પહેલાં વર્ષે દહાડે માંડ ચાર-પાંચ ગુજરાતી ફિલ્મો બનતી તેના બદલે છેલ્લાં થોડાં વર્ષોથી વર્ષની ચાલીસ-પચાસ લેખે ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે. એ રીતે જોઈએ તો ગુજરાતી ફિલ્મોની કવોન્ટિટી ચોક્કસ વધી છે તેમ કહેવાય, પરંતુ આ ફિલ્મોની કવોલિટીનો પ્રશ્ન તો હજુ ઊભો જ છે. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ધોરણે નોંધ લેવાય એવી એક પણ ફિલ્મ છેલ્લા આખા દાયકામાં બની નથી.
(હા, વિનોદ ગણાત્રા દિગ્દર્શિત હેડા-હુડા અને હારુન-અરુણ જેવી ફિલ્મો ચોક્કસ બની જેની નોંધ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલોમાં લેવાઈ, પરંતુ એ તો ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીએ બનાવી હતી, કહેવાતી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ નથી બનાવી અને મજાની વાત તો એ છે કે આ ફિલ્મો ગુજરાતમાં તો રિલીઝ પણ નથી થઈ શકી! જય જય ગરવી ગુજરાત!) સવાલ એ છે કે ખાટલે મોટી ખોડ ક્યાં છે? શા માટે સારી ગુજરાતી ફિલ્મો બનતી નથી? પ્રયોગશીલ નિર્માતા-દિગ્દર્શકો નથી? સારું ઈન્ફ્રાસ્ટ્રકચર નથી? સારા કલાકારો નથી? દર્શકો નથી? શું ખૂટે છે? ચાલો જાણીએ ગુજરાતી ફિલ્મક્ષેત્રે પ્રવૃત્ત કેટલાક નિર્માતા-દિગ્દર્શકો પાસેથી કે તેમને ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય કેવું લાગે છે?
સરકારે પેરેલલ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ
ઉત્પલ મોદી(શેકસપિયરનું નાટક ‘મેકબેથ’ પરથી ચિનુ મોદી દ્વારા અનુસર્જિત ગુજરાતી નાટક ‘જાલકા’નું ‘રાજમાતા’ નામથી ફિલ્મસર્જન કરનાર નિર્માતા-દિગ્દર્શક)
આજે ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીની પરિસ્થિતિ એ છે કે ૧૦૦માંથી ૯૯ ફિલ્મો ખોટ કરે છે. ૫૦ લાખની ફિલ્મને ૧૦ લાખનું પણ રિટર્ન મળતું ના હોય તો ફિલ્મ શા માટે બનાવવાની? બીજું કે ગુજરાત સરકાર વર્ષે દહાડે એવરેજ ૫૦-૬૦ જેટલી ફિલ્મોને સબસિડી ચૂકવે છે, જેના લગભગ અઢી-ત્રણ કરોડ રૂપિયા થાય. આ રૂપિયા સબસિડી પેટે ચૂકવવાને બદલે ૨૫થી ૪૦ લાખની મર્યાદામાં આઠ-દસ નિર્માતાઓને સારી ગુજરાતી સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવા માટે આપે તો ગુણવત્તાસભર ફિલ્મો બને તેવું મારું ચોક્કસ માનવું છે.
બાકી જે લોકોધંધો કરવા માટે જ ૭૦-૮૦ લાખની ફિલ્મો બનાવે છે, તેમને સબસિડી પેટે પાંચ લાખ રૂપિયા આપવાનો કોઈ અર્થ નથી. આમ ગુજરાતી ફિલ્મોની કવોલિટી સુધારવા માટે સરકારે સબસિડી બંધ કરીને પેરેલલ ફિલ્મોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું મારું માનવું છે. જો આવું થાય તો આવનારાં ચારપાંચ વર્ષમાં ચોક્કસ એવી ફિલ્મ બનશે જે નેશનલ એવોર્ડ મેળવી લાવે.
બીજો મહત્વનો મુદ્દો એ પણ છે ગુજરાતી ફિલ્મો રિલીઝ કરતાં થિયેટરોનો. અમદાવાદમાં અશોક, સપના જેવી ભંગાર ટોકીઝ હોય, ખુરશીઓ ભાંગેલીતૂટેલી હોય, એસી તો ચાલુ હોય જ નહીં, સારા પ્રોજેક્ટર ના હોય તેવી જગ્યાએ કોણ સારા ઘરના લોકો ફિલ્મ જોવા જાય. મલ્ટિપ્લેક્સવાળા ભાગ્યે જ કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ કરે છે એટલે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ૨૨૦ તાલુકામાં ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવા માટે જ સારાં થિયેટરો નિર્માણ થાય તે માટે ધ્યાન આપે તો ફિલ્મોનું માર્કેટ ડેવલપ થાય. એકવાર માર્કેટ ડેવલપ થશે તો પછી સારી ફિલ્મો પણ બનતી થઈ જશે.
