છેલ્લાં ચાલીસેક વરસથી અમેરિકા દુનિયાની એકમાત્ર મહાસત્તા છે. યુનોની બધી સંસ્થાઓ પર અમેરિકા એકહથ્થુ સત્તા ધરાવે છે અને દુનિયાના દરેક ખૂણામાં પોતાનો પગદંડો જમાવવા માટે ભાતભાતના પ્રયાસો કરે છે. ૧૯૫૦ પછીના દાયકામાં કોરિયાની લડાઇમાં ચીન-રશિયાએ સાથે મળીને અમેરિકાને છક્કડ ખવડાવી. ચીન અને હો-ચી-મિન્હની ભાગીદારીના કારણે વિયેતનામમાંથી પણ અમેરિકાએ બદનામીભરી પીછેહઠ કરવી પડી અને આખા વિયેતનામ પર સામ્યવાદી શાસન જામ્યું.
ઇરાકમાં આ ઘટનાનું પુનરાવર્તન થયું છે અને વધારે ભયંકર પરિણામો સાથે અમેરિકાએ પારોઠનાં પગલાં ભર્યાં છે. ઇરાકનો સરમુખત્યાર સદ્દામ હુસેન મહાવિનાશક શસ્ત્રોનો ભંડાર જમાવે છે તેવા નરાતાળ જુઠ્ઠાણાનો આધાર લઇને અમેરિકાના પ્રમુખ બુશે ઇરાકમાં અમેરિકન સૈન્યો ઉતાર્યાં. ૨૦૦૩માં આવો કોઇ શસ્ત્ર ભંડાર નથી તેવી ગવાહી યુનોના તટસ્થ તપાસ પંચે વારંવાર આપ્યા છતાં બુશે પોતાનું ગાણું ગાવાનું ચાલુ રાખ્યું અને ઇરકાને મુક્ત કરીને લોકશાહીની સ્થાપના કરવી તે અમારો ઉદ્દેશ છે તેવી જાહેરાત કરવામાં આવી.
અમેરિકાને માત્ર બ્રિટન સિવાય બીજા કોઇ રાષ્ટ્રે સાથ પુરાવ્યો નહીં અને યુરોપના તમામ મિત્ર રાજ્યો અળગા ખસીને ઊભા રહ્યા. ઇરાકની સરકાર પડી ભાંગી. સદ્દામ હુસેનની અટકાયત કરીને તેના પર ખટલો ચલાવવામાં આવ્યો અને ન્યાયનું નાટક ભજવીને સદ્દામ હુસેનને સજા-એ-મૌત ફરમાવવામાં આવી. અમેરિકાના પ્રચાર અંગે શસ્ત્રભંડારની વાતો કરી હતી તેવો કોઇ ભંડાર કે વિનાશક શસ્ત્રો ઇરાકમાંથી મળ્યાં નહીં અને અમેરિકાના જાસુસી તંત્રે જાણીબુઝીને બનાવટી હેવાલો આપ્યા હોવાની કબૂલાત ખુદ પ્રમુખે પણ કરવી પડી.
સદ્દામ હુસેનના પતન પછી ઇરાકમાં ભયંકર અંધાધૂંધી ફેલાઇ અને આંતરયુદ્ધ શરૂ થયું. અમેરિકન સેના સામે લોકોનો વિદ્રોહ ફાટી નીકળ્યો. ત્રાસવાદી પ્રવૃત્તિઓ અને સંસ્થાઓએ તરખાટ મચાવ્યો અને છેલ્લા સાત વરસથી ઇરાક અંધાધૂધી અને ખૂનામરકીમાં સપડાયું છે.
ઇરાકમાં નાહક દખલગીરી કરવા માટે અમેરિકા પર અને પ્રમુખ બુશ પર આખી દુનિયાએ માછલાં ધોયા અને ઇરાકમાંથી અમેરિકાએ ખસી જવું જોઇએ તેવી માગણી અમેરિકામાં જોર પકડવા લાગી. વિનાશક શસ્ત્રો અને સરમુખત્યારનું બહાનું બતાવીને પ્રમુખ બુશે ઇરાકના અખૂટ તેલ ભંડાર પર એકાધિકાર જમાવ્યો. તે સ્પષ્ટ થયા પછી અમેરિકાની દગલબાજી અંગે ઇંગ્લેન્ડમાં ઘણો ઉહાપોહ થયો. ઇરાકી યુદ્ધ સમાપિ્તને પ્રમુખની ચૂંટણીમાં મહત્વનો અને મુખ્ય મુદ્દો બની ગયો અને વહેલામાં વહેલી તકે અમેરિકાની સેનાવાપસીનું વચન આપીને બરાક ઓબામા ચૂંટાઇ આવ્યા.
