Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Kalash
 

અહમને ઓગાળવો એટલે જાતને ઓળખવી

 
Source: Khulli Vaat Kholine, Manoj Shukla   |   Last Updated 3:03 AM [IST](01/02/2012)
 
 
 
 
 
ભારતીય સમાજનો શાશ્વત સવાલ છે : પ્રત્યેક માનવીમાં વાસ કરતો અહમ્ ઉર્ફે ઇગો. પ્રત્યેક માનવી પોતાના નાના-મોટા અહમને પાળી પોષીને જ જીવતો હોય છે. માનવી જેટલો નાનાં વર્તુળમાં જીવે તેટલો તેનો ઈગો મોટો હોય છે. અહમ્ના ચાર ભાગ પાડી શકાય : પ્રગટ અહમ્, છુપો અહમ્, મુખૉઈયુકત અહમ્ અને ઇર્ષ્યાયુકત અહમ્.

ભારતીય સમાજનો શાશ્વત સળગતો પ્રશ્ન કોને ગણવો? આવો અણધાર્યો સવાલ એન.એસ.એસ.ની એક શિબિરમાં વકતાને પૂછાયો. વકતાએ આ પ્રશ્નના જવાબમાં સાવ નોખી વાત કરી. વકતાનો જવાબ હતો કે ભારતીય સમાજનો શાશ્વત સળગતો સવાલ છે : પ્રત્યેક માનવીમાં વાસ કરતો અહમ્ ઉર્ફે ઇગો. આ સવાલ-જવાબ વિચાર કરતાં કરી મૂકે તેમ છે. ખરેખર પ્રત્યેક માનવી પોતાના નાના-મોટા અહમ્ને પાળી પોષીને જ જીવતો હોય છે. એવું સમજાય છે કે માનવી જેટલો નાનાં વર્તુળ, ગામ કે શહેરમાં જીવે તેટલો તેનો ઈગો મોટો હોય છે. અહમ્ના ચાર ભાગ પાડી શકાય : પ્રગટ અહમ્, છુપો અહમ્, મુખૉઈયુકત અહમ્ અને ઇર્ષ્યાયુકત અહમ્.

સૌપ્રથમ પ્રગટ અહમ્ની વાત કરીએ. પ્રગટ અહમ્માં માનવી કાયમ ઘુવડગંભીર ચહેરા સાથે જીવે છે. પોતે સર્વથી શ્રેષ્ઠ છે તેવી માન્યતાના એકદંડિયા મહેલમાં વાસ કરીને તે સમગ્ર સમાજની સામે ઊભો રહે છે. બાળપણમાં મારી બા કહેતી કે, કેટલાક લોકો કાયમ પોતાનો કક્કો ખરો કરાવીને જંપે છે. એવું લાગે છે કે આવા લોકો મહાભારતના પેલા કર્ણની જેમ કવચ-કુંડળ સાથે જન્મ્યો હતો તેમ અહમ્ સાથે જ જન્મ્યા હોય છે. અક્કલ વગરનાં માબાપ દ્વારા સંતાનો પર લદાતાં નિયંત્રણો આ ઈગોનું એક પ્રગટ ઉદાહરણ છે.

હવે છુપા અહમ્ વિશે પણ સમજી લઈએ. છુપા અહમ્વાળા માણસો ભારે વિચક્ષણતાથી પોતાના અહમ્નો પરિચય સામા માણસને કરાવતા રહે છે. દા.ત. ઘણા વિદ્વાન વકતાઓ તેમને વકતવ્ય કરવા જવાનું આમંત્રણ મળે ત્યારે યજમાનને સતત ટટળાવતા, ધક્કા ખવડાવતા, વારંવાર ટેલિફોન કરવાની ફરજ પાડતા હોય છે. અલબત્ત, આવા વકતાઓને પ્રવચન કરવા જવાની ઈચ્છા તો સો ટકા હોય છે પણ યજમાન પાસે પોતાની મહત્તા સિદ્ધ કરવા તે પોતના છુપા અહમ્નો અહેસાસ આયોજકને કરાવે છે અને આયોજક અધમૂઓ થઈ જાય પછી જાણે પોતે ઉપચાર કરતા હોય તેવી અદાથી વકતવ્ય આપવા જવાનું કબૂલે છે.

