Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

એક નજર 2011ની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર

 
Source: Kalash   |   Last Updated 7:21 AM [IST](28/12/2011)
 
 
 
 
 

૨૦૧૧નું આ વર્ષ કુદરતી આફતો, પ્રજાના રોષ ને રાજકીય ઊથલપાથલનું રહ્યું. ઇજિપ્ત, લિબિયા, ટ્યુનિશિયા, મોરોક્કો, જોર્ડન, સાઉદી અરેબિયા જેવા દેશોમાં લોકોનો રોષ રસ્તા પર આવી ગયો અને સરકારો ઊથલાઇ. અમેરિકામાંથી ‘ઓક્યુપાય’ પ્રકારની ચળવળ દેશ-દેશાવરમાં ફેલાઇ. ગદ્દાફી ને લાદેન જેવા માણસોને એમના કર્યાની સજા મળી, જ્યારે ‘આઇકોન’ સ્ટીવ જોબ્સ કવેળા દુનિયા છોડી ગયા. જાપાનમાં ધરતીકંપ-સુનામી પછી ફુકુશિમાના બ્લાસ્ટે આખા વિશ્વના જીવ અધ્ધર કરી દીધા. આમ આ વર્ષ યાદગાર રહ્યું.

સ્ટીવ જોબ્સ, ‘આઇ’કોનછપ્પન વર્ષની જિંદગીમાં એક માણસ કેટલું કરી શકે? ‘એપલ’ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સે આ વર્ષે પેન્ક્રિઆસના કેન્સરને કારણે પહેલાં કંપનીના ચેરમેન પદેથી અને ત્યાર બાદ આ વિશ્વમાંથી વિદાય લીધી. સ્ટીવે કમ્પ્યુટર, ટેબ્લેટ્સ, મોબાઇલ ફોન, મ્યુઝિક, એનિમેટેડ મૂવીઝ અને ડિજિટલ પબ્લિશિંગ એમ છ ઇન્ડસ્ટ્રીંમાં ક્રાંતિ આણી. એની વિદાયે ટેક વર્લ્ડમાં જબ્બર ખાલીપો સર્જ્યો.

- વર્ષનો સૌથી જાણીતો ચહેરો: ધ પ્રોટેસ્ટર, કોમનમેનદાયકાઓથી સરમુખત્યારશાહી નીચે દબાયેલા દેશોના નાગરિકોએ આ વર્ષે લોહિયાળ વિરોધનું શસ્ત્ર હાથમાં લીધું. જ્યારે આર્થિક રીતે સંપન્ન ગણાતા દેશોના લોકોએ પોતાના દેશમાં આર્થિક અસમાનતાની સામે અહિંસક વિરોધ ‘ઓક્યુપાય’ પ્રકારની મૂવમેન્ટથી નોંધાવ્યો. આ વર્ષે ભારતે પણ લોકજુવાળનો પરચો જોયો. આ પ્રકારના વિરોધ રેડ એલર્ટ છે કે જ્યારે કોમનમેન પોતાનો અવાજ ઉઠાવે છે, ત્યારે સત્તાએ ઝૂકવું જ પડે છે.

- જાપાન : ધરતીકંપ, સુનામી અને અણુ રિએક્ટરમાં બ્લાસ્ટ, કુદરતને પડકાર જાપાનને આધુનિક સમયનું ફિનિકસ કહેવામાં આવે છે, એ જરાય ખોટું નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે બબ્બે અણુબોમ્બથી ખળભળી ઊઠેલો આ દેશ બેઠો થઇ ગયો એટલું જ નહીં, એ જાયન્ટ ઇકોનોમી પણ બન્યો છે. પરંતુ આ વર્ષે તેના પૂર્વોત્તર કાંઠે આવેલા ૮.૯ની તીવ્રતાના ધરતીકંપ અને ત્યાર પછી આવેલા સુનામીએ જાપાનને ફરી એક દાયકો પાછળ લાવીને મૂકી દીધું.