તેમણે પોતાનું વચન પાળ્યું છે અને ઇરાકમાંથી અમેરિકન સેના ખસેડી લેવામાં આવી છે. સાત વરસના આ યુદ્ધમાં અમેરિકાના ૪,૦૦૦ સૈનિકો હણાયા અને લગભગ ત્રીસથી ચાલીસ હજાર સેનાનીઓ ઘવાયા તેવા આંકડા અમેરિકન અખબારોએ આપ્યા છે પણ આ રજૂઆત એકપક્ષી છે. ઇરાકમાં અમેરિકાએ યુદ્ધ કેદીઓ પર ગુજારેલા અમાનુષી અને જાતીય વિકૃતિવાળા જુલમોની તસવીરો દુનિયાભરનાં અખબારોમાં છપાયેલી છે. એટલું જ નહીં પણ સરટોચના અફસરો સામે માનવ હક ભંગ માટેના ખટલા ચલાવીને તેમને સજા પણ કરવામાં આવી છે. અમેરિકાના તો માત્ર સાડા ચાર હજાર સૈનિકો મર્યા છે પણ આ યુદ્ધમાં મરણ પામેલા ઇરાકી સૈનિકોનો આંકડો ઓછામાં ઓછો એક લાખ અને વધારેમાં વધારે છ લાખનો કહેવાય છે. ત્રાસવાદી પ્રવૃત્તિમાં હણાયેલા અને ઘવાયેલા ઇરાકી સેનાનીઓ અને નાગરિકોના આંકડા મળતા નથી પણ ત્રાસવાદના તાંડવનાચમાં ઇરાક પહેલા નંબરે છે. બીજો નંબર પાકિસ્તાનનો છે અને ભારત ત્રીજું છે.
અમેરિકન લશ્કર પાછું સહીસલામત ઘેર પહોંચી ગયું છે, પણ આખું ઇરાક દટ્ટણપટ્ટણ થઇ ગયું છે. તેનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. અમેરિકન પેઢીઓએ તેના ખનીજતેલ પર કાયદેસરની નાગચૂડ જમાવી છે અને શિયાઓ-સુન્નીઓ વચ્ચેનો જંગ કેટલો લાંબો ચાલશે અને તેમાં કેટલાંનો ભોગ લેવાશે તે ભગવાન પણ જાણતો નહીં હોય.
અમેરિકા ઇરાકમાંથી નીકળ્યું છે પણ ઘરઆંગણે બેસી રહેવાનું નથી. અફઘાનિસ્તાનમાં વધારે સૈનિકો મોકલવાની જાહેરાત થઇ ચૂકી છે અને ઇરાન સામેનું પ્રચાર યુદ્ધ દિનપ્રતિદિન વધારે ને વધારે ઝેરી અને દ્વેષપૂર્ણ બની રહ્યું છે.
મુસ્લિમ દેશોમાં અને સમાજમાં અમેરિકા ધિક્કારપાત્ર બન્યું છે તે તેના પોતાના પાપે બન્યું છે. અમેરિકાના નાણાં અને હથિયારોના જોરે યહૂદીઓએ પેલેસ્ટાઇનવાસીઓને હાંકી કાઢયા અને આ પ્રદેશમાં તેમણે ઇઝરાયલની સ્થાપના કરી છે. ઇઝરાયલ વધારે શિક્ષિત છે, વધારે સમૃદ્ધ છે, વધારે સબળ પણ છે પણ મુલક તો પેલેસ્ટાઇનવાસીઓનો છે તે સાદી હકીકત સાંભળવા-સમજવા કોઇ તૈયાર નથી કારણ કે અમેરિકાની પ્રચાર જાળ અતિ મોહક છે અને અતિશય પ્રબળ પણ છે. ઇઝરાયલ વિરુદ્ધનો અભિગમ કેળવીને જવાહરલાલ નેહરુએ ભારતને મુસ્લિમ પ્રદેશોમાં લોકપ્રિય બનાવ્યો હતો.
મનમોહનસિંઘની કારવાઇના પરિણામે આ મૈત્રીભાવના નાશ પામી છે. અફઘાનિસ્તાન-ઇરાન-ઇરાક જેવા દેશો પર આક્રમણ અને ઇઝરાયલનો સતત સંગાથ અમેરિકાને પશ્ચિમ એશિયામાં અતિશય બદનામ બનાવે છે. અમેરિકાના અગ્રણીઓ આ હકીકતથી વાકેફ છે અને ઇઝરાયલ-પેલેસ્ટાઇની આગેવાનો વચ્ચેની સીધી મંત્રણા પ્રમુખ ઓબામાના આશીર્વાદ સાથે હિલેરી ક્લિન્ટનની નિશ્રામાં ચાલુ થઇ છે અને તેનું કશું નક્કર પરિણામ આવે તો એશિયાના રાજકારણમાં નવા યુગનો આરંભ થાય.