આ પ્રજાસત્તાક દિવસે બે બાબતને દિલથી સલામ ભરવાની ઈચ્છા થાય છે, એક તો ભારતીય બંધારણને અને ભારતના લશ્કરની ત્રણેય પાંખોને. ભારતનું બંધારણ બેનમૂન છે અને ભારતનું લશ્કર લાજવાબ છે. ભારતના લશ્કરને એક વધારે સેલ્યુટ એ માટે કરવી પડે કારણ કે ભારતીય લશ્કરની ત્રણેય પાંખો સત્તા મેળવવા માટે લાલચુ નથી બની.
આવતી કાલે ર૬મી જાન્યુઆરી છે. આપણો ૬૩મો પ્રજાસત્તાક દિન. આ દિવસને આપણે જાહેર રજાના સંદર્ભમાં જ સંભારીએ છીએ, પણ હકીકતમાં આપણા જૂના સ્વાંતત્રયસેનાનીઓ આને સ્વાતંત્રય દિન ગણતા. શું કામ? કારણ કે ૧૯૪૭ની ૧પમી ઓગસ્ટ પછી પણ આપણે ઈંગ્લેન્ડના રાજા જયોર્જ પાંચમાની છત્રછાયામાં હતા. લોર્ડ માઉન્ટબેટન જ આપણા ગવર્નર જનરલ હતા. તા. ર૬મી જાન્યુઆરી, ૧૯પ૦થી અમલમાં આવેલા બંધારણથી આપણું પોતાનું કહી શકાય તેવું શાસન દેશમાં શરૂ થયું.આ દિવસે બે બાબતને દિલથી સલામ ભરવાની ઈચ્છા થાય છે : ભારતીય બંધારણને અને ભારતના લશ્કરની ત્રણેય પાંખોને. ભારતનું બંધારણ બેનમૂન છે અને ભારતનું લશ્કર લાજવાબ છે. અદ્ભુત છે. ભવ્ય છે. આ બંનેની વાત ક્રમશ: કરીએ.
ભારતનું બંધારણ ખરેખર બેનમૂન છે. આ બંધારણ ઘડવા માટે ર૮ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બાબાસાહેબ આંબેડકરના અધ્યક્ષપદે એક મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ (માત્ર ૬૮ દિવસના ટૂંકા ગાળામાં જ) બંધારણનો મુસદ્દો તૈયાર કરી ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણસભા સમક્ષ મૂકી પણ દીધો. બંધારણસભાએ તેની સમક્ષ મુકાયેલા બંધારણનો મુસદ્દો બે વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસના ગાળા દરમિયાન ૧૬૬ દિવસ માટે મળી તેના અંગે કાળજીપૂર્વકની ચર્ચાવિચારણા કરી તથા અનેક સુધારાવધારા કાપ અને ઉમેરણ બાદ તેને મંજૂરી આપી વળી આ બંધારણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં હસ્તાલિખિત સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું. તે બંને નકલમાં બંધારણ સભાના ૩૦૮ સભ્યોએ તા. ર૪ જાન્યુઆરી, ૧૯પ૦ના રોજ હસ્તાક્ષર પણ કર્યા.
ભારતનું આ બંધારણ અદ્રિતીય છે. ડૉ. આંબેડકરજીએ કહેલું કે આથી અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે ભારતીય મહાસંઘ જડતા કે વિધપિરાયણતાના દોષથી પીડાશે નહીં કારણ કે આ એક સ્થિતસ્થિાપક સંઘ છે. સાચે જ ડૉ. ભીમરાવ આંબેડકરને વંદન કરવા પડે તેવું સુસજજ બંધારણ તેમણે આપણને ઉપલબ્ધ કરાવી આપ્યું છે.
