Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Magazines >> Sunday Bhaskar
 

બે વિનોદ કથા પ્રામાણિક ચોરની કથા...

 
Source: Indam Trutiyam, Vinod Bhatt   |   Last Updated 1:25 AM [IST](28/08/2010)
 
 
 
 
 
એક સાડીની કિંમત ૩૫ ગઝલ, ૯૭ હાઇકુ, ૨૮૭ મુક્તકો અને ૧૨૯ અછાંદસ કાવ્યો જેટલી થાય છે. આમાંનું મેં અડધું-પડધું તો જાણે લખી કાઢ્યું છે. બાકીનું લખાઇ જાય એટલે નવી સાડી આવી જશે.

અને તે પ્રધાન પોતાને રાજા વિક્રમનો અવતાર માની, કોઇ એક મોડી રાતે અંધેરપીછોડો ઓઢીને નગર જોવા નીકળી પડ્યા. એક પોલીસચોકીમાં તેમણે નજર કરી તો પોલીસો નિરાંતે ઘોરતા હતા. પોલીસ રાત્રે નહીં ઊંઘે તો ક્યારે ઊંઘશે? અને પોલીસ ઊંઘમાં તદ્દન નિરુપદ્રવી હોય છે એમ વિચારી, મનમાં હસીને, પોલીસોની નીંદરમાં ખલેલ પહોચાડ્યા વગર મંત્રીશ્રી આગળ વધી ગયા. અન્ય મંત્રીઓના મુકાબલે તે ઉદાર હતા.તે જરા આગળ વધ્યા તો તેમણે એક તસ્કર કહેતાં ચોરને જોયો. તે મંત્રી જેવા સહેજ પણ જણાતા નહોતા, પણ માણસ જેવા વધારે દેખાતા હતા, વળી તેમની પાસે લાલ લાઇટવાળી ઇમ્પોટેંડ મોટરકાર પણ અહીં ન હતી.

ચોર સામે જોઇને તેમણે નમ્ર અવાજે પૂછ્યું : ‘તું કોણ છે ને આટલી મોડી રાતે ક્યા દુ:ખને વિશે કરીને ભટકે છે?’ આ સાંભળી ચોર બોલ્યો : ‘હું એક સામાન્ય ચોર છું અને તને તો ભાઇ એ વાતની ખબર જ હશે કે આટલી મોડી રાતે સાધુ, અનિદ્રાનો રોગી તેમજ તસ્કરો જ જાગે છે. અને નિશાચરની પેઠે આ સમયે રખડતો તું પણ મારા જેવો એક એમેચ્યોર ચોર લાગે છે. મારી સાથે તું પણ ચાલ, જે માલ મળશે એમાં ફિફ્ટી ફિફ્ટી કરી લઇશું.’ આ સાંભળીને મંત્રી મનોમન હસી પડ્યા. તેમને આવા ફિફ્ટી-ફિફ્ટીમાં રસ ન હતો, તો પણ તે ગમ્મત અને કુતૂહલવશ તસ્કર જોડે ચાલવા માંડ્યા.’

ચોરે તેમને એક મકાન આગળ અટકાવીને કહ્યું : ‘તું બહાર ચોકી કર, કોઇ આવે તો સિસોટી વગાડીને મને ચેતવી દેજે...’ને ચોર એ મકાનમાં પ્રવેશ્યો. મંત્રીશ્રી ચોકી કરતા બહાર ઊભા રહ્યા. થોડીવારમાં ચોર પાછો ફર્યો. મંત્રીએ તેને પૂછ્યું : ‘કેમ બિરાદર, શું થયું?’ ‘અરે, જેમાં હું પેઠો તે એક કવિનું ઘર હતું.’ ‘મેં જિસે ઓઢતા બિછાતા હૂં, વો ગઝલ આપકો સૂનાતા હૂં...’ જેવો જ ઘાટ હતો. કવિ છાપાંની પસ્તી પર આડો પડ્યો હતો અને તેની ઘરવાળી સાડી માટે કકળાટ કરતી હતી.

કવિ તેને સમજાવતો હતો કે એક સાડીની કિંમત ૩૫ ગઝલ, ૯૭ હાઇકુ, ૨૮૭ મુક્તકો અને ૧૨૯ અછાંદસ કાવ્યો જેટલી થાય છે. આમાંનું મેં અડધું-પડધું તો જાણે લખી કાઢ્યું છે. બાકીનું લખાઇ જાય, એ બધું છપાઇ જાય ને તેનો પુરસ્કાર હાથમાં આવતાં જ તારી નવી સાડી ચપટી વગાડતામાં આવી જશે. આ ચાંદની કસમ, બસ...! હવે તું જ કહે કે આ બિચારાને ત્યાં ચોરી કરતાં કોનો જીવ ચાલે! આ પ્રામાણિક ચોર માટેનો મંત્રીનો આદર વધી ગયો.બંને આગળ વધ્યા. બીજા એક ઘરમાં તસ્કર ઘૂસ્યો ને મંત્રી બહાર તેની રાહ જોતો ઊભો રહ્યો. ત્યાંથી પણ તસ્કર ખાલી હાથે બહાર આવી ગયો.