ગુજરાતી ફિલ્મ રિલીઝનું વ્યવસ્થિત માળખું ગોઠવાવું જોઈએ
આશિષ કક્કડ(‘બેટરહાફ’ જેવી ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને વિષયવસ્તુની રીતે નવી દિશા ચિંધનાર દિગ્દર્શક)
ગુજરાતી ફિલ્મોનું રૂરલ માર્કેટ છે અને એ સારું જ છે. વિક્રમ ઠાકોરની ફિલ્મો ચાલે જ છે. હા, અર્બન માર્કેટ જોઈએ તેવું નથી. તે માટેના પ્રયત્નો થયા છે, પણ ખાસ પરિણામ નથી આવ્યું. માનો કે કોઈ સારી ગુજરાતી ફિલ્મ બની તો એને દર્શાવવાની ક્યાં? મલ્ટિપ્લેક્સવાળા જલદી હાથ ના મૂકવા દે અને સિંગલ સ્ક્રીનવાળાં થિયેટરો ભાડાં માગે છે. એટલે ફિલ્મ રિલીઝ કરવા માટે થિયેટરો શેરિંગ પર મળવાં જોઈએ.
પાંચ લાખની સબસિડી આપવાથી કદાચ ઈન્ડસ્ટ્રીનું ભલું નહીં થાય, કારણ કે કોઈપણ વ્યક્તિ ૩૫-૪૦ લાખનું જોખમ પાંચ લાખની સબસિડી મેળવવા માટે ના લે, તે લોકો સુધી તેની ફિલ્મ પહોંચાડવા માટે આ જોખમ લે છે, એટલે જ લોકો સુધી ફિલ્મ પહોંચે તે માટેના રસ્તા સરકારે કરી આપવા જોઈએ. બીજું કે આપણે ત્યાં એવોર્ડવિનિંગ ફિલ્મોને પ્રોત્સાહન નથી મળતું.
વિનોદ ગણાત્રા જેવા દિગ્દર્શકની આંતરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ પણ ગુજરાતમાં રિલીઝ નથી થ ઈ શકી. આવું કોઈ સંજોગોમાં ના થવું જોઈએ. એટલિસ્ટ આવી ફિલ્મો રિલીઝ તો થઈ જ શકવી જોઈએ. આમ હું માનું છું કે જો ગુજરાતી ફિલ્મોના રિલીઝ માટેનું માળખું સુધરે તો ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય સુધરે, બાકી નહી.
ગુજરાતી ફિલ્મઉદ્યોગને ચમત્કાર જ બચાવી શકશે
જશવંત ગાંગાણી(‘મહિયરમાં મનડું નથી માનતું’ જેવી ટ્રેડીશનલ સુપરહિટ ગુજરાતી ફિલ્મ આપનાર નિર્માતા-દિગ્દર્શક)
ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય મને તો દૂર દૂર સુધી ધૂંધળું દેખાય છે, કારણ કે ગુજરાતી ફિલ્મો પાસે માંડ આઠ-દસ ટકા દર્શકવર્ગ વધ્યો છે, જે ગામડાંનો મજુર પ્રકારનો વર્ગ છે. વ્હાઈટ કોલર કે અપરકલાસ વર્ગ એક ટકો પણ નથી. હવે આપણી પાસે દર્શકવર્ગ જ નથી તો ફિલ્મો કોના માટે બનાવવી. દા.ત. મેં ક્યારેય એક કરોડથી ઓછા બજેટની ફિલ્મ નથી બનાવી. ટેક્નિકલી પણ હિન્દી ફિલ્મના લેવલની ફિલ્મ હોય છે, એક-દોઢ વર્ષ એક ફિલ્મ પાછળ લાગી જાય છે. હવે આટલું બજેટ ખચ્ર્યા પછી અને આટલી મહેનત પછી જો ફિલ્મોને દર્શકો ના મળવાના હોય તો નિર્માતા ક્યાં સુધી ફિલ્મો બનાવશે? આમ અત્યારે તો કોઈ ચમત્કાર જ ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીને બચાવી શકશે તેમ લાગે છે. બીજું કે હાલ જે ફિલ્મો બની રહી છે તેમાંની મોટાભાગની ફિલ્મો ભાણિયા-ભત્રીજાને હીરો બનાવી દેવા માટે બનાવવામાં આવે છે.