જેના આધારે આપણાં સંસદ, ન્યાયતંત્ર, રાજવહીવટ પોતાની ધરી પર સરસ રીતે સ્થિરતાપૂર્વક ચાલ્યા કરે છે, જેનો આ દેશ છેલ્લાં ૬ર વર્ષથી સાક્ષી છે. આ બંધારણ હેઠળ થયેલી ચૂંટણીઓએ દેશમાં ચમત્કારો સજર્યા છે. જેઓને કોઈ દિવસ હરાવી જ ન શકાય તેવા મહાનુભાવોને ધૂળ ચાટતાં થવું પડ્યું છે. આ બંધારણમાં અનેક ફેરફારો થયા છે. કેટલાક ગમે તેવા અને કેટલાક ન ગમે તેવા, પણ આખરે આ બંધારણની મૂળભૂત સુગંધ હજુ યથાવત્ છે. આ માટે સમગ્ર દેશના અગ્રીમ હરોળના તેજસ્વી નેતાઓને સલામ પાઠવીએ.
ભારતીય લશ્કર અને તેની ત્રણેય પાંખો પ્રત્યે સમગ્ર દેશ સન્માન અને ગૌરવની લાગણી હંમેશાં અનુભવે છે કારણ કે આ દેશનું લશ્કર પૂર્ણપણે તટસ્થતાથી પોતાની ફરજો બજાવે છે. ભારતના લશ્કરને એક વધારે સેલ્યુટ એ માટે કરવી પડે કારણ કે ભારતીય લશ્કરની ત્રણેય પાંખો સત્તા મેળવવા માટે લાલચુ નથી બની. આ દેશમાં એવા પ્રસંગો આવ્યા છે કે જ્યારે લશ્કરે ધાર્યું હોત તો આ દેશના શાસનતંત્રનો કબજો લઈ શકાયો હોત, પણ એવી લાલચમાં લશ્કર ક્યારેય સપડાયું નથી.
યાદ કરી જુઓ, આપણે ત્યાં કેવા નબળા પ્રધાનમંત્રીઓ આવ્યા અને ગયા. આપણી લોકશાહીની આવી હાલકડોલક સ્થિતિમાં પણ લશ્કર શિસ્તબદ્ધ રહ્યું છે અને રાજ્યને વફાદાર રહ્યું છે. આપણી લશ્કરની ત્રણેય પાંખોના વડાઓ પણ એકંદરે વિવાદથી પર રહ્યા છે. વર્તમાન વડા કે અગાઉના એક-બે લશ્કરી વડાઓ વિવાદમાં હોય પણ આ અપવાદો છે, પરંપરા નથી.
જેની કોઈ સત્તાવાર નોંધ મળતી નથી, પણ કર્ણોપકર્ણ જે વાત આખાય ભારતમાં ૧૯૭૧માં વાયુવેગે પ્રસરી હતી તે ઘટના આજે અહીંયાં નોંધવી છે. ભારતીય લશ્કરની કોઈ પણ પાંખનો હોંસલો કેટલો બુલંદ છે તેની નાડ આ પ્રચલિત ઘટનામાંથી પારખી શકાય તેમ છે. બન્યું એવું કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે અમેરિકાએ પોતાનો અતિ આધુનિક સાતમો નૌકા કાફલો ભારત તરફ રવાના કર્યો.
આ કાફલો જો ખરેખર ભારતના દરિયાકાંઠામાં પ્રવેશે અને પાકિસ્તાનની મદદ કરવા માટે પહોંચે તો તેને કઇ રીતે અટકાવવો, તે માટે ભારતના વાયુદળે વિચારણા શરૂ કરી. આ માટે સૈનિકો અને અધિકારીઓની એક બેઠક હવાઈ દળના વડાએ બોલાવી. એમ કહેવાય છે કે વાયુદળના વડાએ જવાનોને સંબોધતાં કહ્યું કે, ‘કરો યા મરો’ના ભાવ સાથે આ નૌકા કાફલાને આપણે અટકાવવા માટે આપણે સજજ રહેવું પડશે. આમાં એક યોજના એવી છે કે આપણે ક્રમશ: વિમાન મારફતે નૌકા કાફલા ઉપર ખાબકીએ અને શક્ય તેટલું નુકસાન કરવાનો પ્રયત્ન કરીએ.
