સવાલ: હું ‘કળશ’ પૂર્તિ રેગ્યુલર મેલબોર્ન,ઓસ્ટ્રેલિયામાં ઈન્ટરનેટ ઉપર વાંચું છું અને મેં મારી બેબીનું નામ પણ ‘કળશ’ રાખેલું છે, જે વીસ જ દિવસની છે. હું અહીં નર્સ તરીકે જોબ કરું છું અને મારાં પતિ પણ તેવી જ જોબ કરે છે. મેં મારો સ્ટડી પૂરો કર્યો, પરંતુ સાત વખત IELTSની એકઝામ આપી, છતાં મને તેમાં ૬.૫ બેન્ડ મળ્યા છે, તો મારે કયા વિઝા માટે એપ્લાય કરવું?- મોનિકા હિરેન પંડિત, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા
જવાબ : તમે જોબ કરતા હો તો તમારી પાસે તે માટેનો વેલીડ વિઝા હશે જ. તમે કયા વિઝા માગો છો તે સમજાતું નથી, કારણ તમે ઓસ્ટ્રેલિયાનું તમારું કર્યું સ્ટેટસ છે તે જણાવ્યું નથી. જો પૂરેપૂરી વિગતો તથા સ્ટેટસ જણાવો તો યોગ્ય માર્ગદર્શન આપી શકાય.
સવાલ: હું. બી.કોમ. છું અને મારા પતિ ૧૨મું પાસ છે. અમે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા ઉપર જઈએ તો એક માસમાં નોકરી મળે?- નિકી સોની, આણંદ
જવાબ : ના. નોકરી તમે ફકત ૨૦ કલાક વીકલી સ્ટુડન્ટ તરીકે ભણતા હો તો જ પાર્ટટાઈમ લિમિટેડ અવર્સ જ કામ કરી શકાય. જાવ ને તુરત જ આટલી જલદી જોબ મળે નહીં. નોકરીનો ઈરાદો ભૂલે ચૂકે પણ મનમાં રાખશો, તો સ્ટુડન્ટ વિઝા નહીં મળે.
સવાલ: હું કેનેડામાં પી.આર. ઉપર છું. મારા ભાઈ ગવર્નમેન્ટ જોબમાં ૧૫ વર્ષથી કલાસ વન અધિકારી છે. તેમને ફેમિલી સાથે મારે કેનેડા બને તેટલા જલદી બોલાવવા શું કરવું? ૨૦૦૭માં મારા ભાઈએ પી.આર. માટે એપ્લાય કરેલું છે. તેને હજુ સમય લાગે તેમ છે.- જયેશ પટેલ, ટોરન્ટો, કેનેડા
જવાબ : તમારા ભાઈને કદાચ કેનેડાના ફેમિલી સાથે વિઝિટર વિઝા મળવાની શક્યતા લાગતી હોઈ તે સિવાય જલદી કેનેડા બોલાવવા બીજો કોઈ રસ્તો નથી. વિઝા માટે એપ્લાય કરવા અને ફોર્મ ભરતી વખતે તેઓએ ખૂબ જ તકેદારી રાખવી પડશે કારણ કે પિટિશન પેન્ડિંગ છે.
સવાલ: હું આ કોલમનો નિયમિત વાચક છું. તેમ જ મારી લાઈફ માટે બરાબર ગાઈડ કરશો જ તે આશયથી પૂછું છું કે હું બીસીએ થયા પછી લિસ્બન (પોર્ટુગલ) એમએસસી કરવા જઈ શકું કે લંડન જઉં! મહેરબાની કરી અખબારમાં મારું નામ છપાવતા નહીં.- એક નિયમિત વાચક
જવાબ : આટલે બધે દૂર જવું તેના કરતા હવે તો સિંગાપોરમાં ગવર્નમેન્ટ કોલેજો તથા ફોરેનની યુનિવર્સિટીમાં ઘણા અભ્યાસો ઉપલબ્ધ છે તેમાં પ્રયત્ન કરો.
સવાલ: સ્પેનનો હું પરમેનન્ટ રેસિડેન્ટ છું અને મને અમેરિકાનો વિઝા સ્પેનના મેડ્રિડ સિટીમાંથી મળ્યો છે, તો હું ઇન્ડિયા આવીને ત્યાંથી જ અમેરિકા જઈ શકું અથવા મેડ્રિડ-સ્પેનથી અમેરિકા જઈ ઇન્ડિયા પાછો આવી શકું? મારી પત્ની અને થોડા દિવસો પહેલાં જન્મેલી પુત્રી છે, તેમને સ્પેનમાંથી વિઝા મળી શકે? તે પાંચ વર્ષની રેસિડેન્સી ઉપર છે.- વિપુલ પટેલ, મેડ્રિડ, સ્પેન
જવાબ : હા. તમારા બંને પ્રશ્નોના જવાબ ‘હા’ છે. તમે ઇન્ડિયાનો પાસપોર્ટ ધરાવતા હોઈ, કન્ટ્રીમાંથી આવી તથા જઈ શકો છો. તે જ રીતે તમે સ્પેનમાં વિઝા મળ્યો હોઈ તમારાં પત્ની તથા બેબીને પણ વિઝિટર વિઝા મળવો જોઈએ.
