Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

જોકરબાપાની શાળા અને મારા પિતાજી

 
Source: Dubaki, Vinesh Antani   |   Last Updated 2:17 AM [IST](08/09/2010)
 
 
 
 
 
શિક્ષક દિન નિમિત્તે થોડાં સંભારણાં. અમારા ગામમાં એક જોકરબાપાની શાળા હતી. શાળા તો શું, ઘરનો આગળનો ભાગ વાળીને તેમાં છોકરાંઓને ભણવા બેસવાની વ્યવસ્થા કરી હતી. વ્યવસ્થા જેવું પણ કશું નહીં, છોકરાંઓને લીંપણવાળી જમીન પર-ક્યારેક એકની પીઠ સાથે બીજાની પીઠ અડતી હોય તેમ બબ્બેને ઊંધા-બેસાડવામાં આવ્યા હોય. નહાયાધોયા વિના શાળાએ આવેલાં છોકરાંઓના પરસેવાની વાસ આવતી હોય. દફતરમાં પાટી-પેન અને મેલોમેલો પાટી લૂછવા કામ લાગે તેવા કપડાનો ડૂચો. હું ઘણી વાર જોકરબાપાની શાળા પાસેથી પસાર થતો અને મારાં હાજાં ગગડી જતાં.

જોકરબાપા ઘડિયા અને પલાખાં પર વિશેષ ભાર મૂકતા. તે જરૂરી હતું, પરંતુ મને છેક નાનપણથી ગણિત વિષયનો ભય પેસી ગયો હતો. તેથી જોકરબાપાની તે શાળાનો પણ ભય લાગતો. ક્યારેક બાની વાત માની ન હોય ત્યારે એ મને સજા કરવાની ધમકી આપતાં કહેતી: ‘દાખલ કરી દઇશ, જોકરબાપાની નિશાળમાં!’ સારું થયું કે મારા પિતાજીના શિક્ષણ વિશેના વિચારો જોકરબાપાની શિક્ષણપદ્ધતિથી જુદા હતા.

મારા પ્રથમ શિક્ષક મારા પિતાજી, એ આદર્શ શિક્ષકનાં બધાં લક્ષણો ધરાવતા. છોકરાઓ ભણે નહીં તે વાતે એટલા બધા દુ:ખી રહેતા કે પાછળથી એમને હાઇ બ્લડપ્રેશરની બીમારી લાગુ પડી ગઇ હતી. (મારી સ્પષ્ટ ધારણા છે કે જો તેઓ એમના વિદ્યાર્થીઓ પાછળ ખુવાર થઇ જવાની આદત ધરાવતા ન હોત તો એમને કદાપિ હાઇ બ્લડપ્રેશરની તકલીફ થઇ જ ન હોત.) હું વિદ્યાર્થી બન્યો તે પહેલાં મોનિટર બની ગયો હતો. પિતાજી પાસે ટ્યૂશન લેવા આવતા છોકરાઓ બંધ ડેલીવાળા અમારા ઘરની લાંબી ઓસરીમાં બેઠા હોય તેમાંનાં કોણ તોફાન કરે છે અને કોણ બરાબર ભણે છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી મેં જાતે જ મારે માથે લઇ લીધી હતી.

પિતાજી માનતા કે પ્રાથમિક શાળાના શિક્ષકોનો પગાર કોલેજ, યુનિવર્સિટીના પ્રોફેસરથી વધારે હોવો જોઇએ, કારણ કે બાળકને પહેલો અક્ષર-પહેલો શબ્દ-પહેલો આંકડો શીખવવો સૌથી મુશ્કેલ કામ છે. એમણે બાળકમાં અક્ષર-આંકની ઓળખ વિકસાવવા માટે દરેક મૂળાક્ષરનાં રંગીન ચિત્રોવાળાં કાર્ડ બનાવ્યાં હતાં. તેની પ્રાથમિક સમજણ આપી દીધા પછી કાર્ડનો ઢગલો કરતા અને પછી છોકરાઓને તેમાંથી તેઓ કહે તે અક્ષર-આંક આપવાની ‘રમત’ રમાડતા.

