Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

ભારતની ટીમ આવે છે આવા ખતરનાક મહેમાનોની કેટેગરીમાં

 
Source: Laughter, Vinay Dave   |   Last Updated 9:51 AM [IST](08/02/2012)
 
 
 
 
 

ઘરઆંગણે ભડભાદર ભાયડા થઇને કોલર ઊંચા કરી ફરનારા આપણા ક્રિકેટરો પરદેશમાં સાવ ઓલવાઇ જાય છે, શિયાવિયા થઇ જાય છે. એમનાં ધોતિયાં ઢીલાં થઇ જાય છે, પોતિયાં પીળાં પડી જાય છે.


અમુક માણસો બહારગામ જાય કે પછી બીજાના ઘરે જાય ત્યારે પોતાનો ‘અસલી રંગ’ દેખાડવા માંડે છે. પારકા ઘરે પહોળા થઇને ફરવામાં એ લોકો માહેર હોય છે. યજમાનને ત્યાં ખાઇપીને પડ્યા રહેવું, ત્યાંનું ખાવાનું ખૂટવાડી દેવું, કંઇ પણ કર્યા વગર બધાને ત્રાસ થાય એવી રીતે નડી અને ‘જલસા ઠોકવા’માં આવા ઇરિટેટિંગ મહેમાનોની માસ્ટરી હોય છે.


આપણી ભારતની ક્રિકેટ ટીમ આવા ખતરનાક મહેમાનોની કેટેગરીમાં આવે છે. ભારતની ક્રિકેટ ટીમ જ્યારે માદરે વતનમાં રમતી હોય ત્યારે તેનું પરફોર્મન્સ કંઇક જુદું જ હોય છે અને જ્યારે એ જ ટીમ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે એનું પરફોર્મન્સ કંગાળ-ભંગાર-થર્ડ કલાસ-વાહિયાત કક્ષાનું હોય છે. અપવાદરૂપ અમુક સિરીઝને બાદ કરતાં ભારતીય ક્રિકેટ ટીમ પરદેશની ભૂમિ પર એવું હોરીબલ પરફોર્મ કરતી હોય છે કે એના ચાહકો અને અહીં ના લખી શકાય એવા એવા શબ્દોથી નવાજતી હોય છે.


બાંગ્લાદેશને બાદ કરતાં ભારતની ક્રિકેટ ટીમ કોઇ પણ વિદેશની ધરતી પર કશું જ ઉકાળી નથી શકતી. બધી જગ્યાએ ધોળકું ધોળીને જ આવે છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલેન્ડ, પાકિસ્તાન બધી જ જગ્યાએ આપણે નામોશીના ઝંડા લહેરાવી, મોઢું કાળું કરીને પાછા આવ્યા છીએ. ઘરઆંગણે ભડભાદર ભાયડા થઇને કોલર ઊંચા કરી ફરનારા આપણા ક્રિકેટરો પરદેશમાં સાવ ઓલવાઇ જાય છે, શિયાવિયા થઇ જાય છે. એમનાં ધોતિયાં ઢીલાં થઇ જાય છે, પોતિયાં પીળાં પડી જાય છે.


આપણે ત્યાં ક્રિકેટની રમત ધર્મ ગણાય છે અને ક્રિકેટરો દેવની જેમ પુજાય છે, પરંતુ આ જ સુપરસ્ટાર ક્રિકેટરો પરદેશમાં પગ મૂકે કે તરત જ એમની ટેક્નિકની ખામીઓ, ક્રિકેટિંગ નોન-સેન્સ છતી થઇ જાય છે અને પછી ભવાડા શરૂ થાય છે. ભારતમાં ક્રિકેટની પિચો સાવ ધીમી-ઓછા બાઉન્સવાળી હોય છે, મોટાભાગની તો સ્પિનિંગ વિકેટ્સ હોય છે. જ્યાં બોલ ટપ્પો પડી કમર કે છાતી સુધી ક્યારેક જ ઊછળીને આવે છે. વળી આપણે ત્યાં જેન્યુઇન ફાસ્ટ બોલર્સ તો હોતા જ નથી. મોટાભાગના ‘છુકછુકગાડી’ની સ્પીડવાળા મિડિયમ પેસર અથવા તો સ્લો-સ્પિન બોલર્સ હોય છે.