આ હોનારતમાં હજારો લોકો મરાયા અને એક લાખ જેટલા લોકો લાપતા થયા. આટલું ઓછું ન હોય, એમ ટોકિયોથી માત્ર અઢીસો કિ.મી. દૂર આવેલા ફુકુશિમા-દાઇચી ન્યુક્લિયર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો અને મેલ્ટડાઉન (લીકેજ) શરૂ થયું. આનાથી ચેર્નોબિલ જેવી દુર્ઘટનાની ભીતિ સર્જાઇ અને તાત્કાલિક આ પ્લાન્ટને બંધ કરીને ત્યાંથી લોકોને ખસેડવાનું કામ શરૂ થયું. આ ધરતીકંપ અને ત્યાર પછી આવેલા આફ્ટરશોકસ તથા અણુરિએક્ટરની આ દુર્ઘટનાથી જાપાનના અર્થતંત્રને સો અબજ ડોલર કરતાં પણ વધારેનું નુકસાન થયું.

WhatNext? જાપાનને આ દુર્ઘટના મરણતોલ ફટકો પાડશે એવી ભીતિથી વિપરીત આ દેશ ફરી તેમાંથી બેઠો થઇ રહ્યો છે. થોડા દિવસો પહેલાં ફુકુશિમાની નિષ્ણાતો-મીડિયાએ ટૂર પણ કરી હતી.

મક્કમ ઇરાદાનું લોખંડી નામ : મ્યાનમારનાં ક્રાંતિકારી ઓંગ સાન સુ ચી દેશની ૮૧ ટકા સીટો જીતી જવાના બદલામાં પંદર વર્ષની નજરકેદની સજા મળે એવું તો લશ્કરી શાસન ધરાવતા દેશમાં જ બની શકે. ઓંગ સાન સુ ચી નામનાં એકવડિયા બાંધાનાં આ નેતાને ગયા વર્ષે મુકત કરાયા બાદ, એમનું વર્ષો પછી પોતાના પરિવાર સાથે મિલન થયું. આ વર્ષે તેમણે પોતાના દેશની લશ્કરી સરકાર સાથે વાટાઘાટો યોજી અને ઘણા નેતાઓને મુકત કરાવ્યા. બરાક ઓબામા સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી.

WhatNext? મ્યાનમારમાં લોકશાહી સ્થાપવા અર્થે આગામી વર્ષે તેઓ ફરી વાર ચૂંટણી લડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

- ઓક્યુપાય વોલસ્ટ્રીટ : ‘વી આર ૯૯ %’ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૧. વોલસ્ટ્રીટ પર ઉપર મુજબનાં સૂત્રોનાં પાટિયાં લઇને લોકો તંબુ તાણીને બેસી ગયા. મુદ્દો હતો, એક તરફ અમેરિકા આર્થિક મંદીમાં સપડાયું છે, તો બીજી બાજુ મુઠ્ઠીભર (૧ %) લોકો દેશના બાકીના ૯૯ % લોકોના હક્કની સંપત્તિ દબાવીને બેઠા છે.

WhatNext? આ મૂવમેન્ટ ધીમે ધીમે અન્ય રાજ્યો અને દેશોમાં પણ પ્રસરી. તેનો મુદ્દો દરેક દેશને લાગુ પડે છે.

- લંડનના રમખાણો : અસંતુલિત વિકાસનો વરવો ચહેરો બ્રિટિશ પ્રજા સૌથી કલ્ચર્ડ પ્રજા ગણાય છે, પરંતુ એના જ મુખ્ય શહેર લંડનમાં આ વર્ષે ભયંકર તોફાનો ફાટી નીકળ્યાં. ઉત્તર લંડનના એક આર્થિક રીતે પછાત ગણાતા વિસ્તારમાં પોલીસ કાર્યવાહીમાં એક સ્થાનિક યુવાનનું મોત થયું અને આ ઘટનાએ દારૂગોળામાં જામગરી ચાંપી. ખુલ્લેઆમ ચાલેલી લૂંટે પણ બ્રિટનને વિશ્વસમક્ષ શરમિદું કર્યું.

WhatNext? અસંતુલિત વિકાસ ગમે તેવી વિકસિત ઇકોનોમીને પણ છોડતો નથી એ રમખાણોએ સાબિત કર્યું.

