કોઇ ઇશ્વરને પ્રાર્થના કરે, અલ્લાહની બંદગી કરે, ચર્ચમાં જાય... પણ તેલની ટાંકીને પ્રાર્થના? હા, આવું એક રસપ્રદ જર્મન કાવ્ય છે. ઓઇલ વિના કોઇને ચાલ્યું નથી. અત્યારે ઓઇલની જ મોકાણ છે ને?
જર્મનીના વિખ્યાત નાટ્યકાર કવિ બર્તોલ બ્રેખ્તનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૮૯૮માં જર્મનીમાં બાવેનિયામાં થયો હતો. બ્રેખ્તનું અવસાન ૧૪ ઓગસ્ટ ૧૯૫૬માં થયું. બેર્તોલ બ્રેખ્ત વીસમી સદીના એવા સર્જકોમાંના એક છે કે જેણે આખી દુનિયા પર પોતાની જબરજસ્ત અસર છોડી છે. બ્રેખ્ત નાટ્યકાર, કવિ અને નાટ્ય દિગ્દર્શક હતા. બ્રેખ્ત સાહેબે નાટ્ય કર્મની નવી શૈલીથી વિશ્વની રંગભૂમીને ખૂબ પ્રભાવિત કરી છે. બેર્તોલ બ્રેખ્ત યુવાનવયે માકર્સવાદી બની ગયા હતા. જીવનભર તેઓ માકર્સવાદી જ રહ્યા. બ્રેખ્ત સાહેબે બબ્બે વિશ્વયુદ્ધોનો સંહાર નજરોનજર જોયો હતો. હિટલર અને નાઝીઓના હીટલિસ્ટમાં બર્તોલ નામ અગ્રગણ્ય હતું. બ્રેખ્ત સાહેબે ૫૦૦ જેટલાં કાવ્યો પણ લખ્યાં છે. તેઓ માનતા હતા કે કાવ્યથી નાટક રમ્ય બને છે.
થોડા દિવસ પહેલાં જ અમદાવાદથી મુંબઇ પાછા ફરતા શતાબ્દી એક્સપ્રેસમાં બેર્તોલ બ્રેખ્તનું એક સુંદર કાવ્ય વાંચ્યું. કાવ્યનું શીર્ષક અદભૂત છે : ‘૭૦૦ બુદ્ધિજીવીઓની તેલની ટાંકીને પ્રાર્થના.’ કોઇ ઇશ્વરને પ્રાર્થના કરે, અલ્લાહની બંદગી કરે, ચર્ચમાં જાય... પણ તેલની ટાંકીને પ્રાર્થના? મને આ કાવ્યમાં બહુ રસ પડ્યો.
ઓઇલ વિના કોઇને ચાલ્યું નથી. અત્યારે ઓઇલની જ મોકાણ છે ને? મને લાગે છે કે ‘Oil is like wild animals, whoevere captures it has it.’ તેલ માટે એમ પણ કહી શકાય કે ક્ષમા એ સંબંધોમાં તેલ પૂરવા બરાબર છે, જેથી સંબંધોમાં કિચુડાટ ઓછો થાય. ‘હમ લોગ’ નામની ફિલ્મમાં બલરાજ સહાની એક ડાયલોગ બોલે છે : ‘જિસ દિયે મેં તેલ નહીં, ઉસે જલન કા ક્યા અધિકાર?’ એની વે, બર્તોલ બ્રેખ્તનું આ કાવ્ય એન્જોય કરો: શીર્ષક છે, ‘૭૦૦ બુદ્ધિજીવીઓની તેલની ટાંકીને પ્રાર્થના.’
હેવ અ નાઇસ ડે...
‘વગર નોતરે અમે આવી પહોંચ્યા છીએ
૭૦૦ બુદ્ધિજીવીઓ... (હજી તો ઘણા રસ્તામાં છે)
આ બુદ્ધિમાનો છેક ક્યાં ક્યાંથી આવી રહ્યા છે કે જ્યાં હવા જ નથી.
પવનચક્કી પાસેથી, જ્યાં કૂતરું પેશાબ કરવા પણ જતું નથી એવા સ્થળેથી
બુદ્ધિજીવીઓ આવી પહોંચ્યા છે.’
પછી અમે તારા અચાનક દર્શન કર્યા
હે તેલની ટાંકી!
ગઇકાલ સુધી તો તું હતી જ નહીં, પરંતુ આજે
તું સર્વત્ર છે.
જય હો... જય હો...
જલદી કરો... જલદી કરો... હે લોકો!
તમે જે ડાળ ઉપર બેઠા છો, એને જ કાપવાવાળા હે કામદારો
ભગવાન ફરીથી આવી પહોંચ્યા છે,
તેલની ટાંકીના વેશમાં!
હે બદસૂરત તેલની ટાંકી
તારાથી ખૂબસૂરત કોઇ નથી...
અમારી ઉપર ચોટ કરો.... લાફા મારો... ઘૂસ્તા મારો...
હે સમજદાર, અહંકારની ભાવના સાથે ખતમ કરો
અમને સમૂહમાં બદલી નાખો,
પ્લીઝ, અમને સમૂહમાં બદલો.
અમે ઇચ્છીએ એવું નહીં,
પણ જેવું તું ઇચ્છે છે એવું કાંઇક કર...
હે તેલની ટાંકી, તું હાથીદાંતની નથી બની,
પણ લોઢાની બનેલી છે.
લાજવાબ લાજવાબ...
હે પરમકૃપાળુ તેલની ટાંકી,
તું કેટલી નિરાભિમાની છે!
તું અર્દશ્ય નથી. તું અનંત નથી. તું સાત મીટર ઊંચી છે.
તારામાં કોઇ રહસ્ય નથી, પણ તેલ છે
તારી સાથે અમારો સંબંધ ભાવનાત્મક કે દુર્બોધ નથી
પણ હિસાબના બિલ અનુસાર સંબંધ રહ્યો છે.
તું જેના પર બેઠી છો ત્યાં પહેલાં ઘાસ હતું,
પણ તારે મન ઘાસની શું કિંમત?
માટે હે તેલની પવિત્ર ટાંકી!
અમારી પ્રાર્થના સાંભળ.
અમને ચિંતનના પાપમાંથી મુકત કર...
વીજળીકરણના નામ પર...
પ્રગતિ અને આંકડાઓના નામ પર.‘