દરેક માણસના જીવનમાં એક ઉન્નત અને ઉન્મત મોજું આવતું હોય છે. જો તમે એના પર સવાર થઈ શકો તો સિદ્ધિના શિખર પર પહોંચી શકો. માણસમાં હા કહેવાની હિંમત હોવી જોઈએ.
દિવસ તો આવે છે
અને કેટલાક લોકો દિવસને મસમોટા હકારથી વધાવે છે
અથવા મોટી ‘ના’ કહીને નકારે છે
એટલું તો સ્પષ્ટ છે કે જે લોકો
તરત જ હા માટે તત્પર અને તૈયાર થાય છે
એ લોકો એક સ્તર પરથી બીજા સ્તર પર વહે છે
અને પોતાની પ્રતીતિમાં સશકત હોય છે
જે લોકો નકારે છે એ લોકો પસ્તાતા નથી
પણ ફરીથી પૂછીએ તો પણ
એ લોકો હજી પણ ના જ કહેવાના
આ નકાર-ગમે એટલો સાચો નકાર
અંતે તો એમને જીવનમાં
નીચે ને નીચે લઈ જાય છે!- કાવાફી
ગ્રીક કવિ કાવાફી કે કેવેફી (ઉચ્ચાર અટકળથી કરું છું)એ લખ્યું છે ઓછું-એટલું ઓછું કે બધું મળીને ૨૮૦ જ કાવ્યો. મોટી ઉંમરે લખવાનું શરૂ કર્યું. ઈજપિ્તમાં પણ વસ્યા. ગ્રીસમાં ૭૦ વર્ષની ઉંમરે મરણ પામ્યા (૧૮૬૩-૧૯૩૩). જિંદગીમાં સજાતીય સંબંધોની મથામણોમાં અનુભવી અને શૃંગાર કાવ્યો પણ લખ્યાં.
એમનું આ કાવ્ય તદ્દન જુદા મિજાજનું છે. પરદેશમાં એક સંચય પ્રગટ થયો છે. ડેઈઝી ગોડવિને આ સંચયનું સંપાદન કર્યું છે. સંગ્રહનું નામ છે-‘૧૦૧ કાવ્યો જેમણે મારી જિંદગી બચાવી.’ કેટલીક કવિતાઓ લાગણીને રાહત આપે છે. આ કાવ્યની વાત સંપાદિકાએ પ્રસ્તાવનામાં કરી છે. કાવ્ય નાનું છે પણ એનું વિશ્વ મોટું છે. જીવનનો અભિગમ હકારાત્મક છે. અલબત્ત, કેટલાક લોકો ના પાડવામાં શૂરાપૂરા હોય છે. જીવનમાં જે તક આવે છે ‘એને અવસરમાં ફેરવી શકવાની એમનામાં પૂરતી તાકાત નથી હોતી. સ્વભાવે આવા લોકો શંકાશીલ હોય છે.
પહેલી શંકા પોતાનામાં હોય છે, બીજી શંકા પરિસ્થિતિમાં હોય છે. કેવળ તર્કથી કે કેવળ ગણિતથી જીવન જીવાતું નથી હોતું. જીવન તર્કની પારના પ્રદેશની વાત છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે કશું જ આપણા હાથમાં નથી હોતું. બીજી બાજુ એમ પણ કહી શકીએ કે ભલે આપણો પોતાનો હાથ આપણા હાથમાં ન હોય, છતાં પણ ઘણું બધું આપણા જ હાથમાં હોય છે. શેકસપિયર કહે છે એમ, ‘દરેક માણસના જીવનમાં એક ઉન્નત અને ઉન્મત મોજું આવતું હોય છે.
જો તમે એના પર સવાર થઈ શકો તો સિદ્ધિના શિખર પર પહોંચી શકો.’ માણસમાં હા કહેવાની હિંમત હોવી જોઈએ અને ના કહેવાની કળા હોવી જોઈએ. આ કળા, અધીરા કે ઉતાવળા ન થઈએ, પણ આવેલી ક્ષણને ઝીલી લેવાની સમતા અને ક્ષમતા હોવી જોઈએ. કેટલાક માણસો સ્વભાવે જ સોગિયા હોય છે. એમની બધી વાત જ નનૈયાથી શરૂ થાય છે! એમની વૃત્તિ નકારાત્મક હોય છે. આપણે ત્યાં કહેવત છે કે રડતો જાય એ મોકાણના જ સમાચાર લાવે.
બધામાં જ અર્થ શોધનારને છેવટે બધું જ નિરર્થક લાગવાનું. રાતની નિદ્રા પછી દિવસ ઊગે છે. આ દિવસને તમે સ્મિતથી આવકારો તો દિવસ રિળયામણો લાગશે. બપોર તેજીલી લાગશે, સાંજ સોહામણી લાગશે અને રાત રિળયામણી લાગશે. દિવસ-રાતના આ ચક્કરમાં કશોક નક્કર આનંદ પામશું. દિવસ ઊગે છે, એ જ મોટી વાત છે. સૂરજ એકલો આકાશમાં નથી ઊગતો. એનો ઉદય પણ આપણી આંખમાં થવો જોઈએ. દિવસનો લય હોય છે અને અંધકારનો પ્રલય નથી હોતો. જે જીવથી જીવે છે, એનું જ જીવન બને છે. બાકી તો નકારની નનામી લઈને ડાઘુની જેમ ફરવાનો કોઈ અર્થ નથી. આના સંદર્ભમાં અંગ્રેજી કવિ લૂઈ કનેની એક પ્રાર્થના જોવા જેવી છે:
સ્વસ્થ, સ્નેહભર્યા અને ઉલ્લાસભર્યા મનથી હું આ દિવસને જોઉં જાણે કે, મારો નાનકો ભાઈ હોય! જેની રક્ષા કરવાનું અને જેના વ્યક્તિત્વને આકાર આપવાનું મારા હાથમાં છે!
મારા વિચાર શુદ્ધ રહે અને મારી આશાઓ ઉદાત્ત. મારી ભાવનાઓમાં વિષમતા ન પ્રવેશે અંતરમાંથી પ્રકટે મારી વાણી. આવકાર આપવા માટે મારા હાથ ઉત્સુક હોય અને અસત્યનો સામનો કરવા માટે બાવડાં બળવાન!જેમ પ્રત્યેક બિડાયેલી કળીમાં વસંત છુપાઈ હોય છે, એમ પ્રત્યેક મનુષ્યના આત્મામાં જીવનનાં પૂર્ણ સૌંદર્યનું રહસ્ય છુપાયું છે! અશુભ કાર્ય કે અમંગલ વિચારમાં એક પળને વિતાવવાનો અર્થ એટલો જ કે હૃદયમાં વસેલા સમૃદ્ધ વૈભવોનો નાશ...સારોય દિવસ હું જાગ્રત રહું જેથી મારું જીવન એટલું સરળ વહે... જાણે કોઈ ભોળો નિદોર્ષ ઉલ્લાસ!