મુખૉઈયુકત અહમ્ની તો વાત જ ન્યારી છે. ૧૯૭૨થી ૧૯૭૫ના ગાળામાં સૌરાષ્ટ્રમાંથી પ્રગટ થતા એક દૈનિકમાં ખરખર પ્રગટ થયેલી એક અખબારી યાદી સ્મરણના આધારે અહીં ઉતારવી છે. ભાવનગર તા. ૧૦. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠાડચ તાબાના સાંખડાસર ગામના (જે ગામની વસ્તી તે વખતે આશરે ૧૫૦૦-૨૦૦૦ની હશે) જાણીતા આગેવાન કાર્યકર શ્રી ભવાનજી ગાંડાલાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખ શ્રી નિકસન દ્વારા ભારતને કરાતા અન્યાયને જરા પણ સાંખી લેવામાં નહીં આવે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. બોલો લ્યો, આ ભવાનજીને શું કહેવું? આ ભવાનજીભાઈ પોતે કશુંક છે અને છાપામાં પણ પોતાનું નામ છપાવી શકે તેવો તેમનો મૂર્ખામીભર્યો અહમ્ આપણને મનોરંજન પૂરું પાડે છે.

ચોથા પ્રકારનો અહમ્ એટલે ઇર્ષ્યાયુકત અહમ્. આ અહમ્માં વ્યક્તિની લઘુતાગ્રંથિ પ્રતિબિંબિત થાય છે. એવું દેખાય છે કે આ પ્રકારના લોકો જગતમાં અન્ય જે કંઈ હોય તે પોતાની પાસે તો નથી જ તેવા ભાવ સાથે જ જીવે છે. પરિણામે જગતને દુ:ખી કરે છે અને પોતે દુ:ખી થાય છે.

આપણે ત્યાં અહમ્ની બોલબાલા થઈ છે તેમાં આપણે સૌ આમ જનસમૂહના લોકો પણ પૂરતા દોષિત છીએ, કારણ કે જે માણસ સરળ હોય તેને આપણે સસ્તો ગણી લઈએ છીએ. જે માણસ નમ્ર હોય તેને નમાલો ગણી લઈએ છીએ. પરિણામે આવા લોકો હાંસિયામાં ધકેલાઈ જાય છે અને પોતાના અહમ્થી પોતાની મોટાઈ સિદ્ધ કરતા લોકો સમાજમાં આગળ આવી જાય છે. આ આખી પરંપરા જ ખોટી છે.

આવા અહમ્વીરોની સામે જગતના ઉત્તમ મનુષ્યોનાં વર્તન તથા વલણ કેવાં સરળ હતાં તે પણ તપાસવાં જેવાં અને (હૈયે ભગવાન વસે તો) પ્રેરણા લેવાં જેવાં છે. સૌપ્રથમ દાખલો પૂ.મહાત્મા ગાંધીજીનો લઈએ. બન્યું એવું કે ગાંધીજી એકવાર ભાવનગર ગયેલા ત્યારે ત્યાંના મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની ઉંમર માત્ર ૧૩ વર્ષની. તેમના મહાન દીવાન પ્રભાશંકર પટ્ટણીએ બાળમહારાજને કહ્યું કે આપણે આંગણે મહાત્મા ગાંધી પધાર્યા છે તો તેમના દર્શન કરવા જોઈએ. બાળરાજા સંમત થયા. આ વાતની મહાત્માજીને જાણ કરાઈ. તો ગાંધીજીએ કહ્યું કે હું એકવાર ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી હતો એટલે ભાવનગરનો પ્રજાજન ગણાઉં. તેથી મારે મહારાજાને મળવા જવું જોઈએ. તેઓ મને મળવા આવે તે ઉચિત ન ગણાય. સાચા અર્થમાં મહાન બનેલા લોકોને અહમ્ કનડતો નથી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