વિદેશી ટીમો પણ જ્યારે ભારત આવે છે ત્યારે તેમના ફાસ્ટ બોલર અહીંની ધીમી-ઓછા બાઉન્સવાળી વિકેટ્સ પિચ પર બોલિંગ કરી કરીને તૂટી જાય છે. આવા સંજોગોમાં આપણા બેટ્સમેન સોલ્લિડ રીતે ફાવી જાય છે. ઓછું કે પછી નહીંવત્ ફૂટવર્ક હોય તો પણ માત્ર કાંડાં ઘુમાવીને કે પછી ઊભા ઊભા જ બેટ ફેરવી આપણા બેટ્સમેન અહીં રનના ઢગલેઢગલા ખડકી દે છે. જે જોઇ અને આપણી અહીંની પબ્લિક ‘ખુસ્સ-ખુસ્સ’ થઇ જાય છે, બધા ક્રિકેટરોને માથે ચડાવી દે છે, સુપર-ડુપર સ્ટાર બનાવી દે છે. હીરોની જેમ પૂજવા માંડે છે.


ક્રિકેટરો પણ આનો લાભ લઇ છકી જાય છે. પોતાને મહાનતમ માનવા માંડે છે. એ બધા રમવા કરતાં રળવામાં મહેનત કરવા માંડે છે. જાહેરાતો, ટીવી પ્રોગ્રામો, ફિલ્મો, આઇપીએલ જેવી ટૂનૉમેન્ટોમાં કૂદી કૂદીને ભાગ લેવા માંડે છે અને તગડી નોટો કમાવા માંડે છે.


પરંતુ જેવા એ ફોરેન ટૂર પર જાય છે કે તરત જ એમનું પોત પ્રકાશવાનું શરૂ થાય છે. ફાસ્ટ, બાઉન્સી વિકેટ્સ પર સણસણતી ફાસ્ટ બોલિંગ સામે આપણા ભઇલાઓ ભવાઇ રમવા માંડે છે. જેન્યુઇન સ્પીડ અને સ્વિંગવાળા બોલર્સ આપણા શૂરવીરોને ત્રણ તાળીના ગરબા, હીંચ અને ઘુમ્મર નૃત્ય કરાવવા માંડે છે. ગોફણિયા ગેંદબાજી સામે એમની દાંડી ખેરવાઇ જાય છે, લાકડિયો છુટી પડી જાય છે, સદી શહેનશાહો ગરીબ રાંક બની ટપોટપ આઉટ થવા માંડે છે અને ભૂંડે હાલે હારવાનો સિલસિલો શરૂ થઇ જાય છે.


જોરદાર કરિયર રેકોર્ડ ધરાવતા ધુરંધરો ધરાશાયી થઇને ધૂળ ચાટવા માંડે છે. ટીવી ચેનલોવાળા ગોકીરો મચાવે છે કે ‘કાગજ કે શેર, હો ગયે ઢેર’ દેશની ધરતી પર વિકેટોનો ખડકલો કરનારા આપણા બડેખાં બોલરોની પણ પરદેશમાં કચ્ચી કચ્ચીને ધોલાઇ થાય છે. ફૂલણશી દેડકાં બની છાતી કાઢી ફરનારા ક્રિકેટિંગ ગોડની માફક વર્તનારા આપણા ક્રિકેટરો પરદેશમાં સાવ તુચ્છ, પામર, ગરીબડા, લાચાર બની જાય છે. મજાકમશ્કરીનાં ટાર્ગેટ બની જાય છે.


આટઆટલી દયાજનક સ્થિતિમાં મુકાયા પછી - અપમાનો થયા પછી પણ આપણા સુપરસ્ટારોની શેખી ઓછી નથી થતી. મારા બેટાઓ નફ્ફટ બની પાર્ટીઓમાં નાચેકૂદે છે, લફરાં-તાયફા કરે છે, બેજવાબદાર સ્ટેટમેન્ટ અને વર્તન કરે છે. એ લોકો દેશ વતી રમવા ગયા છે એ ભૂલીને ફરવા-જલસા કરવામાં, મોજમસ્તીમાં ટાઇમ પાસ કરે છે. એ બધા ત્યાં રમવા ગયા છે કે ખેલ કરવા એ જ સમજાતું નથી. એમની રાસલીલાના ફોટા છપાય તોયે એમને લાજ-શરમ આવતી નથી.


આટઆટલી બબાલો પછી પાછા એકાદ મેચમાં આપણા ભઇલાઓ જીતી બતાડે છે એટલે આપણે બધું ભૂલી જઇ એમને માફ કરીને ફરીથી માથે ચડાવી દઇએ છીએ. ચાલો, ટીવી ચાલુ કરીને મેચ જોવા બેસી જઇએ!


vinaydave61@hotmail.com


La-ફ્ટર, વિનય દવે


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.