સવાલ: મારાં બેન-બનેવી ૧૯૮૪થી અમેરિકા રહે છે. બે વાર મારા બનેવીએ અમેરિકાના વિઝિટર વિઝા માટે ટ્રાય કરતાં રિજેક્ટ થયાં. હવે મળશે ખરા?- બિન્દુ દેસાઈ, સુરત
જવાબ : ના. જો લોયર મારફતે અમેરિકાના વિઝિટર વિઝા કાયદેસર મળતા હોય તો આજકાલ અમદાવાદ-મહેસાણા વગેરે જગ્યાએ રૂપિયા પાંત્રીસ લાખ ખર્ચી ગેરકાયદેસર રીતે અનેક વ્યક્તિઓ અમેરિકામાં વગર વિઝાએ જવાનો પ્રયાસ શા માટે કરતા હશે! વિઝા મારા લીધે, લોયરના લીધે, એજન્ટના લીધે કે અન્ય કોઈના લીધે નથી મળતા. તમારી જાત ઉપર જ મળે છે.
સવાલ: અમે પતિ-પત્ની ૬૦ પ્લસ ક્લબ કેનેડાના ટોરેન્ટો સિટીમાં કેનેડિયન સિટિઝનશિપ કાર્ડ ધરાવીએ છીએ. અમારે કેનેડિયન સિટિઝન પાસપોર્ટ કઢાવ્યા સિવાય ઇન્ડિયન પાસપોર્ટ ઉપર ઇન્ડિયા મુંબઈમાં આવી પાછા જવું છે. તે થઈ શકે?- કિરણ શેઠ, ટોરેન્ટો, કેનેડા
જવાબ : થઈ શકે, પરંતુ ઇન્ડિયન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની મેન્ટાલિટી પ્રમાણે તમને મુંબઈના એરપોર્ટ ઉપર પરેશાન કરે તેવી શક્યતા છે. તેના કરતાં કેનેડિયન પાસપોર્ટ મેળવી બિન્દાસ કાયદેસર રીતે મુંબઈના એરપોર્ટ લેન્ડ કરવું જોઈએ.
સવાલ: મારો ગ્રીનકાર્ડ હોલ્ડર દીકરો મારું બર્થડે સર્ટિ. અમેરિકા મંગાવે છે, પરંતુ તે મરાઠીમાં છે. જ્યારે મારું સ્કૂલ લીવિંગ અને પાસપોર્ટમાં મારું નામ મારું જન્મસ્થળ ખેડાના કોઈ નાના ગામનું દર્શાવેલું છે. હવે મહારાષ્ટ્રના કોઈ નાનાં ગામનું જન્મસ્થળ સાચું માનવું કે ખેડાનું? મારી પત્નીનું બર્થ સર્ટિફિકેટ મળી શકે તેમ નથી તો શું કરવું?- ડોક્ટર હિરેન્દ્ર શાહ, અમદાવાદ
જવાબ : તમારા બંનેના બે પ્રોબ્લેમનો ઉકેલ સરળ છે. તમારું જે જન્મસ્થળ સાચું હોય તે પ્રમાણે બધા જ ડોકયુમેન્ટ્સમાં સુધારો કરાવી શકાય. મરાઠીમાં બર્થ સર્ટિ. હોય તેને ઇંગ્લીશમાં ઓફિશિયલ ટ્રાન્સલેટર પાસે ટ્રાન્સલેટ કરાવી રજુ કરી શકાય. તમારાં પત્નીનું જન્મસ્થળ જ્યાંનું હોય તે જગ્યાની કચેરીમાં અરજી કરી જન્મની નોંધણીની ઉપલબ્ધ નથી તેવું સર્ટિ. મેળવી હું જણાવું તેવું એફિડેવિટ રજુ કરવાથી વાંધો નહીં આવે.
સવાલ: હું અમદાવાદમાં બહુ મોટો બિઝનેસ ધરાવું છું અને મેં એક સેમિનાર એટેન્ડ કર્યો, તેમાં અમેરિકાના ઈ.બી.-૫ કેટેગરીમાં અમેરિકામાં ૧૦ લાખ ડોલર અથવા અમુક સંજોગોમાં પાંચ લાખ ડોલર રોકવાથી ફેમિલીના બધા જ સભ્યોને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી જાય છે તેવું સાંભળેલું. તે સાચું છે?- એક વાચક, ફોન ઉપર
જવાબ : આ કેટેગરી છે, પરંતુ તમારા કુટુંબના દરેકેદરેક સભ્યને ગ્રીનકાર્ડ મળવું જરૂરી નથી. તેમજ જે ગ્રીનકાર્ડ આપશે તે માત્ર બે વર્ષનું જ કંડિશનલ ગ્રીનકાર્ડ મળશે. જો તમે તે દરમિયાન દસ અમેરિકન્સને નોકરી આપો નહીં, તો ગ્રીનકાર્ડ રિન્યુ થશે નહીં અને મોટી રકમ પાછી લેવામાં બહુ મુશ્કેલી પડશે. બીજું, હાલની અમેરિકાની પરિસ્થિતિ જોતાં આટલું મોટું ઈન્વેસ્ટમેન્ટ હમણાં થોડા વખત માટે મુલત્વી રાખી બીજાના કેસનો સ્ટડી કર્યા પછી, તેમજ ગ્રીનકાર્ડ શરતીના બદલે ૧૦ વર્ષ માટેનો સુધારો થાય પછી જ નક્કી કરજો.
(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)