પિતાજીએ મને ત્રીજા ધોરણ સુધી ઘેર જ ભણાવ્યો હતો. ત્યાં સુધી હું ભણવા માટે શાળામાં દાખલ જ થયો ન હતો, સિવાય કે તેઓ ઘણી વાર મને એમની સાથે શાળામાં લઇ જતા. પિતાજીએ મારી પાસે ત્રીજા ધોરણની અલગથી પરીક્ષા લેવડાવી અને મને ચોથા ધોરણથી શાળામાં દાખલ કર્યો. એવું તેઓ ક્યા નિયમ અનુસાર કરી શક્યા તેની મને ખબર નથી, પણ એવું બન્યું હતું તે વાત ચોક્કસ. મને શાળામાં દાખલ કરાવ્યો પછી એમણે મને કહ્યું હતું, ‘આજથી તું શાળામાં દિનકરરાય માસ્તરનો બાબો નથી, હવે તું બીજા વિદ્યાર્થીઓ જેવો જ છે. કોઇ સાહેબની ફરિયાદ ન આવવી ખપે!’

મેં એમને અને બાને ગણિત સિવાય બીજા કોઇ વિષયમાં ફરિયાદનું કારણ આપ્યું નથી. ગણિતને મેં પાછળથી જિંદગીમાં પણ મહત્વ આપ્યું નથી-આપી શક્યો નથી. આંકડાઓની માયાજાળે મને હંમેશાં મૂંઝવ્યો જ છે. કદાચ આંકડાઓમાં ગૂંચવાવું પડ્યું નહીં તેવી સવલતો મને મળતી ગઇ તેને કારણે જ શબ્દની વધારે નજીક રહેવાનું શક્ય બન્યું છે.

એક વાર રમતગમતના પિરિયડમાં સાહેબે છોકરાઓને લાઇનમાં ઉભા રાખ્યાં હતા. હું બાજુમાં ઊભેલા એક ભાઇબંધ સાથે વાતો કરતો હતો. (પાછળથી મેં ઘરમાં એમ કહેલું કે હું નહીં, પેલો ભાઇબંધ મને વાતો કરાવતો હતો.) સાહેબે મને તમાચો માર્યો. મને આંખમાં આંજણી થઇ હતી. સાહેબનો જોરદાર હાથ બરાબર મારી આંજણીવાળા ભાગમાં જ વાગ્યો. આંખો સૂઝી આવી. બા પેલા સાહેબ પર ગુસ્સે થઇ ગઇ હતી. પિતાજીએ વચ્ચે પડવાનો ઇન્કાર કરી દીધો. બા હેડ માસ્તર પાસે ગઇ. કહ્યું: ‘ફલાણાસાહેબ મારા દીકરા પર હાથ ઉગામે જ કેમ?’ ત્યારે મને લાગ્યું હતું કે મારા શિક્ષક મારા પિતાજી છે, મારી વડીલ મારી બા છે.

શિક્ષક તરીકે પિતાજીએ મને ભાષા તરફ દોર્યો, બાએ મને પુસ્તકો તરફ વાળ્યો. હવે બંનેમાંથી કોઇ હયાત નથી છતાં હું જ્યારે જ્યારે લખવા બેસું છું ત્યારે બંને જણ મારી પાછળ ઊભાં હોય તેવી લાગણી મારા મનમાં રહે છે. બીક પણ લાગે, જરાસરખી ભૂલ થશે તો બંને જણ એકએક ટપલી મને ઠોકશે. ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે પિતાજીએ મને અક્ષરોના ઢગલા ફંફોસવા દીધો ન હોત અને જોકરબાપાની ઘડિયા-પલાખાંવાળી શાળામાં દાખલ કરાવ્યો હોત તો આજે હું નામું લખતો હોત. જોકે મને નામું લખતાં આવડ્યું નહીં તેનો અફસોસ પણ ઘણી વાર થાય છે. તે કારણે કેટલીક વાર હું મારાં નિકટનાં કુટુંબીજનોની નિદઁશ મશ્કરીનો ભોગ પણ બન્યો છું. જોકે તે વિશે સમગ્રતયા મારી લાગણી ગૌરવની જ રહી છે.

ડૂબકી, વીનેશ અંતાણી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.