આ સંદર્ભમાં જ મોરારજીભાઈ દેસાઈનો દાખલો પણ ટાંકવા જેવો છે. ૧૯૭૭-૭૮માં તેઓ ભારતના વડાપ્રધાન હતા ત્યારે ભાવનગર ગયેલા. ત્યાં જવાહર મેદાનમાં યોજાયેલી એક જાહેરસભાને સંબોધતાં તેમણે જણાવેલું કે મારો ભાવનગર આવવા માટે અહીં આભાર માનવામાં આવ્યો છે, પણ એવો આભાર માનવાની જરૂર નથી. ભાવનગર આવવું એ મારી ફરજ છે કેમ કે મેં મારો અભ્યાસ ભાવનગરના મહારાજ દ્વારા મળેલી સ્કોલરશિપથી પૂરો કર્યો છે. એ રીતે હું આ ગામનો ઋણી છું. તેથી અહીં આવવું જ પડે. આ રીતે હું ભાવનગર રાજવી પરિવારના ઋણમાંથી મુકત થવાનો જ પ્રયત્ન કરું છું. જોગાનુજોગ એવો હતો કે ભાવનગરના રાજકુમાર શિવભદ્રસિંહજી આ સભામાં એક અદના શ્રોતા તરીકે ઉપસ્થિત હતા.

મહાત્મા ગાંધી કે ગાંધીવાદી મોરારજીભાઈ જ અહમ્મુકત હતા એવું નથી, પણ અગાઉના જમાનામાં રાજા-મહારાજાઓ પણ એટલા જ અહમ્મુકત રહેતા. એક કિસ્સો મણશિંકર રત્નજી ભટ્ટ ઉર્ફે કવિ કાન્તનો છે. કવિ કાન્ત અને ભાવનગરના તત્કાલીન મહારાજા ભાવસિંહજી રાઓલ વચ્ચે (કૃષ્ણ-સુદામા જેવી) મૈત્રી હતી. એક દિવસ કવિ રાજાને આંગણે ભોજન અર્થો ગયા. જમી લીધા પછી મહારાજાએ (મૈત્રી સહજ એવી) મશ્કરીમાં કવિ કાન્તના કીમતી ખેસથી પોતાના ધોયેલા હાથ લૂછ્યા. કવિ ગુસ્સે થયા અને કહ્યું કે આ ખેસ હવે આપ જ રાખી લેજો. મારે તે ન ખપે અને સાચું માનશો વાચક મિત્રો? મહારાજાએ પણ હસતાં હસતાં એ ખેસ રાખી લીધો! ૧૮૦૦ ગામનો ધણી પણ કેવો અહમ્મુકતરહી શકતો હતો તેનો આ દાખલો છે.

આપણી કમનસીબી એવી છે કે આપણે આપણી આખી જિંદગી બીજાને ઓળખવાનો પ્રયત્ન કરવાની મથામણમાં જ ખર્ચી નાખીએ છીએ અને એ મજૂરીમાં જાતને ઓળખવાનું તો સાવ ભુલાઇ જ જાય છે. અહમ્ને ઓગાળવાની મથામણ કરવી એ જાતને ઓળખવાનું પ્રથમ પગથિયું છે. આ પગથિયું ચઢવા જેવું છે.

ઇતિ સિદ્ધમ્ : એક જાજમ, એક જલસો, એક જામ,છોડ દે છોટી-બડી બાતે તમામ.- મકરંદ દવે

kalash@guj.bhaskarnet.com

ખુલ્લી વાત ખૂલીને, મનોજ શુક્લ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.