સવાલ:અમારી એફ-૪ની પિટિશનની પ્રાયોરિટી ડેટ ૨૪-૧૧-૨૦૧૧ છે, જેની બધી જ વિધિ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં હજુ સુધી કોઈ પત્ર આવ્યા નથી, તો અમારી ફાઈલનું શું થયું હશે? ફાઈલ કેન્સલ તો નહીં થાય ને?-સારાહ ચાર્લ્સ ક્રિશ્વિયન, અમદાવાદ
જવાબ :ના. તમારી ફાઈલ ચાલુ છે, કેન્સલ થઈ નથી, પરંતુ ધીમી પડી છે, જે સ્થિતિ અનેકની છે. હજુ તમારે ૨૦૧૨ના અંત સુધી રાહ જોવી પડે પણ ખરી.
સવાલ:મેં અમેરિકામાં ઓવર સ્ટે સિવાય કોઈ ગુનો કર્યો નથી, તો શું હું અમેરિકામાં કાયમી થવાના આશયથી દેશી/વિદેશી સિટીઝન સાથે લગ્ન કરી શકું? મારા જેવા ગેરકાયદે રહીને ભારત પરત જાય છે ત્યારે એરપોર્ટ ઉપર ઘણા પ્રશ્નો ઊભા કરી લાખ્ખો રૂપિયા પડાવી જવા દે છે અને ના આપો તો કાયદેસરની કાર્યવાહી કરે છે. શું ભારતીય નાગરિક પોતાના જ દેશમાં પરત ન આવી શકે?-રમણભાઈ ધોળકિયા, સાઉથ એડિસન, ન્યૂ જર્સી, યુએસએ
જવાબ :તમે વિઝાની મર્યાદા ઓળંગી ઓવર સ્ટે કરવાથી તમે અમેરિકામાં કોઈ પણ જાતના લગિલ સ્ટેટસ વિના કાયદા વિરુદ્ધ વસવાટ કરો છો તેથી તમે જે લગ્ન માટે વિચાર્યું છે તે માટે તમારે ત્યાંના એક્સપર્ટ ઇમિગ્રેશન લોયર મારફતે જ કાયદેસર, જેન્યુઈન અને સાચેસાચાં લગ્ન અથૉત્ બનાવટી પેપર ઉપરનાં મેરેજ કે મેરેજ ફ્રોડ કર્યા સિવાય લગ્ન કરવા સંપર્ક કરવો જોઈએ. અણ્ણા હઝારેની જે લડત ચાલે છે, તે પ્રમાણે લાંચ આપનાર અને લેનાર બંને ગુનેગાર છે. તમારી સામે જે કાયદેસરની કાર્યવાહી થાય તેનો ખર્ચ લાંચની રકમ કરતાં ઘણી ઓછી થાય. કાયદેસર લડી લેવું, પરંતુ લાંચ આપવી જ નહીં.
સવાલ:હું ૨૫ વર્ષનો એન્જિનિયર છું અને ૨૦૦૭માં લંડન ગયો ત્યારે મેં HSMP માટે એપ્લાય કરતાં રિજેક્ટ થયેલું કારણ કે બધું જ બનાવટી અને બોગસ કોલેજનું એપ્રુવલ હતું. લંડનના લોયરની સલાહથી સ્ટુડન્ટ વિઝા માટે ફરીથી એપ્લાય કર્યું, પરંતુ મારા ફ્રોડ ડોકયુમેન્ટ્સના કારણે રિફ્યુઝ થતાં મને વોલન્ટરી તે દેશ છોડવાનો ઇમિગ્રેશને હુકમ કર્યો. હવે હું યુ.કે.ના પી.આર. ધરાવતી છોકરી સાથે લગ્ન કરું તો મને વિઝા મળી શકે?-જયદીપ પી. પટેલ, રાજકોટ
જવાબ :તમે ભણેલીગણેલી વ્યક્તિ હોવા છતાં આવા ફ્રોડ કરવાના કાર્યમાં શા માટે ભાગીદાર થાઓ છો? લંડન (યુકે)નો વિઝા એક વાર મળ્યા પછી તેની મર્યાદામાં પરત આવી સરકાર માન્ય કોલેજમાં જ એપ્લાય કરવું જોઈએ. તમને જે લોયરે સલાહ આપી તે સાથે હું સંમત નથી. એક વાર ફ્રોડ-બનાવટના કારણે વિઝા રિજેક્ટ થાય, પછી તમે તે જ વિઝા માટે એક હજાર વાર એપ્લાય કરો તો પણ રિફ્યુઝ જ થાય, કારણ તમે યુ.કે. ઇમિગ્રેશન સાથે છેતરિંપડી કરી. હવે વાત રહી લગ્નની, તેમાં પણ તમને ઇમિગ્રેશન તમારા ઈન્ટરવ્યૂ તથા ફાઈલિંગ વખતે ખૂબ જ હેરાનપરેશાન કરશે. તેથી ફાઈલિંગથી છેવટ સુધી તેની પૂરેપૂરી તૈયારી કરવી પડે. આ માટે બધાં જ પેપર્સ મને મોકલશો તો કોઈ ઉપાય બતાવી શકાય.
