકારો માટે વધુને વધુ પ્રોત્સાહન મળે તે જરૂરી છે. વળી, સાચા અર્થમાં કલાકાર હોય તેઓ આગળ આવી ટેલેન્ટેડ ભાવિ પેઢીને તૈયાર કરે તો ગુજરાત ટોચે પહોંચે તેમ મધુકરભાઇ ઉપાધ્યાય માને છે.
નામ : મધુકરભાઈ છગનલાલ ઉપાધ્યાય.
અભ્યાસ : બી.કોમ. -સંગીત વિશારદ્દ.
કલા-સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ : કાવ્યસર્જન ૧૯૭૭થી અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ ૧૯૮૨થી શરૂ છે.
સિદ્ધિઓ : ગીત, ગઝલ, અછાંદસ કાવ્યોનો સંગ્રહ ‘ને તમે છો...’ પ્રસિધ્ધ થયો. સુગમ સંગીતનું પુસ્તક પૂર્ણતા ઉપર છે. શાસ્ત્રીય સંગીતના પુસ્તકનું લેખન શરૂ છે.
વેઠેલો સંઘર્ષ : નોકરી ઉપરાંતની કલા પ્રવૃત્તિઓને કારણે કુટુંબમાં અને સામાજિક ક્ષેત્રે પૂરતો સમય આપી ન શકાય.
શોખ: સુંદર સંગીત, સાહિત્યની સંગત અને તેમાં નવું જાણ્યા કરવાનું.
સફળતાનું સૂત્ર : કાયમ અભ્યાસી રહેવું, પોતાની મયાઁદાની જાણ, બીજાની વિશેષતાનો સ્વીકાર, કોઈપણ હેતુ માટે બાંધ-છોડનો નકાર, નામ કે ધનના મોહ વગર પોતાના ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહેવું.
જીવનની ફિલોસોફી : શરણાગતિ, સહજ રીતે જે થાય તે થવા દેવું.
જીવનમંત્ર : ‘જે થાય તે સારા માટે, જેવું કરીએ તેવું પામીએ.’