‘શું થયું? આ ઘરમાંથી કશું ન મળ્યું?’ મંત્રીએ જાણવા માગ્યું. ‘ના, એવું નથી. એ ઘર તો યાર, ભર્યું ભર્યું હતું. સોનાની પાટો, ચાંદીનાં ગચ્યાં ને લાખો રૂપિયાની કડકડતી નોટો અને એવું ઘણું બધું હતું. એ એક સ્મગલરનું મકાન હતું. સ્મગલર એટલે દાણચોર અને આપણે સાદા ચોર... એ રીતે જોઇએ તો આપણો તે સહધર્મી ગણાય, જુદા ગોળનો પણ જ્ઞાતિબંધુ કહેવાય. એક ચોર બીજા ચોરને ત્યાં ચોરી કરે એ કેવું હીણું લાગે? એટલે એ ઘર મેં પડતું મૂક્યું.’અને ત્રીજા મકાનમાં ગયો એવો જે ચોર બહાર નીકળી ગયો. મંત્રીએ તેને પૂછ્યું : ‘વળી પાછું શું થયું?’ ‘ઘરનો માલિક જાગતો હતો.’

ચોરે કહ્યું. ‘એથી શું થઇ ગયું? એના મોંમાં ડૂચો મારી એને બાંધીને ચોરી કરી શકાય...’ ‘ગાંડા ભૈ, ચોર જેવા ચોર થઇને તને ચોરની આચારસંહિતાનીય ખબર નથી! જોકે એમાં તારો સહેજ પણ વાંક નથી. તું નવો સવો છે એટલે તને એની ખબર ક્યાંથી હોય...! જે ઘરનો માલિક જાગતો હોય એ ઘરમાં ચોરી કરવાની આપણા શાસ્ત્રે મનાઇ ફરમાવી છે...’ તસ્કરની આ ફિલસૂફી સાંભળી મંત્રી પ્રભાવિત થઇ ગયા. મનોમન મલકાતા વિચારતા હતા કે આવી જડબેસલાક આચારસંહિતા તો અમે મંત્રીઓ પણ પાળતા નથી.અને આગળ વધતા બંને જણાંએ મંત્રીના ખુદના જ બંગલા પાસે આવી ગયા.

મંત્રી આ મનોરંજક ર્દશ્ય રસપૂર્વક જોતા રાબેતા મુજબ બહાર પહેરો ભરતા ઊભા રહી ગયા, ને ચોર તેમના આવાસમાં પેઠો.ચોરને જોતાં જ મંત્રીના આલ્સેશિયન ડોગે પૂંછડી પટપટાવવા માંડી. આ જોઇને મંત્રીના પાળેલા પોપટે એ કૂતરાને ઠપકો આપતાં જણાવ્યું: ‘નમકહરામ!... આપણા શેઠનું ધન આ બદમાશ ચોરવા આવ્યો છે ને તું ભસીને તેને ભગાડવાને બદલે પૂંછડી પટપટાવી તેનું સ્વાગત કરતાં શરમાતો નથી? ધિકતામ્...’ જેના ઉત્તરમાં કૂત્તો હસીને બોલ્યો: ‘મૂરખ! આ સંપત્તિ ક્યાં આપણા શેઠની છે? આ ધન તો પ્રજાનું છે-આપણા શેઠ તો પરધાન છે, પરધાન પર જીવનાર પરધાનિયો છે, એટલે કોઇ પણ પ્રજાજન તે લેવા આવે તેમાં મારે શા માટે આડા આવવું?’ પશુ-પંખીઓની ભાષા જાણનાર ચોર આ સંવાદ સાંભળીને બહાર નીકળી ગયો ને પોતાના સાથીના ખભા પર હાથ મૂકતાં તેણે જણાવ્યું : ‘દોસ્ત, અહીં તો જાણે આપણા પોતાનાં ઘરમાં હાથ મારતાં હોઇએ એવું જ લાગ્યું એ કારણે જીવ ન ચાલ્યો ને બહાર નીકળી ગયો.

ચાલ, સવાર પડવા આવી, સૌ સૌના રસ્તે પડી જઇએ... આપણા નસીબમાં આજનો દિવસ કોરો હશે, બીજું શું!’ પછી ચોરે ચાલવા માંડ્યું. મંત્રીશ્રી તો તસ્કરની આ પ્રકારની ખાનદાનીથી અંજાઇ ગયા... વાર્તા તો જાણે અહીં પૂરી થાય છે. પણ હે વાચક! જો તું આ મંત્રીને સ્થાને હોય તો આ તસ્કરની કદર કઇ રીતે કરે?