આ હુમલામાં મોત નિશ્વિત છે અને મારે આ માટે ર૦૦ જવાનોની જરૂર છે. જેઓને સ્વૈચ્છિક રીતે મોતને ભેટવાની ઇચ્છા હોય તે લોકો ઊભા થાય અને બાકીના બેસી રહે. એમ કહેવાય છે કે વાયુદળના આશરે ૧૦૦૦ અધિકારીઓ અને જવાનો એર ચીફ માર્શલની સામે બેઠા હતા અને માત્ર ર૦૦ જ નહીં, પૂરા ૧૦૦૦ જવાનો અને અધિકારીઓ તાત્કાલિક ઊભા થઈ ગયા હતા. વાયુદળના વડાએ ત્યારે કહેલું કે હોદ્દાની રૂએ કાયમ તમે મને સેલ્યુટ મારો છો આજે હું તમને સૌને સેલ્યુટ કરું છું. આ ઘટના બની છે કે નહીં તેની ચર્ચામાં ઊતરવાનો કોઈ અર્થ નથી, પણ એટલું તો નક્કી કે ભારત પાસે આવા જવાનોનો કાફલો છે જ.
આ વાત વાયુદળની છે, પણ આપણું નૌકાદળ અને પાયદળ પણ એટલાં જ સક્ષમ છે. ૧૯૭૧ના યુદ્ધમાં જહાજ વિક્રાંત અનેક મર્યાદાઓ ધરાવતું હોવા છતાંય તે સમયના નૌકાદળના વડા નંદાએ તેનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને ૧૯૭૧ના યુદ્ધમાં સાગર મોરચે મજબૂત મોરચો ઊભો કર્યો હતો અને ભારતના વિજયમાં, પાકિસ્તાનના ટુકડા કરવામાં તથા બાંગ્લાદેશના સર્જનમાં સુંદર ફાળો આપ્યો હતો.
આપણા પૂર્વ વડા પ્રધાન અને મહાન વકતા અટલ બિહારી વાજપેયીએ એક જાહેર ભાષણમાં કહેલું કે ભારતીય લશ્કર યુદ્ધ મોરચે જેટલું જીતી લાવે છે તે બધું ભારતના મૂર્ખ રાજકારણીઓ મંત્રણાના ટેબલ ઉપર હારી જાય છે. જે ભારતની કમનસીબી છે. આ વાત સાવ સાચી છે. ૧૯૭૧ના યુદ્ધ વિજય પછી પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટો ભારતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી સાથે મંત્રણા કરવા સિમલા આવ્યા, ત્યારે સમજૂતીના ભાગરૂપે પોતાના ૭૩,૦૦૦ સૈનિકોને મુકત કરાવી શક્યા હતા, પણ ભારતના રાજકારણીઓ ૧૯૭૧માં પાકિસ્તાને કેદ કરેલા ભારતના પ૩ સૈનિકોને આજદિન સુધી છોડાવી શક્યા નથી.
અરે, તેઓ પાકિસ્તાનની કેદમાં છે તેવા પુરાવા મળવા છતાંય તે માટે કોઈ ગંભીર પ્રયત્નો પણ ભારત સરકાર દ્વારા કરાયો નથી. સલામ તો એ પ૩ સૈનિકોના કુટુંબીજનોને કરવી પડે કે વિવેકભરી રજૂઆત અને યોગ્ય કરવાની વિનંતીઓ કરવા સિવાય તેઓએ કોઈ અપરપિકવ પગલું પોતાના કુટુંબના સૈનિક સભ્યને છોડાવવા માટે ભર્યું નથી. ભારતીય લશ્કરની ત્રણેય પાંખો આવા નરબંકાઓથી જ મજબૂત છે અને ભારતીય કુટુંબો પણ જ્યારે પોતાના પુત્રને સૈન્યમાં મોકલે છે, ત્યારે અર્પણત્વની ભાવનાથી જ મોકલે છે, જે અનેક વાર સાબિત થઈ ચૂક્યું છે. આવા ભારતીય લશ્કરને સો સો સલામ.