- ગદ્દાફીને આખરે એને લાયક જ મોત મળ્યું ૪૨ વર્ષ સુધી તમે આખા દેશને ક્રૂરતાની એડી તળે કચડીને રાખો અને જ્યારે પ્રજા વિફરે ત્યારે તમે એક જ પરિણામની અપેક્ષા રાખી શકો, મોત. ‘નાટો’ના સૈન્યની મદદથી વિદ્રોહીઓએ ગદ્દાફીની સેના અને એની સંપત્તિને તહસનહસ કરી નાખી અને ખુદ ગદ્દાફીને પણ એની સડકો પર દોડાવી દોડાવીને માર્યો.

WhatNext? લિબિયામાં વચગાળાની સરકાર આવી છે, પરંતુ રાજકીય સ્થિરતા અને વિકાસને હજી ખાસ્સું છેટું છે.

- પ્રજારોષનું વર્ષ : લોકજુવાળ સામે જ્યારે સરમુખત્યારશાહી નમે છે... ઇજિપ્તમાં એક નાનકડી ચિંગારી રૂપે ક્રાંતિ શરૂ થઇ અને જોતજોતાંમાં તે મશાલ અને દાવાનળ બનીને લિબિયા, ટ્યુનિશિયા, મોરોક્કો, બહેરીન, યમન, ઇરાક, જોર્ડન વગેરે દેશોમાં ફેલાઇ. ઇજિપ્તના હોસ્ની મુબારક ભૂગર્ભમાં ઊતરી જઇને ભાગી છુટ્યો, જ્યારે લિબિયાનો ગદ્દાફી હણાયો.

WhatNext? આ લોહિયાળ જનક્રાંતિઓને ઘણે ઠેકાણે ક્રૂરતાથી દાબી દેવાઇ, જ્યારે લિબિયામાં હજી રાજકીય સ્થિરતા આવી નથી. આથી ૨૦૧૨ પર નજર રહેશે.

- આખરે લાદેન હણાયો, એ પણ પાકિસ્તાનની ભૂમિ પર ૨૦૦૧ની ૧૧મી સપ્ટેમ્બરથી જે માણસ અમેરિકાને આંખના કણાની જેમ ખૂંચતો હતો, એ માણસને આખરે એક દાયકા પછી અમેરિકાએ પૂરો કરીને જ દમ લીધો. યસ્સ, ઓસામા બિન લાદેન. ૯/૧૧ના હુમલાઓનો મુખ્ય સૂત્રધાર અને ખોફનાક ત્રાસવાદી સંગઠન ‘અલ કાયદા’નો વડૉ. પાકિસ્તાનના એબટાબાદમાં ૨ મે, ૨૦૧૧ની રાત્રે અમેરિકાના નેવી સીલના કમાન્ડો હેલિકોપ્ટરમાંથી ઊતરી આવ્યા અને જે મકાનમાં લાદેન છુપાયો હતો, તેમાં ઘૂસીને તેને ઠાર માર્યો. જોકે અમેરિકાએ લાદેનની લાશને દરિયામાં જ ક્યાંક દફનાવી દીધી હોવાનું જાહેર કરીને તેના મૃતદેહની તસવીર પણ વિશ્વ સમક્ષ ન મૂકી. આ આખું ઓપરેશન જેરોનિમો ઓબામાએ લાઇવ નિહાળ્યું.

WhatNext? અમેરિકાએ જે કહ્યું તે કરી બતાવ્યું, પણ લાદેન પાકિસ્તાનમાં શું કરતો હતો એ જવાબ વિશ્વને મળ્યો નહીં. પાક. ત્રાસવાદની ફેકટરી છે એ વાત સાબિત થઇ. લાદેનના ખાત્મા બાદ અયમન અલ ઝવાહિરીને અલ કાયદાનો વડો બનાવાયો, પરંતુ લાદેનના ગયા પછી પણ આ સંગઠન પૂરેપૂરું નષ્ટ નથી થયું અને પોતાની આણ વર્તાવતું રહે છે.

- ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ : રુપર્ટ મર્ડોકની સૌથી મોટી હાર ૧૬૮ વર્ષનો ઈતિહાસ અને પંચોતેર લાખથી પણ વધુ વાચકોનો બહોળો પરિવાર ધરાવતું અખબાર રાતોરાત બંધ કરી દેવું પડે એવું કારણ કર્યું હોય? રુપર્ટ મર્ડોકની માલિકીના ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડે’ સનસનાટીભર્યા સમાચારો મેળવવાની લાયમાં ઇરાક-અફઘાનિસ્તાનમાં શહીદ થયેલા અમેરિકન સૈનિકો અને ત્રાસવાદનો ભોગ બનેલા લોકોના ફોન હેક કર્યા. આ કૌભાંડ બહાર આવ્યું અને પત્રકારત્વમાં ખળભળાટ મચી ગયો. મર્ડોક પિતા-પુત્રના કોર્ટમાં ધક્કા શરૂ થઇ ગયા અને અખબાર બંધ કરવું પડ્યું.

WhatNext? સ્ટોરી માટે ગમે તે હદ સુધી જતા પત્રકારો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. અખબારના દસ લોકોની ધરપકડ બાદ કેસ કોર્ટમાં છે અને કહેવાય છે કે મર્ડોક ‘ધ સન’ની રવિવારની આવૃત્તિ શરૂ કરશે.

- ૯/૧૧નાં દસ વર્ષ અમેરિકાને આતંકવાદનો આવો કડવો ઘૂંટડો ગળવો પડશે, એની તો ક્યાંથી ખબર હોય! ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના દિવસે અલ કાયદાના ત્રણ આતંકવાદીઓએ એક સામટાં ચાર પ્લેન હાઇજેક કર્યા, જેમાંનાં બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અને એક પેન્ટાગોન સાથે અથડાયું. જ્યારે એક પ્લેન પેસેન્જર્સની બહાદુરીને કારણે પેન્સિલ્વેનિયામાં તૂટી પડ્યું. હજારો લોકોનાં મોત અને અબજો ડોલરનું નુકસાન આ હુમલાને કારણે થયું. આતંકવાદીઓની પહોંચનો પણ ખ્યાલ આવ્યો.

WhatNext? આ હુમલાએ અફઘાનિસ્તાન અને ઇરાકની સૂરત બદલી નાખી. અમેરિકા અભૂતપૂર્વ સિકયોરિટીના જાળામાં પલટાયું. આ જાળું એક દાયકા પછીયે અભેધ્ય રહ્યું છે.

- ઇરાકમાંથી સૈન્ય વાપસી, વોલ્કેનિક એશ, થાઇલેન્ડનાં પૂરએક દાયકાના સંઘર્ષ અને સેંકડો સૈનિકોના ભોગ બાદ અમેરિકાએ આખરે ઇરાક યુદ્ધ સમાપ્તિની સત્તાવાર જાહેરાત કરી અને ઇરાકમાંથી સૈન્ય વાપસીનાં ભાવભીનાં દ્રશ્યો સર્જાયાં. આઇસલેન્ડમાં ગ્રીસવોન જવાળામુખી ફાટતાં તેની રાખે આ વર્ષે અંધાધૂંધી સર્જી અને હવાઇ વ્યવહાર ઠપ્પ થઇ ગયો. જ્યારે થાઇલેન્ડમાં આવેલા ભયંકર પૂરે સમગ્ર દેશને દિવસો સુધી જળબંબાકાર રાખ્યો.

- વિશ્વની વસ્તી સાત અબજને પાર આ વર્ષે વિશ્વની વસ્તીએ સાત અબજનો આંકડો પાર કર્યો. આપણે ત્યાં એવી જાહેરાત થઇ કે લખનૌના દાનૌર ગામમાં અજય અને વિનીતા નામે દંપતીને ત્યાં ૩૧ ઓક્ટોબરે સવારે જન્મેલી બાળકી નરગિસ વિશ્વનું સાત અબજમું બાળક છે. પરંતુ જેમ દિવસ આગળ વધતો ગયો એમ ફિલિપાઇન્સ, રશિયા સહિત વિશ્વનાં ઘણાં બધાં સ્થળોએથી વિશ્વનું સાત અબજમું બાળક જન્મ્યાના સમાચારો આવવા લાગ્યા.