શ્રેષ્ઠ શાસન

અને ટેવવશ ફરી એકવાર બેવકૂફ બનવા રાજા વિક્રમ મસાણમાં પ્રવેશ્યો. સિદ્ધવડ પરના મડાને કાંધે નાખી વિક્રમે ઉજેણી ભણી ચાલવા માંડ્યું ત્યારે મડું બની ગયેલ વૈતાળે આ વારતા શરૂ કરી :‘તે રાજાએ એક દિવસ પોતાના દરબારીઓને કુતૂહલથી પૂછ્યું : ‘મારું શાસન શ્રેષ્ઠ છે કે મારા પિતાનું શાસન શ્રેષ્ઠ હતું યા મારા દાદાનું શાસન અમારા બંને કરતાં ઉત્તમ હતું?’ રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તેના મંત્રીએ જણાવ્યું કે આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવા માટે એવી બુઝુર્ગ વ્યક્તિને દરબારમાં બોલાવવી જોઇએ જેણે ત્રણેય શાસકોનો શાસનકાળ જોયો હોય.

ત્યાર બાદ નગરના એ સૌથી વૃદ્ધ અને પ્રતિષ્ઠિત નાગરિકને રાજાના અનુચરો રાજદરબારમાં લઇ આવ્યા. તે વૃદ્ધે નમ્ર અવાજે રાજાને કહેવા માંડ્યું : ‘હે રાજશ્રી, મેં આપનો’ આપના પિતાશ્રીનો તેમજ દાદાશ્રીનો રાજ્ય વહીવટ નજીકથી જોયો છે એટલું જ નહીં, સક્રિયપણે અનુભવ્યો પણ છે. આપના દાદાશ્રીએ જ્યારે જાણ્યું કે હું એક મોટો સ્મગલર છું એટલે તેમણે તરત જ મને બોલાવી મંગાવી ભર્યા દરબારમાં સો ફટકા મરાવ્યા.

આટલી સજા જાણે ઓછી હોય તેમ એમણે મારી તેમજ મારાં સગાં-સ્નેહીઓની તમામ મિલકતો જપ્ત કરી દીધી. હું રસ્તે રઝળતો ભિખારી થઇ ગયો.’આપના દાદાશ્રીના પરલોક સિધાવ્યા પછી આપના પિતાશ્રીએ રાજ્યનું સુકાન સંભાળ્યું. મેં ફરી પાછી દાણચોરીની ખેપ શરૂ કરી દીધી.

પાંચ વરસના ટૂંકાગાળામાં જ મેં અઢળક ધન એકઠું કરી લીધું.એક દિવસ વહેલી સવારે દરબારમાંથી આપના પિતાશ્રીનું તેડું આવ્યું. આપના દાદાશ્રીએ કરેલી સજા યાદ આવતાં જ કમકમાં આવી ગયાં. ધ્રૂજતો ધ્રૂજતો હું આપના પિતાશ્રીની સમક્ષ ઊભો રહ્યો. તમામ દરબારીઓ તેમજ પોતાના અંગત મંત્રીને પણ બહાર રવાના કરી દઇ આપના બાપુએ મને ખાનગીમાં મુલાકાત આપી. તેમણે મને પ્રેમથી પાસે બેસાડી, બદામનું શરબત પીવડાવી, ખભા પર દોસ્તીદાવે હાથ મૂકીને જણાવ્યું : ‘દોસ્ત એક ખાસ કામ માટે મેં તને બોલાવ્યો છે...’ ‘ફરમાવો... ગદગદ થઇ જતાં મેં કહ્યું. ‘આ રાજ્યમાં હવે હું લોકશાહી-લોકશાહી’ નામની એક નવી રમત શરૂ કરી રહ્યો છું-જોકે લોકશાહી કઇ બલા છે એ તો હું પણ નથી જાણતો.

હા, એટલી ખબર છે કે લોકશાહીમાં પણ રાજા તો હું જ રહેવાનો અને તેમાં ચૂંટણી નામનું નાટક પણ ભજવવું પડે છે. આ ચૂંટણીઓ ધનિકોના પૈસે ને ગરીબોના મતોથી જિતાતી હોય છે એટલે...’ તેમને આગળ કશું બોલતાં અટકાવી મેં રૂપિયા બે કરોડ ચૂંટણી ફંડમાં આપી દીધા. આ વાતની જાણ થઇ એટલે મારો ધંધો પણ બેરોકટોક ધમધોકાર ચાલ્યો. ને આપના પિતાશ્રી એકાએક સ્વર્ગવાસી થઇ ગયા.’પછી આપ એ ખુરશીને ધન્ય કરવા તેના પર બિરાજમાન થઇ ગયા.

આપનાં દર્શન કરવા હું આવવાનો જ હતો. આ વર્ષે મને પદ્મવિભૂષણનો ખિતાબ આપવાની જાહેરાત કરી એ બદલ આપનો આભાર માનવા તેમજ એ ખિતાબ અંગેનો હિસાબ કરવા આવ્યો છું.’ વારતાને અહીં અટકાવતાં વૈતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણેય રાજાઓમાં શ્રેષ્ઠ શાસન કોનું કહેવાય? ‘વર્તમાન શાસકના શાસનને શ્રેષ્ઠ કહેવાય.’ વિક્રમે ઉત્તર આપ્યો ને મડું સરકી ગયું...

ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.