સમૃદ્ધ ગુજરાતી માટે ૨૫-૩૦ લાખ ખર્ચી નાખવા નવાઈની વાત નથી રહી એટલે એ લોકો એમ વિચારે છે કે ચાલોને ફિલ્મ બનાવી નાખીએ. હીરો-હીરોઈન સાથે રહીશું અને નિર્માતા તરીકે નામ પડદે ચમકશે. બસ, આવી લાલચમાં હાલ આલબમ કક્ષાની ફિલ્મો બનવા લાગી છે, તેના લીધે પણ ગુજરાતી ફિલ્મઈન્ડસ્ટ્રીની ઘોર ખોદાઈ રહી છે.
જો આવી જ ગુજરાતી ફિલ્મો બનતી રહેશે તો રહ્યાસહ્યા દર્શકો પણ ગુમાવવાનો વારો આવશે. કહેવા ખાતર નથી કહેતો, પણ મારું વાક્ય લખી રાખો કે જો આમ ને આમ ચાલશે તો આવનારાં વર્ષોમાં શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવશે કે એક સમયે ગુજરાતી ભાષાની ફિલ્મો પણ બનતી હતી!
ગુજરાતી ફિલ્મો માટે સરકારે સબસિડી વધારવી જોઈએ
ગોવિંદ પટેલ (બોક્સઓફિસ પર સવૉધિક કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ના નિર્માતા-દિગ્દર્શક)
અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ફિલ્મ બનાવવાની ઈચ્છા જ નથી થતી. પહેલાં ગુજરાતમાં ૧૮૯ જેટલા થિયેટરોમાં ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી હતી, તેમાંથી હવે માંડ ૪૮ જેટલાં થિયેટરો બચ્યાં છે, જેમાં ગુજરાતી ફિલ્મો રિલીઝ કરી શકાય છે. હવે ૪૮ થિયેટરોમાં ગુજરાતી ફિલ્મ રિલીઝ કરીએ અને હિટ જાય તો પણ ૬૦-૭૦ લાખનો ધંધો તેમાંથી થાય નહીં, હવે અમારા બેનરની ફિલ્મો ૭૦-૮૦ લાખથી ઓછી બનતી જ નથી તો પછી ખોટ ખાવા માટે શેના માટે ફિલ્મો બનાવવાની? મારી છેલ્લી ફિલ્મે પણ ખોટ કરી છે એટલે હાલ નવી ફિલ્મનો પ્રોજેક્ટ તૈયાર હોવા છતાં તે શરૂ કરવાની હિંમત જ થતી નથી. આમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે.
સિનેમાહોલ વધવા જોઈએ, તેનાં ભાડાં નિર્માતાને પોસાય તેવાં હોવાં જોઈએ. સરકાર દ્વારા અપાતી સબસિડીની રકમ પણ વધવી જોઈએ. મરાઠી-ભોજપુરી ફિલ્મોને ૩૫ લાખ સુધીની સબસિડી અપાય છે. તેલુગુ-તમિલમાં પણ ૧૫ લાખ સુધીની સબસિડી અપાય છે. તાજેતરમાં જ અમે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મળીને સબસિડીની રકમ પાંચ લાખથી વધારી ૧૫ લાખ કરવા માટે રજુઆત કરી છે. જોઈએ હવે તેનું શું પરિણામ આવે છે.
બાકી આમ ને આમ તો અમારે ફિલ્મ બનાવવાનો ધંધો બંધ કરવાનો વખત આવી જશે. ગુજરાતી ફિલ્મોના નિર્માતા તરીકે મારી ૧૯ ફિલ્મો સિલ્વર જયુબિલી અને પાંચ ફિલ્મો ગોલ્ડન જયુબિલી થઈ છે, છતાં આજે મને કહેતાં દુ:ખ થાય છે તેમ છતાં મારે કહેવું પડે છે કે મને તો ગુજરાતી ફિલ્મોના સારા ભવિષ્યની કોઈ આશા દેખાતી નથી. જો મને આશા દેખાતી હોત તો હું આજે મારી ઓફિસમાં બેઠો ન હોત, તેના બદલે મારી નવી ફિલ્મનું શુટિંગ કરતો હોત.