સવાલ:હું અમેરિકામાં છેલ્લા છ માસથી આવ્યો છું. મારી ઉંમર ૨૨ વર્ષની. યુવાન હોવા છતાં અને મને ગ્રીન કાર્ડ કાયદેસર મળ્યું હોવા છતાં મને અહીં અમેરિકામાં બિલકુલ ગમતું જ નથી. અહીં કોઈ લાઈફ નથી. હું જેલમાં રહેતો હોઉં તેવું લાગે છે. મેં ઈન્ટરનેટ ઉપર સર્ચ કર્યું તો ખબર પડી કે સેંકડો ઈન્ડિયન્સ અહીંથી ઈન્ડિયા કાયમ માટે રહેવા પાછા જઈ રહ્યા છે. મારે અહીં સિટીઝન થવું હોય તો કેટલો સમય લાગે?-એક નિયમિત વાચક, અમેરિકા
જવાબ :તમે માત્ર છ માસમાં જ અમેરિકામાં કંટાળી ગયા છો તો અમેરિકન સિટીઝન થવા માટે કાયદા પ્રમાણે પાંચ વર્ષ લાગે. તેટલાં વર્ષો કેવી રીતે રહી શકશો? તમે એફ-૪ની પિટિશન દ્વારા તમારાં માતાપિતા વગેરે સાથે આવ્યા હશો, તેથી તેમની સાથે સમય વધુ પસાર કરો. તેમ જ તમને ઈન્ડિયાની મજામસ્તી તથા ઘર છોડવાથી હોમસિકનેસ આવી હોઇ શકે છે. ધીરે ધીરે ટેવાઈ જવાશે. એક વાર સિટીઝન થઈ જાવ, પછી ઓ.સી.આઈ. લેવાથી ઈન્ડિયામાં લાઈફ ટાઈમ રહેવાશે.
સવાલ:હું ત્રણ વર્ષનો અનુભવ ધરાવતો MCA, BCA સોફ્ટવેર ડેવલપર છું. કેનેડાના પી.આર.માટે હું ઘણા બધા એજન્ટને મળ્યો તે બધા મોટી મોટી ફી માગે છે અને તદ્દન જુદી જુદી વિરોધાસી ઓફર આપે છે. મારે શું કરવું?-ધવલ સુથાર, અમદાવાદ
જવાબ :તમે સોફ્ટવેરના એક્સપર્ટ હોવા છતાં જાતે જ ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવાના બદલે એજન્ટ દ્વારા કામ કરાવવા જાવ તો આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય. તમે જો ફ્રેંચ ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકો તો તમારા માટે કયુબેકમાં ચાન્સ છે. જાતે જ કામ કરો.
સવાલ:હું ૭૫ વર્ષનો ગ્રીનકાર્ડ હોલ્ડર સિનિયર સિટીઝન છું અને ભારત પરત આવ્યા પછી અસ્થમાના ગંભીર પ્રોબ્લેમના કારણે ૨૪ કલાક એક્સટર્નલ ઓક્સિજન ઉપર હોવાથી એક વર્ષની અંદર અમેરિકા પરત જઈ શક્યો નથી, તો મારું ગ્રીન કાર્ડ ચાલુ રહે?-નવીન એમ. પટેલ, સાન્તાક્રુઝ વેસ્ટ, મુંબઈ
જવાબ :હા. તમારા કેસમાં એક પ્રકારની અલાયદી પિટિશન ખાસ પ્રકારની પરિસ્થિતિ તથા સંજોગો અને તમારી માંદગીના કારણે તેમ જ અમુક કન્ડશિન્સ બિયોન્ડ યોર કંન્ટ્રોલ વગેરેનું લગિલ ડ્રાફ્ટિંગ કરી ફાઈલિંગ કરવાથી તમે અમેરિકા જઈ શકો તેવી મને શક્યતા દેખાય છે.
સવાલ:હું સિંગાપોરમાં ‘મેઈડ’ તરીકે કામ કરતો હતો. મારી ઉંમર ૪૬ વર્ષ છે અને હાલમાં મેં સિંગાપોરની એજન્સી સાથે ટાઈઅપ કરી અહીંથી જ લેડીઝને સિંગાપોર મેઈડ તરીકે કામ કરવા મોકલું છું. મારે સિંગાપોરનો બિઝનેસ વિઝા લઈ ત્યાં સેટલ થવું છે. મારો ૨૩ વર્ષનો દીકરો સિંગાપોરની આર્મીમાં જોડાવા માગે છે. બીજો દીકરો એમ.બી.એ. કરવા ત્યાં જવા માગે છે. મારે કોઈ કન્સલ્ટન્ટની મદદ લેવી નથી કારણ હું આ કોલમ નિયમિત વાંચું છું.- બાદલ ત્રિવેદી, અમદાવાદ
જવાબ :તમે લાંબો સમય સિંગાપોરમાં રહ્યા ત્યારે ત્યાંના આ કામના નિષ્ણાત લોયર મારફતે આ કામ થઈ શકત. બિઝનેસ વિઝા દ્વારા કાયમ સેટલ થવાય નહીં. તમારી એજન્સી દ્વારા તમને સિંગાપોરમાં જોબ મળે તો અથવા સેટલમેન્ટ વિઝા મળતો હોય તો જાતે જ એપ્લાય કરી શકાય. તે દેશના સિટીઝન હોવું જરૂરી છે.