WhatNext? સાત અબજમું બાળક કર્યું એ ચર્ચા આનંદને બદલે ચિંતાનો વિષય હતો. મર્યાદિત સ્ત્રોતો ધરાવતી આપણી પૃથ્વીમાં કુટુંબ નિયોજનનાં સાધનો વિકસવા છતાં વસ્તી વધી રહી છે તે મુદ્દે વિશદ ચર્ચા થવી જોઇએ.

- કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમનાં લગ્ન છેલ્લાં વર્ષોમાં બ્રિટનના રાજવી પરિવારમાં આ સૌથી આનંદનો અને ભવ્ય પ્રસંગ રહ્યો. પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાના સૌથી મોટા દીકરા પ્રિન્સ વિલિયમ અને તેની પ્રેમિકા કેટ મિડલટનનાં શાહી દબદબા સાથે લગ્ન લેવાયાં. આ પ્રસંગે સમગ્ર બ્રિટને લગ્ન માટે શણગાર સજયો હતો. વિશ્વભરનું મીડિયા પણ આ લગ્ન માટે ઘેલું બન્યું હતું.

WhatNext? ડાયેનાના અવસાન પછી સાદાઇથી પોતાની પ્રેમિકા કેમિલા પાર્કર સાથે પરણેલા પ્રિન્સ ચાર્લ્સનાં લગ્ન પછી બ્રિટિશ રાજઘરાણાનો આ સૌથી મોટો પ્રસંગ હતો. કેટને સૌએ ડાયેના સાથે સરખાવી. માર્કેટમાં એમનાં સુવેનિયરોનો રાફડો ફાટ્યો હતો. હવે ચાર્લ્સના નાના દીકરા હેરીનાં લગ્નની રાહ જોવાઇ રહી છે.

વિવાદી વ્યક્તિત્વ

- બર્લુસ્કોની રંગીલા સ્વભાવના અને છાશવારે કોઇ ને કોઇ વિવાદમાં ફસાતા રહેલા ઇટાલીના વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીને મોરોક્કોની એક અંડરએજ (૧૮ વર્ષથી નાની ઉંમરની) નાઇટક્લબ ડાન્સર સાથે પેઇડ સેક્સ માણવાના આરોપસર પોતાની ખુરશી છોડવી પડી અને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો. ઇટાલીમાં આ ગુનો ગંભીર ગણાય છે અને સરકારી કર્મચારી માટે તો તે પોતાની સત્તાનો દુરુપયોગ પણ લેખાય છે.

WhatNext? જો ગુનો સાબિત થશે તો બર્લુસ્કોનીને ૧૫ વર્ષની સજા થશે. બાકી આ મુદ્દે તેમનાં લગ્ન તો ભાંગ્યાં જ છે.

- જુલિયન અસાન્જ

જ્યારે ‘વિકિલિકસ’ના બેનર હેઠળ જુલિયન અસાન્જ નામના મૂળ ઓસ્ટ્રેલિયન પત્રકારે ખુફિયા દસ્તાવેજો પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કરવાના શરૂ કર્યા, ત્યારે અમેરિકા સહિત ઘણા બધા દેશોમાં ખળભળાટ મચી ગયો. વિવિધ સરકારોની અલમારીઓમાં ખખડતાં હાડપિંજરો આ માણસ બહાર લાવવા માંડ્યો. એને રોકવા માટે એની સાઇટો હેક થઇ, પરંતુ એ ફરી ફરીને ‘કેબલ્સ’ લીક કરતો રહ્યો. ત્યાર પછી એના પર બે સ્ત્રીઓ સાથે બળાત્કારનો આરોપ લાગ્યો.

WhatNext? અસાન્જ સ્વીડન સામે પ્રત્યર્પણનો કેસ હારી ગયો છે અને તેની સામે સુપ્રીમમાં અપીલ થઇ છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.